આજની પોઝિટિવ સ્ટોરી: 13 વર્ષની દીકરી દીયાની પ્રેરણાથી લોકડાઉનમાં 16 દિવસમાં રીઅલ એસ્ટેટનું વૈશ્વિક સ્તરનું પુસ્તક લખતા સંદીપ સબનાની

આજની પોઝિટિવ સ્ટોરી

13 વર્ષની દીકરી દીયાની પ્રેરણાથી લોકડાઉનમાં 16 દિવસમાં રીઅલ એસ્ટેટનું વૈશ્વિક સ્તરનું પુસ્તક લખતા સંદીપ સબનાનીઃ શૂન્યમાંથી સર્જન કરનારા સંદીપભાઈ પાસે વિશ્વના અનેક દેશોનો રીઅલ એસ્ટેટનો અનુભવ છે..આલેખનઃ રમેશ તન્ના લોકડાઉનમાં ઘણા લોકોએ પુસ્તકો લખ્યાં છે. વિશ્વના જુદા જુદા દેશોમાં રીઅલ એસ્ટેટ સહિતની સેલ્સ-માર્કેટિંગની સફળતાથી ફરજ બજાવનારા સંદીપભાઈ સબનાનીએ પણ અંગ્રેજી ભાષામાં “ધ રીઅલ એસ્ટેટ એજ, ડેસ્ટિની અનફોલ્ડ્સ” નામનું પુસ્તક ખૂબ જ મહેનત કરીને માત્ર સોળ દિવસમાં લખ્યું છે. તેમની 13 વર્ષની દીકરી દીયાએ પિતાને પુસ્તક લેખન માટે પ્રેરણા આપી તો સાથે સાથે પુસ્તક માટેની ફાયનલ પ્રત તૈયાર થઈ ત્યાં સુધી પૂરો સહયોગ પણ આપ્યો. નવી પેઢી પ્રેરક અને પૂરક બની શકે તે દીયાએ સાબિત કર્યું.

image source

આ 158 પાનાનું અંગ્રેજી ભાષામાં લખાયેલું પુસ્તક ભારતમાં આ ક્ષેત્રનું કદાચ પહેલું એવું પુસ્તક છે જેમાં અનુભવો સાથે અનેક ઉપયોગી ટીપ્સ આપવામાં આવી હોય. સંદીપભાઈને આવા પુસ્તકની સતત ખોટ અનુભવાતી હતી જે તેમણે પોતે જ પૂરી કરી. આ પુસ્તકમાં પરિણામલક્ષી ટીપ્સ, તકનિકો અને રીઅલ એસ્ટેટમાં સફળતા માટેની વ્યૂહરચના કેવી હોવી જોઈએ તેના અનેક ઈંગિતો મૂકાયાં છે.

image source

પુસ્તકના પ્રકાશક તેથી જ કહે છે કે ખરેખર વિકાસકર્તાઓ અને રીઅલટર્સ, બ્રોકર્સ, એજન્ટો, ઉદ્યમીઓ, વ્યાવસાયિક માલિકો અને સેલ્સ અને માર્કેટિંગનો અભ્યાસ કરતા માટે આ પુસ્તક સફળતાની માર્ગદર્શિકા બને તેવું સુંદર બન્યું છે.તેનું કારણ કે લેખકનું પોતાનું જીવન. ઓસ્ટ્રેલિયા,અમેરિકા, આફ્રિકા સહિત વિશ્વના 30 દેશોમાં તેમણે સેલ્સ અને માર્કેટિંગનો વિવિધ ક્ષેત્રોનો અનુભવ લીધો છે, રીઅલ એસ્ટેટ ક્ષેત્રના વૈશ્વિક પ્રવાહોને તેઓ ઘોળીને પી ગયા છે, એ તો ખરું જ, સાથે સાથે તેઓ પોતે ઊંડી ખાઈમાંથી શીખર પર આવ્યા છે. માત્ર લખાયેલા કરતાં જીવાયેલા-અનુભવાયેલા શબ્દોમાં વધારે શક્તિ હોય છે. અનેક પ્રકારના અનુભવોથી ટીપાયેલા-તપેલા લેખકે આ પુસ્તકમાં પોતાના જીવનના અંશો- કેફિયત તથા અનુભવો રજૂ કરીને પુસ્તકને વધુ સમૃદ્ધ કર્યું છે તેના કારણે પુસ્તક રસપ્રદ બન્યું છે.

image source

એક વખત વાચક પુસ્તક હાથમાં લે પછી આખું પૂરું કરવાનું મન તેને થાય છે. આ પુસ્તકની વિશેષતા એ છે કે તે એક સાથે અનેક દેશોના રીઅલ એસ્ટેટના રાહો-પ્રવાહોને રજૂ કરે છે. લેખકનો વિશ્વના જુદા જુદા દેશોનો સેલ્સ એન્ડ માર્કેટિંગનો વૈવિધ્યપૂર્ણ અનુભવ આ પુસ્તકને સમૃદ્ધ બનાવે છે.શૂન્યમાંથી સર્જન કરનારા સંદીપભાઈ સબનાની સિંધી સમુદાયના છે. 1948માં તેમનો પરિવાર પાકિસ્તાનમાંથી ભારત આવ્યો. જૂનાગઢ પાસેના બાંટવા ગામમાં રહ્યા પછી 1960માં તેમનો પરિવાર અમદાવાદ આવ્યો. સિંધી સમુદાય મહેનત કરીને વેપાર જમાવવામાં વિશ્વખ્યાત છે.

image source

સંદીપભાઈના પિતાએ ધંધો જમાવ્યો. અમદાવાદમાં તેમની કાપડ બજારમાં મોટી પેઢી હતી. કોલ્ડ ફેકટરી સહિત બીજા પણ ઘણા ધંધા હતા. 2000 ચો.વારમાં તેમનો બંગલો હતો. સમૃદ્ધ અને પ્રતિષ્ઠિત પરિવાર. સામાજિક દાયિત્વ પણ જબરજસ્ત. સિંધી પંચાયતના સ્થાપક સભ્ય તો સિંધુ ભવનમાં પણ તેમના પરિવારજનો ટ્રસ્ટી. સિંધી સમાજના ધર્મના, જાહેરજીવનના કે અન્ય કોઈ પણ ક્ષેત્રની મોભી કે જાણીતી વ્યક્તિવિશેષ તેમના ઘરે ના આવી હોય તેવું બને જ નહીં.

image source

સંદીપભાઈના બૃહદ પરિવાર માટે એક સમય એવો આવ્યો કે જ્યાં શીતળ છાંયડો હતો ત્યાં ધોમધખતો તડકો આવ્યો. આ સહજ છે. તડકો-છાંયડો રાત-દિવસ જેટલા જ સ્વાભાવિક છે. સંદીપભાઈ જ્યારે કારકિર્દીના પ્રવેશદ્વારે ઊભા હતા ત્યારે જ આવી કઠણ સ્થિતિનો તેમને સામનો કરવાનો આવ્યો.એક રીતે સારું થયું કારણ કે પડકારોનો સામનો કરીને પોતાની જાતને તપાવવાની તેમને ઉત્તમ તક મળી.એ તકને તેમણે ઝડપી લીધી.

image source

સંદીપભાઈએ અમદાવાદની એલ.ડી એન્જિનિયરિંગ કોલેજમાંથી પ્લાસ્ટિક વિષયમાં ગ્રેજ્યુએશન કર્યા પછી એએમએમાંથી ઈન્ટરનેશનલ બિઝનેશનો કોર્સ કર્યો. એ પછી દુનિયાના જુદા જુદા દેશોમાં કાર્ય કરતા ગયા અને જાતમાં સજજ્તા અને અનુભવો ભરી ભરીને અપડેટ થતા ગયા. પરાક્રમો જ કહી શકાય તેવાં પરિણામો તેમણે વારંવાર મેળવ્યાં છે. 2001થી 2010 સુધી તેઓ પરિવાર સાથે ઓસ્ટ્રેલિયામાં હતા. તેમનો ત્રણ જણનો પરિવાર ઓસ્ટ્રેલિયન સિટિઝન છે.

image source

અહીંની એક ટોચની કંપનીમાં એવું જબરજસ્ત પરફોર્મન્સ આપ્યું કે રેડ કાર્પેટ સાથે તેમને એવોર્ડ અપાયો અને કંપનીના માલિકે તેમના કાર્યની જબરજસ્ત પ્રસંશા કરી.સંદીપભાઈએ હસતાં હસતાં કહે છે કે મેં તો નિષ્ઠાથી કામ કર્યું છે. ભગવાને તેનું ફળ આપ્યું છે.તેમને જે સફળતા મળી તેમાં તેમની સજ્જતા, નિષ્ઠા, આકરો પરિશ્રમ, સ્થિતિને ક્રિએટીવ રીતે જોવાનો અભિગમ, કોઈ પણ સ્થિતિમાં લક્ષ્યાંકને મેળવવાની જીદ.. આ બધાનો સમાવેશ થાય છે. તેમણે ભારતમાં પણ ટોચની કહી શકાય તેવી રીઅલ એસ્ટેટની કંપનીઓમાં કામ કરીને સમગ્ર વિશ્વમાંથી બિઝનેશ લાવી આપીને કદરદાની ઉપરાંત એવોર્ડ પણ મેળવ્યા છે.

પોતાની સફળતા માટે તેઓ પોતાનાં માત-પિતા અને જીવનસાથી કિરણબહેનને ખાસ્સો યશ આપે છે. તેઓ કહે છે કે જો કિરણે મને સહયોગ ના કર્યો હોત તો હું આ મૂકામ પર પહોંચી ના શક્યો હોત અને પુસ્તક પણ ના લખી શક્યો હોત.તેમના “ધ રીઅલ એસ્ટેટ એજ, ડેસ્ટિની અનફોલ્ડ્સ” પુસ્તકનું પ્રથમ પ્રકરણ છેઃ 25 બાય 35. તેઓ જ્યારે 35 વર્ષના હતા ત્યારે 25 દેશો ફરી ચૂક્યા હતા.આ પુસ્તકમાં ઉદ્યોગકારોને પ્રતિકૂળ પરિસ્થિતિઓને અસરકારક તકોમાં ફેરવવાની ચાવીઓ લેખકે સુલભ કરાવી છે. બિનપરંપરાગત પસંદગી અને નિર્ણાયક ક્રિયાઓ દ્વારા લેખકે મેળવેલી સફળતા પુસ્તકના પાને પાને પ્રસરી છે.

“ધ રીઅલ એસ્ટેટ એજ, ડેસ્ટિની અનફોલ્ડ્સ” પુસ્તકના લેખક – શ્રી સંદીપ સબનાનીએ જોયું કે રીયલ એસ્ટેટના પ્રસાર માટે ભારતમાં ભારતીય લેખકો દ્વારા ભાગ્યે જ કોઈ પુસ્તકો ઉપલબ્ધ છે. તેથી, COVID-19 લોકડાઉન સમયગાળા દરમિયાન તેમણે ખૂબ જ મહેનત કરીને આ પુસ્તક લખ્યું અને પ્રકાશિત કર્યું. જાણીતા પ્રકાશક પેનમેને આ પુસ્તક પ્રકાશિત કર્યું છે. તેની કીંમત 199 રૃપિયા છે.આ પુસ્તક એમેઝોન પર બન્ને સ્વરૂપમાં ઉપલબ્ધ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