સમી સાંજનું શમણું.. – અને આખરે એનું સપનું થયું સાકાર… લાગણીસભર વાર્તા…

“અરે પ્રગ્યાશી, બસ હવે કેટલું તૈયાર થવું છે તારે??? છોકરો હજુ તો જોવા આવે છે.. કઈ લગન કરવા નથી આવતો બાપા.. બે કલાકથી રૂમમાં ભરાઈને બેઠી છે.. હવે બહાર નીકળ અને કંઇક નાસ્તો બનાવ.. આપણે ખાલી રૂપથી નથી મોહી લેવાના.. તારી રસોઈકળા પણ એમને બતાવાની છે..!!!”

અનુરાધાબહેને બંધ દરવાજાને ખખડાવતા પ્રગ્યાશીને કહ્યું. અનુરાધાબહેન અને અભિજિતભાઈની એકની એક દીકરી એટલે પ્રગ્યાશી.. નાનપણથી સતત લાડકોડમાં ઉછરી હોવા છતાય તેનામાં જરાય છીછરાપણું નહિ.. ત્રેવીસ વર્ષની ઉમરે તેનામાં ત્રેવીસ્સો જેટલા ગુણો હતા. એમબીએ ના છેલ્લા વર્ષમાં હતી ત્યારે એક દિવસ રાતના અભિજિતભાઈએ તેને બોલાવી..


“આવ બેટા.. બેસ દીકરી..!! કેવું ચાલે છે ભણવાનું??” અભિજિતભાઈએ પ્રગ્યાશીને જોઇને કહ્યું. “સરસ ચાલે છે ડેડી.. હવે બસ લાસ્ટ સેમેસ્ટર છે.. હોપફૂલી ત્રણેય સેમેસ્ટરની જેમ આમાં પણ ટોપ કરી શકું.. તૈયારી જોરમાં ચાલે છે.. બસ બે મહિનામાં એકઝામ્સ છે. “વાહ મારો દીકરો.. મને તારા પર ગર્વ છે.. બેટા.. આગળ જોબ કરવાની ઈચ્છા છે કે પછી…??”

અભિજિતભાઈએ વાત અધુરી છોડી દીધી. પ્રગ્યાશી તેમનો ઈશારો સમજી ગઈ હોય તેમ સહેજ મુસ્કાન કરી અને તેના પપ્પાની નજીક જઈ, તેમના ગળે હાથ વીંટાળીને ગાલ પર નાનકડું ચુંબન કરી દીધું.. અભિજિતભાઈએ પણ તેને કપાળ ચુંબન કરીને પોતાની બાજુમાં બેસાડી.. “પપ્પા.. જોબ કરવાની કઈ ઈચ્છા નથી.. માસ્ટર્સ કર્યું એના મુખત્વે ત્રણ કારણો હતા.

“કારણ પહેલું.. મને સ્કોલરશીપ મળતી હતી.. તમારે કોઈ જ ફીઝ નોહતી ભરવી પડતી.. અને મારા બાકીના ખર્ચા હું મારા કુકિંગ શોઝ અરેંજ કરીને મેનેજ કરી લેતી.. હા મને ખબર છે તમે હમણાં અકળાશો કે મારા ભણવા પર પ્રતિબંધ ક્યારેય નથી.. મને એ પણ ખબર છે કે તમે જો હું કહું તો લાખો રૂપિયા ખર્ચી મને ફોરેન મોકલવા પણ તૈયાર થઇ જાવ.. પણ તમને એ ખબર છે ને કે મને તમારી પાસે એવા ખર્ચ કરાવવા જરૂરી નથી લાગતા..

કારણ બીજું.. મેં જો માસ્ટર્સ કર્યું હોય તો ભવિષ્યમાં ક્યારેય કોઈ પણ મુશ્કેલી આવી, તમારે આર્થિક કટોકટી આવી, કે પછી મારા સાસરે મારા પતિને નાણાની ખેચ પડે ત્યારે તેમને મદદ કરી શકું એટલી લાયકાત ધરાવતી હોવી જોઈએ. કારણ ત્રીજું.. જ્યારે મારા બાળકો આવે ત્યારે તેમને એમ નાં લાગવું જોઈએ કે તેમના મમીને કઈ આવડતું નથી કે તે જમાના પ્રમાણે ફોરવર્ડ નથી. અને હું મારા બાળકોને ભણાવી શકું, મારી જાતે, એટલી સક્ષમ હોવી જોઈએ.


બસ આ કારણોસર મેં માસ્ટર્સ કર્યું.. બાકી આપણી જ્ઞાતિમાં વીસ વર્ષની ઉમરે લગ્ન થઇ જતા હોય છે.. છતાય તમે મને આટલું ભણાવીને પગભર બનાવી.. સ્વતંત્ર બનાવી.. આટલી છૂટ આપી એના માટે પપ્પા, માઈ ડીયર ડેડી.. થેંક્યું સો મચ… અને મારા જીવનમાં કોઈ જ છોકરો નથી.. તમે જયારે પણ કહેશો, જેની પણ સાથે કહેશો.. હું માંડવામાં બેસી જઈશ. કારણકે મને તમારી પર અનહદ વિશ્વાસ છે… ને તમે મારા પર મુકેલા વિશ્વાસને સાબિત કરીને બતાવીશ.. એક ડાહી દીકરી તો બની ગઈ છું.. એક વ્યવહારુ વહુ પણ બનીશ..!!!!”

ને અભિજિતભાઈએ પોતાની દીકરીને વાત સાંભળીને તરત તેણે બથમાં લઇ લીધી.. અનુરાધાબહેન બાપ-દીકરીનું આ સ્નેહમિલન ભીની આંખે નિહાળી રહ્યા.. અભિજિતભાઈએ વાતને આગળ વધારતા પ્રગ્યાશીને પૂછ્યું.. “તો બેટા.. હવે ત્રણ જ મહિનાની વાર છે તારી એકઝામને તો આપણે તારો બાયોડેટા બહાર પાડી દઈએ??? જોવા-જોવામાં ને શોધવામાં, તપાસ કરવામાં ને એમાં સમય તો લાગશે. તો જો તું હા કહે તો તારો બાયોડેટા છપાવીને આપણા સમાજના મેરેજ બ્યુરોમાં મોકલી આપીએ..”

