‘સાસુ અને વહુ : સ્નેહનો સંબંધ…’ દરેક ઠપકાની પાછળ કોઈને કોઈ કારણ હોય છે…

“જુઓ, બેટા અનિતા…” આમ તો આપણે ખાધેપીધે વાંધો નથી. ઘરનું બે માળનું બબ્બે રૂમ રસોડા-સંડાસ-બાથરૂમવાળું મકાન છે. મારે મહિને આઠ હજારનું પેન્શન આવે છે. જિજ્ઞેશને અઢાર-વીસ હજારનો પગાર છે. કાયમી નોકરી છે. એટલે ઉપરવાળાની દયા છે પણ જે પરિસ્થિતિ મેં જોઇ છે. અને જે સંજોગો માંથી હું પસાર થઇ છું એની વાત કરવા બેસું તો સમય ટૂંકો પડે. બહું વેઠ્યું છે અને સાસરીયાંનો ત્રાસ પણ ખૂબ ભોગવ્યો છે. તમારા સસરા ગુજરી ગયા ત્યારે જિજ્ઞેશ સવા વર્ષનો હતો.

સાસરીયાએ ઘરનો ભંડકિયા જેવો ખૂણો કાઢી આપ્યો. એ જમાનામાં રોજનો ત્રણથી ચાર હજારનો દુકાનનો વકરો અને તમારા સસરાંએ કંઇ ઓછું લોહી નહોતું રેડ્યું. ધંધો બનાવવામાં પણ કહેવાય છે ને કે, દરદ મટ્યું ને વૈધ વેરી. હું તો એમને શું કામમાં આવવાની હતી. ? પાંચ દે’ર માંથી એક વાસુદેવભાઇનાં લગ્ન થયેલા પછી ધીમે ધીમે બીજી દેરાણીઓય આવતી ગઇ. પણ મારા નસીબે તો સહુનાં એંઠા ઠોબરા જ ઊટકવાનાં આવ્યાં હતાં.

મહિને ચારસો રૂપિયાની ખાધા-ખોરાકી, પન આ જિગલાનું મોઢું જોઉ ને જીવ બળે. એમાં તમારા સસરાના ભાઇબંધ કાંતિભાઇ મને મળી ગયા. કહે કે, ‘ભાભી, ભવિષ્ય પંચાયતમાં સીવણ શિક્ષિકાની જગ્યા ખાલી પડે એમ છે. જો તમે સીવણ ડિપ્લોમાં કરી નાખો તો એ જગ્યા ઉપર તમને ભરતી કરી શકું.’ મેં બે દિવસ વિચારમાં કાઢ્યા. મારી સાસુને વાત કરી. એમણે તો ઊધડો જ લઇ લીધો. ‘તમને શરમ નથી આવતી ? જુવાનજોધ છો હજી અને અમદાવાદ હાલી નીકળવાનું કહે છો ? આ તમારો છોકરો કોણ સાચવશે ?’

એટલું બોલીને અનસૂયાબેન પોતાની નવનવેલી પુત્રવધૂ સામે તાકી રહ્યાં અને અટકી ગયાં. અનિતા તેની સામું જ તાકીને બેઠી હતી. અનસૂયાબહેને આંખના ખૂણા લૂછ્યા અને કહ્યું, ‘મારો છોકરો?’ મારી એકલીનો…! શું એ મારી એકલીનો જ હતો ? એના દીકરાનો અંશ-વંશ નહોતો ?’
હું એક ક્ષણ મારી સાસુ સામે જોઇ રહી અને આ જ સવાલ તેમને પૂછ્યો. તો એ તો સીધાં ઊપડ્યાં મારા સસરા પાસે અને કહે હજી મારનારો ગયો એને કાંઇ જુગ નથી વીતી ગયો તે મોટાં વહું કહે છે કે મારે ભણવા જવું છે !’ અને એ જ વખતે મારા સસરાએ કહી દીધું કે જાવ તો ભલે જાવ, પણ પછી પાછાં નહી ફરતાં. આ ઘરના દરવાજા હંમેશને માટે બંધ થયા સમજ્જો.’

