જલ્સા કરોને જેંતીલાલ

સંપેતરું – સસરાનું મોકલાવેલ સંપેતરું બલરામને સદી ગયું ને નસીબ આડેથી પાંદડું ખસી ગયું…

વહેલી સવારે, હજુ મોં સૂઝણું થયું ન્હોતું ને ભોરીંગણા ગામની એ સાંકળી શેરીમાં એક ગાડું આવીને ઊભું રહયુ, ગાડાખેડુએ ગાડા પરથી ઉતરી બલરામની ખડકીની સાંકળ ખખડાવી. આથી બલરામની ઘરવાળી જાગી. એણે સાદ દીધો, ” કોણ ? આટલી વહેલી સવારે.” ” એતો હું ભોજો, વેકરિયેથી.” વેકરીયું એનું પિયર. પિયરનું નામ સાંભળી જશીને ફાળ પડી. એ તો હાથમાં ટમટમતું દિવડું પકડી ધૂંધળા અંધારામાં બાહાર આવી. જોયું તો તેના બાપા નાની બહેન નબુની સાથે ઊભેલા, તે ઝપાટે ખડકીમાં આવ્યા. ઉતાવળે ઉતાવળે જશી સાથે થોડી વાત કરી, ને નબુને મૂકીને ચાલતા થયા.

” પણ બાપા આટલી ઉતાવળ ? ચા-પાણી….” પથારીમાંથી ઊભાં થતાં બલરામેં તેના સસરાને પાછા વાળવા પ્રયત્ન કર્યો. “જમાઈરાજ!” બલરામની વાત વચ્ચેથી કાપતાં એ બોલ્યા, ” મારે દા’ડો ઉગે તે પહેલાં વેકરીયે પહોંચવાનું છે. અત્યારે હું થોડો ઉતાવળમાં છું ” ખડકી તરફ ચાલતાં એમણે ચોખવટ કરી.

હકીકત જાણે એવી બની હતી કે, બલરામની સાળી નબુને ગામના ખાઈબદેલા ને માથાભારે, મનજી ડાયાના વચેટ દીકરા સાથે લફરું થઈ ગયેલું . આ માથાના ફરેલ માણસને તો કાંઈ કહી શકાય તેમ હતું નહીં. આથી નબુનો પગ કુંડાળામાં પડી જાય, એ પહેલાં એને થોડો સમય જશીના ઘેર રાખવી એવું નક્કી કર્યું હતું. વાડ સાંભળે વાડનો કાંટો સાંભળે એ પહેલા, નબુને જશીના ઘરે મૂકીને દિવસ ઊગ્યા પહેલાં એ વેકરીયા ભેગા થઈ જવા ઇચ્છતા હતા.

ભોરીંગળા ગામની આડી-ઊભી શેરીઓના કાચા મકાનમાં બલરામ દુકાન લગાવીને બેઠેલો. દસ-બાર કાટ ખાઈ ગયેલાં ડબલાં, એકાદ બે માટીની અનાજ ભરવાની કોઠીઓ, તેલનો ડબ્બો ને લાકડાના ઘોડાથી સજાવેલી આ હાટડી, જતાં આવતાં લોકની નજરમાં બહુ ઓછી પડે. બે ત્રણ કોથળા પર પોતાનો અસલ રંગ ગુમાવી ચુકેલી ગાભાની ગોદળી પર બલરામ બેઠો હોય. કાળી ટોપી ,દેશી બંડી ને કધોયણે પડી ગયેલું ધોતિયું એ એનો પહેરવેશ. દુકાને બેઠો બેઠો આખો દિવસ માખીઓ મારે. સાંજ પડે માંડ બે પાંચ રૂપિયાના ટિકડા, કચુકા કે બાઈઓને ખાવાના ભુતળાનો વેપલો થાય. નસીબજોગે જો કોઈ મોટું ઘરાક આવી ચડે તો જશી કામ કરતી કરતી ઘરાક સામું જોઈને થોડું મલકાય, કારણ ઘરને દુકાન બેય ભેગું.

ક્યારેક એવું પણ બને કે, ઘરાકને બે ચાર ચીજ લેવી હોય,ત્યારે બલરામ કેટલાંય ડબલાં ફેંદીવળે તોય એકાદ વસ્તુ તો ખૂટતી હોય, આથી ઘરાક ચાલતી પકડે. ધંધો ઓછો ચાલવાનું આ પણ એક કારણ. હા, એટલું ખરું કે એની દુકાનની સૂંઠ વખણાય. એ ગમે ત્યાંથી લાવતો હોય, પણ જેના ઘરે સુવાવડનો ખાટલો આવવાનો હોય, એ સૂંઠ લેવા, તો બલરામની દુકાને જ આવે. લાકડાની દાંડી વાળાં દેશી ત્રાજવાંની કરામતથી પછી એ ગ્રાહકનો કસ કાઢી લે.

દૂકાને, દાળિયા,સિંગ ને નારિયેળ જેવી ચીજો મળે, પણ અઠવાડિયે રડયૂખડયાં બે ચાર ઘરાક ડોકાય, એટલે આવી વસ્તુ લાંબો સમય પડી રહે , તેથી ખોરી થઈ જાય. પછી આવી આઉટ ઓફ ડેટ થઈ ગયેલી વસ્તુઓ બલરામ લોકોને મીઠું મીઠું બોલી ઓછા ભાવે પકડાવી દે. આ કારણે તેનું નામ ‘બલરામ ઢટ્ટો’ છપાઈ ગયેલું. ઢટ્ટો એટલે લોકોને છેતરી લેનાર. ગામના બધાં એને આવા વિચિત્ર વિશેષણથી બોલાવે, તોય એ ચહેરા પર જરાય અણગમો ઉગવા ના દે. એક હાથમાં ડબલુ ને બીજા હાથમાં ધોતિયાનો છેડો પકડીને સવારે બલરામ લાંબી ફાળે નદી તરફ જતો હોય, ત્યારે કોઈ સામે મળે તો એનાથી જરા ફંટાઈને ચાલે, એ વખતે આપણને એનું સાચું વ્યક્તિત્વ દેખાઈ આવે.

દુકાનના ઉંબરે ઘોડાની નાળ ફિટ કરાવેલી. રોજ અગરબત્તી કરે, દર મહિને દુકાને લીંબુ મરચાં લટકાવે છતાં, અકરમીનો પડીયો કાણો ! ને કાણો જ રહી જાય. ભીખાજી દરબાર, રૂપલી દાતણવાળી ને રેમતખાન જત જેવા કેટલાંક તેનાં કાયમી ઘરાક ખરાં. ક્યારેક આવાં ઘરાકને ઉધાર ધીરવું પડે. આવાં ઉધારીયા ઘરાક, બલરામને શેઠ કહીને બોલાવે એટલે એની છાતી ગજ ગજ ફુલાય.

તે બાર મહિને સરવૈયું કાઢે ત્યારે સો ના સાઈઠ થઈ ગયેલા હોય , એ ખાદ્ય પછી એ એના સસરા –જશીના બાપાના માથે મારે. એક બાજુ મંદીનું મોજું અને ઉપરથી સસરા એને સાળી નામનું સંપેતરું સોંપી ગયા. આથી બલરામને જરા મુંઝવણ તો થઈ. તેણે વિચાર્યું, ” નબુ માટે મારે હવે બનેવી તરીકે જ નહીં, તેના બાપ તરીકેની ભૂમિકા ભજવવાની રહેશે.” પોતાને કોઈ સંતાન ના હોઈ તેનું મન આમ વિચારવા લાગ્યું.

પુરી સાડા પાંચ ફૂટ ઊંચીને પાતળી સાગના સોટા જેવી કાયા. મારકણી આંખો ને બોલે ત્યારે જાણે મોઢામાંથી ફૂલ ઝરતાં હોય ! એવી નર્મદા ઉર્ફે નબુ, પહેલાજ દિવસથી કામમાં જોતરાઈ ગઈ. મોટી બહેન સાથે એ કુવે, તળાવે ને ઉકરડે ફરી આવી, ત્યાંતો ગામમાં નવા આવેલા મહેમાનની વાત, જંગલમાં આગ ફેલાય એટલી ઝડપે ફેલાઈ ગઈ.

થોડા દિવસોમાં તો એની દુકાનની ઘરાકીમાં ઉછાળો આવ્યો. પતરાની પેટીનો ગલ્લો સાંજ પડે છલકાતો થઈ ગયો. કામઢી નબુ એના બનેવીને દુકાનના કામમાં મદદ કરાવા લાગી એનો પ્રભાવ જણાઈ આવ્યો. કઈ વસ્તુનો શું ભાવ લેવો, ને દેશી દાંડીના ત્રાજવાં કેમ પકડવાં. એ બધું છછેકી નબુ, ફડાકામાં શીખી ગઈ. કાયમ ગ્રાહકની રાહ જોતા બલરામને પણ થયું કે, ” હાળું ! માનો ના માનો, પણ આ સંપેતરું કાંઈક સારા પગલે આવ્યું લાગે છે ! ”

જોત જોતામાં તો દુકાનનો માલ ખાલી થવા આવ્યો. આથી એણે શહેરમાંથી ત્રણ ચાર ગાડાં ભરીને નવો માલ મંગાવી લીધો.

સાંજ થવા આવેને ગ્રાહકોની ઠઠ વાગે. નબુ અને એના બનેવીને શ્વાસ લેવાનોય સમય ના મળે. ખાસ તો ગામના જુવાનીયાની ઘરાકી વધુ. પાનપડીકી, ધુપેલ ને કાંસકા જેવી પહેલાં ના ખપતી વસ્તુઓ, ચપો ચપ ઉપડવા લાગી. વસ્તુ લેતીદેતી વખતે અજાણતાં જો કોઈને નબુની સરગવાની સિંગ જેવી આંગળીઓનો સ્પર્શ થઈ જાય, તો સામેવાળો પાણી પાણી થઈ જાય. બાકી વધેલા પૈસા પાછા લેવાનું એને ભાન ના રહે. દુકાનની સામેના લીમડા નીચે તો છોકરાઓનો મોડે સુધી જમેલો જામ્યો પડ્યો હોય. એમાંથી અડધા ઉપરનાનાં તો બાળલગ્ન થઈ ગયેલાં, તોય એમને આ દુકાન સામે આવીને ઊભા રહેવાની લત પડી ગયેલી. ભાદરવામાં કૂતરાઓને જેમ અંદર અંદર ખાર પડે, તેવો ખાર આ છોકરાઓ વચ્ચે પડી ગયેલો.

જુવાનિયાઓમાં જાણે નવી હવા ફૂંકાવા લાગી. જે અઠવાડિયે એક વખત ન્હાતા હતા, એ હવે રોજ ન્હાતાધોતા થઈ ગયા. કેટલાક તો વળી લાંબા નાળાવાળી ચોઈણી ને પાણીચું આપી પેન્ટ-બુશર્ટ પહેરતા થઈ ગયા. ગાલ પર રેલા ઉતરી આવે એટલું તેલ માથામાં ધબેળવા લાગ્યા. જશી ઘરના કામથી પરવારી કામગરી નબુને લઈને બપોરે બાંધલિયે કુવે કપડાં ધોવા જાય ત્યારેતો કુવા પર એટલી ભીડ થાય…એટલી ભીડ થાય કે પડે એના કટકા.

થોડા સમયમાં તો બલરામે બાજુના મકાનને ગોડાઉન તરીકે ભાડે રાખી લીધું. જુવાન તો જુવાન પણ આધેડ વયના ગોળ ખરીદવાના બહાને દુકાને આવીને, નબુના હાથે ગોળના રવા ચાખતા થઈ ગયા. દુકાને ખાલી બેસવા આવતા ડોહા-ડગરાનો વહેવાર સાચવવા રોજની એક બે ગડી બીડીઓની વપરાવા લાગી. ગામમાં બીજી ત્રણ દુકાનો હતી. હવે માખીઓ મરવાનો વારો તમનો હતો. તેઓ મંદીના મોજા હેઠળ કચડાવા લાગ્યા.

કોઈ લીલા ચણાનો ઓળો આપી જાય, તો કેટલાક છોકરા વળી નબુને બહુ ભાવતાં તાજા ચણી બોરનો ઢગલો કરી જાય. કોઈ નબુને દુધનો લોટો હાથોહાથ પકડાવી ધન્યતા અનુભવે. સસરાનું મોકલાવેલ સંપેતરું બલરામને સદી ગયું ને નસીબ આડેથી પાંદડું ખસી ગયું. મોટા ભાગનાં ગામનાં લોકો હવે તેને બલરામ શેઠ કહીને બોલાવા લાગ્યાં.આમ બલરામ શેઠતો હવે ઉપાડયા ઉપડતા ના હતા. મોટા ભાગે એ મનુભાઈ સોનીની દુકાને બેઠેલા જોવા મળે. બીજી બાજુ જશીના શરીરનું અને શરીર પરના દાગીનાનું વજન વધવા લાગ્યું.

