સંબંધ – એકવાર અમે અમારી દીકરીને ખોઈ દીધી છે હવે અમે અમારી વહુ દીકરીને નહિ જવા દઈએ…

મહેમાનોની આતુરતાથી રાહ જોઈ રહેલા ગોપાલભાઈ દરવાજાની આજુબાજુ આંટાફેરા કરી રહ્યા હતા. મહેમાન આવ્યા કે નહીં એ માટે વારેઘડીએ બહાર ડોકિયું પણ કરી લેતા. શિલ્પાબેને પણ રસોડામાં જઈ નાસ્તાની વ્યવસ્થા એક વાર ફરી જોઈ લીધી હતી. પોતાની વહાલસોયી સંધ્યાને જોવા આજે છોકરાવાળા આવવાના હતા. એટલે આખો પરિવાર આજે મહેમાનોની રાહમાં આકુળ-વ્યાકુળ હતો.


પોતાની પરણવાલાયક પુત્રીના લગ્નના ઓરતા કયા મા-બાપને ના હોય? પોતાની વહાલસોયી ને પરણાવવાના કોડ ગોપાલભાઈ અને શિલ્પાબેન ના હૃદયમાંય હતાં. સંધ્યાએ ઘણા છોકરા જોયા પણ સંધ્યાને અત્યાર સુધી જોવા આવેલા બધા જ છોકરાએ સંધ્યા સાથેની વાતચીત બાદ કોઈ જવાબ ન આપતા. ગોપાલભાઈ અને શિલ્પાબેન બંને આના લીધે ઘણા ચિંતિત રહેતા હતા.

આખરે સોની પ્રતીક્ષાનો અંત આવ્યો. સમીર પોતાના પિતા મનસુખભાઈ અને માતા દયાબેન સાથે ઘરમાં આગમન કર્યું. કદમાં ઊંચો અને દેખાવે કોઈને પણ એક નજરમાં જ ગમી જાય એવો સમીર સ્વભાવે પણ સંસ્કારી લાગતો હતો. સંધ્યાના માતા-પિતાને તો જોતાં જ ગમી ગયો હતો. ચા નાસ્તા સાથે સંધ્યા સૌ સમક્ષ આવી. સમીરના માતાપિતા ને પણ સંધ્યા પહેલી જ નજરે ગમી ગઈ.અને ગમે કેમ નહિ સંધ્યા હતી જ એવી રૂપ રૂપ ના અંબર સમી.આંગળી અડાડો તો લાલ ચાંભુ પડી જાય એવી રૂપાળી. નાક નકશે પણ એટલી જ આકર્ષક. થોડી ઔપચારિક વાતો બાદ સંધ્યા અને સમીરને એકાંતમાં વાત કરવા માટે સંધ્યાના રૂમમાં મોકલવામાં આવ્યા. સમીરે એકાદ ફંકશનમાં સંધ્યાને જોઈ હતી અને સમીરને તો સંધ્યા ત્યાં જ ગમી ગઈ હતી. બસ એટલે જ આજે સમીર ના કહેવા પર જ એના માતાપિતા સંધ્યા ને જોવા આવ્યા હતા.

“ઘણીવાર થઈ ગઈ ને બંને ને વાતો માં?” ગોપાલભાઈ થોડા ચિંતા માં બોલ્યા “અરે લાગે છે સમીર અને સંધ્યાએ રૂમ માં જ ચોરી બનાવી ફેરા ફરી લેવાનું વિચારી લીધું છે” હળવા સ્વભાવ વાળા મનસુખભાઇ રમૂજ કરતા બોલ્યા “એમ પણ અમારા દીકરા ને તો સંધ્યા ગમતી જ હતી.લાગે છે હવે સંધ્યાને પણ સમીર ગમી ગયો છે” દયાબેને ઉમેર્યું

