સંપેતરું – ભાગ 2 સસરાનું મોકલાવેલ સંપેતરું બલરામને સદી ગયું ને નસીબ આડેથી પાંદડું ખસી ગયું…

સંપેતરું ભાગ 1

સસરાને મદદરૂપ થવા બલરામે તેની સાળીને પોતાના ઘરે રાખી પણ લખણની પુરી નબુ બલરામના આયખામાં કાળી ટીલી છોડતી ગઈ હતી, ને હવે વળી પાછી છેલ્લા નંબરની સાળી કંચન આવવાની હતી. સસરા જેચન વાલજીએ કંચનને પોતાને ત્યાં રાખવાની વાત કરી તે વખતે તો બલરામને વાત ઘીના શિરાની જેમ ગળા હેઠળ ઉતરી ગઈ હતી, પણ જ્યારે વાસ્તવિકતા સામે આવી ત્યારે એનું મન ઢચુંપચૂં થઈ ગયું. બલરામની ઘરવાળી, જશી પણ અસમંજસમાં અટવાઈ ગઈ હતી. બલરામને લાગ્યું કે કંચનને નિભાવ્યા વગર છૂટકો ના હતો કારણ જો ધંધામાં ખોટ આવે તો સસરો જ વ્હારે આવવનો હતો.

ઘણા વરસ થયાં પણ જશીને પેટ કોઈ વસ્તાર હતો નહીં. એક વખત વાત નીકળેલી, ” કઉશું, આ ઓલ્યા જેઠા મનશુખે બીજું બૈરું કર્યું ને એ નવીને ઓધાન રહયાં એ જાણ્યું તમે ?” ” હ ! હો! જેઠાની ઘરવાળી ભૂતળો (ખાવાની કાળી માટી) વારંવાર લેવા આવતી, ત્યારેજ મને તો વહેમ હતો કે દાળમાં કાંઈક કાળું છે. પણ જેઠા મનસુખે કાલેજ સવાશેર સૂંઠ જોખાવી ત્યારે મને પાકી ખાતરી થઈ કે જેઠાની નવી બૈરી ભારે પગે છે. “

” તમારી ઉમરેય કાંઈ વધુ નથી, તમે પણ મારી સોક્ય લાવો તો ઠાકોરજી આપણને પણ જરૂર કોઈ વાસ નાખવા વાળો આપી દેશે.” જશી એક લાંબો નિશાસો નાખીને બોલી હતી.” લોકો કહે છે કે ચકલાં કબૂતરાં પણ વાંઝિયાના ઘરની ચણ ચણાતાં નથી.” શું એ સાચું હશે. ? ” જશીએ એને પ્રશ્ન કરેલો. બલરામને પણ ઊંડે ઊંડે આવો અભરખો ખરો, ‘ કે જો કોઈ જશીની સોક્ય તરીકે આવવા તૈયાર થાય તો ભવનું મેણું ભાગે.’ પણ આવી વાત ઉકેલે કોણ ? અને આ છેવાડાના ગામમાં સોક્ય પગલું પહેરીને કોણ આવવા તૈયાર થાય ? આવા પશ્ર્નો બેય માણસના મનમાં ક્યારેક ઉઠતા, કારણ શેર માટીની ખોટ હવે બેયને શાલતી હતી.

કંચનને વેકરિયે રાખવી તે જસીના બાપાને સાપનો ભારો સાચવવા જેવું લાગતું હતું. આથી નક્કી થયા મુજબ કંચન ભોરિંગળે આવી ગઈ. ધંધા કરતાં હવે આબરૂ સચવાય ને સૌની બાંધી મુઠ્ઠી રહે એ સત્ય હવે બલરામ અને જશીને સમજાવા લાગ્યું હતું. ધંધો ઓછો ચાલે તો વાંધો નહીં, પણ વારંવાર આબરૂની એકઆની ના થવી જોઈએ, એવી જશીએ મનમાં ગાંઠ વાળી લીધી.