તો આમેય ક્યાં ખુલ્લા હતા ? જિગલાને લઇને હાલી નીકળી, ટ્રંક લઇને પિયરમાં. પણ ત્યાંય ભાભીઓ બધી એવી જ… પણ ઇ વખતે મારા ફઇજી એક મારો ખભો થાબડવા ઊભાં હતાં. કહ્યું, ‘ગમે એમ થાય પણ ભણવાનું ન છોડતી. અમદાવાદ બે વરસ ભણી, જીગલો ઘડીમાં અહીં, ઘડીમાં, ત્યાં, ઘડીમાં ફઇજી પાસે, એમ રખડતો-ભટકતો રહ્યો. ભણીને આવી એ ભેગા કાંતિભાઇએ ભરતી બહાર પાડી અને નોકરી મળી ગઇ…’

વિચારીને અટક્યાં. ‘જોયું ? આમ છે બધું. તાણી તૂસીને કેમ ભેગું કર્યુ એ મારું મન જાણે છે. કોઇ પડખે આવ્યું નહોતું અને આજે ? ખેર જવા દો. બધાં સવારથનાં સગાં છે. હવે જાવ સૂવો…મારે લીધે તમેય થાક્યાં હશો.’ જવાબમાં અનિતા કહે, ‘ના…મમ્મી. હજી એ તો આવ્યા નથી અને હું તો પિયરમાં રોજ બાર વાગે જ સૂઉ.’ ‘અરે ! એટલું મોડું ? જવાબમાં અનિતા કહે, ‘હા સિરિયલો જોતી હોઉ.’ બીજે દિવસે સાંજે અનિતા કહે, ‘મમ્મી, મને માર્કેટ દેખાડો તો શાક લેતી આવું.’

જવાબમાં અનસૂયા કહે, ‘હજી નવાંનવાં છો. એમ બહાર ન જવું, રહી વાત શાકભાજીની, એ તો હું લઇ આવીશ.’ અનિતા સાસુ સામે તાકી રહી. બીજે દિવસે જિજ્ઞેશ અને એ બહારથી જમીને આવ્યાં ત્યારે શાક લેતાં આવ્યાં. થેલી માંથી ઢગલો કર્યો. રૂમમાં સૂવા જતી અનિતાને ઉદ્દેશીને અનસૂયાએ પૂછ્યું, ‘શાક કેટલાનું આવ્યું, વહુ બેટા ?’ ‘બસ્સો ત્રીસ રૂપિયા. મેં જ લીધું. એ તો હોન્ડા પર પગ ટેકવીને ઊભા હતા.’

આંકડો સાંભળીને અનસૂયાના ડોળા ફાટી ગયા જાણે. આટલું શાક અને એ પણ બસ્સો ત્રીસ રૂપિયાનું ? એણે કહ્યું, ‘વહુ, શાકમાં બહુ પૈસા દઇ દીધા તમે ! થોડું આગળ પાછળ ભાવ પૂછાય. ઘટતું કરાવાય. હું બસ્સેને ત્રીસમાં બે થેલા ભરતી આવું. મેં તેમને એટલે જ કહ્યું હતું કે તમે-‘ અનિતાનું મોં પડી ગયું. રાત્રે પડખે સૂતી વેળાએ જિજ્ઞેશનાં કાનમાં કહે,‘બધા કહેતા હતા એ ખોટું નથી. ચમડી તૂટે, પણ દમડી ન છૂટે. મમ્મી ખરાખરીનાં છે.’

જિજ્ઞેશ કહે, ‘વાતમાં મોણ નાખ્યા વગર જે હોય એ સ્પષ્ટ બોલ કે, પ્રોબ્લેમ શું છે ?’ જવાબમાં ભરપુર મોણ નાખીને અનિતાએ એક સાસુ વિરુધ્ધ વહુ જે રીતે કહે એ રીતે બધું જ કહ્યું. જિજ્ઞેશે એક જ વાકયમાં જવાબ આપ્યો, ‘મમ્મીની વાત સાચી છે, તને બાર્ગેનિંગ કરતાં ન આવડ્યું.’ અનિતાનું છટક્યું, ‘હા…હા… તમને તો તમારી મા જ સારી લાગે, બૈરી નહી.’

જિજ્ઞેશ મૌન રહ્યો એટલે વાત સમેટાઇ ગઇ, પણ પંદરે’ક દિવસ પછી શેરીમાં ઓછાડગાલીચાવાળો ફેરિયો આવ્યો. અનસૂયાબહેન આજે વળી તેમનાં નણંદને ત્યાં બેસવા ગયાં હતાં. સાંજે પાછાં આવ્યાં ત્યાં ટિપોય ઉપર બે ડબલ બેડના ઓછાડ, પિલો કવર અને લીવિંગ રૂમની બે સેટીઓના સિંગલ ઓછાડ કવરનાં જોટા પડ્યા હતા. અનસૂયાબહેને આવીને લાગલું જ પૂછ્યું, ‘ખરીદી કોણે કરી ?’ ‘મેં…’ કંઇક અભિમાનથી અનિતાએ કહ્યું, ‘બે જોટા સિંગલના એકસો સાઠ અને ડબલના દોઢસો હતા એટલે લઇ લીધા.’

