સમય – એ પિતાની આંખોમાં તેમનું દુઃખ દેખાઈ રહ્યું હતું, આજે તેમની માતાની યાદ એ દિકરાઓને આવી ગઈ…

આમ તો આવી રીતે કોઇ દિવસ ફોન આવ્‍યો જ નહોતો એટલે જ સૂર્યવીરે જ્યારે વળતો ફોન કરીને ગામડે બોલાવવા માટેનું કારણ પૂછ્યું ત્યારે રણજિતના અવાજનો ‘ટોન‘ ઘણો બદલાયેલો પણ લાગ્યો. ‘…પણ ભઇલા, વાત શું છે? એ કહે તો વહેલા આવવાની ખબર પડે અને અમારો શ્વાસેય હેઠો બેસે ! શું બાની તબિયત કંઇ નરમગરમ છે કે પછી બાપુને… કાંઇ સિરિયસ જેવું છે ?‘

-પરંતુ સૂર્યવીરની આર્ગ્યુમેન્‍ટની કોઇ અસર રણજિતને થઇ તો નહીં જ, ઊલટાની તેના અવાજમાં ગંભીરતાની સાથે રૂક્ષતાની છાંટ પણ ભળી : ‘તમે અને દક્ષજિતભાઇ બન્‍ને આવી જાવ. હા, જેમ બને એમ જલદી ! બાએ તેડાવ્‍યા છે. બાપુ તો મજામાં જ છે. એમની તબિયત તો બિલકુલ ઘોડા જેવી છે. એમને વળી શું તકલીફ હોવાની ?‘ સૂર્યવીરની સિકસ્‍થ સેન્‍સમાં કશાક અમંગળની ઘંટડી વાગી રહી. એણે ગાડી તાબડતોબ દક્ષજિતના ઘરે દોડાવી.

‘મોટા બાપુજી આવ્‍યા, મોટા બાપુજી આવ્‍યા…‘ કરતાં કરતાં દક્ષજિતના બન્‍ને બાળકો સૂર્યવીરની આસપાસ વીંટળાઇ વળ્યા, પણ સૂર્યવીર આજ બેહદ આશંકા અને અજંપામાં હતો. નહીંતરતો બન્‍ને બાળકોને હોલસેલના ભાવે પપ્‍પીઓ આપી દીધી હોત ! અને સાથે લાવેલ ભાગના ઢગલા કરી દીધા હોત, પણ આજ… એ આગળ વધ્‍યો ત્‍યાં જ અંદરના રૂમમાંથી દક્ષજિત બહાર આવતા બોલી ઊઠ્યો : ‘અરે, મોટાભાઇ અચાનક ?‘

‘હા, અચાનક. અચાનક આવવું પડ્યું. ગામડેથી રણજિતનો ફોન આવ્‍યો છે. હાલ ને હાલ આપણને બન્‍ને ભાઇઓને તેડાવ્‍યા છે. કેમ તેડાવ્‍યા છે એ તો મેં બે વાર પૂછ્યું તોય રણજિતે ન કહ્યું. શું હશે ? સાલુ ચિંતા થાય છે. કાંઇ બાપુને તો…. પણ, એ તો રણજિતે કહ્યું. બાપુ તો બિલકુલ મજામાં છે. કદાચ બા ને –‘

એ બન્‍ને ભાઇ આગળ વિમર્શ કરે એ પહેલાં ગાડીમાં આ ઘરે તેડતા આવેલા સૂર્યવીરની પત્‍ની નંદીનીએ ગાડીમાંથી ઊતરીને રૂમમાં પ્રવેશતા કહ્યું: ‘તમે ખોટી ચિંતા કરો છો. જો કાંઇ સિરિયસ જેવું હોય ને તો તો રણજિતભાઇએ જણાવી જ દીધું હોય. આ તો કાંઇક જમીન વેચાણનો મામલો હશે કદાચ. હું તો એમ માનું છું કે પેલા ‘સિગ્‍મા ટેલિકોમયુનિકેશન્‍સ એન્‍ડ ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર‘ કંપની વાળા કંપનીનો પ્‍લાન્‍ટ બનાવવા આપણા ગામની જમીનની આખો પટ્ટો ખરીદી લેવા માંગે છે ને કદાચ એટલે જ, એટલે જ… બા-બાપુએ તમને બેય ભાઇઓને બોલાવ્‍યા હોય, ત્‍યાં રણજિતભાઇને તો એવી વહીવટની બાબતમાં હજી ખબરેય શું પડે ?‘

સૂર્યવીર અને દક્ષજિતના ગળે વાત શીરાની જેમ ઊતરી ગઇ. દક્ષજિતતો આશ્ચર્યથી નંદીનીને તાકી રહેતા બોલી ઊઠ્યો : ‘વાહ ભાભી વાહ, માઇન્‍ડ બ્‍લોઇંગ થિંકિંગ.‘ ત્‍યારે સૂર્યવીરેય નાનાભાઇ અને તેની પત્‍નીની હાજરી હોવા છતાંય હસીને કહ્યું : ‘આઇ એમ પ્રાઉડ ઓફ યુ. આઇ કાન્‍ટ થિન્‍ક અબાઉટ ધીસ ફેક્ટર્સ બટ યુ ટ્રુલી કેન થીંક અબાઉટ એવરી ટોપિ‍ક‘ ‘અલ્‍ટો‘ ને તો વારે ય શું લાગે ? ત્રણ વાગ્‍યાની બન્‍ને ભાઇઓને લઇને નીકળેલી ગાડી સાડાસાતે તો બાદલપર આવી પહોંચી. છતાં જીવ તો બન્‍ને ભાઇઓનો ