સસ્તું મેળવવાની માનસિકતા – તમારું શું માનવું છે આ વિષય માં ?

થોડા દિવસો પહેલાંની આ વાત છે. હું મારા મિત્ર નીરવનાં ઘરે તેને મળવા માટે ગયો હતો. નીરવ રાજકોટ હોસ્ટેલમાં રહી ત્યાં કોમ્પ્યુટર ઍન્જિનયરિંગનો અભ્યાસ કરતો હોવાથી અમે બન્ને મિત્રો લગભગ ત્રણેક મહિના બાદ મળ્યા હતાં, તેથી તેનાં ઘરની બહાર ઓટલા પર બેઠા બેઠા જૂની વાતો યાદ કરતા હતા અને હાલમાં કોલેજમાં ભણવાનું કેવું ચાલી રહ્યુ છે, ત્યાં હોસ્ટેલમાં રહેવાની અને જમવાની સગવડ કેવી છે, ફૂરસદના સમયમાં રાજકોટમાં રખડવાની કેવીક મજા આવે છે વગેરે વાતો ચાલતી હતી.

તેવામાં એક પાંસઠેક વર્ષના લોખંડનાં ઓજારો વેચવાવાળા વૃદ્ધ જેને આપણે ‘ગાદલિયા’ કહીયે છીએ, તેઓ શેરીમાં જોરથી બોલતાં બોલતાં નીકળે છે કે “લેવી લોખંડની તવી સાંણસી ચારણી ધમેલા! ” તેમનો અવાજ સાંભળીને બાજુના ઘરમાંથી એક બહેન બહાર નીકળે છે અને પૂછે છે ” કાકા સાણસી કેમ આપી? “વૃદ્ધ જવાબ આપે છે ” 80 રૂપિયા. ” પેલા બેન તો સીધા બોલ્યા “કાકા આટલી સાંણસીનાં કાંઈ 80 રૂપિયા હોય? કાંઈક વ્યાજબી ભાવ લગાવો. ”

વૃદ્ધ કાકા કહે ” ચાલો બેન 70 રૂપિયા આપજો બસ, બોણી કરવાનો ટાઈમ છે. વધારે રૂપિયા નહીં લઉ. સવારથી હજુ સુધી કાંઈ વેંચ્યું નથી. બહેન કહે ” આના 70 રૂપિયા કાંઇ નઇ આપુ, 40 રૂપિયામાં આપવી હોય તો આપો, નહી તો રહેવા દો ” એટલે વૃદ્ધ કહે છે ” બેન સાવ 40 રૂપિયામાં તો નો પોહાય. સારામાં સારા આવતાં લોખંડમાથી બનાવેલી છે. અમે મશીન પર કામ કરીને રૂપિયા નથી કમાતા મારી બેન, આતો અમે પોતે જાતે ભઠ્ઠા પર ગરમ કરીને બનાવેલી છે 40 વર્ષ સુધી કાંઈ ન થાય એની ગેરંટી. બજારમાં તમે કોઈ પણ દુકાને પૂછી આવો 40 રૂપિયામાં આપે તો હું તમને મફતમાં આપી દેવા તૈયાર છું બસ, ચાલો 50 રૂપિયા આપજો લઇ લો બસ. ”

એવામાં વળી પેલા બેનનો છોકરો બોલ્યો કે ” અરે 50 રૂપિયા આપી દેને મમ્મી, 10 રૂપિયા માટે કેવી મગજમારી માંડી છે. ” એટલે પેલા બહેન તેનાં દીકરાને કહે છે ” જા 50 રૂપિયા લઈ આવ ઘરમાં ફ્રિજ પર રાખેલા પાકીટમાં છે. ” છોકરો 50 રૂપિયા આપી સરસ મજાની લોખંડની સાણસી લે છે. ઘરમાં જતી વખતે છોકરાની મમ્મી અને છોકરાં વચ્ચે કાંઈક આવો વાર્તાલાપ થાય છે. હું અને નીરવ બહાર ઓટલા પર બેઠા બેઠા આ સમગ્ર ઘટના જોતાં હતાં અને દિકરા અને તેની મમ્મી વચ્ચે થતો વાર્તાલાપ સાંભળતા હતાં.

