સંયમ માર્ગ – એકના એક યુવાન દિકરાને માતા પિતા આપે છે પરવાનગી…

મોટી મોટી ઈમારતો અને આંખોને આંજી દેનારૂ, કીડીયારુ ઉભરાતું હોય તેમ માનવમેદની અવરજવર સાથેનો ભરપૂર ટ્રાફીક એવુ મહારાજા સયાજીરાવ ગાયકવાડ રાજાની નગરી એટલે સોહામણું વડોદરા જે હાલ બરોડા તરીકે પણ પ્રચલિત છે. આ નગરીમાં શહેરના ભરચક વિસ્તારમાં એક નિર્મલદીપ નામની જથ્થાબંધ કરીયાણાની દુકાન આવેલી હતી.નિર્મલદીપ નામ એ દુકાનના શેઠ દિપચંદ અને તેના પત્ની નિર્મલા પરથી રાખવામાં આવ્યું હતું. વેપાર,વાણિજ્ય ખૂબ સારો વારસાગત ધંધો હતો પહેલાં દિપચંદના દાદા દાણીમલ પરથી એમની દુકાનનું નામ હતું પણ દિપચંદ ના લગ્ન બાદ નિર્મલાના સુકનવંતા પગલે ધંધો વિકસ્યો હતો તેથી ત્યારબાદ દુકાનનું નામ બદલવામાં આવેલું.

નિર્મલાબેન ધાર્મિક સ્વાભાવના હોય દાન ધર્મ કરવામાં કાઈ જ પાછી પાની ન રાખતાં દિલચંદ શેઠ પણ તેની સાથ આપતાં, દસ રૂમનો મોટો બંગલો,ઘરમાં બાગ-બગીચા અને નોકર ચાકર હતા પણ ઘર કીકીયારી કરતું બાળક ન હતું. નિર્મલા બેનનો ખોળો સુનો હતો અને તેથી બંગલો પણ ઘણીવાર ખંડેર માફક સુમસામ લાગતો ,તેઓ તેમનું બાળક વગરનું એકલવાયું જીવન જીવતાં હતા અને ખાલીપો દૂર કરવા આડોશ,પડોશના છોકરાંઓને બંગલે ભેગા કરી આનંદ-પ્રમોદ કરાવતાં.

દિપચંદ શેઠ અને નિર્મલાદેવી રોજ સવાર પડે એટલે વહેલા ઊઠીને દેરાસર જાય અને પુજા કરી, હજારો રુપિયાની પ્રભાવના અને ગરીબોને દાન કરતાં તેઓની આવક ખૂબ જ હતી પણ વાપરનાર ઘરમાં કોઈ દિપક ન હતું.એક દિવસ સવારે દેરાસરથી ઘરે જતા હતા ત્યારે તેમના બંગલા સામે આવેલા ઉપાશ્રાયમાં એક મહારાજસાહેબ સવારની નવકારશીની ગોચરી લેવા જતા જોયાં એટલે નિર્મલદેવીના અંતરમાં ભાવ જાગ્યો કે સ્વામી મહારાજને સાતા પુછી આવી સાથે પગે લાગતા આવીએ. તેઓ બન્ને ઉપાશ્રાય તરફ મહારાજા સાહેબ પાસે પોહચી અને મહારાજ સાહેબને ખમાસણા કર્યા. તેઓને ઓળખાણ આપીને ગોચરી લેવા આવવા અંગેની ભાવના વ્યક્ત કરી.

મહારાજા સાહેબે શેઠ અને શેઠાણીના ભાવ કળી લીધા,તેઓએ તરત જ પૂછયું. તમારે સંતાન કેટલાં? પ્રશ્ન સાંભળતાની સાથે અંતરમાં રહેલ વર્ષોની પીડા અશ્રુધારા વાટે બહાર નીકળી આવી.મહારાજસાહેબ સાંકેતિક ભાષામાં જ બધુ સમજી જાય છે. શેઠ-શેઠાણીનું આંગણું બાળગોપાલ વગરનું સુનું છે. શેઠ શેઠાણી થોડીવાર બેઠા અને પછી જવાની રજા લીધી,પગે લાગ્યા એટલે મહરાજ સાહેબે બંનેના માથા પર વાસકેપ છાંટયું. શેઠ-શેઠાણી ઉપાશ્રાયની બહાર નિકળ્યા, શેઠાણી ઘર તરફ ફર્યા અને શેઠ દુકાન તરફ ચાલ્યાં.

