જલ્સા કરોને જેંતીલાલ

સસરાજીનું શ્રાદ્ધ – એક વહુને આખરે સમજાયું પોતાના સંબંધોનું મહત્વ…

તાત્ત્વિષા આજે વહેલી જાગી ગઈ. સવારમાં પાંચ વાગ્યામાં તો જાગીને તૈયાર થઈને ભીના વાળને અંબોડામાં બાંધીને તે રસોડામાં જ જતી રહી… આજે શ્રાદ્ધપક્ષનો પહેલો દિવસ હતો ને તેના સસરાનું શ્રાદ્ધ પણ ખરું.. તાત્વિષાએ આજે તેના ઘરની શેરીના નાકે આવેલા શિવમંદિરમાંથી બ્રાહ્મણોને ભોજન માટે બોલાવ્યા હતા. અગિયાર બ્રાહ્મણોને તો તે ઘરે જ જમાડવાની હતી. તે ઉપરાંત તેણે પોતાના સ્કૂલમાં ભણતા દીકરા તત્વના દોસ્તારોને સાંજે પાવ ભાજી જમવા બોલાવ્યા હતા. આખો દિવસ તે આજે આ રીતે વ્યસ્તતામાં જ ગાળવાની હતી. તે રસોડામાં જમવાની તૈયારી કરતી હતી ત્યાં જ એના પતિ તરંગે ઓરડામાંથી તેને બોલાવી…

“તાત્વિષા, ક્યાં છે?? મારા કપડાં કાઢી આપ ને.. અને આ શું તે સવારથી કૂકરની સિટિયો વગાડવાની ચાલુ કરી દીધી છે..?!?”

તાત્વિષા તરત જ ઓરડામાં આવી અને બોલી, “અરે તરંગ આજે પાપાજીનું શ્રાદ્ધ છે ને એટલે બધા બ્રાહ્મણોને ને બીજા તત્વના મિત્રોને ઘરે જમવા બોલાવ્યા છે. પછી ગૌશાળામાં ગાયને ઘાસ ખવડાવવા પણ જવાનું છે ને પછી કાગડાને ખીર-પુરી પણ ખવડાવવાની છે.. જો ને આપણા આ મહાનગરમાં એક કાગડો દેખાતો નથી..” તાત્વિષાની વાતો સાંભળી તરંગ તેની તરફ વ્યંગાત્મક નજર કરીને બોલ્યો..

“અચ્છા તો આ બધા પુણ્ય કમાવાના કારનામા ચાલે છે. એટલે આજે મારા પિતાજી પર આટલો બધો પ્રેમ ને આદર થાય છે એમ ને..!” આટલું બોલીને તરંગ ઓફિસે જવા નીકળી ગયો.. તાત્વિષા તેની વાતને નજરઅંદાજ કરી હોલમાં ગઈ અને તેની માઁને ફોન લગાવ્યો.. “હેલો માઁ, તે કહ્યું હતું ને બસ તેવી જ રીતે શ્રાદ્ધની બધી તૈયારીઓ કરી લીધી છે. હવે બસ જલ્દીથી ભગવાન મને આનું પુણ્ય આપી દે તો હું બીજી વાર ગર્ભવતી થાવ..”

તાત્વિષાને બીજું બાળક જોઈતું હતું પરંતુ કોઈ ને કોઈ કારણસર તેને ગર્ભ રહેતો નહોતો.. તેની માઁએ તેને કહેલું કે તે રોજ ઠાકોરજીના દર્શને જાય અને જયારે તક મળે ત્યારે જાતજાતના પુણ્ય કરતી રહે તો કદાચ ભગવાન તેના પર પ્રસન્ન થઇ જાય અને તેને ફરી ગર્ભ રહી જાય. અને આ જ કારણ હતું આટલા ધામધૂમથી સાસરાજીનું શ્રાદ્ધ કરવાનું..

આ તરફ તરંગ ઘરેથી નીકળીને શહેરના નાકે આવેલી એક છેવાડાની વસ્તીમાં પહોંચ્યો.. ચારે બાજુ એ વસ્તીમાંથી માંસ-મચ્છીની દુર્ગંધ આવી રહી હતી. ઠેર-ઠેર કચરાના ઉકરડા હતા અને કેટલાય માણસો એક શૌચાલય પાસે લાઈન લગાવીને ઉભા હતા. કેટલાક નાના ટાબરિયાઓ તો એમનેમ રસ્તા પર જ બેસી ગયા હતા. કોઈના ઘરમાં બાથરૂમ-સંડાસની સુવિધા નોહતી તેથી આ એક જાહેર શૌચાલયનો બધા ઉપયોગ કરતા હતા… કદાચ ભારતનું સ્વ્ચ્છતાનું અભિયાન આ વસ્તી સુધી પહોંચ્યું જ નોહ્તું..

તરંગ ચાલતો ચાલતો એક કાચા સિમેન્ટના ખોરડાં પાસે આવીને ઉભો રહ્યો. ઘરને લોક જેવું તો કઈ હતું નહિ એટલે જોરથી તેણે સાંકળ ખખડાવી. ઉધરસ ખાતા ખાતા અંદરથી એક માજી બહાર આવ્યા અને સાંકળ ખોલી. સફેદ ને કાળા એમ કાબરચીતરા એ માજીના વાળ, ઠેર ઠેર થીગડાં મારીને તેમણે પહેરેલી સાડીમાંથી કાંદા-લસણથી ભરપૂર વાસ આવી રહી હતી. તેમની ઊંડી ઉતરી ગયેલી નિસ્તેજ આંખો અને આંખો પર દોરી બાંધીને પહેરેલા ચશ્માં.. તરંગને સામે ઉભેલો જોઈને તે માજી તેમના બોખા મોઢેથી સહેજ હસ્યાં અને તેને અંદર બોલાવ્યો..

“આવ દીકરા.. આજ ઘણા દિવસે દેખાયો હો.. મને હતું જ કે તું આજે આવશે. તારા બાપાનું શ્રાદ્ધ ખરું ને…! એ તો તું કેમ ભૂલી જ શકે એટલે હું ક્યારની તારી વાટ જોતી હતી…!!”

તે ઘરડા, નંખાયેલા, નિસ્તેજ, બીમાર માજી એ તરંગની માઁ હતી. સાઈઠની ઉંમરે એસીની લાગતી એ સ્ત્રી જાણે જિંદગીથી હારી ચુકી હતી. તાત્વિષાએ લગ્ન પછી જાતજાતના કજિયા-કંકાસ વડે સાસુ ને સસરાનું જીવતર દોજખ જેવું બનાવી દીધું હતું.. શરૂઆતમાં તો તરંગ બધું સમેટવાનો પ્રયાસ કરતો પરંતુ દીકરા તત્વના જન્મ પછી તાત્વિષા જાતજાતની ધમકીઓ આપવા લાગી.. જો સાસુ-સસરા બીજે રહેવા નહિ જાય તો પોતે તેમનું ઘર છોડી તત્વને લઈને પોતાની માઁના ઘરે જતી રહેશે અને આપઘાત કરી લેશે. નાછૂટકે તરંગે તેના માં-બાપ માટે બીજું ઘર લીધું અને ત્યાં મોકલી દીધા તેમને. આટલું ઓછું હોય તેમ તત્વ ત્રણ-ચાર વર્ષનો થયો એટલે તાત્વિષાનો કંકાસ વધી ગયો.. તરંગ તેના માં-બાપના નવા ઘર ને કરિયાણા ને એવા બધા પર બહુ ખર્ચો કરે છે એટલે તત્વને લકઝરી નથી આપી શકાતી. આ વખતે તત્વએ તેના માઁ-બાપને વૃદ્ધાશ્રમમાં જ મોકલી દીધા.

એક દિવસ વૃદ્ધાશ્રમના મેનેજરનો તરંગના મોબાઈલ પર ફોન આવ્યો. ત્યારે તરંગ નાહવા ગયેલો તેથી તાત્વિષાએ ફોન ઉપાડ્યો … “બહેન, તમારા સસરાની તબિયત સારી નથી. તેમને છાતીમાં દુખાવો થાય છે તેથી અમે તેમને હોસ્પિટલ લઇ જઈએ છીએ. આપ પણ જલ્દીથી તરંગભાઈ સાથે ત્યાં આવી જાવ ને..” તાત્વિષાએ વિચાર્યું કે સસરાજીને અહીં હતા ત્યારે પણ ઘણી વખત તબિયત નરમ-ગરમ રહેતી પણ કઈ થયું નહોતું અને આમ પણ તરંગને આજે દેશના ટોચના વ્યાપરીઓ સાથે મિટિંગ હતી. એટલે તાત્વિષાએ તેને કઈ ના કહ્યું.. તરંગ પણ નીકળી ગયો મિટિંગમાં જવા.

રાતના બાર વાગી ગયા હતા પરંતુ તરંગ હજુ સુધી નહોતો આવ્યો તેથી તાત્વિષા પરેશાન હતી. તે ફોન પણ નહોતો ઉપાડતો.. ત્યાં જ તેના દરવાજાની ઘન્ટડી રણકી.. તાત્વિષાએ દરવાજો ખોલીને જોયું તો હારેલો થાકેલો તરંગ બારણે ઉભો હતો. તેનો ચહેરો આંસુઓથી ખરડાયેલો હતો. તાત્વિષાએ તેને પૂછ્યું કે શું થયું…

“તાત્વિષા, મારા બાપની તબિયત નહોતી સારી અને તે મને કહ્યું પણ નહિ.. તારી બધી જીદ હું નાદાની સમજીને માની લઉ છું પણ આ તે હદ વટાવી દીધી.. મારો બાપ ત્યાં હોસ્પિટલમાં હતો ને હું મિટિંગમા.. ફોન પણ બહાર સેક્રેટરી પાસે હતો તેથી કઈ ખબર ના રહી. સાંજે પાંચ વાગ્યે મીટિંગમાંથી નીકળ્યો ત્યારે મોબાઈલમાં પચાસ ફોન હતા. મારો બાપ મને મૂકીને ચાલ્યો ગયો હતો… હું તેને મળી પણ ના શક્યો.!!” હું ઓફિસથી ત્યાં ગયો અને તેમની અંતિમ ક્રિયા કરીને અહીં આવ્યો. મારી માઁ મારી સામે પણ જોવા તૈયાર નહોતી..!! બધું તારા લીધે.!!”

તાત્વિષાને જરાક ખરાબ લાગ્યું પણ તે પોતાના ઘમંડ પર તેમની તેમ જ રહી. તે દિવસ પછી તરંગની માઁ વૃદ્ધાશ્રમ છોડીને આ વસ્તીમાં રહેવા આવી ગયા… અહીં આવીને તેઓ આ ઉંમરે પણ કામ કરતા.. થોડે દુર આવેલા પોષ એરિયાના લોકોના શાકભાજી સુધારવા ઘરે લઈ આવતા ને કાંદા-લસણની ચટણી બનાવીને વહેંચતા..

તરંગ બીજા દિવસે વૃદ્ધાશ્રમ ગયો તો તેની માઁ ત્યાં નહોતી. અને ત્યાંના મેનેજરે પણ વિગત આપવાની ના કહી.. એ પછી એક દિવસ તરંગ તેની ઓફિસેથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે રસ્તામા તેને ચાર-ચાર થેલા પકડીને ચાલતી તેની માને જોઈ.. તરત જ ગાડી ઉભી રાખીને તે એને વળગી પડ્યો. તેની મા તેને પોતાના ઘેર લાઇ ગઈ.. તરંગે ઘરે પાછું આવી જવા કહ્યું પણ તેમણે ચોખ્ખી ના કહી દીધી.. એ પછી તરંગ અવાર-નવાર અહીં આવતો રહેતો. તેની માઁ તેના પૈસા લઈને ક્યાંય બીજે પણ રહેવા જવા નોહતી ઇચ્છતી..

આજે પણ તે અહીં તેના પિતાજીના શ્રાદ્ધ માટે આવેલો. બન્ને મા-દીકરાએ સાથે મળીને ભોજન કર્યું. આ બાજુ તાત્વિષા બસ બધાને ખવડાવીને પુણ્ય કમાવાના કાવતરા કરતી હતી. ત્યાં જ તેને તેની માનો ફોન આવ્યો. “તાત્વિ, તારી ભાભીએ મને ઘરની બહાર કાઢી મૂકી છે પહેરેલ કપડે. હું બકબક કરું છું તેવું કહીને.. તાત્વિ હું રઝળતી થઈ ગઈ.. હું શું કરું?? હું ત્યાં આવી જાવ?”

“મમી એમ તું ના આવી શકે હો.. મારા તત્વનું ભણવાનું બગડે.. ને એને આખી દિવસ બધી એક્ટિવિટીઝ હોય તેમાં એ ડિસ્ટર્બ થાય.. હું તો મારા સાસુનેય નથી સાચવતી તો તને તો કેમ રાખી શકું?” સામે છેડે તાત્વિષાની માઁ આ સાંભળી હબક ખાઈ ગઈ.. ને તાત્વિષાએ ફોન મૂકી દીધો. દસ વર્ષનો તત્વ ત્યાં જ હતો ને માઁની આ વાત સાંભળી તેણે તરત પૂછ્યું,

“તો માઁ હું મોટો થઇશ ને ત્યારે હું તનેય નહીં રાખું હો મારા ઘરમાં.. તું તો કેવી જૂઠી જૂઠી છે તારે જ્યારે જરૂર છે એટલે દાદાને અત્યારે મરી ગયા છે તોય એના નામ પર તું બધાને ખવડાવે છે એના કરતાં જે નાની ને દાદી જીવતા છે એને સંભાળ ને તો તને ઓલું જે પુણ્ય જોઈએ છે ને એ બહુ બધું મળશે હો…”

નાનકડા દીકરાની આવી મોટી વાત સાંભળી તાત્વિષા અચંબિત થઈ ગઈ. તેને થયું કદાચ ખરેખર બીજું બાળક થતું નથી તેનું આ જ કારણ છે. હું જે મારા છે, જે જીવતા છે એ મારા સસરા ને સાસુનું અપમાન કરતી રહી ને બીજી બાજુ નવા જીવની ઝંખના કરતી હતી.. તરત જ તાત્વિષાએ તરંગને ફોન કર્યો…

“તરંગ પ્લીઝ મમીને વૃદ્ધાશ્રમથી લઈ આવજો ને.. મારે એમનું ઘરમાં સ્વાગત કરવું છે. આરતી ઉતારવી છે મારી માઁની મારે.. મારા દીકરાએ આજે મારી આંખો ઉઘાડી દીધી છે. આજે મારા સસરાજીના શ્રાદ્ધ પર હું પ્રાયશ્ચિત કરીને મારા સાસુને તેમનું સાચું સ્થાન આપવા માગું છું..” તરંગ ત્યારે તેની માઁ સાથે જ હતો. તાત્વિષાની વાત સાંભળીને તે હરખથી ઉછળી પડ્યો.. તરત જ તેણે માઁને ઘરે આવવા માટે તૈયાર કર્યા..ગાડીમાં લઈને તે પોતાના ઘરે પહોંચ્યો..

આંગણે પહોંચતા જ તરંગે હાથ પકડીને માઁ ને નીચે ઉતારી. તાત્વિષા રાહ જોઇને દરવાજે જ ઉભી હતી. તે સાસુને ભેટી અને તેમની આરતી ઉતારીને પગે લાગી. અંદર લઇ જઈને તેમને નવડાવ્યા અને પોતાના હાથે વાળ ધોઈને પછી ઓળી આપ્યા. નવીનક્કોર બનારસી સાડી કાઢીને તેણે સાસુમા ને પહેરાવી અને ડાઇનિંગ ટેબલ પર જમવા બેસાડ્યા..

તત્વ પણ દાદીમા સાથે રમતો હતો. તાત્વિશાએ પોતાની માઁને પણ ઘરે બોલાવી લીધા અને ભાભી સાથે વાત કરવાની ખાતરી આપી. ગરમ ગરમ પુરી ઉતારતા ઉતારતા તાત્વિષા બોલી.

“આજે મારા સસરનું શ્રાદ્ધ ખરા અર્થમાં ચરિતાર્થ થયું. મારી બેય માઁ આજે મારી પાસે છે. મારો આ હર્ષભર્યો પરિવાર જોઈ મને અત્યંત ખુશી થાય છે. બસ હવે હંમેશા આમ જ રહીએ તેવી ભગવાનને પ્રાર્થના કરું છું.” ને નાનકડો તત્વ દોડીને તાત્વિષાને વળગી પડ્યો… થોડા જ દિવસોમાં તાત્વિષાએ દરેકને પોતાના ગર્ભવતી હોવાના સમાચાર આપ્યા. ને તેમની ખુશીઓને ચાર-ચાંદ લાગી ગયા…

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version