દુધનો દાઝયો છાસ ફૂંકીને પીએ,આથી સમજી વિચારીને કંચનને રસોડાનું કામ સોંપાયું. જશી દુકાનના કામમાં મદદ કરવા લાગી. ભૂલેચુકેય કંચન દુકાનમાં ડોકાય નહીં તેની ખાસ તકેદારી રાખવામાં આવતી. નબુ કેટલાયને હાથતાળી આપી છટકી ગઈ હતી. જેથી ગામના જે છોકરાએનાં ઘોડિયામાં લગ્ન થઈ ગયાં હતાં તેવા છોકરા હવે આ નવા મહેમાન સામે બહુ સમય બગાડતા ના હતા.

તેમ છતાં કંચનની કાયાએ જુવાનીયામાં જાદૂતો કર્યો હતો. આગળ રૂપલીને પાછળ કંચન માથે પાણીની હેલ ઉપાડીને ભીરિંગળાની શેરીમાંથી નીકળે, ત્યારે એની ઠસ્સાદાર ચાલ અને વિના કારણ વારંવાર ચહેરા પર ધસી આવતી વાળની લટ પર કેટલાય યુવાનો નિશાસો નાખતા. ‘એ પાણીનો બીજો ફેરો કરવા ક્યારે નીકળે ને નશીલી ચાલની ઝલક જોવા મળે ‘ તેની રાહ જોવામાં યુવાનો શેરીના ઓટલાના પથરા ઘસી નાખતા.

રૂપલી, બલરામનું બહુ જૂનું ઘરાક. બલરામને એનાથી બહુ સારું બને. બંને વચ્ચે એકાંતમાં સારું ભલું હસી બોલી લેવાનો વહેવાર પહેલેથી હતો. બલરામને દાતણની જરૂર પડે તો, ઘરની પેઢી હોય તેમ સારાં સારાં દાતણ એ રૂપલીના શુંડલામાંથી સેરવી લેતો. સામે રૂપલી પણ દુકાનમાંથી ખાવો હોય તેટલો ભૂતળો (ખાવાની માટી), વિના મૂલ્યે ખાઈ લેતી. એવો એમને હાથ છૂટો વહેવાર. આવો ઘરોંબો કેળવેલો એ આજે લેખે લાગ્યો. બે ટાઈમ ખાવું પીવુંને લુઘડું પગરખું નક્કી કરી બલરામે તેને નોકરાણી તરીકે રાખી લીધી. આથી રૂપલી કંચનનો પડછાંયો બનીને તેની સાથે ને સાથે રહેવા લાગી. ગામ કૂવે, તળાવના આરે કે રાતના સમયે પાણી ઢોળવા જવાનું હોય, ત્યારે રૂપલી કંચનને ઘડીકેય રેઢી ના મૂકે.

ગામના વજેરામ ભાણજીનો ભોપલો, નબુને ભરમાવીને ભગાડી ગયો હતો. જોકે એ એમનાજ સમાજનો અને ગોળનો હતો , પણ, આવી રીતે ભાગી જઇને લગ્ન કરવાથી વાત બહુ વગોવાઈ ગઈ હતી, ને જસીના બાપા, જેચન વાલજીની આબરૂને ધક્કો પહોંચ્યો હતો. તેથી રૂપ રૂપનો અંબાર હોવા છતાં કંચનનું સગપણ થવામાં નબુનું વગર સમજ્યું પગલું આડું આવતું હતું. સારા સારા ઠેકાણે મોકલાવેલ કંચનના જન્માક્ષર પરત આવતા હતા, ને સામે કાંચનનું જોબનીયું વસંતની નવી નવી ફૂટતી કૂંપળોની જેમ ફાટ ફાટ થઈ રહ્યું હતું.

જશીની બા, જયકોરબેન એક વખત કંચનની ખબર કાઢવા ભોરિંગળે જશીનાં મહેમાન બનેલાં. જશી જયકોરબેનના માથામાં ધુપેલ નાખતી નાખતી તેમના વાળ ઓળી રહી હતી. ને કંચનના સગપણ બારામાં વાત નીકળી. ” હવે તો કાં….ઈ નાખી નજર નથી પહોંચતી , બેટા જશી આ કાંચનનું શુ થાશે ! ” જયકોર બહુ દુઃખી આવાજે બોલ્યાં.