અનસૂયાબહેને ઓછાડ ખોલીને જોયા અને પછી બોલ્યા, ‘સસ્તું આખરે મોંઘું પડે. તમને ખરીદી કરતાં નથી આવડતી.’ અને અનિતા છટકી, હા…હા…મમ્મી.. મને તો ક્યાં કાંઇ ખબર જ પડે છે ? તમને એ ખબર જ છે તો મને શું કામ લાવ્યાં ? બોલો…’ અનસૂયાબેન અનિતા સામે જોઇ રહ્યાં, પડખે બેઠેલા જિજ્ઞેશ સામે જોયું પછી હળવે’કથી બોલ્ય, ‘બેટા જે જગ્યાએ પાંચ વાપરવાના ફરજિયાત હોય ત્યાં તમે દસ વાપરો તો હું કંઇ નહી બોલું. પણ જે વસ્તુ ખરીદવામાં સામેવાળો છેતરી જાય, ત્યાં છેતરાઇને રેહવાનું ?’ પછી ત્રણેય ઓછાડ બતાવીને કહ્યું, ‘આ ત્રણેયમાં ખજૂરા છે એ તમે જોયા હતા ?’

પોતાની ભૂલ પકડાઇ ગઇ છતાં ઠાવકું મોં રાખીને અનિતા બોલી, તે સસ્તામાં તો એવું જ આવે ને ? નહીંતર આ જ ઓછાડ પાંચસોમાંય ન આવે.’
‘જરૂર હોય તો પાંચસોય ભાંગી નાખીએ પણ અત્યારે ક્યાં અમથી જરૂર હતી ? આ સિંગલ સેટીના તો બે જોડી ઓછાડ પડ્યા જ છે અને તમારી સેટી માટે તો તમે આણામાં બે જોડી લાવ્યાં જ છો પછી…’ જિજ્ઞેશે ચર્ચાને અહીં જ પતાવતાં કહ્યું, જવા દો ને, મમ્મી…લીધાં એ લીધાં હવે. લઇ લીધાં પછી શું ?’ ‘ન પહોંચાય મમ્મીને…’ અનિતાએ પંચ માર્યો. ‘આપણે ગમે એટલું જતું કરીએ તોપણ…’ બરાબર એ જ વખતે પિયરથી ફોન આવ્યો. અનિતા રૂમમાં ચાલી ગઇ. અનસૂયાબહેન તાકી રહ્યાં. બહાર નીકળી ત્યારે અનિતાની આંખો રડેલી હોય એમ ભીની હતી.

થોડા દિવસો પસાર થયા. એ દરમિયાન એક કપલ ટૂરનું આયોજન ‘પરાગ ટ્રાવેલ્સ’ માંથી થયું. જિજ્ઞેશે અનિતાને આ બાબતે બે દિવસ પહેલાં વાત કરી હતી પણ અનિતાએ ચેતવણી આપી હતી કે, ‘મમ્મી હા નહીં પાડે.’ જવાબમાં જિજ્ઞેશે કહ્યું, ‘આ આક્ષેપ જૂઠો છે. મમ્મી ના નહીં જ પાડે.’ જિજ્ઞેશ અને અનિતા ટિકિટ લઇને સાંજે આવ્યાં ત્યારે અનસૂયાબહેને સેટી પર લાંબા થઇને ગંભીર ચહેરે સૂતાં હતા. ‘મમ્મી…શું થયું ?’ જિજ્ઞેશે પૂછ્યું. અનસૂયાબહેને કહ્યું, ‘બેટા, ચોકડીમાંથી વાસણનું સ્ટેન્ડ લઇને ઊભાં થવા ગઇ તો કમરમાં આંચકો લાગી ગયો છે. તું મને દવાખાને લઇ જા. હું ઊભી જ નથી થઇ શકતી.’

