સંતાનોને ઉતારી પાડવાને બદલે એની ક્ષમતાઓને ખીલવવા માટે આટલું દરેકે સમજવું…

બાળકોને હતોત્સાહિત કરવાને બદલે જો એને પ્રેરણા અને પ્રોત્સાહન આપવામાં આવે તો એનું પરિણામ હંમેશા જુદુ જ મળતું હોય છે. સંતાનોને ઉતારી પાડવાને બદલે એની ક્ષમતાઓને ખીલવવા માટેનો પ્રયાસ કરવો જોઇએ પણ બહુ દુ:ખ સાથે કહેવું પડે કે આપણે આપણા સંતાનોને પ્રોત્સાહિત કરવાને બદલે હતોત્સાહિત કરવાનું કામ વધારે કરીએ છીએ. દરેક મા-બાપ પોતાની જાતને પ્રશ્ન પુછે કે તે એમના બાળકોને પ્રેરણા આપે છે કે ઉતારી પાડવાનું કામ કરે છે ? અરે આપણે તો એવા મા-બાપ છીએ કે બીજા લોકો પાસે સંતાનની હાજરીમાં આપણા સંતાનની બુરાઇ કરીએ છીએ.

મોરબીમાં એક સેમીનારનું આયોજન હતુ. મેં આ સેમિનારમાં યુપીએસસીની પરીક્ષા અંગેની સંપૂર્ણ માહીતી આપી અને સ્પીપા આ પરીક્ષામાં કેવી રીતે મદદરૂપ થાય છે તે સમજાવ્યુ.સેમીનાર પુરો થયો એટલે મને એક વિદ્યાર્થી મળવા માટે આવ્યો. ધો.12માં અભ્યાસ કરતો એ વિદ્યાર્થી ભણવામાં ખુબ જ હોશીયાર હતો. એમને આ પરિક્ષાની તૈયારી કરવાની ઇચ્છા હતી. પરીક્ષાની તૈયારી માટે એની પાસે પુરતો સમય હતો અને છોકરો હોશીયાર હતો એટલે એ જો તૈયારી કરે તો આ પરીક્ષા પાસ કરી શકશે એવો મેં એને વિશ્વાસ અપાવ્યો.

એક નવા સ્વપ્ન બીજ સાથે છોકરો એના ઘરે ગયો. બીજા દિવસે એનો મારા પર ફોન આવ્યો. એને મને કહ્યુ કે સાહેબ મારા પપ્પા મને આ પરીક્ષાની તૈયારી કરવાની ના પાડે છે. મેં કહ્યુ તારા પપ્પા બાજુમાં હોય તો એને ફોન આપ. એણે ફોન એના પપ્પાને આપ્યો. મે એના પપ્પાને સમજાવવાનો પ્રયાસ કર્યો પણ એના પિતાજી વારે વારે એક જ વાત કહી રહ્યા હતા ‘ આ કલેકટર બનવુ એ કંઇ નાનીમાંના ખેલ નથી અમારા છોકરા ક્યારેય આવી પરીક્ષાઓ પાસ કરી જ ન શકે. મેં ખુબ સમજાવવાનો પ્રયાસ કર્યો પણ એની એક જ વાત કરતા રહ્યા ‘અમારા છોકરાઓનું આ કામ નહી’
આપણને આપણા સંતાનો પર જ વિશ્વાસ નથી હોતો અને એમાં પણ જો પરીણામ થોડુ નબળું આવે તો પછી એને સંભળાવવામાં કંઇ જ બાકી નથી રાખતા. ‘તારાથી આ ન થઇ શકે’ ને બદલે ‘ બેટા, તું ચોક્કસ કરી શકે’ નો એટીટ્યુડ આવે ત્યારે ચોક્કસ પણે બાળકની પ્રગતિ થાય.

મહાભારતના યુધ્ધમાં પાંડવ અને કૌરવ આ બંને સેના પૈકી તમામ રીતે કૌરવ સેના ચડીયાતી હતી. કૌરવો પાસે 11 અક્ષૌહીણી સેના હતી જ્યારે પાંડવો પાસે 7 અક્ષૌહીણી સેના હતી, કૌરવો રાજ સત્તા પર હતા જ્યારે પાંડવો વનમાં ભટકતા ભીખારીઓ હતા. કૌરવ પાસે ભિષ્મ, દ્રોણ, કૃપાચાર્ય જેવા અનુભવી યોધ્ધાઓ હતા જ્યારે પાંડવો પાસે અમુકને બાદ કરતા સારા યોધ્ધાઓનો અભાવ હતો. કૌરવસેના તમામ રીતે પાંડવસેના કરતા ચડીયાતી હોવા છતા મહાભારતના યુધ્ધમાં એનો પરાજય થયો અને પાંડવોનો વિજય થયો એ માટે બે મહત્વના કારણો જવાબદાર હતા. કૌરવોના પક્ષમાં રહેલા મામા સૈલ્ય અને પાંડવોના પક્ષમાં રહેલા ભગવાન શ્રીકૃષ્ણ. મામા સૈલ્ય ઢીલી પોચી વાતો કરીને કૌરવ સેનાનું મનોબળ તોડવાનું કામ કર્યુ અને ભગવાન શ્રીકૃષ્ણ તુટી ગયેલા અને ભાંગીને ભુક્કો થઇ ગયેલા અર્જુનને પ્રેરણા અને પ્રોત્સાહન આપી યુધ્ધ લડવા માટે તૈયાર કરવાનું કામ કર્યુ.

મા-બાપે મામા સૈલ્યની ભૂમિકામાંથી બહાર આવીને ભગવાન શ્રીકૃષ્ણની ભૂમિકામાં આવવાની જરૂર છે. અર્જુન જેવો મહાયોદ્ધો પણ જો ઢીલો પોચો થઇ જતો હોય તો આપણું સંતાન પણ ઢીલુ પોચુ થાય એ સ્વાભાવિક છે. આવા સમયે આપણે જો ભગવાન શ્રીકૃષ્ણની જેમ ગુસ્સો કર્યા વગર એને પ્રેરણા અને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરીશું તો આપણું સંતાન પણ જીવનયુધ્ધ લડવા માટે તૈયાર થઇ જશે અને વિજય પણ પ્રાપ્ત કરશે.

લેખક : શૈલેશ સગપરીયા સાહેબ

ટીપ્પણી