પણ માણસના બધા દિવસો સરખા જાતા નથી. બન્યું એવું કે વજેરામ ભણજીનો ભોપલો, ઉર્ફે ભીખો, ઉર્ફે ઓમપ્રકાશ વેકેશનમાં ઘેર આવ્યો હતો. શહેરી રંગે રંગાએલો ભોપલો ! ઇસ્ત્રીબંધ કપડાં, આંખે કાળાં ગોગલ્સ, હાથે સોનેરી ઘડિયાળને ગળામાં લચકા જેવી સોનાની ચૈનવાળો ભોપલો ! જે એકજ મહિનામાં ગામના બધા છોકરાને પાછળ છોડીને બાજી મારી ગયો. એક વહેલી સવારે આ ભોપલો ને નબુ ગુમ થઈ ગયાં. ગામ આખામાં સોંપો પડી ગયો. જશી હબક ખાઈ ગઈ. બસ ત્યારની ઘડીથી બલરામની સાડસતી બેસવાની શરૂ થઈ. ધીમે ધીમે ઘરાકી ઘટતી ગઈ. માલ ભરી દીધો હતો પણ કોઈ ભાવ પૂછવાય આવતું ના હતું.

એક સમયતો એવો આવ્યો કે, દુકાને કાગડા ઉડવા લાગ્યા. હા, રેમતખાન જત, રૂપલી દાતણવાળી જેવાં આઠ-દસ ઘરાક હજુ ચાલુ હતાં. પણ તેથી શું ? આ તો આભ ફાટ્યું હતું ! થિંગડું ક્યાં દેવું ? કારોબાર ઘટતો જતો હતો. ગોડાઉનમાં ભરેલા માલનાં નાણાં રૂંધાઇ ગયાં હતાં. એતો ઠીક પણ માલ બગડતો હતો, જેથી નુકશાની વધતી જતી હતી. લેણદારો કાળો કકળાટ કરતા હતા. હવે નબુતો હતી નહીં, ને એના વિના દુકાન ધમધમતી થાય તેમ નહોતું. બલરામ શેઠ બધી બાજુથી ભેખેડે ભરાઈ ગયા હતા. જશી શેઠાણીના શરીર પરના ચરબીના થર ને દાગીના ધીમે ધીમે ઉતરવા લાગ્યા હતા. થોડા દિવસોમાં અચાનક તેના સસરા, મૂંઝવણના ઉકેલ સ્વરૂપમાં તેના મહેમાન બન્યા.

” આવો..એવો… બાપુજી, બહુ વાર લગાડી તમેતો.” સસરાએ સોંપેલ સંપેતરું તે સાચવી શક્યો ના હતો તેથી ડરતાં ડરતાં એ બોલ્યો.” જમાઇરાજ.” એના સસરા બોલ્યા, “છેલ્લે નબુને મુકવા આવ્યો’તો.. બાકીના શબ્દો એ, જશીએ આપેલી ચ્હાના ઘૂંટડા ભેગા ગળી ગયા. ” હોય બાપુજી!” બલરામ બોલ્યો, ” અમે તો ઘણી ચીવટ રાખતાં ! પણ આ તો જુવાન લોહી ! ખોટું પગલું ભરતાં એણે વિચાર ના કર્યો. ઉપરથી અમને ભોંડના ભાગીદાર બનાવતી ગઈ.”

” સવાલ નબુનો નથી.” એના સસરા બોલ્યા. ” સવાલ નબુથી નાની કંચનનો છે. મારી કંચનતો નબુથીએ રૂપાળી ! અમારા ફાટીને ધુમાડે ગયેલા ગયેલા ગામમાં અમે આ સાપનો ભારો કેવી રીતે સાચવશું ? એની ચિંતા મને ને તમારી સાસુને કોરી ખાય છે. તમારું મન જો માને તો હું કંચનને અહીં મૂકી જાઉં. જશીનેય સારું રહેશે.”

નબુ જે છોકરા સાથે ભાગી હતી, એ એમના સમાજનો જ છોકરો છે એવું જાણ્યા પછી જશીના બાપાના હૈયાનો ભાર જરા હળવો થયો હતો. ઘી ખીચડીમાં ઢળ્યું હતું, એનો થોડો રાજીપો હતો.

બીજા નંબરની સાળી કંચનને પોતાને ઘેર મુકવાની, સસરાની ઈચ્છા જાણી બલરામને તો ગુલાન્ટિયું ખાવાનું મન થઇ ગયું ! આ ખુશીની અસર ચહેરા પર લાવ્યા વગર, એણે તરતજ હા પાડી દીધી. ને એ ઊભો થઈને માલ ભરેલા ગોડાઉનની ચાવી શોધવા લાગ્યો, ને બારણાની આડશમાં ઊભી રહીને સસરા-જમાઈની વાત સાંભળતી જશીની આંખમાં ચમક આવી ગઈ.

લેખક : સરદારખાન મલેક

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version