અનિતાએ જિજ્ઞેશને ઠોંસો માર્યો. જિજ્ઞેશ અનિતાની આંખોમાં તાકી રહ્યો.જાણે એ કહેતી હતી : ‘હું તમને નહોતી કહેતી કે ડોશી એમ છોડે એમ નથી પાક્કી છે બહુ…’ જિજ્ઞેશે આંખ ચોરી લીધી, બોલ્યો, ‘ચાલ મમ્મી, દવાખાને…’ ‘ના…ના… અત્યારે નહીં, સવારે જાશું. તું આરામ કર…મને હમણાં સારું થઇ જશે.’ અનિતા બોલી ઊઠી, ‘પણ મમ્મી, કાલ બપોરે તો અમારે કપલ ટૂરમાં નીકળવાનું છે. સવારે તો ટાઇમ પણ નહીં મળે.’

અનસૂયા સમજી ગઇ. એણે તરત જ જિજ્ઞેશને કહ્યું, ‘તો પછી ચાલ, મને અત્યારે જ લઇ જા. સવાર સુધીમાં હું સાજી થઇ જાઉ.’ જિજ્ઞેશ એને ડો. પટેલ પાસે લઇ ગયો. ડોકટરે તપાસ કરી કહ્યું, ‘સાયટિકા, નસ ખેંચાઇ ગઇ છે. દવાથી રાહત થશે, પણ આરામ તો કરવો પડશે.’ જિજ્ઞેશ મૂંઝાઇ ગયો. તેના ખભે હાથ ફેરવીને અનસૂયા બોલી, ‘તું મારી ચિંતા કર મા. હું કાલ સવારે તો ઘોડા વાળતી થઇ જઇશ. તમતમારે નીકળજો.’

રાત આખી જિજ્ઞેશ સૂઇ ન શક્યો. અનિતા તો ફરવા નીકળવાનાં સપનાં જોવા લાગી હતી. જિજ્ઞેશને થયું. પોતે માને અન્યાય તો નથી કરતો ને? એક બાજુ પત્ની, બીજી બાજુ મા ! તે ભીંસાતો જતો હતો. બીજા દિવસે બંને ઊઠયાં ત્યારે ત્રણ-ચાર દિવસ ચાલે એટલાં થેપલાં અને સુખડી તૈયાર કરી રાખ્યા હતા. ‘અરે, મમ્મી…તારી કમર દુ:ખે છે ને તું ? ‘મને સારું જ છે.’ અનસૂયા એટલું કહીને સૂઇ ગઇ.

અનિતાએ આંખનો ઇશારો કર્યો : ચાલો હવે તૈયાર થવા માંડો. સમય ઓછો છે. અઠવાડિયા પછી બંને પાછાં આવ્યાં ત્યારે અનસૂયાબહેન સાવ પથારીવશ થઇ ગયાં હતાં. પડખેવાળાં બે ટાઇમ રસોઇ કરી જતાં હતાં. જિજ્ઞેશ કરુણતાથી કહેતો હતો, ‘અરે, પણ ફોનમાં તો તેં વાતેય ન કરી ! સાવ આમ-‘ ‘જરૂર નહોતી. પાડોશી બધું કરી જતાં હતા એટલે તમને લોકોને હેરાન કરવાનો કોઇ અર્થ નહોતો. આમ પણ નવાંનવાં લગ્ન છે તમારાં. તને નહીં પણ વહુને શોખ હોયને ફરવાનો..’

પણ આ શબ્દે જ અનિતા વિફરી, ‘હા…હા..વાંક તો વહુનો જ આવે. સાસુનો થોડો આવે ?’ જિજ્ઞેશ ગુસ્સે થઇ ગયો. તો અનિતા જિજ્ઞેશ સામે ઘાંટા પાડવા લાગી. જિજ્ઞેશે એક તમાચો લગાવી દીધો. અનિતા રૂમમાં ઘૂસી હીબકાં ભરી રહી. એ આખો દિવસ ઘરનું વાતાવરણ તંગ રહ્યું. મોડી સાંજે જિજ્ઞેશ ઘરે આવ્યો ત્યારે અનસૂયા નહોતી. ‘મમ્મી ક્યાં ગઇ ?’ તેણે અનિતાને પૂછયું.અનિતાએ ‘ઉપર’ નો ઇશારો કરતાં કહ્યું, ‘જેને ભવાડો જ કરવો છે એ તમે ગમે એટલું કરશો તોય નહીં માને ! સોસાયટી અને સગાંવહાલામાં એ મૂળ તો મને ભૂંડી જ ચીતરવા માગે છે.’

