સારા કે ખરાબ જેવા હોય એવા વિચારોમાંથી મુક્ત થવું જરુરી છે, જાણો કઈરીતે આ દ્રષ્ટાંત પરથી.

સતત દોડતો – ભાગતો સ્પીડવાળા યુગમાં જેમને જોઈએ એમને પૂછીએ કે શું કરો છો? થોડીવાર વાત થશે? ફ્રિ છો? એમ જ કહેશે કે હાલ, વ્યસ્ત છું, નિરાંતે વાત કરીએ તો? ખરું ને?

દરેક વ્યક્તિ કોઈને કોઈ કામમાં એટલી હદે ગળાંડૂબ વ્યસ્ત હોય છે કે નિયમિત જમવા સુદ્ધાંનો સમય પણ ફાળવી શકતાં હશે કે કેમ એ પણ પ્રશ્ન છે! સૌને પ્રગતિ કરવી છે. હંમેશાં આગળ રહેવું છે અને એમાટે સતત આગળ રહેવા પ્રયત્નો કરવા પડે છે. યેનકેન પ્રકારેણ દિવસનો અંત લાવીએ છીએ અને પેન્ડિગ કામના બોજ તળે સૂઈએ છીએ અને બીજો દિવસ પણ ઝડપથી શરૂ કરી આખા દિવસનો ચિચૂડો ચલાવે રાખીએ છીએ એમાં આ જમાનામાં ખરેખર તો ફુરસદ મેળવવું એ મોટી ઉપ્લબ્ધિ છે. કોઈને વિના કારણે કોઈ કામ વગર ફોન કરવો કે પછી કોના ઘરે મળવા – બેસવા જવું વગેરે પહેલાં જેવી પ્રવૃત્તિઓ તો સાવ જ ઓછી થઈ ગઈ છે, હાય – હેલ્લો માંડ ક્યારેક ઓનલાઈન થઈ જાય અથવા કોઈ કામ હોય કોઈનું તો જ ઔપચારિક વાતચિત કરી લેવાય છે. એક વ્યસ્ત ઘરેડમાં સૌને ગોઠવાઈને ફરતા રહેવાનું હોય છે. એમાંય એકઘારા રુટિનમાં વચ્ચે કોઈ નાનીસૂની ઉપાધી પણ જો આવી ચડે ત્યારે એમ જ લાગે કે આભ તૂટી પડ્યું.

સૂતી વખતે પથારીમાં પડ્યાં હોઈએ ત્યારે પણ સતત આપણે વિચારશીલ હોઈએ છીએ. માંડ મન શાંત થાય. માનસિક સમાધાન મળે ત્યાં બીજા વિચારો આપણને ઘેરી લેતા હોય છે. દરેકને સામાજિક, શારીરિક, આર્થિક, કૌટુંબિક કે પછી રાજકીય પ્રશ્નો, તકલીફો રહેતી હોય છે. આ દરેકના વમળમાં આપણે સતત વલોપાત અનુભવતાં રહીએ છીએ જેનો ઉકેલ મળતો નથી. અશાંત અને ઉદ્વેગભર્યા મન અને શરીરને આરામ મળતો ન હોવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અરસ થાય છે. જેને લીધે બીનજરૂરી તકલીફો વધે છે જે ક્યારેક સામાન્ય તો ક્યારે અસાધ્ય બીમારીઓ નોતરે છે. માણસ ઇચ્છે તો પણ આ જંજાળમાંથી બહાર આવવા અથાગ પ્રયત્નો કરે તોય બંધનોની સાંકળને તોડીને મુક્ત રહી શકતો નથી.

આજ બધી મથામણોની વાતોને ધ્યાનમાં લઈને આદિ શ્રી શંકરાચાર્યનું એક દ્રષ્ટાંત અહીં વાર્તા સ્વરૂપે વાંચીએ.

એકવાર શંકરાચાર્યજી, એમના શિષ્યો સાથે વિહાર કરી રહ્યા હતા. વિવિધ વાતો અને ઉપદેશો સાથે સંત્સંગ કરતા તેઓ એમના શિષ્યોને શીખ આપતા હતા. વાતવાતમાં વિષય નીકળ્યો, આદિ શ્રી શંકરાચાર્યને એમના એક શિષ્યે પૂછ્યું, “માણસ એના વિચારોમાંથી મુક્તિ કઈ રીતે મેળવી શકે?” સાવ શૂન્યમનસ્ક થઈને ખાલીખમ થઈ જાય તો કોઈ મનુષ્ય કેવું અનુભવે? એ બબતે શંકરાચાર્ય શિષ્યોને સમજાવવા લાગ્યા અને જુદાંજુદાં દ્રષ્ટાંતો આપવા લાગ્યા. એવામાં ચાલતાં ચાલતાં તેઓ એક ગામની બજારમાંથી પસાર થતા હતા. ત્યાં તેમણે એક ગોવાળિયાને ગાયને ગળાંમાં ગાળિયો પહેરાવીને રસ્તા વચ્ચેથી દોરી લઈ જતો જોયો. આને જોઈને એમણે એમના શિષ્યોની મનના વિચારોને અંકુશમાં રાખીને મુક્તિ મેળવવાના પ્રશ્નનું સમાધાન કરવાનું વિચારી લીધું.

