સારી ઊંઘ કરી શકાય એ માટે અપનાવો આ વાસ્તુ ટીપ્સ…

સાઉન્ડ સ્લીપ કહેવાય છે, એવી ગાઢ નિંદર કરવા ઇચ્છતા હોવ તો આ વાસ્તુ ઉપાય જરૂર મદદરૂપ થશે…. સારી ઊંઘ કરી શકાય એ માટે અપનાવો આ વાસ્તુ ટીપ્સ…

આજકાલ, આખા દિવસની દોડધામ કરતા લોકોમાંથી દરેક ત્રીજા વ્યક્તિને અનિંદ્રાની સમસ્યા થતી હોય છે. દરેકને થોડી ઘણી ઊંઘ ન આવવાની કે ગાઢ નીંદર ન થવાની કે પછી સૂતી વખતે વિચિત્ર સપના આવવા જેવી તકલીફો નડતી હોય છે. દરેકને હાયપર ટેન્શન થતું હોવાથી મન કાયમ અશાંત રહેતું હોય છે જેના કારણે લોકો પોતાનું દૈનિક કામ પણ બરાબર કરી શકતા નથી. તેમજ તેમનો આખો દિવસ યોગ્ય રીતે નીંદર ન થવાથી બગડે છે. તમને કેટલીક વાસ્તુ ઉપાય જણાવીશું જે તમને ગાઢ નિંદ્રામાં સૂવામાં મદદ કરશે.

માથા પાસે પાણી ન રાખવું

ધ્યાનમાં રાખો કે તમારા બેડરૂમમાં ઉપર પાણીનો કોઈ સ્રોત ન હોવો જોઈએ. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. સૂવા પહેલાં પાણીનો જગ કે પછી બોટલને માથા પાસે ન રાખવું જોઈએ. તેને સૂવાના સ્થાનથી થોડું દૂર રાખવું જોઈએ.

બેડરૂમમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ન રાખવી

આપણામાંથી અનેક લોકોને તેમના બેડરૂમમાં ટીવી અથવા કમ્પ્યુટર જેવા ઇલેક્ટ્રોનિક વસ્તુઓ રાખવાની ટેવ હોય છે. સામાન્ય રીતે ઘણાં લોકોને સૂવા પહેલાં ટીવી જોવાની કે લેપટોપ – કોમ્પ્યુટર કે મોબાઈલનો ઉપયોગ કરીને જ સૂવાની ટેવ રહેતી હોય છે. ખરેખર તો, બેડરૂમમાં કોઈપણ ઇલેક્ટ્રોનિક્સનો સામાન રાખેલો હોય તો તેને વાસ્તુ શાસ્ત્રમાં વાસ્તુને લગતી એક ખામી માનવામાં આવે છે. આ વસ્તુઓ તમારા બેડરૂમમાં રાખવાનું ભૂલશો નહીં. એવું માનવામાં આવે છે કે આ બાબત તમારા ખુશહાલ જીવનને બરબાદ કરી શકે છે.

બેડની સ્થિતિ વાસ્તુ અનુસાર

તમારા સૂવાના રૂમમાં પથારીની દિશા વિશે પણ સંભાળ રાખવી જોઈએ. જો તમારો પલંગ ખોટી દિશામાં મૂકવામાં આવે છે, તો તે તમારા જીવન પર પણ ખરાબ અસર કરી શકે છે. તેથી સૂતી વખતે તમારું માથુ ઉત્તર દિશામાં ન હોય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

તસ્વીરો ન હોવી જોઈએ બેડરૂમમાં

સૂવાના કમરામાં પાણીનું ઝરણું, ઘુઘવતો દરિયો કે પહાડ ઉપરથી ઉતરતું પાણી તેમજ દોડતા ઘોડા જેવી વિચલિત કરી મૂકે કે વિચારોમાં મૂકી દે એવી નકારાત્મક ઊર્જા વહાવે એવી તસ્વીરો અને પેન્ટિંગ્સ ન હોવી જોઈએ. તમારા કમરામાં ભગવાનની એકાદ મૂર્તિ કે તસ્વીર ભલે રાખી શકો છો પરંતુ બહુ બધી છબીઓથી દિવાલને ભરી ન દો. અજંપો અને વિચારોના વમળો સર્જાઈ શકવાની શક્યતાઓ રહે છે.

કમરાને રાખો સાફ અને વ્યવસ્થિત

સૂવાના કમરામાં બહુ બધી વસ્તુઓ ન રાખવી જોઈએ. આવું કરશો તો તેને સાફ અને વ્યવસ્થિત રાખવું મુશ્કેલ બનશે. અવ્યવસ્થિત કમરો અને ચોળાયેલ ચાદર તેમજ અસ્વચ્છ રૂમ હશે તો આમ પણ તમને ગાઢ ઊંઘ લેવામાં મુશ્કેલી પડશે. તેથી જેમ બને એમ ઓછી વસ્તુઓ સાથે રૂમને એકદમ સુઘડ રાખવા પ્રયત્ન કરવો. આખા દિવસના થાક્યા – પાક્યા ઘરે આવો ત્યારે સીધો તમને તમારો બેડરૂમ, ચાદર, ઓશિકું અને પથારી યાદ આવતાં હોય છે. આ બધું યોગ્ય રીતે રાખેલ હશે તો તમે નિશ્ચિંતતાથી તરત સૂઈ જઈ શકશો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