પ્રગ્યાશી તેના મમી પાસે ગઈ, તેમનો હાથ પકડીને અભિજિતભાઈની બાજુમાં બેસાડી દીધા અને કહ્યું, “તમે બંને મને કન્યાદાન આપવા આતુર છો.. એ હું જાણું છું.. હું પણ તમને ખુશ જોવા ઈચ્છું છું માં-ડેડી.. તમે જેમ કહેશો એમ જ થશે.. બાયોડેટા મુકવા માટે તમારે મને પૂછવાની જરૂર નથી ડેડી..!!” ને અભિજિતભાઈએ ગર્વથી અનુરાધાબહેન સામે જોયું.. જાણે કહેતા હોય.. “જોયું.. મારી દીકરીના સંસ્કાર કેવા દીપાયમાન થઇ રહ્યા છે.. ખરેખર આપણું કુળ ઉજાળશે મારી પરી.. અનુરાધાબહેન પણ હરખાઈને પ્રગ્યાશીને વહાલ કરી રહ્યા..


ને બસ પછી દિવસો વીતતા ચાલ્યા.. અભિજિતભાઈએ બીજા જ દિવસે તેમની જ્ઞાતિમાં પોતાની દીકરીનો બાયોડેટા મૂકી દીધો.. ને ત્રીજા દિવસથી તો ઠેકાણા આવવા લાગ્યા.. આમ પણ પ્રગ્યાશી જેવી દીકરી કોને નાં જોઈએ.. અભિજિતભાઈ પહેલા દરેક બાયોડેટાને તપાસતા.. તેમની દીકરીને લાયક છોકરો હોય, પરિવાર વ્યવસ્થિત હોય તો અનુરાધાબહેનને વાંચવા આપે.. બાકી તેઓ જ રીજેક્ટ કરી દે.. શોર્ટલીસ્ટ થયેલા બાયોડેટામાના દરેક છોકરાની ફેમીલી વિશે અને તે છોકરા વિશે તેઓ જાતે તપાસ કરાવતા.. અને જો બધું યોગ્ય લાગે તો જ પ્રગ્યાશીને વાત કરતા.. એટલે જયારે પ્રગ્યાશી સુધી કોઈ બાયોડેટા પહોચતો ત્યારે એ પહેલા ત્રણ લેવલમાંથી પસાર થઇ ચુક્યો હોય.. અને પ્રગ્યાશી પર પણ કોઈ જ પ્રકારનું દબાણ નાં રહેતું.. એને ગમે તો જ આગળ વાત વિચારવાની.. અભિજિતભાઈને પોતાની લાડલી માટે સર્વોત્તમ વર જોઈતો હતો..

ત્રણ મહિના સુધી આ જ રીતે ચાલ્યું.. કોઈ જ છોકરા સાથે પર્સનલ મીટીંગ નાં ગોઠવાઈ શકી.. એ પછી પ્ર્ગ્યાશીની એકઝામ્સ આવતા બે મહિના માટે બધું જ બંધ થઇ ગયું.. એકઝામ્સ પૂરી થયા પછી બીજો એક મહિનો પસાર થઇ ગયો અને એક દિવસ અભિજિતભાઈ એક બાયોડેટા લઈને આવ્યા.. ત્યારે પ્રગ્યાશી રસોડામાં હતી.. તેણે નવી જ શીખેલી રેસીપી મલાઈ-દુધી કોફતા બનાવવામાં વ્યસ્ત હતી..

“મારો દીકરો કેવો હોશિયાર છે.. રોજ રાતના નવીન જમવાનું બનાવીને મને જમાડે.. વાહ દીકરા.. તારા લગ્ન પછી ખબર નહિ અમે શું કરીશું.. કોણ અમને આવું સરસ સરસ જમવાનું બનાવીને ખવડાવશે. કોણ મારા માટે શિયાળામાં સ્વેટર ગુથશે.. કોણ તારી મમીને રોજ રોજ સૂર્ય નમસ્કાર કરાવશે.. બાપ રે દીકરા.. તું વિચાર.. તું જો તારા મમીને સૂર્ય નમસ્કાર નહિ કરાવે તો તારા લગ્ન પછી એ તો ભોદુડી જાડી ભોમ થઇ જશે..!! હાય હાય પછી હું કઈ એને મારા પલંગમાં નથી સુવા દેવાનો હો.. પછી તો મારા માટે જગ્યા જ નાં વધે ને..!!”

પ્રગ્યાશી અચાનક આ બધી વાતો સાંભળીને પહેલા તો સહેજ ચોંકી ગઈ.. પછી અભિજિતભાઈની વાતમાં તણાઈને હસવા લાગી.. થોડી વાર થતા જ તેણે અભિજિતભાઈને સંબોધીને પૂછ્યું,


“હે પપ્પા, તો આજે આ અચાનક તમને શું થયું?? હમણાં ત્રણેક મહિનાથી તો બધું શાંત હતું.. આજે આ લગ્નની વાત ક્યાં આવી ગઈ ફરી??” અભિજિતભાઈએ તેને જવાબ દેતા કહ્યું,

“દીકરા આજે ગોપાલકાકાને મળ્યો હતો. તેમને તારો બાયોડેટા આપણા મેરેજ્બ્યુરોમાથી મળ્યો. તો આજે ખાસ મળવા આવ્યા હતા મને. ગોપાલકાકાના મોટાભાઈના સાળાનો દીકરો છે.. પ્રાંતિજ..!! મુંબઈમાં ટીસીએસમાં છે.. સોફ્ટવેર એન્જીનીયર છે.. બહુ સારું પેકેજ છે.. છોકરો બહુ ડાહ્યો છે.. અત્યારે તેના મમી-પપ્પા અને પ્રાંતિજ આટલા જણા રહે છે.. પરિવાર નાનો છે અને ખાનદાન ખોરડું છે. આમ તો તને ખબર છે કે હું પહેલા અમુક રીતે બાયોડેટાને મઠારું સામેવાળાના.. અને પછી જ તને વાંચવા આપું.. પણ આમાં થોડું એક્શેપશ્ન છે.. મને છોકરો બહુ ગમ્યો છે.. કારણકે તેની નોકરી સારી છે અને તેના મમી-પપ્પા પણ બહુ વ્યવહારુ છે. તપાસ કરવાની જરૂર નથી.. કારણકે ગોપાલકાકાના ઓળખીતા છે.. બસ તું આ બાયોડેટા જોઈ લે અને મને કહે.. કે તારે શું કરવું છે..!!”

