સંબંધને કોઇ નામ નથી હોતું, લાગણીનું ગામ નથી હોતું… લાગણીસભર વાર્તા અંત ચુકતા નહિ…

મનોહરે આખા ગામને ઘરે ઘરે દીવાળીનાં ‘રામ-રામ’ કરીને પછી કપુરચંદ શેઠની હવેલી એ જવા વિચાર્યુ. ભલે એણે ગામ છોડી દીધું. એને આઠ આઠ વરસનાં વહાણાં વાઇ ગયા છતા દર બેસતા વર્ષે એ બાદલપર આવી જતો. બાદલપરનાં દરેક માનવી સાથે, દરેક ઝાડવા સાથે, અરે ધૂળનાં કણેકણ સાથે તેને જે માયા બંધાયેલી હતી એ માયાની માટી ઉપર શહેરીપણાની કૃત્રિમતાના થર લાગ્યા નહોતા.!!

આજે ભલે કલાસ-ટુ ગેઝેટેડ ઓફિસર બન્યો હતો. તાલુકાનો વડો હતો છતાં જયારે તે બાદલપુર પહોંચતો ત્યારે માત્ર તે ‘મનુ’ બની જતો હતો. અને ‘મનુ’ બની જવામાં તેને જે લિજ્જત આવતી હતી તે ‘સાહેબ’ ‘સર’, ‘આપ’ જેવા સંબોધનમાં કયારેય નહોતી આવતી.!! તે ચોરા પાસે નીકળ્યો. ભાવગર મહારાજને મળીને પછી ચોરાના પગથિયા ઉતરી હવેલી તરફ વળ્યો કે ભાવગરે સહેજ સ્વરમાં આશ્વર્ય આણીને પૂછ્યુ : ‘બેટા મનુ, આમ કઇ તરફ?’

‘હું કપુરચંદ કાકાને મળવા જાઉં છું બસ તેઓ એક બાકી રહ્યા છે” “ત્યાં તું નાહકનો ધક્કો ખાય છે. હવેલીએ હવે કોઇ રહેતુ નથી. કપુરચંદ શેઠ તો કે’ દુના ઉચાળા ભરીને અહ્યાંથી વહ્યા ગયાં બાપ! હવેલી તો સૂની પડી ગઇ છે…’ ‘એટલે?’ મનોહરને આંચકો લાગ્યો: કપુરકાકા ક્યાં વહ્યા ગયા?’ ‘અમદાવાદ ભેગા થઇ ગયા એમની દીકરી જયોત્સનાને ત્યાં…’ ‘પણ શું કામ? કોઇ કારણ? કાંઇ મન દુ:ખ? ઝઘડો? કે પછી?’

‘દેવું! ભાવગરે વાંહજાળ ઉંડો નિહાકો મૂકતા કહ્યું’ ‘માથાના વાળ જેટલુ દેવું થઇ ગયુ હતુ. શું કરે બિચારો? જેણે શેઠનાં રૂપિયા લીધા’ તા એ ફૂટી ગયા. જેના કાલા કપાસ, મગફળી, તલ, બાજરા રાખ્યા’ તા, ઇ ,માલના ભાવ બેસી ગયા. માણસ કેડેથી ભાંગી જાય ઇ કયારેય ઉભો થઇ શકતોનથી…’ ‘હું ઉભો કરીશ. ભાવગર કાકા…! પણ મને એમનું સરનામુ તો આપો કે અમદાવાદમાં રહે છે કયાં?”

‘સરનામુ તો તને રમણિકભાઇ પાસેથી મળશે.’ તો પછીની વાત પછી’ કહી મનોહરે રમણિકભાઇ પાસેથી કપુરચંદનું સરનામુ લઇને.પોતાની મર્સીડીઝ સીધી અમદાવાદને રસ્તે જ મારી મુકી.સાંજ પડી ચૂકી હતી. ત્યારે મનોહરની ગાડી બરાબર જયોત્સનાના ઘર પાસે આવીને ઉભી રહી મનોહર અંદર પ્રવેશ્યોને જયોત્સનાના પતિ જગજીવને પૂછ્યુ: ‘કોનું કામ છે ભાઇ?’ ‘કપુરચંદ કાકા મળશે?’

‘હા…’ જગજીવન કહ્યું : ‘આવો! ક્યાંથી આવો છો?’‘બાદલપરથી!’ મનોહર ચાહીને બોલ્યા : ‘કાકાને કહો કે બાદલપરથી ચંદુલાલનો મનોહર- ‘મનુ’ મળવા આવ્યો છે…’‘મનુ?. મનોહર… અંદરના સ્હેજ આંધારીયા ઓરડામાં કપુરચંદનો દબાયેલો અવાજ આવ્યો. ‘હું કાકા…હું મનુ ! મનોહરે હડી કાઢી જગજીવન તેને જોઇ રહ્યો ને મનુ કપુરચંદનાં પગમાં સાક્ષાત દંડવત પડી ગયો: ‘કાકા, હું તો તમને મળવા બાદલપર ગયો. ને તમે— ‘અંજળ ખૂટી ગયા બેટા. મારા નસીબ’-

‘મે ભાવગર મહારાજ પાસેથી બધી વાત સાંભળી લીધી છે. કાકા ! એક વાત કહું ?’ ‘અંજળ કોઇ દિ’ ખૂટતા નથી. નસીબ કોઇ દિ ટૂંકા પડતા નથી. માણસની સાચી સંપત્તિ માણસનો પરિશ્રમ છે. તમે કેટલો પરસેવો વહાવ્યો છે એ બીજુ કોઇ ન જાણતુ હોય તો કાંઇ નહી પણ હું તો જાણું જ છું…! અને એ ગામ તમારા થકી હતુ. ગામ થકી તમે નહોતા. !!એ તમારી હથેળીનાં બળે આટલુ આગળ આવ્યુ છે.’

