સાંભાર મસાલા વાળું ટેસ્ટી બટેટા ચિપ્સ નું શાક, ફોટો જોઇને જ મન લલચાઈ ગયું…

મિત્રો , તમે હંમેશા બટેટા નું શાક ખાધું હશે. ઈડલી ઢોસા સાથે સાંભાર પણ ખાધો જ હશે. પણ શું ક્યારેય સાંભાર ના મસાલા વાળું બટેટા નું શાક ખાધું છે !?? આજે જ ટ્રાય કરી જોજો બહુ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફૂલ બનશે.

બટેટા ની જેમ આજ રીતે આપ રીંગણ નું પણ સાંભાર મસાલા વાળું શાક બનાવી શકો. સાંભાર નો મસાલો ઘણો ફ્લેવર ફૂલ હોવાથી બીજા બહુ મસાલા ની જરૂર નહીં પડે.

સામગ્રી :

• 3 મોટા બટેટા

• 3 ચમચી ચણા નો લોટ

• 3 ચમચી વરીયાળી નો ભૂકો

• મીઠું

• 1.5 ચમચી સાંભાર નો મસાલો

• 1/2 ચમચી હળદર

• 1 ચમચી લાલ મરચું

• 1/2 ચમચી આમચૂર

• 1 ચમચી ધાણાજીરું

• 4 થી 5 ચમચી તેલ

• 1/4 ચમચી રાઇ

• 1/2 ચમચી હિંગ

• 1.5 ચમચિ તેલ (મસાલા માટે)

રીત ::

સૌ પ્રથમ બટેટા ને ધોઈ છાલ ઉતારો . મેં અહીં બટેટા ના લાંબા કટકા કર્યા છે . આપ ચાહો તો નાના ચોરસ કટકા પણ કરી શકાય. બટેટા સુધારી ને પાણી માં પલાળી રાખો.


નાની કડાય માં ચણા નો લોટ અને વરીયાળી નો અધકચરો ભૂકો લો. આપ ચાહો તો આખી વરીયાળી પણ વાપરી શકો.

લોટ અને વરીયાળી ને ધીમી આંચ પર આછા ગુલાબી રંગ થાય ત્યાં સુધી શેકો.. ગેસ બંધ કરી બાકી ના મસાલા- લાલ મરચું , ધાણા જીરું , સાંભાર મસાલો, આમચૂર ,મીઠું ઉમેરો..


મસાલા બધા સરસ રીતે મિક્સ કરી થોડું ઠંડુ થવા દો. ગરમ લોટ માં મસાલા ઉમેરવાથી , મસાલા ની સુગંધ વધુ સરસ આવશે. ત્યારબાદ આ મસાલા માં 1.5 ચમચી તેલ ઉમેરી મિક્સ કરી લો.


એક કડાય માં તેલ ગરમ કરો. ગરમ તેલ માં રાઈ ઉમેરો. ત્યાર બાદ હિંગ ઉમેરી સમારેલા બટેટા ઉમેરો.. ત્યારબાદ એમાં મીઠું અને હળદર ઉમેરો.


સરસ રીતે મિક્સ કરી, ઢાંકી દો. ઉપર થોડું પાણી રાખી લો. બટેટા બફાઈ ના જાય સુધી ચડવા દો. ઉપર રાખેલું થોડું પાણી બટેટા માં ઉમેરવું .

ત્યારબાદ બટેટા માં શેકેલો મસાલો ઉમેરો અને હળવે થી મિક્સ કરો. બટેટા બફાય ગયેલા છે તો ધ્યાન થી મિક્સ કરો નહિ તો છૂંદો થઈ જશે. 2 થી 3 મિનિટ માટે ધીમી આંચ પર મસાલો ચડવા દો.


પાણી થોડું ચુસાય જાય ત્યારબાદ ગેસ બંધ કરી , કોથમીર થી સજાવટ કરી ગરમ ગરમ પીરસો. આ શાક સાથે પરોઠા કે રોટી પીરસી શકાય. .


નોંધઃ

• આપ ચાહો તો ચણાના લોટ ન ઉમેરતા ખાલી સાંભાર નો મસાલો પણ ઉમેરી શકાય.

• આમચૂર ના બદલે આમલી નું પાણી કે લીંબુ રસ પણ ઉમેરી શકાય.

રસોઈની રાણી : રૂચી શાહ

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


– તમારો જેંતીલાલ