પ્રગ્યાશીએ અભિજિતભાઈના હાથમાંથી બાયોડેટા લઇ લીધો અને તેના ઓરડામાં મૂકી આવી.. પછી ફરી પોતાના રસોડાના કામમાં ગુથાઈ ગઈ.. અભિજિતભાઈ જાણતા હતા કે હવે પ્રગ્યાશીને આ વિશે યાદ કરવાની જરૂર નહી પડે.. જો એને બધું યોગ્ય લાગ્યું હશે તો એ જ સામેથી આવીને કહેશે.

રાતના જમીને, પ્રગ્યાશીને બનાવેલા દુધી કોફતા ખાઈને, થોડી વાર વાતો કરીને ત્રણેય જણા સુવા ગયા.. ને પ્ર્ગ્યાશીએ બાયોડેટા જોયો.. બાયોડેટા જોઇને તેને તે છોકરા વિશે તપાસ કરવાની ઈચ્છા થઇ.. છોકરાનો ફોટો તો હતો જ બાયોડેટામાં.. જે બહુ આકર્ષક હતો.. એ ઉપરાંત તે છોકરો બધી રીતે વ્યવસ્થિત હતો.. તેના કામ પ્રત્યે કંઇક વધારે જ ડેડીકેશન હતું એને.. આ જોઈ પ્રગ્યાશીને તેનામાં રસ પડ્યો. કારણકે તેની ફેસબુક પોસ્ટમાં રોજની મીટીંગસના ઘણા ફોટોઝ હતા. તેનું ફેસબુક અકાઉન્ટ જોઈ પ્રગ્યાશીને તેને મળવાની ઈચ્છા થઇ ને બીજા જ દિવસે સવારે તેણે અભિજિતભાઈને હા કહી દીધી કે તે પ્રાન્તીજને મળવા માટે તૈયાર છે.


અને અત્યારે તે બે કલાકથી રૂમ બંધ કરીને તૈયાર થવામાં લાગી હતી.. પ્રગ્યાશી બધી રીતે સર્વગુણસંપન્ન કહી શકાય તેવી દીકરી હતી. રતુંબડા ને ગુલાબી ઝાંય પડતા ખીલેલા ચહેરા સાથે તેને આકર્ષક બનાવતી કમળની પાંદડી જેવી તેની મુસ્કાન, કાળા ભમ્મર કમર સુધી લંબાતા વાળ અને નમણાશ જાણે નાગરવેલ જેવી. પાંચ ને છની હાઈટ અને સાગના સોટા જેવી પાતળી કમર, તેનું લાજવાબ બદન અને કોયલ જેવો ટહુકતો તેનો અવાજ..!! રસોઈકળામાં તે અદ્ભુત રીતે પારંગત હતી. એ ઉપરાંત ભરત-ગુંથણ-સિવણ-શણગાર-નૃત્ય-નાટ્ય અને બીજું ઘણું.. એવું કોઈ કામ નહોતું જેમાં તેને ફાવટ નાં હોય..!! “આવી ગઈ મમી.. રેડી..!!!!”

અચાનક દરવાજો ખોલીને પ્રગ્યાશી બહાર આવી.. આછા ગુલાબી રંગની સાડી ને ગોલ્ડન કલરની બોર્ડર, સાથે ગોલ્ડન બ્લાઉઝ અને કાનમાં મોટા મોટા ગુલાબી લટકણ..!! કપાળમાં નાનકડી ગુલાબી રંગની બિંદી અને હાથમાં ગોલ્ડન-ગુલાબી બંગડીઓ..!! પ્રગ્યાશી અત્યંત મોહક લાગતી હતી. તેને જોઇને તરત જ અનુરાધાબહેને કાળું ટપકું કરી દીધું.. તૈયાર થઈને તે રસોડામાં ગઈ.. એપ્રન પહેર્યું અને નાસ્તો બનાવામાં લાગી ગઈ..

કલાક પછી પ્રાંતિજ અને તેનો પરિવાર આવી પહોચ્યો.. બધા સાથે મળીને બેઠા, ખુબ હસ્યા, એકબીજા સાથે ઓળખાણ કરી.. અને આખરે પ્રગ્યાશી અને પ્રાંતિજ એકબીજાના થઇ ગયા.. તે જ દિવસે ગોળધાણા લેવાય ગયા અને બે મહિના પછી પ્ર્ગ્યાશીના પ્રાંતિજ સાથે લગ્ન પણ થઇ ગયા.. બધું બહુ ઉતાવળમાં થઇ ગયું.. પરિવારની કે છોકરાની બીજી કઈ તપાસ પણ ના થઇ.. એ ઉપરાંત તે બંનેને એકબીજા સાથે કઈ ખાસ સમય વિતાવવા નોહ્તો મળ્યો. બે મહિના તો લગ્નની તૈયારીમાં ચાલ્યા ગયેલા. તેઓ ગણીને તે બે મહિનામાં પાંચ વખત મળ્યા હતા.


સાસરે આવ્યા બાદની એ પહેલી સવાર હતી.. હજુ પણ રાતનું શમણું તેની આંખોમાંથી વિલાયું નોહ્તું.. એ શમણું, એ સ્વપ્ન તેણે જીવ્યું હતું. તેણે માણ્યું હતું. પ્રાંતિજના આલિંગનમાં એકાકાર થઈને તેણે જે શમણું સજાવ્યું હતુ તે આખરે સાચું થયેલું.. સવારે સાત વાગ્યે તેની આંખ ખુલી. તેણે જોયું તો બાજુમાં પ્રાંતિજ નોહ્તો.. તેને નવાઈ લાગી કે સવારના પહોરમાં તે ક્યાં ગયો હશે.. લગ્ન પહેલા બંનેએ એકબીજા સાથે બહુ વધારે સમય નોહ્તો ગાળ્યો એટલે બંનેને એકબીજાની આદતો નહોતી ખબર..

