સંબંધોના સમીકરણ – બોલવું બધાને છે પણ જયારે ખરેખર કરવાની વાત આવે ત્યારે કેમ આવું…

“હિંમત”

” એની પાસળ મારે કાઈ કરાવવું નથી. જી કરવું હશે ઇ ઘરમાં બેહી એના આતમા ને ગતિ થાય એ હારું રામ નામ લઈ લેહુ !!!” મરનાર હેમલાની વહુ લક્ષ્મીએ હિંમત કરીને બોલી જ નાખ્યું !!

” કાંઈ સે આ બાઈ ને ?? ઘણી પાસળ કોઈ ક્રિયા કરમ, દાન ધરમ.. કાઈ નો કરાય?? સુ જમાનો આઈવો સે આપડી નાત માં તો લગન થી ઝાઝું મરણ પાસળ કરીયા કરમ કરવાનું હાઇલું આવે સે !!! ” લક્ષ્મી એ તો ય ક્રિયા કારજ કરવાની નારાજગી બતાવી તો ન્યાતીલાઓએ લક્ષ્મીને એના છોકરાઓ સહિત નાત બાર તગેડવાની ધમકી આપી. ફેરા ફરીને જેની સાથે બંધાઈને આવી હતી એ હેમલાની સચ્ચાઈ લક્ષ્મીએ આજે બધાને જણાવતા કહ્યું,…

“..પરણીને ખાલી બે છોકરાની માં બનાવી દેનાર હેમલાએ, એક દિવસેય કમાઈને રૂપિયો એકેય મને દેવાને બદલે ગડદા પાટા ને ગાળો જ દિધા’તા અને પારકા ઘરના કામ કરીને જે કાંઈ હું લાવતી એ પણ બળજબરી કરીને, દારૂ ને જુગાર માટે છીનવી લેનાર.. એ ઘણી ને ધણી કહેવો કે કેમ ? એ મંદવાડના ખાટલે હતા તયેં હતાં એટલા રોકડા રૂપિયા થઈ ર્યા સે !! જી કાઈ બસ્યું સે ઇ હવે આ મારા પહુડા જેવા સોકરાના મોઢેથી સીનવી લેહો તો મારે …

જીવતે જીવ જેણે મને હખ નો લેવા દીધું એની વાહે બે સોકરા હોતું સતી થાવું કે હું કરવું ??? આ કાળઝાળ મોંઘવારીમાં હું મે’નત મઝૂરી કરી મારા ને સોકરાવના પેટનો ખાડો પૂરું સુ !! હવે, તમારે હનધાય ને જી કરવું હોય ઇ કરો !!! ને, નો હમઝાય મારી વાત તમને તો…!! તમે મને નાઈત બાર કાઢો ઇ પેલા…આઇજેથી હું જ “મુંને” આ તમારી નાઈત ની બાયણે કાઢું સુ …!! લ્યો તારે.!!. સેલ્લી વાર ના રામ રામ !!!” આખી નાત આ વિધવાના કાળજા સોંસરવા નીકળેલા વેણ ના ઘા ઝીલી ને મોં વકાસી જોઈ રહ્યા… આ તે સંબંધોના કેવા સમીકરણ ?? સરવાળો તો ન થયો પણ સમીકરણ સ્પષ્ટ થઈ ગયું !!!

“પ્રસાદ”

મંદિરની બાર નીકળીને શાંતા બા , રંભામાં ને કહેતા હતા.. “કેવું અસલનું સમજાવતાં હતાં નહિ ?? ‘…નરસિંહ મહેતા તો વાસ માં ય ભજન કરવા બેસી ગ્યા !! એની તો હૂંડી શામળિયો જ સંભાળે !!”

” પેલી નીચા કોમની ડોશી, ભગવાનને ભાવથી ભજતી હતી. તો ભગવાને ય એની ઝુંપડીએ આઈવા ને એનો થાળ આરોગ્યો !!” ” એની પાહે તો હાચો ભાવ અને પ્રેમ જોઈએ, આ નાત જાત અને ઊંચ નીચ તો આપડે કરીયા છે” શાંતા બા, મંદિરેથી પ્રસાદ લઈ ઘરે આવી પહોંચ્યા .. ત્યારે એના હાથમાંથી પ્રસાદ લઈ ને ભાગેલા એમના પૌત્ર જીયાંશે જ્યારે વોચમેનને પ્રસાદી આપી તો બાને ખીજ ચડી ગઈ અને બોલી પડ્યા…, ” કેટલી વાર કીધું સે !!

બધાય ને એમનેએમ હાથો હાથ કાંઈ નો દેવાય ???.. આ.. લાગે નહિ ??” પછી તિરસ્કારભરી નજરે પ્રસાદી લેનાર હાથ સામે જોઈ ને બબડ્યા.. “છોકરાવ તો ઠીક !નાસમજ હોય !!લેવાવાળા એ તો સમજવું જોઈએ ને ??” આ સાંભળીને,ઝંખવાઈ ગયેલ વોચમેન પ્રસાદ સામે જોઈ રહ્યો…!! એને ખબર ન પડી કે “ભગવાન તો ભાવનાનો ભૂખ્યો છે તો હવે આ …???”

લેખક : દક્ષા રમેશ “લાગણી”

બંને વાર્તામાંથી તમને કઈ પસંદ આવી અમને જરૂર જણાવજો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