સપનામાં આવેલ મહાદેવજી તમને કંઈક સૂચવી જાય છે…

તમારા સપનામાં આવીને મહાદેવ આપી શકે છે શુભ વરદાન; થઈ જશો રાતોરાત માલામાલ…

સપનાઓ વિશે કેટલીય માન્યતાઓ પ્રસરેલી છે. દરેક સપનાઓના સૌ કોઈ એમની રીતે અર્થઘટન કરે છે અને તેના ફળની ચિંતા કરે છે. સપના આવવા વિશે અને તેના સાચા ઠરવા પાછળ આજ સુધી કોઈ જ ઠોસ અભ્યાસ નોંધાયા નથી તેમ છતાં તે એક રિસર્ચનો રસપ્રદ વિષય બની ગયો છે સૌ કોઈ માટે. સપના વિશે કહેવાય છે કે ૯૯% લોકોને સપના તેમની માતૃભાષામાં જ આવે છે. સપનાને માનસિક અવસ્થા કે મનોવલણ સાથે જોડીને વૈજ્ઞાનિક બાબત તરીકે જોવાય છે તો કોઈ તેને ઇશ્વરના અભેદ સંકેત તરીકે પણ જુએ છે.

સપના તમારા વિચારો અને તમારી આસપાસ બનેલી ઘટનાઓને આધારિત હોઈ શકે. ઊંઘમાં આપણું શરીર ભલે આરામ કરતું હોય પણ આપણું મગજ વિચારોમાં સક્રિય હોય છે તેને આપણે અર્ધ જાગ્રત મન તરીકે પણ ઓળખીએ છીએ. આ એક એવી પ્રક્રિયા છે કે જેનું કોઈ જ ચોક્કસ તારણ કાઢવું મુશ્કેલ છે. મનુષ્ય દેહના દરેક અંગોને આજ સુધી સ્કેન કરીને તેમાં શું ફેરફાર થઈ રહ્યા છે તે નોંધી શકાય છે. મગજનું પણ સી.ટી. સ્કેન કરી શકાય છે પરંતુ તેમાં કેવા વિચારો ચાલે છે તે નોંધી શકાય તેવું મશીન નથી શોધાયું. કે પછી અત્યાર સુધી કેવાં સપનાંઓ આવે છે તેવો કોઈ કેમેરા નથી બનાવી શકાયો.

હિન્દુ પૌરાણિક ધાર્મિક ગ્રંથો અનુસાર બ્રહ્માજીએ સંસારનું સર્જન કર્યું, વિષ્ણુજી સંચાલન કરે છે મહેશ એટલે કે શંકર ભગવાન સમસ્ત સૃષ્ટિનો વિનાશ કરી શકવા સમર્થ છે. સાથે ભોળા મહાદેવ સૌનું મંગલ કલ્યાણ કરનારા છે. તેઓ પોતાના ભક્તોને ક્યારેય નિરાશ નથી કરતા અને ક્યારેય પોતાના યાચકોને ખાલી હાથે પાછા નથી મોકલતા. તેઓ સૌને યોગ્ય વરદાન સાથે આશીર્વાદ આપે છે જેથી એમનું જીવન સુખી, સમૃદ્ધ અને સ્વાસ્થ્યપ્રદ રહે.

સપનામાં શિવજી દેખાય

જો તમને સપનામાં શિવજીનું શિવલિંગના દર્શન થાય અથવા તો તમે મંદિરમાં શિવલિંગ પર દૂધથી અભિષેક કરતાં નજર આવો તો સમજવું જોઈએ કે થોડા જ સમયમાં તમને આર્થિક લાભ થશે. શિવલિંગ સપનામાં દેખાય એ ખૂબ જ શુભ સંકેત કહેવાય છે.

શંકરની જટાનો ચંદ્ર

જો તમને આ સંકેત સપનામાં દેખાય તો તમારા માટે એક અનેરો અનુભવ હશે તે. સપનામાં જો ભગવાન શંકરની જટામાં રહેલ અર્ધ ચંદ્રાકારના દર્શન થાય તો તે જ્ઞાન મળવાનો સંકેત છે. પરિક્ષાનું પરિણામ કે પરિક્ષામાં પેપર સારું જશે એવું સમજવું.

શંકર – પાર્વતીનું યુગલ

સમસ્ત બ્રહ્માંડમાં ભગવાન શંકર અને માતા પાર્વતીનું દાંપત્ય જીવન સૌથી શ્રેષ્ઠ મનાય છે. તેમને ઉમાશંકર જેવા એક નામથી પણ બોલાવાય છે. આ આદર્શ જોડી જો એક સાથે સપનામાં જો દર્શન આપે તો એવો સંકેત સમજવો કે તમારું દાંપત્ય જીવન મધુર થશે અને જો તમારા લગ્ન ન થયા હોય તો જલ્દી જ સારા સમાચારના એંધાણ આવી શકે.

મહાદેવનું તાંડવ

ભગવાન ભોળાનાથ ભક્તો માટે ખૂબ જ દયાભાવ રાખે છે પરંતુ તેમનો ગુસ્સો પણ એટલો જ ભયંકર હોય છે. તેમનું તાંડવ નૃત્ય તેમના ગુસ્સાનું પ્રતિક છે. જો તમને સપનામાં મહાદેવ તાંડવ કરી રહ્યા હોય તો સમજવું કે તમારે કોઈ સાથે અણબનાવ રહેતો હોય તો જલ્દી જ એ બાબતે સમાધાન કરી લેવું જોઈએ.

શંકરનું મંદિર

મહાદેવને દેવોના દેવ કહેવાય છે. ભલે તેઓ પોતાના શરીર પર અમંગળ ચિન્હો જેમ કે ખોપરીની માળા, વાઘનું ચર્મ અને શરીરે સ્મશાનની ભસ્મ ચોળે છે પરંતુ તેઓ સૌનું મંગળ કરનારા છે. જો તમને સપનામાં શિવ મંદિર, મંદિરની સફેદ અને લાલ પટ્ટીવાળી ધજા કે મંદિરના પગથિયાં દેખાય તો એ પણ એક શુભસંકેત છે.

જો તમને આર્થિક સમસ્યા હોય, લાંબા ગાળાની બીમારી હોય કે પછી કોઈ અન્ય સામાજિક કે પારિવારિક સમસ્યા હોય તો તે દૂર થાય છે અને જીવનમાં ખુશહાલી આવે છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