પ્ર્ગ્યાશીએ વિચાર્યું કે કદાચ પ્રાન્તીજને વોક પર જવાની કે સવારે જાગીને જીમમાં જવાની આદત હશે.. ને તે વિચારતા જ તેને શાંતિ થઇ.. એવું જ હશે તેમ માનીને તે નાહવા ગઈ.. આઠ વાગ્યે તૈયાર થઇ, પોતાનો ઓરડો વ્યવસ્થિત કરી તે નીચે હોલમાં આવી.. એક કલાક થઇ ગઈ હતી તેને પ્રાંતિજની રાહ હતી. તેણે હંમેશાથી વિચાર્યું હતું કે તેના લગ્ન થશે એટલે સવારમાં જાગીને તે પહેલા પોતાના પતિને ચુંબન કરશે.. જો તેની ઊંઘ નહિ ઉડે તો તેના વાળમાં હાથ ફેરવીને તેની સાથે વહાલ કરશે..

પછી તેને સુતો મુકીને પોતે નાહવા જશે.. નાહીને નીકળશે ત્યારે પણ તેનો પતિ તો સુતો જ હશે.. એટલે તેના ભીના વાળની છાલકથી તે વાતાવરણને વધારે રોમેન્ટિક બનાવાનો પ્રયાસ કરશે.. પાણીના બિંદુઓ અડતા જ તેનો પતિ અચાનક તેને આલિંગનમાં લઇ લેશે અને પોતે શરમાઈને તેની છાતીમાં છુપાઈ જશે.. બન્ને પ્રેમાલાપ કરતા હશે ત્યાં જ સાસુમા આવીને દરવાજો ખખડાવશે.. એટલે પોતે છૂટવાનો પ્રયાસ કરશે પણ તેનો પતિ તેને ચુંબન કર્યા વગર નહિ છૂટવા દે.. ને આખરે તેના હોઠ પર તસતસતું ચુંબન ચોળીને તે તેની પકડમાંથી છૂટીને રસોડામાં જશે.. પરંતુ અત્યારે એવું કશું જ શક્ય નાં બની શક્યું.. પ્રાંતિજ, તે જાગી ત્યારે ઓરડામાં જ નોહ્તો..!! તે વિચારોમાં ખોવાયેલી હતી ત્યાં જ તેના સાસુ તેની પાસે આવ્યા અને પૂછ્યું, “દીકરી.. શું નાસ્તો કરશે તું?? તારા પપ્પા માટે હું ગરમ ભાખરી બનાવું છું.. તારા માટે શું બનાવું ચલ કે… અને હા નાસ્તો કરીને તું આરામ કરજે હો ને.. તને થાક લાગ્યો હશે ને દીકરા..!!”
પ્રગ્યાશી તો તેના સાસુની વાત સાંભળી અચંબિત થઇ ગઈ.. ક્યાં બધી સીરીયલોમાં જોવા મળતા ઘમંડી સાસુમાઓ અને ક્યાં તેના પોતાના સાસુ.. સગી માંથી પણ વધારે હેત તેના સાસુની આંખમાંથી નીતરતું પ્ર્ગ્યાશીએ ભાળ્યું.. તે જઈને તેમને પગે લાગી.. અને કહ્યું, “મમી.. તમારે તકલીફ લેવાની જરૂર નથી.. હું રસોડામાં બધું સંભાળી લઈશ.. પપ્પાને ભાખરી પણ હું જ બનાવી દઈશ.. પણ મમી હું એમ કહેતી હતી કે પ્રાંતિજ ક્યાય નથી દેખાતા.. જીમમાં કે વોક લેવા ગયા છે કે શું?” પ્ર્ગ્યાશીના સાસુ સુનીતાબહેને તેને જવાબ આપતા કહ્યું..

“લે તને ખબર નથી દીકરા?? મને તો એમ ક તમારી વાત થઇ હશે.. પ્રાંતિજ તો રોજ સવારે તેના વર્ક સ્ટેશન પર ચાલ્યો જાય છે છ વાગ્યે.. એમાં વાત એમ છે કે દસ વાગ્યાથી તેને જોબ પર જવાનું હોય ને એટલે તે પોતાનું કામ નોહ્તો કરી શકતો.. તેના પર્સનલ અમુક એક્સ્પરીમેન્ટસ ચાલે છે તે નોહ્તો કરી શકતો.. એટલે તેણે નક્કી કર્યું કે તે પોતાનું કામ કરવા માટે એક લેબ ખોલશે અને ત્યાં જઈને સવારના છ વાગ્યાથી નવ વાગ્યા સુધી કામ કરશે.. પછી આવીને દસ વાગ્યે જોબ પર જશે..!!”

પ્રગ્યાશીને આ વાત સાંભળી જરા નવાઈ લાગી.. એવું નોહ્તું કે પ્રાંતિજ તેનાથી કઈ છુપાવ્યું હતું.. એક-બે વખત રાતના ફોનમાં વાત કરતી વખતે તે ફોનમાં બોલ્યો હતો કે તે વર્ક સ્ટેશન પર જાય છે એટલે અત્યારે વહેલો સુઈ જશે.. પ્ર્ગ્યાશીએ તે વાતને લક્ષમાં લીધી નહી.. તેને એમ કે ઓફિસનું કામ હશે એટલે જવાનું હશે.. પરંતુ આવી બાબત હોય તે તો તેને ખ્યાલ જ નોહ્તો.. તેણે તરત સુનીતાબહેનને પૂછ્યું..

“પણ મમી આજે જ જવાની શું જરૂર હતી?? હજુ તો પહેલો દિવસ છે ને આજે જતા પણ રહ્યા.. એ પણ મને કહ્યા વગર.. અને ઓફીસ પણ જવાના છે કે શું??” સુનીતાબહેનને પણ સહેજ નવાઈ લાગી કે પ્રાન્તીજે લગ્નના બીજા જ દિવસે આવું કર્યું હતું.. તેઓ તેમની વહુને સધિયારો આપતા બોલ્યા.. “હમણાં એ આવી જશે વર્ક સ્ટેશનેથી.. પછી તું જ એને ના કહી દેજે ને ક્યાય જવાની.. મારું તો એ ક્યારેય નથી માનતો.. અને ઓફીસ જવાનો છે કે નહિ એ પણ મને નથી ખબર હો દીકરા..!! એને કામ પ્રત્યે બહુ વળગણ છે.” પ્રગ્યાશીને લાગ્યું આમાં તેના સાસુનો કઈ વાંક નથી.. ને તેણે પ્રાંતિજ આવે એટલે તેની જ સાથે શાંતિથી આ બાબતે વાત કરવાનું વિચાર્યું..


પ્રગ્યાશી રસોડામાં હતી કે અચાનક તેના સાસુએ તેને બહારથી બુમ પાડી.. નવ વાગી ગયા હતા. પ્રાંતિજને હોલમાં આવેલો જોઈ તે હરખાઈ ગઈ. પ્રાંતિજ તેનું કામ કરવામાં વ્યસ્ત હતો. તેને તૈયાર થઈને આવેલી પ્રગ્યાશી પર ધ્યાન પણ નાં આપ્યું. સુનીતાબહેને પ્રગ્યાશીને જોઈ તેને કહ્યું,

“બેટા.. તારે શું કહેવું હતું પ્રાંતિજને? કહે જોઈએ.. હું હમણાં તારા પપ્પાને કામ હતું તો જરા બેડરૂમમાં જઈને આવું.” ને એટલું કહી સુનિતાબહેન ચાલ્યા ગયા. પ્રાંતિજ હજુ પણ તેનું કામ કરવામાં વ્યસ્ત હતો. પ્રગ્યાશી તેની નજીક ગઈ અને તેને પાછળથી સહેજ હ્લબલાવ્યો. “અરે પ્રગ્યાશી, તું કેમ વહેલી જાગી ગઈ? સુઈ જા ને.. સુઈ જા.. કેટલો થાક લાગ્યો હશે ને તને??” “શું થાક પ્રાંતિજ?? તમે ક્યાં ગયા હતા સવારમાં?? અને અત્યારે ક્યાં જાવ છો પાછા??” “બાબા.. વર્ક સ્ટેશન ગયો હતો અને અત્યારે ઓફીસ જાવ છું.. બીજે ક્યાં જાવ.. કેમ કઈ કામ હતું??”
“પ્રાંતિજ.. હજુ આજ તો લગ્ન બાદનો પહેલો દિવસ છે.. તમારે આજે પણ ઓફિસે જવું છે?? અને સવારમાં વર્ક સ્ટેશન પણ ચાલ્યા ગયા.. ત્યા ના ગયા હોત તો ચાલી ના જાત..” પ્રાંતિજનાં ચહેરા પર જાણે એક ઉખાણું છવાઈ ગયું.. તેણે પ્રગ્યાશીને સંબોધીને પૂછ્યું.. “કેમ?? એવું હોય કે લગ્નના પછીના દિવસે ઓફિસે ના જવાનું હોય?? અને પ્રગ્યાશી આજે તો મારે બહુ જ ઈમ્પોર્ટનટ મીટીંગ છે. મારી કંપનીના વર્લ્ડ સીઈઓ આવવાના છે અને તેમને મારે એક પ્રેસ્ન્ટેશન બતાવાનું છે. આઈ હોપ તું સમજી શકીશ..”

પ્રગ્યાશી નિશબ્દ બનીને પ્રાન્તીજને જોઈ રહી.. એવું નહોતું કે તે એને પ્રેમ નહોતો કરતો કે તેમના લગ્નની દરકાર નોહતી પ્રાન્તીજને.. પણ આ રીતે તેનું તરત ઓફીસ જવું ખૂચ્યું પ્રગ્યાશીને..!! “પ્રાંતિજ.. કેમ આમ કરો છો?? હજુ તો આપણા લગ્ન થયા છે. અને અત્યારથી આટલું વર્ક લોડ?? તમે મને હનીમુન પર જવાનું એક મહિના પછી કહેલું તે હું માની ગઈ.. પણ એટલીસ્ટ આજનો દિવસ તો મારી સાથે રહો..”
પ્રાંતિજે સહેજ વિસ્ફારિત નજરે તેની સામે જોયું અને કહ્યું.. “પ્રગ્યાશી તું મારા જીવનમાં બે મહિના પહેલાથી આવી છે.. પરંતુ મારું આ કામ વર્ષોથી છે.. મને ઘડી ઘડી ફોન આવતા રહેશે.. મને કઈ ને કઈ કામ કરવા પણ જોઈએ. આ રીતે લગ્નના બંધનમાં બાંધીને તું મને કામ કરવાથી રોકી નાં શક.. ચલ મળીએ.. હું ઓફીસ જવા નીકળું છું.. ધ્યાન રાખજે..” ને પ્રાંતિજ ચાલ્યો ગયો..