મમ્મી ગુસ્સામાં કહે છે કે ” તારે વચ્ચે ડોઢડાહ્યા થવાની શું જરૂર હતી?વચ્ચે બોલ્યા વગરનો રહીઇ જતો તો, તું બોલ્યો ન હોત તો 40 મા આપી દેત. રૂપિયા બહુ વધી નથી ગયા તેં દાતારી કરવા નીકળ્યો છે. ”

દિકરો ગૂસ્સામાં જવાબ આપે છે ” આ લોકો મજૂરી કરીને વસ્તુઓ બનાવે છે, સાચી મહેનતથી બનાવીને વેચે છે. તમે તેમની પાસે ભાવ ઓછાં કરાવો છો અને મોલમાં કે કોઈ શો-રૂમમાંથી વસ્તુ ખરીદી કરવા જાવ ત્યાં તો કોઈ દિવસ એક રૂપિયો ઓછો નથી કરાવ્યો. તમે જોયું નઈ કે પેલા કાકા એ કપડા કેવા મેલા ઘેલા અને જુના પહેર્યા હતાં અને તેમનાં શરીર પરથી જ દેખાતું તુ કે તેઓ મજૂરી કરીને કમાય છે. માત્ર 10 રૂપિયામાં તો શુ ફેર પડી જવાનો હતો? અને આ વાસ્તુ માટે તો હુ બોલીશ જ, ભલે રૂપિયા વધી ગયા હોય કે નહીં. મે સાચું જ કર્યું છે. ”

મમ્મી:હા ઠીક છે. ચાલ હવે ઘરમાં, શેરીમાં દરવાજા પર લપ માંડી છે તે!
હવે બન્ને ઘરનો દરવાજો બંધ કરીને ઘરમાં ચાલ્યા જાય છે.
એક નિશ્ચિત હદ સુધી ભાવ ઓછાં કરાવીએ તેં વ્યાજબી કહેવાય પરંતુ સાવ પાણીનાં ભાવે આપણે વસ્તુ ખરીદવા માંગ કરીએ તેં તો વ્યાજબી ન ગણાય ને?

કોઈ મોલમાં કે શો રૂમમાં વસ્તુ ખરીદી કરવા જઇએ ત્યારે તો આપણે એક રૂપિયો પણ ઓછો કરવા માટે મગજમારી નથી કરતા જે બિલ હોય એ પુરુ ચૂકવી દઈએ છીએ.તો પછી આ લોકો મહેનતનું કામ કરીને કમાય છે એમનિ પાસે શા માટે હદ થિ વધારે સસ્તા ભાવે વસ્તુ મેળવવાની આશા કરીએ છીએ. પાછા ઘરે આવીને કહીયે કે મોલમાં કે શો રૂમમા ને ત્યાં બધે તો સ્ટાન્ડર્ડ વસ્તુ મળે તો શું સામાન્ય દુકાનમાં કોઈ લારી પાર કે નાનકડી કેબિનમાં મહેનત કરીને ચીજ વસ્તુઓ વેંચતા વેપારી પાસે સ્ટાન્ડર્ડ ટકાઉ મજબૂત વસ્તુ નહીં મળતી હોય?? આ આપણી ખોટી મનમાં ઘર કરી ગયેલી માનસિકતા છે.

આ એક સત્ય ઘટના પર લખાયેલી અને મારી નજર સમક્ષ જોવેલી ઘટનાનું આલેખન અહિં આપની સમક્ષ કર્યું છે.

તમને આ સ્ટોરી કેવી લાગી તમારો અભિપ્રાય નીચે કમેન્ટ બોક્ષમાં જરૂર જણાવશો.

ધન્યવાદ

લેખક : ભાવિક.હરીશભાઈ.ચૌહાણ

ટીપ્પણી