પિતા રાહુલ દ્રવિડની જ રાહ પર ચાલી રહયો છે તેમનો દીકરો સમિત દ્રવિડ.

કહેવાય છે કે ડૉક્ટરનો દીકરો ડૉક્ટર, એક્ટરનો દીકરો એક્ટર અને ક્રિકેટરનો દીકરો ક્રિકેટર બને છે. પરંતુ એ વાત ની કોઇ ગેરંટી નથી કે દરેક વ્યક્તિ પોતના પિતા જેટલું સફળ થાય. ક્રિકેટના મેદાનમાં આપણે એવા ઘણા દાખલાઓ જોયા છે કે પિતાને પગલે ચાલીને દીકરાઓ પણ ક્રિકેટર બન્યા હોય અથવા તેના માટે એડી ચોટીનું જોર લગાવ્યું હોય. પોતના પિતાના માર્ગદર્શન હેઠળ તેમને બીજા કોઇ ગુરુની જરૂર નથી રહેતી. આ વાતનું હાલનું જ ઉદાહરણ છે સચિન તેંદુલકરનો દીકરો અર્જુન તેંદુલકર. અર્જુનને હજુ પૂર્ણ રૂપથી ક્રિકેટર તો ન કહી શકાય પરંતુ એ વાતનો પણ ઇન્કાર ન કરી શકાય કે અર્જુન એક ક્રિકેટર બનવાની કગાર પર છે. સચિન તેંદુલકરના દીકરાની તો આપણે ઘણી વાતો સાંભળી જ છે પરંતુ એક પૂર્વ દિગ્ગજ ખેલાડી છે જેમનો દીકરો આજકાલ ક્રિકેટની બારીકાઈની નજીકથી જાણકારી લઈ રહ્યો છે. તે જુનિયર લેવલ ક્રિકેટમાં પોતાની પ્રતિભાના પરચા પણ દેખાડી રહ્યો છે.અમે વાત કરી રહ્યા છે ટીમ ઇન્ડિયાના ‘ધ વૉલ’ તરીકે જાણીતા રાહુલ દ્રવિડના દીકરાની. જી હા, દ્રવિડના મોટા દીકરા સમિત દ્રવિડે જુનિયર ક્રિકેટમાં અત્યારથી જ પોતાનું એક આગવું સ્થાન ઊભું કરી લીધું છે.

પોતાના પિતાની જેમ જ સમિત પણ ક્રિકેટ જગતમાં પોતાનું નામ બનાવવા માંગે છે અને તે માટે તે અત્યારથી જ ખૂબ મહેનત કરી રહ્યો છે.સમિત એક ટાઈટ શિડ્યુલ ફોલો કરે છે, તેનો અભ્યાસ અને ક્રિકેટ પ્રેક્ટિસ બધું જ તે સમય પ્રમાણે ચાલે છે. સમિતનું સપનું છે કે એક દિવસ તે પણ પોતાના પિતાની જેમ ટીમ ઈન્ડિયા તરફથી રમે. ૧૧ વર્ષનો સમિત એક બૅટ્સમેન છે અને આટલી નાની ઉંમરમાં જ તેણે જુનિયર લેવલ ક્રિકેટમાં ઉત્કૃષ્ટ ઇનિંગ્સ રમી છે.તેણે અત્યાર સુધી રમેલા સ્કૂલ અને જુનિયર ક્રિકેટના પોતાના પ્રદર્શનથી ઘણા લોકોને પ્રભાવિત કર્યા છે.

આમ તો સમિતે ઘણી સારી ઇનિંગ્સ રમી છે પરંતુ ૨૦૧૬ માં અંડર ૧૪ ક્રિકેટમાં ૧૨૫ રનની શાનદાર ઇનિંગ્સ રમીને તેણે સહુને અચ્ંબામાં મૂકી દીધા હતા. એ મેચમાં તેણે ૨૨ ચોક્કા અને ૧ છગ્ગો લગાવ્યા હતા. તે મેચ જોવાવાળા લોકોનું કહેવું છે કે એ ઇનિંગ્સ વખતે તેની બેટિંગમાં તેના પિતા રાહુલ દ્રવિડની રમતની ઘણી ઝલક જોવા મળી હતી. એ દિવસે બધા બોલર તેની સામે બોલિંગ કરવાથી ડરતા હતા. ૨૦૧૫ ની સાલમાં પોતાના સ્કૂલની અંડર ૧૨ ટીમ તરફથી તેણે ગોપાલન ક્રિકેટ ચેલેન્જ કપની એક મેચમાં ૯૩ રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. આને ક્રિકેટની દુનિયામાં સમિતનું પહેલું કદમ જરૂર કહી શકાય.

સમિતની ટેલેન્ટનો અંદાજ શ્રીલંકાના પૂર્વ દીગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધરને તેને માટે કરેલી પ્રંશંસાથી મેળવી શકાય છે. સમિતની વાત કરતા મુરલીધરને કહ્યું હતું કે “મેં તેને (સમિતને) નેટ પ્રેક્ટિસ કરતા જોયો છે, તેથી મને પૂરો વિશ્વાસ છે કે ભવિષ્યમાં તે એક મહાન બેટ્સમેન બનશે.”

જો કે અત્યારથી સમિત દ્રવિડ વિશે કોઇ પણ ભવિષ્યવાણી કરવી એ ઉતાવળુ પગલું ગણાશે, પણ એટલું તો જરૂર કહી શકાય કે તેનામાં એ ખેલાડીની ઝલક છે જેનામાં ક્રિકેટ કૂટી-કૂટીને ભર્યું છે. જો સમિત આ જ લગન સાથે ક્રિકેટ રમશે તો આવનારા સમયમાં જરૂર સારો ક્રિકેટર બનશે. ભવિષ્યમાં જો આપને સમિતના નામની હેડલાઈન્સ વાંચવા મળે તો નવાઈ ન પામશો.

લેખન – સંકલનઃ દિપેન પટેલ

તમને અમારી પોસ્ટ ગમે તો શેર જરૂરથી કરજો.

ટીપ્પણી