પ્રગ્યાશી તેને જતો જોઈ રહી અને પછી પોતાના ઓરડામાં જઈને રડવા લાગી.. ચાર કલાક વીતી ગઈ હતી.. રડતા રડતા તેને ઊંઘ આવી ગયેલી એ તેને ખબર જ નાં પડી.. તેણે જોયું કે કોઈ તેના માથાના વાળમાં હાથ ફેરવે છે.. હલકા હાથે કોઈ તેના વાળને ઉપરનીચે કરી રહ્યું છે.. તેને ધ્યાન આવ્યું કે આવું તો ફક્ત તેના પપ્પા જ કરી શકે અને તે વિચારતા જ તે ઉભી થઇ ગઈ.. સફાળી જાગી ગઈ ઊંઘમાંથી.. તેણે બાજુમાં જોયું તો તેના સાસુ ઉભા હતા. તેને સહેજ સંકોચ થયો.. સુનિતાબહેન એક નિર્દોષ મુસ્કાન સાથે બોલ્યા..
“દીકરી.. આવો જ છે મારો પ્રાંતિજ.. ગાંડો છે કામ પાછળ.. જો એને કઈ કામ મળી જાય ને તો એને બીજું કઈ નાં સુજે.. આખી કોલેજ પૂરી થઇ ગઈ પણ ક્યારેય એના જીવનમાં મોજમજા કે છોકરીઓ નાં આવી.. એક દિવસ લગ્ન માટે પૂછ્યું તો મને કહે, “તારી ઈચ્છા હોય વહુ લાવવાની તો હું તૈયાર છું.. મારે આમ પણ તમે બંને કહો ત્યાં જ લગ્ન કરવા છે. તો આજે કરું કે વર્ષો પછી શું ફરક પડે છે.” ને હું તો ખુશ થઇ ગઈ.. મેં વિચાર્યું કે મારો દીકરો વહુ આવ્યા પછી સુધરી જશે.. ને એમાય જયારે તારા જેવી સુંદર ને સંસ્કારી દીકરી મળી ત્યારે તો મને વિશ્વાસ બેસી ગયો કે તું એને બદલાવીને જ રહીશ..

હું જાણું છું કે કામ કરવામાં કઈ ખોટું નથી.. પણ હદ બહારની વ્યસ્તતા માણસને એકલો પાડી દે છે.. તે એટલો વ્યસ્ત રહે છે કે તેને પોતાની જાત માટે પણ સમય નથી મળતો.

મને માફ કરજે દીકરી.. મારે તને આ બધું પહેલા કહેવું જોઈતું હતું. મને એવું પણ હતું કે કદાચ પ્રાંતિજ તને વાત કરશે.. મેં વિચારેલું કે વહુ આવશે એટલે એ સુધરી જશે. પણ આ તો પહેલા જ દિવસે એણે આપણને બન્નેને નિરાશ કર્યા..!!” ને આટલું બોલીને સુનીતાબહેનની આંખમાં આંસુ આવી ગયા.. પ્રગ્યાશીને પણ રડવું આવી ગયું. પોતાના સાસુને આ રીતે રડતા જોઈ તેને દુખ થયું.. “મમી, તમે ચિંતા નાં કરો.. હું તમારા દીકરાને બદલાવીને રહીશ..!!” એટલું કહીને પ્રગ્યાશીએ ત્યારે તો સુનીતાબહેનને સધિયારો આપી દીધો.. પણ અંદરખાને તે જાણતી હતી કે એ કદાચ શક્ય નાં પણ બને.

એ પછી દિવસો એમ જ ચાલતા રહ્યા.. પ્રાન્તીજે એક વાર પણ હનીમુન પર જવાની વાત નોહતી ઉચ્ચારી.. એ રોજ સવારે છ વાગ્યે ચાલ્યો જાય તો નવ વાગ્યે પાછો આવે.. નાસ્તો કરીને ફરી પોતાના મેઈલ્સ ચેક કરે.. ને સાડા નવે તો ઓફીસ જવા નીકળી પણ જાય.. રાતે ઓફિસથી ઘરે આવે ત્યારે નવ વાગી ગયા હોય.. આવીને જમે એટલો સમય દસ જ મિનીટ પ્રગ્યાશી સાથે વાત કરે અને એ પણ કામ પુરતી.. પછી ફરી તેના અમુક મેઈલ્સ ચેક કરે અને ઓફિસનો પ્રોજેક્ટ કરવામાં લાગી જાય.. અગિયાર વાગતા જ સુઈ જાય.. ફરી બીજા દિવસથી તેનું એ જ રૂટીન શરુ થઇ જાય..!!

પ્રગ્યાશીને હવે આ બધું નોહ્તું ગમતું.. છ મહિના, એક વરસ ને બે વરસ ને એમ કરતા કરતા પાંચ વરસ વીતી ગયા હતા તેના લગ્નને.. ક્યારેય પ્રાંતિજ સામેથી ફેમીલી પ્લાન કરવાનું પણ ના કહેતો. પ્રાંતિજનું જીવન એકધારું ચાલ્યે રાખતું.. પ્ર્ગ્યાશીના જીવનમાં આમ તો બધું જ સુખ હતું.. સમજદાર સાસુ-સસરા મળ્યા હતા જેઓએ ક્યારેય કોઈ વાતની રોકટોક નોહતી કરી.. ખાનદાન પરિવાર હતો અને તેમના સમાજમાં તેઓનું નામ હતું. પ્રાંતિજ જેવો હોશિયાર અને સારું કમાતો પતિ હતો.. એ પણ તેના માં-બાપનો એકનો એક દીકરો..

બહારની દુનિયાની નજરે જોઈએ તો પ્ર્ગ્યાશીનું જીવન સુખ-સાહ્યબીથી ભરપુર હતું.. પરંતુ અંદરખાને તે જ જાણતી હતી કે તે કેટલી દુખી હતી.. તેણે હંમેશાથી સજાવેલા શમણા સાકાર તો થયા હતા.. પણ તેમાં રંગો ફક્ત બ્લેક અને વહાઈટ જ હતા.. તે સ્વપ્ન રંગબેરંગી નહોતું. તેને મન થતું કે પ્રાંતિજને છોડીને ચાલી જાય.. તેના પર વહાલ કે પ્રેમ આવે તેવું કઈ જ તેણે ક્યારેય નોહ્તું કર્યું.. પ્રગ્યાશી તેને પ્રેમ કરવાનો પ્રયત્ન કરતી પરંતુ તેમાં દિવસે દિવસે નિષ્ફળ થતી જતી હતી. બસ પોતાના સાસુ-સસરાના પ્રેમ ખાતર તે હવે ત્યાં ટકીને રહી ગઈ હતી.


