તમારું પણ સાસરું છે ? – તો હમણા જ વાંચો – ખાલી 2 મિનિટ લાગશે

“નીતા..ઓ મહારાણી, જાગો હવે, સવાર થઇ. વહેલા ઉઠીને કામ પતાવાની તો ખબરજ નથી પડતી.” સવારે ૦૬:૩૦ વાગે નીતાને એની સાસુ કેશરબેન એ જગાડતાં કહ્યું. નીતા ફટાફટ ઉઠીને બાથરૂમમાં ગઈ. અડધા કલાકમાં તૈયાર થઈને રસોડામાં કામે લાગી ગઈ.

સસરાની ચાય, પતિનું ટીફીન અને સવારનો નાસ્તો. એ એનું રોજનું સવારનું કાર્યક્રમ હતું. સાથે સાથે કેશરબેનની નાની નાની વાતોમાં લાંબુ ભાષણ અને તીખી વાતો એના માટે ડેઈલી ડોઝનું કામ કરતી. કેશરબેન સ્વભાવે આખાબોલા હતાં. પોતે જેમ પોતાની સાસુ પાસે ઊભા પગે pageરહ્યા હતા, એ જ રીતે એ નીતાને પણ રાખતાં, નાની નાની વાતોમાં સંભળાવતાં, અને એ બાબત માટે ઘણી વખત પોતાની પડોશી બહેનપણીઓ સામે વટ પણ કરતાં.

નીતા ક્યારેય વળતો જવાબ ન આપતી. તેણે ‘સાસરું’ આને જ કહેવાય એમ માનીને બધું સ્વીકારી લીધું હતું. પણ એક વખત નીતાને ટાઈફોડ થયો. સતત પંદર દિવસ સુધી પથારીમાં રહેવાનું આવ્યું. એ દિવસોમાં તેને સાચું સાસરું દેખાયું. હંમેશા તીખી વાતો કરતા કેશરબેન પ્રેમથી એની પાસે બેસીને વાતો કરતા, તેની ચાકરી કરતાં, નીતા કોઈ કામ કરવાનું કહે તો મીઠો ઠપકો આપીને રોકી લેતાં. નીતાનાં હાથની જ ચા પીવાનું આગ્રહ કરતા સસરાજી જાતે ચા બનાવીને પીતાં અને ઘરનાં બાકીનાં કામોમાં કેશરબેનની ઈચ્છા વિરુદ્ધ એમની મદદ કરતા. એ પંદર દિવસમાં નીતાને ક્યારેય ન લાગ્યું એકે એ એનાં સાસરામાં છે. માવતર જેવું જ વાતાવરણ, પ્રેમ અને હુંફ મળ્યાં. નીતાને મનોમન થયું “શું આને જ સાસરું કહેવાય?” પોતે કરેલી ધારણા સાવ ખોટી પડતી લાગી. એ પોતાના મનને દોશી માનવા લાગી.

એકમહિનામાં નીતા એકદમ બરાબર થઇ ગઈ. દવાઓ પૂરી થઇ ગઈ અને એ પાછી સ્વસ્થ થઈને કામે લાગી. સવારે ૦૬:૩૦વાગે કેશરબેનની હાકલ થઇ. નીતા પાછી પોતાનાં કામે વળગી ગઈ. એ જ તીખી વાતો સાથે. એને થયું સાસરું આને જ કહેવાય, પણ સાથે ચહેરા ઉપર એક મુસ્કાન પણ આવી ગઈ. તેને થયું. “સાચી વાત છે સાસરું આને જ કહેવાય.”
* * * * *
કહેવાય છે કે સ્ત્રીજ સ્ત્રીની દુશ્મન હોય છે, અને ઘણા પ્રસંગોમાં સંબંધોમાં એ સાચું થતું પણ જોવા મળે છે. સાસરું એવી વસ્તુ છે, કે જેના વિષે બાળપણથીજ સ્ત્રીને નેગેટીવ વાતો શીખવાડવામાં સમજાવવામાં આવે છે. “સાસરે જઈશ ત્યારે આવું નહિ ચાલે, સાસુ સગી નહિ થાય” જેવા વચનો દરેક સ્ત્રીને બાળપણમાં સાંભળવા મળે છે, હા, વર્તમાન માં અમુક અપવાદો ને બાદ કરતા.

જોકે, ઘણી વખત એવું હકીકતમાં પણ થતું હોય છે. જમાઈ દીકરીને કામમાં મદદ કરે તો એ સારો પતિ છે પણ દિકરો કરે તો એ પત્નીનો કહ્યાગરો, જોરૂનો ગુલામ આદિ બની જાય છે. એક પતિ જો સાળી ને કંઈ ગીફ્ટ આપે કે એના માટે ખર્ચો કરે તો એ દરિયાદિલ, કેરીંગ જેવા નામોથી નવાજવામાં આવે છે, પણ એક ભાઈ જો બહેનને કંઈ આપે તો એ ભાભીની નજરમાં ખર્ચાળ બની જાય છે, અને કદાચ એ ન બને તો “મારા ઘરવાળાં માટે તો કંઈ કરતા જ નથી” જેવા વાક્યોનો સામનો કરવો પડે. જમાઈ વારંવાર દીકરીને લઈને ઘરે આવે તો એ ગમે, અજ્ઞા માને તો મીઠો, લાગે પણ દિકરો જો વહુને લઈને વારંવાર સાસરે જાય તો “દિકરોતો સસરા વાળાનો થઇ ગયો”ના મ્હેણાં સાંભળવાનો વારો આવે. દીકરી સાસરામાં મોડી ઉઠે છે અને સાસુ એને કામમાં મદદ કરે છે એ સાંભળીને આનંદ થાય પણ વહુ જો મોડું કરે તો કામચોર, આળસુ, જેવા કેટલાય નામોથી વધાવાઈ જાય.

આવું તો કેટલીયે વખત બનતું હશે, કે બન્યું હશે. પણ વર્તમાનમાં છબી બદલાતી નજર આવે છે. ઘણા સંબંધોમાં, વ્યવહારોમાં સામ્યતા જોવા મળે છે. એવા દરેક પરિવારો અભિનંદનને પાત્ર છે, જે માત્ર જમાઈને દિકરો નહિ પણ વહુને પણ દીકરી માને છે. બસ, જરૂર છે તો સ્ત્રીની રૂઢિગત માનસિકતા સુધારવાની, વિચારો બદલાવાની.

હવેથી દીકરીને સાસરું ખરાબ જ હશે એ સમજાવવાની જગ્યા એ ત્યાં પણ એક માતા-પિતા હશે, એક નાની કે મોટી બહેન હશે, દેર કે જેઠ જેવો ભાઈ હશે એ સમજાવતા થઇએ તો? આવનારી વહુને પારકી સમજવાને બદલે દીકરીની જેમ સ્વીકારીએ તો? અને તે વહુ પણ સાસુને કોઈ સીરીયલની વિલનના કેરેક્ટરની જગ્યા એ પોતાની માંના સ્વરૂપમાં સ્વીકારે તો? કદાચ, આવનારી પેઢીમાટે “સાસરું” શબ્દની વ્યાખ્યા જ બદલાઈ જશે.

લેખક : A J Maker

મિત્રો કેવી લાગી તમને આ વાર્તા જણાવશો, દરરોજ અવનવી વાર્તા અને જાણવા જેવું વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી