જલ્સા કરોને જેંતીલાલ

સંબંધોના સમીકરણમાં આજે વાત એક માતાની જેનું ફક્ત એક જ કામ છે, લાગણીસભર વાત…

“જનેતા”

‘જનેતા’ શબ્દ સાંભળતા યાદ આવે જ કે, પ્રભુએ આ શ્રુષ્ટિ બનાવી અને તે પોતે દરેક જગ્યાએ પહોંચી ન વળે, એ માટે એણે માં નું સર્જન કર્યું.
એ માં પણ કેવી ? એક જીવ પોતાનામાંથી જીવ છૂટો પાડે !! ભગવાન થી યે, ઊંચો દરજ્જો જનેતા નો, પરમાત્મા તો નિર્માણ કરી નીરખી રહે ! પણ, માં જનેતા ?


જન્મ આપ્યા પછી એ જીવની કેવી માવજત કરે કે બ્રહ્મ પણ એની પાસે લટકા કરે !! જનેતાના આ જગતમાં અસંખ્ય ઉદાહરણ છે.પણ એક નજરે જોયેલો બનાવ.. જામકંડોરણા ગામ માં પટેલનું ખોરડું. એક માજી રતન માં, સો વર્ષના થવા આવ્યા હશે ! એના દીકરા અરજણ બાપા જે એંસી વર્ષના, એ એના દીકરા અને બે પૌત્ર સાથે , બધા હળીમળીને આનંદથી રહે.


આવા પરિવારમાં એમના ઘરે …એક દિવસ.. અરજણ બાપા , રાત્રે બજારેથી ઘરે આવ્યા.. દીકરાના દીકરાની વહુઓ સાંજના વાળું પાણી પછી ખાટલા પથારી કરે ! બાપા આવીને સૂતાં.. થોડીવાર થઈ.. રતન માં ને તો દિ ને રાત સરખા, સુવે ને જાગે બધું સરખું.. આખો દિવસ ઝોલા ખાઈ લે, રાતે ય જાગ્યા કરે !!


એમને કોઈ કામ નહીં !! પણ, એક કામ નકકી, આખો દિવસની એમની દિનચર્યા.. પોતે જાગે એટલે પૂછે “અરજણ ઊઈઠો ?” વહુ એમને થાળી પીરસે તો પૂછે, ” અરજણે ખાધું ?” ને “સા પીધો અરજણે ?? અરજણ ક્યાં ??.. અરજણ હું કરે ??” અને દરરોજ રાત્રે..


રતન માં એના રૂમમાંથી ડગુમગુ હાલતાં હાલતાં આવે,.. ને અરજણ બાપા , જેને હવે ઊંઘેય આવી ગઈ હોય, એના ખાટલે આવી, માથામાં હાથ ફેરવી, એને ગોદડું ઓઢયું ન હોય તો ઓઢાડે, ઓઢયું હોય તો એ સરખું કરીને બબડતાં બબડતાં ચાલ્યા જાય રૂમમાં.. ” હરખું ઓઇઢશે નૈ ને ટૂંટિયા વારી જાહે !! નૈ તો હવાર થાહે તાં હળેખમ નો થઈ જાય…. ??…?” એંસી વર્ષના અરજણ બાપા ના ભાગ્ય ને નમસ્કાર કરું ?? કે એની માં જનેતા ના પ્રેમ ને ??


કવિએ કહ્યું છે ને !! જનની ની જોડ સખી, નહિ જડે રે લોલ !!

લેખક : દક્ષા રમેશ “લાગણી”

ખરેખર માતા હોય છે એટલી અદ્ભુત, પ્રણામ આ માતાને.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version