આદિ શ્રી શંકરાચાર્યએ કુમારોને એ ગોવાળિયાને રોકીને તેને ઘેરીવળવા આદેશ આપ્યો.

ગુરુજીએ શિષ્યોને પૂછ્યું, “શું લાગે છે તમને? આમાંથી કોણે કોને બાંધી રાખ્યા છે?”

શિષ્યોએ એકએક કરીને જવાબ આપ્યા કે ગોવાળે ગાયને બાંધી રાખી છે. કોઈએ કહ્યું, “એ તેનો માલિક છે. એને ફાવે ત્યાં લઈ જઈ શકે છે.” કોઈ શિષ્ય બોલ્યો, “ગળામાં બંધાયેલ ગાળિયાને લીધે તો બંધી ગાય જ છે.” સૌના જવાબો સાંભળી ગુરુજી શિષ્યોને માથે હાથ મૂકીને હસવા લાગ્યા.

શિષ્યોથી ઘેરાયેલ એ ગોવાળિયો જરા મૂંઝાયો. એને સાંત્વના આપીને એની પાસેથી દોરીનો ગાળિયો તેમણે પોતાના હાથમાં લઈ લીધો. એમને જોયું કે ગાય આમતેમ ડોલવા લાગી એ સ્થિર નહોતી. થોડીવારમાં એમણે કોઈને કહ્યું કે મોટો ચપ્પો આપો અને આ ગાળિયો કાપી દ્યો. ટોળામાંનો એક શિષ્ય ગુરુની આજ્ઞા મુજબ કરે છે અને સૌ જુએ છે કે જેવો એ ગાળિયો કપાયો. ગાય તાગ જોઈને છૂટેલા દોરડે એણે તરત જ દોટ મૂકી. કંઈ જ સમજાય એ પહેલાં એ ગોવાળિયો પણ ગાયને પકડવા એની પાછળ દોડ્યો. એણે જરાવાર એ પણ નહોતું વિચાર્યું કે અહીં કોઈ ગુરુ આવીને ઊભા છે, જે એમના શિષ્યોને કોઈ ઉપદેશ આપી રહ્યા છે.

ગોવાળિયાના ગયા પછી ગુરુ – શિષ્યો પણ ફરી ચાલવા લાગ્યા. આદિ શ્રી શંકરાચાર્યએ કુમારોને સમજાવતાં કહ્યું, “આપ સૌને લાગતું હતુંને કે બંધનમાં ગાય છે? સમજાયું હકિકતે કોણ બંધાયેલ હતું? ગાયની તો મજબૂરી હતી કે એ બંધાયેલ હતી એ જેવી મુક્ત થઈ એ તરત જ નાસી છૂટી. જરા પણ એને રસ નહોતો એના માલિક પાસે રોકાવવાનો. આ તો પેલા ગોવાળની જરૂરિયાત હતી કે એણે ગાય પાળવાની છે. એને રોકી રાખવાની છે, જે એની રોજી છે.”

આપણે સૌ પણ આજ રીતે આપણાં સારાનરસા વિચારોથી ધારીએ તો મુક્ત થઈને હળવાશ અનુભવી શકીશું. જો ભારણ અનુભવશું તો જ એનો બોજો લાગશે અને એને સતત ઢરસડવાના વિચારો વધુને વધુ હેરાન કરશે. જવાબદારીઓમાંથી પણ એજ રીતે મુક્ત થતાં રહેવાનું આપણે શીખતાં જવું પડશે નહીં તો એકએક બાબતોનો ભરાવો થશે તો મન અને મગજ બહેર મારી જશે. યોગ્ય સમયે સાચું કામ સૂઝશે નહીં અને ભૂલોના વમળમાં અટવાતું જવાશે.

જેમ મોબાઈલ ફોન અને કોમ્યુટર્સની મેમરી આપણે અવારનવાર ડિસક્લિનપ કરતાં રહીએ છીએ એમ વિચારો અને સ્મૃતિ સંચયના સંગ્રહમાં પણ આજ રીતે સંયમ લાવતાં શીખી જવું જોઈશે તો જ દિવસને અંતે શાંત ચિત્તે ઊંધી જઈ શકાશે અને બીજા દિવસની ઝડપી અને વ્યસ્ત જીવનશૈલીમાં તાલમેલ લાવી શકાશે.

મનને કેળવવું જ રહેશે, એ તો પેલી ગાય જેવું છે. વિચારોને તો જરા સરખી તક મળે તો નાસી છૂટવું છે. જો એમાં નકારાત્મક વિચારોને તમે જેમજેમ છોડતાં જશો એમ જગ્યા થતી જશે નવા અને તાજા વિચારોને સ્વીકારવા માટે. અને તમે એ ગોવાળની જેમ એ જૂના, ખોટા અને નકારાત્મક વિચારોને ઝકડીને જો પોષતા રહેશો તો એ મન ક્યારે અશાંત થઈને એનો ગાળિયો છોડી નિરંકુશ થઈ જશે એ ખ્યાલ પણ નહીં રહે અને એ પછી નુકસાનકારક બાબત એ છે કે સકારાત્મક વિચારોને નવેસરથી લાવવાની મથામણ ખૂબ અઘરી પડે છે. આ જહેમત તો જ સફળ થાય છે જ્યારે આપણે સાચા મનથી એ તરફના પ્રયત્નો કરીએ છીએ.

લેખનઃ કુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’