ગોપાલ ભાઈ અને શિલ્પાબેન ચૂપચાપ બેસી ને સમીર અને સંધ્યા ની રાહ જોઈ રહ્યા હતા. થોડી જ વાર માં સમીર રૂમ માંથી બહાર આવ્યો. એના ચહેરા ની તંગ રેખાઓ કઈક અજુગતું ઘટયાની ચાળી ખાતી હતી. સમીરની પાછળ પાછળ સંધ્યા પણ આવી. એના ચહેરા પર આત્મસંતોષ હતો. અને એનો એ આત્મસંતોષ જોઈ ગોપાલભાઈ અને શિલ્પાબેન ના ચહેરા પર ખુશી અને ઉદાસી ના ભાવો એકસાથે પ્રસરી ગયા હતા. મનસુખભાઇ એ સમીર તરફ ઈશારા થી વાત નો તાગ મેળવવા નો પ્રયત્ન કર્યો. આખરે સમીરે મૌન તોડ્યું “મમ્મી પપ્પા” એટલું બોલતા બોલતા તો સમીર પરસેવે રેબઝેબ થઈ ગયો


સમીર ની હાલત જોઈ સૌકોઈ ગભરાઈ ગયા. શિલ્પાબેન દોડી ને રસોડામાંથી પાણી લઈ આવ્યા “શુ થયું બેટા. જો તને ઠીક ન લાગતુ હોય તો આપણે આ સંબંધ આગળ નહિ વધારીએ” પોતાના લાડકા દીકરાની ચિંતા કરતા દયા બેન બોલ્યા “મમ્મી…સંધ્યા સાથે પણ એ જ ઘટના ઘટી છે જે જાગૃતિ સાથે ઘટી હતી” રડમસ થતા સમીર બોલ્યો

મનસુખભાઇ અને દયાબેન ના પગ નીચે થી તો જાણે જમીન ખસી ગઈ. એમની દીકરી જાગૃતિ પણ પરણવાલાયક ઉંમરે નવરાત્રી દરમ્યાન કેટલાક નરાધમો ની હવસ નો ભોગ બની હતી. સતત થતી બદનામી અને લોકો ની ઘૃણા ભરેલી નજરોથી ત્રાસી ને એક દિવસ એને પંખા પર ગળે ટુંપો દઈ આપઘાત કરી લીધો હતો. મનસુખભાઇ દયાબેન અને સમીર ની સામે જાગૃતિ નો પંખા સાથે લટકતો દેહ તરવરી ઉઠ્યો. ત્રણેય ની આંખો ભીની થઇ ગઇ. આ વાત સાંભળી ને સંધ્યા અને તેના માતાપિતા પણ ચલિત થઈ ગયા. બે ઘડી આખા ઘરમાં શાંતિ છવાઈ ગઈ. આખરે મનસુખભાઇ એ ચુપ્પી તોડી

“ગોપાલ ભાઈ, અમારી તરફથી સંબંધ પાક્કો” ગોપાલભાઈ ખુશ ખુશ થઈ ગયા. એમની ખુશી કેવી રીતે વ્યક્ત કરવી એ પણ એમને સુજી નહોતું રહ્યું. મનસુખભાઇ સામે હાથ જોડી એમનો આભાર માનવા લાગ્યા

“મનસુખભાઇ તમારો ખૂબ ખૂબ આભાર. તમે મારી સંધ્યા ને સ્વીકારી એ બદલ” “ગોપાલભાઈ. એક દીકરી જાગૃતિ ને ગુમાવી દીધી છે મેં. હવે સંધ્યા જેવી દીકરી ને હું કે કોઈ માબાપ ન ગુમાવે એ માટે જ આ પગલું ભર્યું છે” મનસુખભાઇ એ ગોપાલભાઈ નો હાથ પોતાના હાથ માં લેતા કહ્યું

દયાબેન અને શિલ્પાબેન પણ એકબીજા ને બાજી પડ્યા. અને આ સાથે જ સંધ્યા ના હ્ર્દય પર લાગેલો એ ઝખમ પણ રૂઝાવા ની તૈયારીમાં હતો.

લેખક : કોમલ રાઠોડ

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