શેઠ શેઠાણીનો આ નિત્યક્રમ બની ગયો. એક દિવસ શેઠ- શેઠાણી મહારાજસાહેબ પાસે બેસી સત્સંગની વાતો કરતા હતા, એ દરમિયાન શેઠાણી થી બોલાઈ ગયું ,”સાહેબ મે તમારા વિષે બહુ સાંભળ્યું છે અને આપની પાસે તો લબ્ધીનો ભંડાર છે, તેથી આપ મારી પર દયા કરીને મારો સુનો ખોળો ભરી એક સંતાન ન આપી શકો??” મહારાજસાહેબ નિર્મલાબેન ને સાંત્વના આપતાં કહે છે, “હુ કંઈ ઈશ્વર નથી કે નથી જાદુગર, હુ તમને સંતાનસુખ આપી શકું!! પણ ઈશ્વર પર પુરી આસ્થા રાખશો તો જરુર ઈશ્વર રાજી થશે.” એટલું કહીને મહારાજ સાહેબે શેઠાણીને એક માળા તેમનાં ખોળામાં આપી અને બોલ્યા, ” આ માળા મારી અમાનત તરીકે સાચવશો સમય આવે એટલે હુ પરત માંગીશ.” નિર્મલાબેન આશીર્વાદ લઇ પરત ફરે છે. આ ઘટના બન્યાંના થોડા સમયે શેઠાણીને સારા દિવસો જાય છે, તે ગર્ભવતી બને છે. શેઠ-શેઠાણી અતૂટ શ્રધ્ધા એ માને છે કે, ‘આ મહારાજસાહેબની સેવાનુ જ ફળ છે.’
મહારાજસાહેબનું ઉપાશ્રાયમા રેહવાનુ ચોમાસુ પુર્ણ થાય છે અને તેઓ વિહાર કરી ને જતા રહે છે.

સમયનો પ્રવાહ આગળ વધે છે અને પુરા દિવસો બાદ શેઠાણીને પ્રસૂતિનું વેણ ઉપડે છે. દિપચંદ શેઠને ત્યાં દેવો જેવો કુળદિપકનો જન્મ થાય છે. બાળકની પગની પાનીએ કમળના નિશાન વાળી રેખાઓ જોવા મળે છે જે જોઈને શેઠ શેઠાણી સમજી જાય છે કે આ મહારાજસાહેબના આશીર્વાદથી જ સંતાનસુખ મળ્યુ છે. શેઠાણી સંતાનના પાલન પોષણમા લાગી જાય છે. દેવના દીધેલ દિકરાનુ નામ રુષભ રાખે છે. શેઠની સંતાન સુખની પ્રાપ્તિ થતા તેઓ ખુશીથી રુષભના નામથી એક સરસ ઉપાશ્રાય બંધાવે છે. રુષભની નાનપણ થીજ ધર્મ ધ્યાન તરફ વધુ રુચિ કેળવાય છે . તે હંમેશા ધર્મની જ વાતો કરે ઘણીવાર લોકોને નવાઈ પણ લાગતી કે આવડુ નાનુ બાળક કેટલી ઉંચી ઉંચી વાતો કરે અને વધુમાં પ્રતિક્રમણ, સનાત્રપુજા, અઠાઈ, માસખમણ અને સાંજ પડે એટલે ચૌવીયારતો લઈ જ લેતો. ધર્મ પર આટલી અતુટ ભાવના જોઈને શેઠ શેઠાણીની છાતી ગજ ગજ ફુલતી જતી. રુષભ હવે બાળક માંથી યુવાનીમા પ્રવેશ કરે છે. રુષભ અભ્યાસની સાથે સાથે તેમના પિતા દિપચંદની પેઢી પર પુરુ ધ્યાન આપવા પણ જવા લાગે છે. રુષભ પુરા પચીસ વર્ષનો થાય છે. નિર્મલાબેન દિકરા રુષભને પરણાવીને ઘરબાર બધુ આવનારી વહુને સોપ ને તમામ દેરાસરની યાત્રા કરી અંરિહત શરણે જીવન પૂર્ણ કરી દેવુ તેવુ વિચાર કરે છે.

એક દિવસ સવારે દિપચંદ શેઠનો પરિવાર સાથે બેસી નાસ્તો કરતા હતા. એ જ અમયે નિર્મલાબેન વાત શરૂ કરે છે “આપણા જ જ્ઞાતિની શેઠ કિશોરચંદની દિકરી પ્રજ્ઞા રુષભ માટે મને બહુ જ ગમે છે”. શેઠાણીની વાત પર રુષભ તરફથી કોઈ જ પ્રતિક્રિયા મળતી નથી અને ગાડી લઈને દુકાને જતો રહે છે. શેઠ શેઠાણી વિચારમા પડી જાય છે રુષભના વર્તનમાં વાત ન ગમી હોવાનો અણસાર આવે છે. તેઓ બંને ની મુલાકાત કરાવવા વિશે વિચારવા લાગે છે.
દિપચંદ શેઠ શેઠાણીને કહે છે, ” ઉપાશ્રયમાં બે દિવસ પછી દીક્ષા ગ્રહણ છે જેમાં પાંચ દિક્ષાર્થીઓ દીક્ષા મેળવવાના છે ત્યારે કિશોરચંદ ભેગા થશે એટલે રુષભ-પ્રજ્ઞાની મુલાકાત વિશે વાત કરીશ”

બે દિવસ પછી ઉપાશ્રાયમા દિક્ષાર્થીની દીક્ષા ગ્રહણ માટે લોકો ભેગા થાય છે, દિક્ષાર્થીઓની નગર યાત્રાના નીકળે છે રુષભ એક કાર્યકતા તરીકે દિક્ષાની અને નગરયાત્રાની તૈયારીમાં લાગી જાય છે. રુષભ નગરયાત્રામાં સતત દિક્ષાર્થીઓ સાથે જ રહેતાં પ્રજ્ઞા સાથેની મુલાકાત શક્ય બનતી નથી. પણ દિક્ષાર્થીઓને સંયમ માર્ગ જતા જોઈને મનોમન ખુશ થાય છે અને જન્મકુંડળીના યોગો જાગૃત થઈ જાય છે. રુષભને દિક્ષાગ્રહણના ભાવ જાગે છે.

