જલ્સા કરોને જેંતીલાલ

સસરાજી – પૌત્ર પ્રાપ્તિની ઈચ્છા પૂરી ના થવાથી તેઓ દિકરી સમાન વહુને સંભળાવતા હતા અનેક વાતો, લાગણીસભર વાર્તા…

“વહુ જરા ચા મુકજો ને. ખાંડ બે ચમચી ને ભૂકી દોઢ ચમચી. મોટો હોય તો અડધો આદુ ખમણજો અને નાનો હોય તો આખો. પા ચમચી ચાનો મસાલો નાખીને દસ મિનિટ ઉકળવા દેજો.અને હા આખા દૂધની ચા બનાવજો…!!”

ડાહ્યાલાલના આ રોજના સંવાદો. અને આ સંવાદો જેને કહેવાય રહ્યા હોય તે છે તેમના એકના એક દીકરા શાલીનની ગુણવંતી વહુ શાશ્વતી. રૂપરૂપના અંબાર સમી શાશ્વતીના લગ્ન શાલીન સાથે પાંચ વરસ પહેલા થયા હતા. પરંતુ હવે ત્રણ વરસ બાદ શાશ્વતીના સસરા ડાહ્યાલાલના રોજના આ સંવાદો હતા. ડાહ્યાલાલ નાની નાની વાતમાં શાશ્વતીને ટોકતા અને અપમાન કરતા. બિનજરૂરી બાબતો શાશ્વતીને કહેતા રહેતા.

શાશ્વતીના પિતા વિનોદરાય ડાહ્યાલાલના ખાસ મિત્ર. બંનેની મિત્રતા એટલે જાણે કૃષ્ણ-સુદામાની જોડી. વિનોદરાયનું નામ રુઆબદાર પણ પૈસે ટકે તેઓ ઘણા પછાત. એક વખત થયું એવું કે શાશ્વતીની કોલેજની ફી ભરવાની હતી અને વિનોદરાય પાસે એટલાંય પૈસા નહોતા તેથી તેઓ મદદ માંગવા ડાહ્યાલાલ સમક્ષ ગયેલા ત્યારે ડાહ્યાલાલે કહ્યું હતું કે એક શરત પર ફી ભરું।..!


વિનોદરાયે તો સઘળી શરત સ્વીકારવાની હા કહી. ડાહ્યાલાલ કહે, “મારે એ પૈસા પાછા નથી જોઈતા. બસ તારી દીકરી મારા દીકરાની વહુ બને એટલું જ જોઈએ. પૈસા કરતાંય અમૂલ્ય એવી એ તારી શક્તિ મારા ઘરે લક્ષ્મી થઈને આવે આટલી મારી શરત.” ને વિનોદરાયની આંખમાંથી તો જાણે હર્ષના આંસુ વહેવા લાગ્યા. જીવનની ધન્યતાનો અનુભવ તેમને જાણે એ જ ક્ષણે થઇ ગયો. તેમના પત્ની વનિતાબહેનને તો ડાહ્યાલાલમાં વિષ્ણુ ભગવાન પ્રગટ્યા હોય એવું લાગ્યું.

પછી તો ક્યાં વાર લાગે..!?! શાશ્વતીનું ભણતર પૂરું થયું તેના બે જ મહિનામાં તે શાલીનની વહુ બનીને આવી ગઈ. સ્વરૂપવાન, સંસ્કારી અને સમજદાર એવી શાશ્વતી પત્ની વિનાના તેના સસરા ડાહ્યાલાલ માટે જમવાનું પીરસતી ત્યારે હેતથી પત્ની જેવોહક જમાવતી, તે બીમાર હોય તો માઁ સમી કાળજી કરતી ને જરૂર પડે ત્યારે દીકરી બનીને વઢતી પણ ખરી…! ડાહ્યાલાલ, શાશ્વતી અને શાલીન ત્રણ જ જણાનો નાનકડો પરિવાર.


શાલીન તો જાગીને સવારે ઓફિસ જ જતો રહેતો. આખો દિવસ ઘરમાં શાશ્વતી અને ડાહ્યાલાલ જ હોય. શરૂઆતમાં તો બન્ને આખો દિવસ બેસીને જાતજાતનું વાંચન ને ચિંતન કરતા. પરંતુ ધીમે ધીમે સમય થતો ગયો તેમ પૌત્રની ઘેલછામાં અંધ બનેલા ડાહ્યાલાલ પોતાની લક્ષ્મી જેવી વહુને વાતેવાતે તિરસ્કૃત કરવા લાગ્યા.એમાંય જયારે ત્રણ વરસના લગ્નજીવન બાદ પણ શાશ્વતીનો ખોળો ખાલી રહ્યો ત્યારે તો તેમણે રીતસરનું શાલીન માટે ઠેકાણું શોધવાનું શરૂ કરી દીધું હતું. શાલીનની લાખ મથામણ બાદ તેઓ માન્યા પણ હંમેશા તોબરો ચડાવીને ફરતા હતા હવે તો.

એક દિવસ ડાહ્યાલાલના મિત્ર અને શાશ્વતીના પિતા વિનોદરાય અચાનક તેમના ઘરે આવી ચડ્યા. દીકરીને સાસરે તો કોઈ બાપ એમ આમંત્રણ વગર ના જ આવે ને પણ આ તો તેમના મિત્રનું ઘર એટલે એમાં શરમ શાની…!!!!

ઘરમાં આવતાવેંત જ વિનોદરાયે દીકરીની પહેલા પોતાના મિત્રને સંભાર્યો ને “ડાહ્યા…… કરીને રાડ પાડી, ને ડાહ્યાલાલ પોતાના ઓરડામાંથી દોડતા બહાર આવ્યા. પોતાના વહાલા મિત્રને આંગણે જોઈને તેઓ તેને ભેટવા જતા હતા કે શાશ્વતીનું મુખ યાદ આવી ગયું અને તેનો ખાલી ખોળો!!!! ને જાણે વિનોદરાયને અવગણતા હોય તેમ નીચે ઉતર્યા, તેની સામે તુચ્છ નજર કરીને સીધા ઘરની બહાર ચાલ્યા ગયા.

વિનોદરાય તો પ્રિય મિત્રનો આવો વ્યવહાર જોઈ ગળગળા થઇ ગયા. પોતાની ભૂલ શું છે તે જતેમને ના સમજાયું. ત્યાં જ શાશ્વતીને જોઈને તેઓ તેની તરફ આગળ વધ્યા. શાશ્વતી પણ પિતાને જોઈને અત્યંત ભાવુક થઇ ગઈ હતી. તેમના માતાપિતાની એકની એક દીકરી હોવા છતાંય સાસરે આવ્યા બાદ શાશ્વતીએ જાણે તેમની શું હાલત થતી હશે એવિચારવાનું જ છોડી દીધું હતું. વરસે માંડ એકાદ દિવસ તેમને મળવા જઇ શકતી શાશ્વતી તેના સસરાને જ હવે માતાપિતા માનતી.


શાશ્વતીના માતાપિતાએ જ તેને આ સમજાવ્યું હતું, કે લગ્ન બાદ દીકરી ઘડી ઘડી પિયર આવે તે ના શોભે તેથી જ શાશ્વતીકદીય પિયરે જવાનો આગ્રહ ના રાખતી. અત્યારે નજર સામે પિતાને જોઈને શાશ્વતી પોતાના આંસુ ના રોકી શકી અને દોડીને તેમને વળગી પડી. વિનોદરાય પણ દીકરીને વહાલથી ભેટી પડ્યા. ખાસ્સા સમય સુધી રડ્યા બાદ શાશ્વતીએ ડાહ્યાલાલના વિચિત્ર વર્તનની જાણ કરી. વિનોદરાય તો પોતાના પ્રિય મિત્રમાં આવેલ ફેરફાર જોઈ ભાંગી પડયા. શાશ્વતીએ પોતાના પિતાજીને શાંત્વના આપતા કહ્યું કે કોઈ પણ સંજોગે તે પોતાના સસરાની પડખે જ રહેશે. તેઓ ગમે તેટલું અપમાન કરે હું હંમેશ તેમને આદરતુલ્ય સમજીશ..”

વિનોદરાય પણ દીકરીની સમજણ જોઈ ગર્વ અનુભવવા લાગ્યા. વિનોદરાયે ડાહ્યાલાલને સમજાવવા પોતાના પ્રયત્નો કરવાનું વિચાર્યું અને ઘરની બહાર નીકળ્યા. તેમને ખ્યાલ હતો કે ડાહ્યાલાલ જયારે અસમંજસ કે વિષાદમાં હોય ત્યારે ક્યાં જઈને બેસતા, તેથી તેઓ તે ખાસ જગ્યા પર પહોંચ્યા. તેમની ધારણા અનુસાર ડાહ્યાલાલ ત્યાં જ હતા.


તેની પાસે જઈને વિનોદરાયે તેના મજબૂત ખભે પોતાનો હાથ મુક્યો અને મૂક શબ્દો વડે પોતે તેની સ્થિતિ સમજે છે તેવો ઈશારો કર્યો. ડાહ્યાલાલ પણ પોતે કરેલા વર્તન માટે દુઃખ અનુભવતા હતા તેથી સહેજ સ્મિત આપ્યું પરંતુ શાશ્વતીના ખાલી ખોળાની ફરિયાદ કરવાનું ચુક્યા નહીં!! વિનોદરાયને દુઃખ તો થયું પરંતુ અત્યારે પરિસ્થિતિ સંભાળવામાં જ સાર હતો તેમ સમજીને તેનો હાથ પકડીને બગીચાની બહાર આવ્યા ને રીક્ષા કરી.

કશું બોલ્યા વગર બંને એકબીજાની વાચા જાણે સમજી ગયા હોય તેમ મૂક થઈને રિક્ષામાં બેઠા હતા કે અચાનક જ સામેથી ધસમસતી એક ટ્રક આવી અને રીક્ષાને ભટકાઈને આગળ નીકળી ગઈ. રિક્ષાવાળો તો સ્થળ પર જ મૃત્યુ પામ્યો!! વિનોદરાય નેડાહ્યાલાલ પણ અત્યંત ઘવાયા હતા. અત્યંત લોહી વહી ગયું હતું. બંને કણસતા કણસતા બેભાન થઇ ગયા.

ડાહ્યાલાલની જયારે આંખ ખુલી ત્યારે તેઓ હોસ્પિટલના બિછાને હતા. તેમને લોહીના બાટલા ચડાવ્યા હતા અને તેમના પગ પાસે જ શાશ્વતી બેઠી હતી. સસરાજીને હોશ આવ્યો તે જોઈને તે ડોક્ટરને દોડતી જઈને બોલાવી લાવી. આંખમાંથી આંસુ વહી જતા હતા અને ખુશી પણ હતી કે સસરાજીને હોશ આવ્યો છે. જેવી શાશ્વતી ડાહ્યાલાલની નજીક ગઈ કે ડાહ્યાલાલે તેના તરફથી મોઢું ફેરવી લીધું. અંદર આવતો શાલીન આ જોઈ ગયો. શાશ્વતીને ખબર નહિ બહુ લાગી આવ્યું અને તે રડતા રડતા ઓરડાની બહાર જતી રહી.

શાલીન ડાહ્યાલાલ પાસે આવ્યો અને તેમનો હાથ પકડ્યો અને કહ્યું, “પાપા તમને અને વિનોદપાપાને ખુબ જ વાગ્યું હતું. ત્યાં તમને બેભાન જોઈને મારો મિત્ર જે તમને ઓળખતો હતો તે ત્યાંથી પસાર થતો હતો તેણે મને ફોન કર્ય. અમે બંને ત્યાં પહોંચ્યા અને શાશ્વતી તો ભાંગી જ પડી હતી. કારણકે વિનોદ પાપાને ખાસ્સું લોહી વહી ગયું હતું. તમને અમે અહીં લાવ્યા અને ડોકટરે બંને માટે લોહીની વ્યવસ્થા કરવાનું કહ્યું.


તમારું, વિનોદ પાપાનું અને શાશ્વતીનું લોહી “ઓ પોઝિટિવ” જ હતું પરંતુ શાશ્વતી કોઈ એકને જ લોહી આપી શકે તેમ હતી..! અને પાપા એણે, તમારી એ વહુએ તમારી જ પસંદગી કરી….!!!!!!!!! એના સગા બાપને અવગણીને એણે પોતાના સસરાની ચિંતા કરી. મારુ બ્લડ ગ્રુપ અલગ હોવાના કારણે હું તો આપી શકું તેમ નહોતો તેથી વિનોદપાપા માટે બહારથી વ્યવસ્થા કરવી પડી. તેમાં જ મોડું થવાથી અત્યારે વિનોદ પાપા મોત સામે ઝઝૂમી રહ્યા છે. આવા સમયે તમે શાશ્વતીનું મનોબળ મજબૂત કરોને..! બાકી બધું ભૂલી જાવ.”

શાલીનની વાત સાંભળીને ડાહ્યાલાલનું અંતર વલોવાઈ ઉઠ્યુ. દેવી જેવી પોતાની વહુ સાથે આ પ્રકારનો વ્યવહાર કરવા બદલ હવે તેમને પસ્તાવો થયો હતો. શાલીન આ વાત સમજી ગયો અને શાશ્વતીને ઓરડામાં લઇ આવ્યો. ડાહ્યાલાલે શાશ્વતીને નજીકબોલાવી અને તેના માથે હાથ ફેરવતા કહ્યું,

“માફ કરી દે મને મારી લક્ષ્મી. હું તને સમજી જ ના શક્યો. તારી સેવા થકી મને નવું જીવન મળ્યું હતું તેને માણવાની જગ્યાએ હું પૌત્રની ઇચ્છામાં તને તિરસ્કારતો રહ્યો. પણ હવે નહિ..!! મારી દીકરી તારા બાપને માફ કરી દે.” અને શાશ્વતી પણ જઈને તેમને વળગી પડી.

બોતેર કલાક બાદ વિનોદરાય પણ ભાનમાં આવ્યા અને સઘળી હકીકત જાણી તેમને પોતાની દીકરી માટે આદર થઇ ગયો. પ્રભુ આવી વહુ સહુને આપે કહીને તેઓએ તેના ઓવારણાં લીધા. ત્રણ મહિના બાદ જ શાશ્વતીએ સારા સમાચાર ડાહ્યાલાલને આપ્યા. તે સમયે હંમેશ પૌત્રની કામના કરતા ડાહ્યાલાલ બોલ્યા, “મારે તો બસ તારા જેવી પૌત્રી જોઈએ, જે એકસાથે બે કુળને ઉજાળે…”

લેખક : આયુષી સેલાણી

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version