” પણ બા, આપણી કંચન ! નાતમાં એક કરતાં એક ચડિયાતા મુરતિયા મળી રહે તેવી, સંઘાડા ઉતાર ને કોઈની નજર લાગી જાય તેવી દેખવડી છે.” “તારી વાત સોળ આના સાચી બેટા ! ” એ નિહાકો નાખતાં આગળ બોલ્યાં, ” પણ એ કરમ ભમરાળી નબુએ જે પગલું ભર્યું ને ઇ હવે આ કંચનના આડે આવે છે.”

” પણ કંચુની ઉંમર ક્યાં એટલી વધી ગઈ છે બા ?” તેલ ઘસતાં ઘસતાં અટકીને એ બોલી. ” તારા બાપુજી આખી નાતમાં…” આટલું બોલતાં બોલતાં તો જયકોરની આંખમાં અંશુનાં તોરણ બંધાઈ ગયાં. ” આખી નાતમાં ફરી આવ્યા. આ છોડીની ઉંમરનો કોઈ મુરતિયો સગપણ વગરનો બાકી વધ્યો નથી.” ” પણ બા !” જશીથી આટલુંજ બોલાયું.

” છે એક ઠેકાણું, પણ મૂરતીઓ બીજવર ને આપણી કંચુ કરતાં બમણી ઉંમરનો ! ને પાંચ છોકરાંનો બાપ, મારો તો જીવ કપાઈ જાય છે, પણ બીજો કોઈ મારગ મને કે તારા બાપુજીને સૂઝતો નથી.” જયકોર ઊંડો શ્વાસ લેતાં બોલ્યાં. ” બીજી બાજુ તારો ખોળો પ્રભુએ ખાલી રાખ્યો! અમારે તો હવે કેટકેટલું જોવાનું બાકી હશે ! હે ભગવાન! ” ઘરના બારણાની આડશમાં ઊભી ઊભી કંચન આ વાર્તાલાપ સાંભળી, હલબલી ઊઠી.

image source

** ** ** ** ** ** **
” એ સોયો…. લેવી… છે ? સોયો… કાંગસિયો..? ” માથે ટોપલો ને હાથમાં એક મોટો ડંગોરો લઈ ભસતાં કુતરાનો સામનો કરતી એક સ્ત્રી પોતાના અવાજના વિશિષ્ટ લહેકા સાથે ગામમાં ફરતી હતી. આ કાંગસીઓ વેચતી સ્ત્રીને જશીએ જોઈ. તે સ્ત્રી, કંગસિયો ને સોયોની આડસમાં બીજી કેટલીએ એવી વસ્તુઓ વેચતી કે જે ગામની યુવાન બેન-દીકરીઓ એને પોતાના ઘરે બોલાવી ખાનગીમાં ખરીદતી.

બસ, આ સોયો ને કાંગસીઓ વાળીનો વેપાર જોઈ જસીના મનમાં પણ એક આઈડિયાનું નિરૂપણ થયું. મનમાં ધોળાએલ આ નવો વેપાર ખેડી લેવાનું તેને અમલમાં મુકવાનું વિચાર્યું કે જેથી વેપાર પણ ચાલે ને ગામના યુવાન છોકરાઓની નજરથી કંચનને બચાવી શકાય.

જશી જાતે અવારનવાર બાજુના શહેરમાં જઇ ને લેડીઝ આઈટમ લાવવા લાગી. નવો વેપાર ચાલુ કર્યો. કેટલાય જાતના સાબુ, બોપટીઓ , નખ રંગવાની શીશીઓને, સ્ત્રીઓને અંદર પહેરવાનાં વસ્ત્રો, બંગળીઓને એવી કેટલીએ આઈટમોથી દુકાન ભરી દિધી. ધીમે ધીમે ગામ આખાની સ્ત્રીઓમાં નવી હવા ફૂંકાણી. ગ્રામ કન્યાઓના પોલકા આરપાર હવે પટ્ટીઓ દેખાવા લાગી. હેર રિમુવરને લાલી લિપસ્ટિકનો ઉપયોગ ગ્રામકન્યાઓમાં હવે એક ફેશન બનવા લાગ્યો.