ઘણી વખત પ્રગ્યાશીને મુંજારો થતો. એવું નોહ્તું કે પ્રાન્તીજ તેની ફરજ પૂરી નોહ્તો કરતો. તે પ્રગ્યાશીને ક્રેડીટ કાર્ડ આપીને જેટલા પૈસા વાપરવા હોય તે વાપરવાની છૂટ આપતો.. તેના બર્થડે પર અને તેમની એનીવર્સરી પર પણ ઘરે બુકે આવી જતો.. મીન્ત્રા કે ફ્લીપ્કાટ કે પછી એમેઝોન પરથી ઓર્ડર કરેલી ગીફ્ટસ સમયસર ડીલીવર થઇ જતી.. બસ પ્રાંતિજ સમય નાં ફાળવી શકતો. પ્ર્ગ્યાશીના સંસ્કારે તેને ત્યાં ટકાવી રાખી હતી બાકી તેનો પ્રેમ અને બધી ઈચ્છાઓ તો ક્યારનીય મરી ગઈ હતી.

દરેક માણસને લગ્નજીવન પછી ફરજીયાતપણે બદલાવું જોઈએ. એક જવાબદારી જે સ્વીકારી હોય, તેની ખુશી માટે, તે જવાબદારીની સભાનતાને ધ્યાનમાં રાખીને પ્રયત્નશીલ રહેવું જોઈએ. એકમાંથી બે થવું એમ કઈ સહેલું નથી હોતું.. સંવેદનો, અરમાનો, એષણાઓ તેમજ અભીલાશાઓનું પોટલું બાંધીને જ્યારે એક છોકરી પત્ની બનીને કોઈ પડખું સેવે છે ત્યારે તે ફક્ત શરીરથી નહિ મનથી તે પુરુષને સંપૂર્ણપણે માગતી હોય છે. પત્નીને પ્રથમ પ્રાધાન્ય આપી જો પતિ જરાસરખો પણ પ્રયત્ન રોજ એક વાર પોતાના કારણે તેના ચહેરા પર મુસ્કાન લાવવાનો કરે તો લગ્નજીવન ચોક્કસ સાર્થક થઇ જાય..!!!

એ દિવસે પ્રાન્તીજનો જન્મદિવસ હતો.. છેલ્લા પાંચ વરસથી એવું જ થતું કે બપોરના પ્રાંતિજ તેની કંપનીના લોકો સાથે લંચ લે અને રાત્રે પરિવાર સાથે ડીનર… એમાં બધા જ શામિલ હોય.. નાનકડું ગેટટુગેધર પણ થાય.. પ્રાંતિજ બધાને માટે સમય ફાળવે. કેક પણ પહેલા પ્રગ્યાશીને જ ખવડાવે. પરંતુ એમાં પણ પ્રેમ નહિ ફરજ શામિલ હોય. પ્રગ્યાશીને પતિના બર્થડે પર જેવું એકાંત જોઈતું હોય, એક પત્ની તરીકે જેવો હક જોઈતો હોય તેવો નાં મળે..

તે દિવસે તેના પરિવારના બધા જ હાજર હતા.. દુરના નજીકના અમુક સગા અને સંબંધી પણ રાત્રે પાર્ટીમાં શામિલ હતા. સુનિતાબહેન બધાને આવકારીને માઈક લઈને આગળ ગયા.. કદાચ બધાને સંબોધીને કંઇક કહેવા માગતા હતા. “આપ બધા અહી આવ્યા મારા દીકરાના જન્મદિવસની પાર્ટીમાં તેનો મને ખુબ આનંદ છે. થેંક્યું સો મચ.. મારા દીકરાને આટલો પ્રેમ આપવા બદલ.. તેની દરેક ખુશીમાં શામિલ થવા બદલ.

મારો દીકરો છે ને બહુ જ હોશિયાર છે. નાનપણથી જ હમેશા બધી જગ્યાએ ફર્સ્ટ આવ્યો છે. અને તે આખો દિવસ કશાકમાં ને કશાકમાં વ્યસ્ત જ રહે.. મને તેના પર બહુ ગર્વ થતો કે આ તો મારા પરિવારનું નામ ઉજાળશે.. અને ખરેખર થયું પણ એવું જ.. મારો દીકરો બધામાં અવ્વલ આવતો રહ્યો… પહેલા શાળામાં, પછી કોલેજમાં, પછી કંપનીમાં, માતાપિતાને સાચવવામાં, તેમની વાતો માનવામાં, કંપનીના પ્રોજેક્ટ્સ પુરા કરવામાં અને પતિ તરીકે જવાબદારી નિભાવવામાં પણ..!! બસ પતિ તરીકેનો પ્રેમ આપવામાં થાપ ખાઈ ગયો… એમાં સાવ છેલ્લો આવ્યો.. મને પહેલી વખત જીંદગીમાં તેણે નિરાશ કરી.

મારી વહુ પ્રગ્યાશી.. સર્વાંગસંપૂર્ણ છે… સુંદર, સંસ્કારી, સુશીલ, વ્યવહારુ, આત્મીય, આજ્ઞાકારી, વહાલી ને મીઠડી.. શબ્દકોશ ખૂટી જાય પરંતુ તેના વખાણ ના પુરા થાય.

આવી સુંદર મારી વહુને સાચવવામાં મારો દીકરો થાપ ખાઈ ગયો. તેના સપનાઓમાં રંગ ભરવાનું ભૂલી ગયો. તેની સાસુ તરીકે સમાજમાં જ્યારે તેના વખાણ થતા ત્યારે મને બહુ ખુશી થતી.. પણ એક સ્ત્રી તરીકે એને રાતના એક વાગ્યે અકળામણમાં આંટા મારતી જોવ કે પછી સવારના છ વાગ્યે જાગીને પ્રાંતિજની એક પ્રેમભરી નજર મેળવવા ઈચ્છતી જોવ ત્યારે મારી જાત પર ગુસ્સો આવતો.. મેં આ શું કરી નાખ્યું.. આવી હસતી રમતી છોકરીને કોઈના પ્રેમની મોહતાજ બનાવી દીધી…!!


