સંબંધોના સરવાળામાં આજે એક શિક્ષક અને વિદ્યાર્થીની વાત દક્ષા રમેશની કલમે…

“સાઇબ !! સાઇબ !! જુઓ, જુઓ .. આ સુઈ ગયો !! ” છોકરાઓએ સરને ફરિયાદ કરી.


ગણિતના સર નવમા ધોરણમાં ચોથો પિરિયડ લેવા આજે આવ્યા હતાં. એ પેલા વિદ્યાર્થીને જગાડીને ખીજાવાને બદલે ઇશારાથી, બીજાઓને ચૂપ કરી દીધા. વિદ્યાર્થીઓ ને આશ્ચર્ય થયું !! સરે કાંઈ કીધું કેમ નહિ ?? રોજ આ ઊંઘણસીને માર ખવડાવવાની મજા મરી ગઈ !! કોઈને ગમ્યું નહિ પણ.. શું થાય ?? સરે, પિરિયડ પૂરો કર્યો અને પછી તરત જ રીશેષ પડ્યો. વચ્ચે,વચ્ચે, ઘણી વાર કલાસના છોકરાઓએ અવાજ પણ, કર્યા.. !!


સરે જોયું કે પેલો છોકરો હજુએ નિરાંતે સૂતો હતો . પિરિયડ પૂરો થતાં , સર જાય એ પહેલાં, હવે રીશેષ હોવાથી,બાજુવાળાએ પેલા નિંદ્રાળ, જેનું નામ નિમેષ હતું એને જગાડી દીધો. સરે એને કહ્યું, તું રીશેષ માં મને મળી જાજે !! બધા હસવા લાગ્યા, હવે આ નો વારો પડશે !! નિમેષ ડરતો અને મૂંઝાતો રહયો.. ઘણા બધા વિદ્યાર્થીઓ એને રાડો પાડી, ખીજવી ને.. સર પાસે ધકેલ્યો. નિમેષને સરે પૂછ્યું, કેમ બેટા !! તબિયત નથી સારી ??


એમ કહી એને માથે હાથ મુક્યો..અને.. એ છોકરો, નિમેષ એકદમ રડવા લાગ્યો. સરે જ્યારે એને છાનો રાખ્યો ત્યારે એ બોલ્યો, ‘” મારે પપ્પા નથી અને ઘરમાં હું મોટો દીકરો છું. એટલે રોજ રાતની પાળીમાં કારખાનામાં કામ કરવા જાવ છું. ત્યાંથી આવીને પછી, સ્કૂલે આવું છું એટલે મને ઊંઘ આવી ગઈ હતી , ઘણીવાર મને બધા ખીજવે છે અને ટીચર પણ, ગુસ્સો કરે છે અને એટલે જ ઘણીવાર હું સ્કૂલે જ નથી આવતો અને મને થાય છે કે મારે સ્કૂલમાંથી નીકળી જવું જોઈએ !!


..આજે તમે મને, આટલા પ્રેમથી પૂછ્યું તો મને પપ્પાની યાદ આવી ગઈ” કહી છોકરો રડવા લાગ્યો. સરે એને શાંત પાડીને જણાવ્યુ, “તને ભલે ઊંઘ આવે.. તું અહીં ચાલુ કલાસ, સુઈ જા ભલે, પણ, ભણવાનું ન છોડતો !! તને બીજા કોઈ ટીચર પણ નહીં ખીજાય હું એમને વાત કરી દઈશ !! પણ, દીકરા ! તું અધવચ્ચે સ્કૂલ છોડી ન દેતો !!, સાવ બંધ કરવાને બદલે ભણાય એટલું તો ભણ !! ”


તે દિવસથી એ વિદ્યાર્થીએ મન મક્કમ કરી આત્મ વિશ્વાસથી ભણવા લાગ્યો. દસમા ધોરણમાં પાસ થઈને ટેક્નિકલ કોર્સ કર્યો અને એને એસ ટી માં જોબ પણ મળી ગઇ. ખૂબ સારી રીતે, પોતાના પરિવાર સાથે જીવે છે અને એ નિમેષ, આ શિક્ષકને પોતાના જીવનના માર્ગદર્શક માની પૂજા કરે છે અને ખાસ ગુરુ પૂર્ણિમાના દિવસે એમને મળવા પણ આવે છે.

ભગવાનના આપેલા સંબંધો માં આવા સંબંધો પણ પ્રેમના સરવાળા કરે છે ..!!

લેખક : દક્ષા રમેશ “લાગણી”

ઈશ્વર દરેક વિદ્યાર્થીને આવા શિક્ષક સાથે ભેટો કરાવે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