રુષભ તેમના માતાપિતાને વાત કરે છે, “મા તુ મારૂ સગપણ નક્કી કરવા માટે છોકરી જોવે છે, પણ મારો જન્મ સંસારમાં રહેવા માટે નથી થયો મારે સંયમના માર્ગે જવું છે,હું માં તરીકેની તારી પીડા સમજી શકું છું તમે મારા અને મારા ભવિષ્યના ઘણા સપનાઓ સેવેલા છે પણ એ હું પૂરા નહિ કરી શકું.” રુષભની વાત સાંભળી નિર્મલાબેન રુષભને આવા વિચારો છોડી દેવા સમજાવે છે પણ રુષભ આગળ પથ્થર પર પાણી રેડયાં બરાબર જ નીવડે છે.
માતા અને પુત્ર વચ્ચે વાર્તાલાપ થતો હોય છે ત્યાં જ “ધર્મલાભ” એવો ઉંચો સાદ બાર આંગણે સંભળાય છે. નિર્મલાબેન દરવાજે પહોંચતાં જ મહારાજસાહેબને ઉભેલા જુવે છે. નિર્મલાબેન “પધારો” કહી આવકારે છે અને મહારાજ સાહેબ માટે ગોચરોની વ્યવસ્થા કરવા રસોડામાં જાય છે.

રસોડામાંથી શેઠાણીને આવતા જોઈ મહારાજસાહેબ શેઠાણીને કહે છે, “મે તમને ધણા સમય પેહલા એક માળા આપેલી એ માળા મને પરત આપજો. તમારા ભાગ્ય મા સંતાનસુખ ન હતુ પણ તમારી ધર્મ પ્રત્યેના અતિ ભાવથી પ્રેરાય આ તમારો દિકરો રુષભ કે જે મારા જ પડછાયો છે તેને તમારા ઘરે અવતાર લીધેલો, તેનો હેતુ માત્ર ધર્મના પ્રચાર અને અંરિહતના શરણે જવા માટે જ થયો છે એટલે રુષભને સંયમ માર્ગે હશીખુશી થી જવા દેવામાં જ એમનુ અને તમારું કલ્યાણ છે.
મહારાજસાહેબ એટલું કહી,ગોચરી ઓરી, જતા રહે છે. મહારાજ સાહેબના વચન સાંભળી શેઠાણી મનોમન બહુ વલોપાત કરે છે. રુષભ જવાબમાં કહે છે, “માં હું તમારો હતો જ નહી તો શા માટે મને પરણાવી સંસાર ચક્રમાં ધકેલીને મારુ જીવન બગાડે છે.” અંતે શેઠ શેઠાણી રુષભની વાતો માની જાય છે અને દિક્ષા લેવાની પરવાનગી આપે છે.

ઉપાશ્રયમાં ફરી દીક્ષાગ્રહણ ઉજવાય છે અને રુષભ દિપચંદ અંર નિર્મલાબેનનો કાળજનો કટકો દીક્ષા ગ્રહણ કરવા છે,વાજતે ગાજતે પુરા ગામને નવકારશી જમાડીને રુષભને સંયમ માર્ગ જવા માટે વિદાય કરે છે. થોડાં દિવસો રુષભ વગર શેઠ-શેઠાણીને સુનું સુનું લાગે છે અને અંતે શેઠાણી કહે છે, “હવે આપણુ તો કોઈ નથી તો,આપણે કોની માટે જીવવુ એના કરતા આપણે પણ દિકરાની જેમ દીક્ષા ગ્રહણ કરી સંયમમાર્ગ પર નીકળી પડીએ. નિર્મલાબેન અને દિપચંદ શેઠ એમની વાત મહારાજસાહેબ ને કરે છે. એમની ઇચ્છા સહર્ષ સ્વીકારી મહારાજસાહેબ બંનેને એકસાથે દિક્ષા આપે છે.

દિપચંદ શેઠ એમનું સર્વસ્વ ઉપાશ્રયમાં અર્પણ કરી પરિવાર સાથે અંરિહતના શરણે જતા રહે છે અને સમાજસેવા સાથે ધર્મ પ્રચાર કરવા ચાલી નિકળે છે.
જય જિનેન્દ્ર…..
Note: આ સ્ટોરી કોઈ ના જીવન પર આધારિત નથી પુરી કાલ્પનિક છે જેની નોધ લેવી…
લેખક : સંજય ભટ્ટ