તે છોકરી એટલી સંસ્કારી છે કે ક્યારેય સામેથી છુટ્ટાછેડા નહિ માંગે.. અમારા બંને ખાતર તે બધું સહન કરશે. પણ આજે હું જ સામેથી તેને મારા દિકરાથી છૂટી કરું છું. તેને આ સંબંધમાંથી મુક્તિ આપું છું. શરમ છોડીને તેને સ્ત્રી બનવાનું આહ્વાન આપું છું…!!”

પાર્ટીમાં હાજર દરેક લોકો સ્તબ્ધ થઇ ગયા હતા.. અભિજિતભાઈ અને અનુરાધાબહેનની આંખોમાં આંસુ હતા.. પ્રાંતિજ આ સાંભળીને ચુપ થઇ ગયો હતો અને પ્રગ્યાશી દોડીને સુનીતાબહેનને વળગી પડી.. “બસ આ જ કારણ છે કે હું તમને છોડીને નથી જતી મમી..!! તમારા જેવા સાસુ કઈ બધાને નાં મળે..!! મને પતિ સારો નાં મળ્યો તો કઈ નહિ.. સાસુ તો મળ્યા.. ને આજકાલ તો લોકો સાસુ સાથે કુંડલી મળાવે છે.. આજના જમાનમાં આવા સાસુ મળ્યા એ જ મારા માટે મોટી વાત છે મમી…!!” પ્રગ્યાશી તેમને સંબોધીને બોલી.

“ના દીકરા.. હું તારી સાસુ હતી.. હવેથી હું તારી માં છું. લે આ ડિવોર્સ પેપર.. આમાં સાઈન કરી લે.. પછી હું પ્રાન્તીજને આપું એટલે એ સાઈન કરશે.” પ્રગ્યાશી આગળ ના વધી ત્યારે સુનીતાબહેને સામે ચાલીને તેના હાથમા પેન આપી.. પ્રાંતિજ કઈ બોલવા જતો હતો કે તેના પપ્પાએ આવીને તેને સાઈન કરવા મજબુર કર્યો.. લોકો કુતુહલથી આ ગજબ પરિવારને જોઈ રહ્યા..!! થોડા મહિનાઓમાં બધી પ્રોસીજર થઇ ગઈ.. ને પ્રગ્યાશી પ્રાંતિજની પત્ની મટીને ફરી એક છોકરી થઇ ગઈ..!!


વીસ વર્ષ વીતી ગયા હતા.. પ્રગ્યાશી અડ્તાલીશ વરસની થઇ ગયેલી.. એક કોલેજમાં પ્રાધ્યાપિકા તરીકે ફરજ બજાવતી પ્રગ્યાશી રોજ સાંજે બે કલાક માટે એશી વરસના વૃદ્ધ દંપતીને લઈને બગીચામાં ફરવા જતી. એક બાજુ સુનિતાબહેન અને એક બાજુ રાકેશભાઈ..!! બંનેનો હાથ પકડી પ્રગ્યાશી વચ્ચે ચાલતી..!!

તે દિવસે રવિવાર હતો.. સુનિતાબહેન બહુ ખુશ હતા.. બગીચામાં આવી તરત પ્રગ્યાશીને સંબોધીને બોલ્યા, “દીકરી આજે તને મળવા પ્રાંતિજ આવ્યો છે.. એને મળીશ તું??” શું જવાબ આપવો તેની અસમંજસમાં અટવાયેલી પ્ર્ગ્યાશીના ચહેરાના હાવભાવ જોઈ સુનિતાબહેન બોલ્યા, “બેટા પહેલી વાર હાથ માગ્યો ત્યારે તને કઈ કહ્યું નોહ્તું.. ને એ ભૂલના સ્વીકાર સ્વરૂપે તને એનાથી મુક્તિ પણ મેં જ અપાવેલી.. આજે બધું જ કહીને તારો હાથ મારા એકાવન વર્ષના પ્રાંતિજ માટે માંગુ છું..

જેના જીવનમાં હવે ફક્ત તારી જ જરૂર છે.. મેં જોયો છે એને આટલા વર્ષોથી તડપતા.. તે ક્યારેય કશું કહેતો નહિ પણ તારા ગયા પછી ધીરે ધીરે એને તારી કિંમત સમજાઈ છે.. ને તેથી જ એ તારી સાથે ફરી લગ્ન કરવા માંગે છે..!! તું વાત કરીશ એની સાથે??” પ્ર્ગ્યાશીએ હા કહેતા જ સુનીતાબહેને પ્રાન્તીજને ત્યાં બોલાવ્યો. “પ્રગ્યાશી.. ઘણું ગુમાવ્યું છે એ જાણું છું.. પરંતુ હવે કશું ખોવા નથી માગતો.. જીંદગીમાં અમુક વર્ષો બચ્યા છે. ને એમાં બધું જ મેળવવા માગું છું.. તને પણ..!!” “પણ પ્રાંતિજ તમારું કામ??”


પ્ર્ગ્યાશીએ તેની વાતનો જવાબ આપતા પૂછ્યું.. “હું એમ તો નહી કહું કે કામ છોડી દઈશ.. બસ એટલું કહું છું કે તને નથી છોડવા માગતો.. ને તારાથી મને દુર કરે તેવા દરેક કાર્યોને હું મારાથી ચોક્કસ દુર કરીશ.. ધીમે ધીમે તારા સાથથી..!! શું આપીશ મારો સાથ??” પ્રગ્યાશીએ આંખો ઢાળી દીધી અને તેની મુક સંમતીને સુનીતાબહેને વધાવી લીધી..!!

એક જ મહિનામાં અડ્તાલીશ વરસની પ્રગ્યાશી અને એકાવન વરસનો પ્રાંતિજ ફરી પરણ્યા..!! ને આ વખતે લગ્નના બીજા જ દિવસે તેઓ હનીમૂનમાં ગયા..!! એ હનીમુન ફક્ત સાથનો હતો.. સમજણનો હતો.. સમર્પણનો હતો..!! સ્વાર્થનો પણ નહિ કે શરીરનો પણ નહિ..!!!!

લેખક : આયુષી સેલાણી

આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.