‘એ બધો હવે ભૂતકાળ બની ગયો છે. થાવાકાળ થઇ ગયુ ,નહીતર હું વાણિયાનો દીકરો આગળ મત્તિ ભૂલી જાઉ?’
‘જેણે’ જેણે તમારા હાથ માંથી છીનવ્યા છે ભગવાન એમને કયારેય નહીં માફ કરે. કારણ કે ઇ પૈસો ધરમની કમાણી માંથી આવ્યો હતો અને ઇ પૈસાએ મારી જેવા કેટલાયની જિંદગી ઉજાળી છે. કાકા ! તમારા રૂપિયાને સહારે તો કેટલીય દીકરીઓ સાસરવાટ સીધાવી. કેટલાય નપાણી ભોમકામાં કૂવા ખોદાયા. ઇ પૈસાને લીધે તો નિશાળનાં ઓરડા બંધાયાને કેટલાયના હૈયે વિદ્યા ચડી, નહીંતર હજીય ગરીબની દીકરીઓ આ નધણિયાતી ગાય જેમ રખડતી હોત અને…અને.. મનોહરે કહી દીધુ: ‘મને આગળ બોલતાય લાજ આવે છે કે શું નુ શુ થયુ હોત, શું ન થયું હોત…

બાદલપરનાં પાદરમાં લહેરાતી વાડીઓના મોલમાં તમારા રૂપિયાની છબીઓ છે ગામના ભણીને નોકરી ધંધે વળગેલા જુવાનીયાઓના કોઠામાં તમારા ઉપકારનું અન્ન છે…અને એ અન્નના ઓડકાર હજી અમને આવે છે. ધોળ્યા તમારા રૂપિયા ગયા પણ ઉધરાણી કોણ કરે છે! મને નામ બતાવો હું ભરપાઇ કરી દઇશ…’

‘એવું ન બોલ મનુ! આજે મારો દીકરો અરવિંદ આ બાબતમાં તો મારી સાથે ઝઘડીને મુંબઇ ભાગી ગયો .હું બાદલપરમાં મોઢુ બતાવવા લાયક ન રહ્યો. કોઇ ઉધરાણી કરતુ નથી. સામુના એમ કહે છે કે, અમારે રૂપિયા જોતા નથી પણ રાત દિ’ હું મનમાં ને મનમાં સોરાયા કરતો હતો કે અરેરે, આ આયખાને અડધે પહોંચીને તો મે બધાના ચડાવી રાખેલા ઋણ ક્યારે ઉતારીશ! અડધો લાખ રૂપિયો પરત આપી શકવાની મારામાં તાકાત નથી.

અને અરવિંદ મારે છતે દીકરે દીકરીને ઘેર રહેવાનું આવ્યું ? આ જીંદગીએ…?’ હું તમારો અરવિંદ જ છું કાકા! મને તમારો દીકરો જ જાણી લો. એને પણ હું સમજાવીને પાછો તેડી આવીશ. તમારા અડધા લાખ હું પાછા વાળી દઇશ. બાકી કપુરચંદ બાદલપર છોડશે તે દિ બાદલપર નિમાણું થઇ જાશે. “” “પણ એ મારો ભૂતકાળ બની ગયો છે.અને ભૂતકાળ કોઈ દિવસ વર્તમાન નથી બની શકતો મનોહર..”

“તો પછી એ વાત ભૂલી જાવ કાકા.મારે આજે એ જ ભૂતકાળ ને પાછો એવો જ વર્તમાન બનાવી દેવો છે….તમને ખબર છે કાકા, હું તમને લેવા આવ્યો છું. તમારે જેને જે રૂપિયા આપવાના થતા હોય તેના નામ બતાવો હું એ કરજ ઉતારી નાખીશ…” ‘ અને પછી પાછું એક ઔર ઋણ મારે માથે ચડશે. ઉપરથી ચંદુલાલ જોતો હશે, અરે ભલા માણસ તે મારા દીકરા માથે નાખ્યુ…‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍’ કપુરચંદ ગળગળા થઇ જતા બોલ્યા.

‘જે દિ’ તમારા રૂપિયા હું ભણતો’ તો ઇ વખતેય મારા પિતાજી ઉપરથી જોતા હશે ને કાકા! અને આજે હું જે કાંઇ છું તે તમારા લીધે જ ને ??બાકી ,તો હું ન ભણ્યો હોત તો આ કક્ષાએ ન પહોંચી શકયો હોત. અને આજની તારીખે પાંચસો સાતસોનાં પગારમાં કોઇ પેઢીમાં ગુમાસ્તો બનીને બેઠો હોત અને કાં તો કયાંક નામુ લખતો હોત…’ ‘મનુ……’ કપુરચંદની આંખમાં આંસુ આવી ગયા: ‘ગામ છોડવાનું દુ:ખ તે ભાગી નાખ્યું…’

‘હા કાકા, જે ગામમાં કોઇ વાણિયાનાં દીકરાનું ઘર નથી તે ગામ, ગામ નથી પણ માટીનો માત્ર એક ટીંબો છે. ….તમે બાદલપરને ટીંબો બનાવી દેવા માંગો છો? પણ મનોહર ના આ સવાલનો જવાબ આપવાને બદલે, કપુરચંદે મનોહરને પોતાના બાથમાં લઇ લીધો ત્યારે મનોહરની આંખોય આંસુથી ઝળાંહળાં થઇ ગઇ હતી.!!!!!!

લેખક : યોગેશ પંડ્યા

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