બલરામ હવે જૂનો ધંધો ધીમે ધીમે સમેટવા લાગયો ને નવા ધંધામાં એનું કામ હતું નહીં. એ આખો દિવસ મનું સોનીની દુકાને બેઠો બેઠો વાતોના તડાકા મારતો થઈ ગયો. અઠવાડિયે ને દસ દિવસે જશી સવારે શહેર જઇને માલની ખરીદી કરી રાતની છેલ્લી બસમાં પરત આવે ત્યાં સુધી તો કંચન અને બલરામે વાળું-પાણી કરી લીધાં હોય ને ઢાંકોઢુબો પણ પતિ ગયો હોય

એક દિવસ સવારે એવું બન્યું કે કંચન ને ઉબકા આવવા લાગ્યા, ઊલટીઓ થવા લાગી. જશીને એમ કે , હોય એતો શરીર છે, સાજુ-માંદુ તો થાય ! પણ જેણે સાતેય ઘાટનું પાણી પીધેલું હતું એ રૂપલી ઊકળી ઊઠી.

” જશી શેઠાણી , તમે શું માનો છો ?” એ લાંબા લહેકે બોલી, ” નક્કી…. તમારી….તમારી…આ કંચનનો પગ કુંડાળામાં પડી ગયો છે. પુછોતો ખરાં કે કોણ છે એ કાળાં કામનો કરનારો?” ” શું વાત કરો છો તમે રૂપીબૂંન” જશી એની ખુશી દબાવી રાખીને જાણે મૂંઝવણમાં પડી ગઈ તે રીતે બોલી. એવામાં બલરામ બહારથી આવ્યો ને પરિસ્થિતિ પામી ગયો. એ જાણતો હતો, કે એકના એક દિવસ આ પરપોટો ફૂટવાનો છે.

” જશી,ખરું પૂછે તો આ માટે હું જવાબદાર છું. શેર માટીની ખોટ પુરી કરવા, તું સોક્યને પણ સહન કરી લેવા તૈયાર હતી….ને !” ” બસ કરો ” બલરામની વાતને અધ વચ્ચેથી કાપતાં કંચન બોલી, ” મોટીબેન, માફ કરજો આ ઘડીનું નિર્માણ કરવામાં હું જવાબદાર છું. બા-બાપુજી પોતાનો ભાર ઊતરવા માટે, મારાથી બમણી ઉંમરના અને પાંચ છોકરાંના બાપની સાથે મને વળાવવા તૈયાર થયાં હતાં…….”

” ના ! કંચુ ના, તમે બે તો સંજોગોનાં રમકડાં છો ! ” જશી કંચનની વાતને કાપતાં વચમાં બોલી, “આ સુખદ ઘટનાનું નિર્માણ કરવામાં હું, જ , હા…હું જશુમતી તે બલરામ શેઠની પત્ની, પોતે માત્ર જવાબદાર જ નહીં , કારણભૂત પણ છું. જે દિવસથી બા-બાપુજીએ તને એક પાંચ છોકરાના બાપના ઘરમાં વળાવવાની ઈચ્છા દર્શાવી ત્યારથી મેં આ પરિસ્થિતિનું નિર્માણ હાથ પર લીધું હતું ”

ઘરમાં ઘડીક સન્નાટો છવાઈ ગયો. કોઈ કોઈની સામે નજર મિલાવી શકતું ના હતું. રૂપલી વિસ્યમતા ભરી નજરે બધાને વારાફરતી જોઈ રહી હતી. એ ઝપાટે ઘરમાં ગયો ને મનું સોની પાસે ઘડાવેલું સોનાનું સોક્ય-પગલું જસીના હાથમાં આપતાં, બોલ્યો, “લે જશી, આ સોક્ય-પગલું, કંચનને તારે હાથેજ પહેરાવ, આપણી શેર માટીની ખોટ ઠાકોરજીએ પુરી કરી ! આ ખુશીના ખબર વેકરીયે તારા બાપાને પણ પહોંચતા કરજે. ” જશી, હસવું કે રડવું તેની અસમંજસમાં કંચન તરફ અપલક નજરે જોઈ રહી. ને અનાયાસે તેનો હાથ કંચનના માથા પર ફરવા લાગ્યો.

લેખક : સરદારખાન મલેક

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