જિજ્ઞેશ ઉપર ગયો. અનસૂયા સૂતી હતી. એક રૂમમાં તેનો થોડો સામાન પડ્યો હતો. જિજ્ઞેશે એની પાસે બેસતાં કહ્યું, ‘મા, તું નીચે ચાલ. તું આમ જુદી રહે એ મને ગમે ?’ જવાબમાં અનસૂયા બોલી, ‘રહેવા દે, દીકરા. હું ત્યાં કરતાં અહીં બરોબર છું. જિંદગી સુખચેનથી જીવવા મળે તો સારું લાગે છે અને હું અહીં ઉપરના માળે સુખી છું. તું જા…’

જિજ્ઞેશ ભાંગલા પગે નીચે ઊતર્યો. થોડી વાર પછી પડખેવાળાં સુમનબેન અને તેમની પુત્રવધૂ થાળી આપવા આવ્યાં. થોડી વાર પછી જિજ્ઞેશ ઉપર ગયો તો સુમનબેનની પુત્રવધૂ અનસૂયાના પગ દાબી રહી હતી. જિજ્ઞેશ નીચી મૂંડી કરીને પાછો ફર્યો. મોડેથી તેણે અનિતાને કહ્યું, ‘જાને, બાને કર્ટસી ખાતર પૂછતો ખરી… અને હા, એમના પગ દુખે છે.’ ‘તો મેં એમના પગ દબાવવા માટે લગ્ન નથી કર્યા તમારી સાથે…’ અને એ બેડરૂમમાં ચાલી ગઇ.

*****
બપોરે અઢી વાગ્યે સુમનબહેનને ત્યાં ફોન આવ્યો અને પોતાનાં તમામ દુ:ખ, દર્દ, પીડા ભૂલી જઇને અનસૂયાબહેન દવાખાને દોડી ગયાં ત્યારે અનિતાનું ઓપરેશન કરવાનો નિર્ણય લેવાઇ ચૂકયો હતો. થાપાનું હાડકું ભાંગી ગયું હતું. અનસૂયાબહેને અનિતાના માથે વાત્સલ્યથી હાથ ફેરવતાં કહ્યું, ‘હું આવડી મોટી બેઠી છું ને તારી મા, તું જરા પણ ચિંતા નહીં કરતી. બધાં જ સારાવાનાં થઇ જશે.’ અને પછી અનિતાની નજર સામે જ કોરી ચેકબુક જિજ્ઞેશને આપતાં કહ્યું, ‘અઢી લાખ પડ્યા છે મારી પાસે. જેટલી રકમ જોઇતી હોય એટલી લખી નાખ એટલે હું સહી કરી દઉ.’

*****
પૂરા અઢી મહિના એક સગી દીકરીની જેમ અનસૂયા અનિતાની સેવા શુશ્રુષા કરતી રહી. એમાં નવડાવવું, ધોવડાવવું થી માંડીને ખાંટલામાં જ શૌચક્રિયા કરાવી સાફ કરી દઇને, પોતાના જ હાથે પોતાની પુત્રવધૂને કોળિયા દઇ-દઇને જમાડવાની તમામ પ્રક્રિયા આવી જતી હતી. અનિતા જાતને કોસતી રહી. અઢી મહિને જયારે એણે ધરતી ઉપર પ્રથમ વાર મૂક્યો ત્યારે પહેલું કામ, એણે દાદરો ચડવાનું કર્યુ. અનસૂયાબહેન પ્રાઇમસ ઉપર ચા બનાવતાં હતાં.

અનિતા એમનાં ખોળામાં માથું મૂકીને રડી પડી, ‘મમ્મી, મારી ભૂલ થઇ ગઇ. મેં મા-દીકરાને જુદાં કરવાનું ભયંકર પાપ કર્યુ. હું નગુણી. તમે બાજી હારીને પણ જીતી ગયાં…અને હું જીતીને પણ હારી. તમે નીચે પાછાં આવો. તમારે તમારી સાથે નહીં પણ મારે તમારી સાથે રહેવું છે. તમે જે કર્યુ એ મારી સગી મા પણ ન કરી શકે…’

પુત્રવધૂને પોતાના આલિંગનમાં લઇ લેતાં અનસૂયાએ કહ્યું, ‘મેં ક્યારેય તને મારી વહુ માની જ નથી, દીકરી જ માની છે. મારે તને જે કહેવાનું હતું એ કહેલું, ભલે તને એ વખતે મારાં વેણ કડવાં લાગેલાં. પણ તારી જિંદગી કડવી કરી નાખવાનો મારો કોઇ ઇરાદો નહોતો. આખરે તો કડવાં જ મીઠાં બનતા હોય છે ને ? સાસુ-વહુના સંબંધોનું આ જ તો સત્ય છે !’

લેખક : યોગેશ પંડ્યા

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