સાંબાની ફરાળી ખીર – વ્રત અને ઉપવાસમાં બનાવીને આનંદ માણો…

મિત્રો, ખીર એ લિકિવડ સ્વીટ ડિશ છે. શુભ પ્રસંગો કે વાર તહેવારે આજે પણ ખીરનું અનન્ય મહત્વ છે. ખીર ખુબ જ ઝડપથી બની જાય છે, તેમજ બનાવવી એટલી જ આસાન છે. વળી , બધાને ખુબ જ ભાવે છે. માટે જ આજે હું વાર તહેવારે તેમજ વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવી ખીર બનાવવાની રેસિપી શેર કરવા જઈ રહી છું. તો ચાલો બતાવું હું કઈ રીતે બનાવું છું સાંબાની ખીર.

સામગ્રી :

Ø 1/4 કપ સાંબો

Ø 1/4 કપ ખાંડ

Ø 500 ml દૂધ

Ø 1 ટે-સ્પૂન ઘી

Ø થોડા ડ્રાય ફ્રૂટ્સ

Ø ચપટી એલચી પાવડર

તૈયારી :

Ø સાંબો ત્રણ -ચાર પાણીથી ધોઈને અડધો કલાક પાણીમાં પલાળી લો.

Ø ડ્રાય ફ્રૂટ્સની કતરી કરી લો.

રીત :


1) સાંબાની ખીર બનાવવા માટે સૌ પ્રથમ આપણે એક પેનમાં એક ટે-સ્પૂન દેસી ઘી લઈશુ. ઘી સહેજ ગરમ થાય એટલે તેમાં સાંબો ઉમેરીશુ. સાંબામાંથી પાણી નીતારી લો, સાથે જ થોડા ડ્રાય ફ્રૂટ્સની કતરી પણ ઉમેરીં દો. સ્ટવની ફ્લેમ સ્લો રાખીને એકાદ મિનિટ શેકો. આ રીતે શેકવાથી ખીર ખુબ જ સ્વાદિષ્ટ બને છે.


2) હવે તેમાં 500 ml જેટલું મિલ્ક ઉમેરો. સતત હલાવતા રહો, મેં અડધો કલાક સાંબો પાણીમાં પલાળી રાખેલ છે. જો ઇનફ ટાઇમ ના હોય તો પલાળ્યા વગર પણ બનાવી શકાય. જો સાંબો પલાળ્યા વગર ખીર બનાવીએ તો ચડતા થોડો વધારે ટાઈમ લાગે છે. પાંચેક મિનિટ્સ સતત હલાવતા રહીને ચડવા દો.


3) પાંચ મિનિટ્સ પછી ખાંડ ઉમેરો. મેં 1/4 કપ ખાંડ લીધેલ છે. જેમાં સ્વાદ મુજબ વધ-ઘટ કરી શકાય. ખાંડ સાથે જ ચપટી એલચી પાવડર ઉમેરી દઈએ. એલચી પાવડર ઓપ્શનલ છે.


4) ખાંડ નાંખ્યા બાદ પાંચેક મિનિટ્સ ચડવા દો. સાંબાની ખીર ઝડપથી બની જાય છે. તેમજ ખુબ ધટ્ટ પણ બને છે. દસ- બાર મિનિટ્સમાં તો ચડી જાય છે. હવે આ ખીરને ઠંડી પડવા દઈએ ખીર ઠંડી પડતા ઘટ્ટ થઈ જશે.


5) ઠંડી પડયા બાદ ખીરને સર્વિગ બાઉલમાં લઈ મનપસંદ ડ્રાય ફ્રૂટ્સની કતરીથી ગાર્નિશ કરો. સર્વ કરો. આ ખીરને બે ત્રણ કલાક ફ્રીઝમાં રાખી વધુ ઠંડી કરીને ખાવાથી તેના સ્વાદમાં ચાર ચાંદ લાગી જાય છે.


6) મિત્રો તો તૈયાર છે સાંબાની મીઠ્ઠી -મીઠ્ઠી ખીર, જેને સ્વીટ ડિશ તરીકે અથવા ફરાળી ડિશ તરીકે સર્વ કરો. વ્રત ઉપવાસની સીઝન આવી રહી છે તો આ વખતે આ રીતે ખીર બનાવજો. મજા પડી જશે. મેં તો બનાવી હવે તમે ક્યારે બનાવો છો મીઠ્ઠી -મીઠ્ઠી સાંબાની ખીર.


નોંધ :

મેં 1/4 કપ સાંબા સાથે 500 ml દૂધ લીધેલ છે. જેથી ખીર ખુબ ઘટ્ટ બને છે. જો થોડી પાતળી ખીર પસંદ હોય તો મિલ્ક થોડું વધારે લઈ શકાય.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

આ રેસિપીનો વિડીયો જોવા અહીં ક્લિક કરો :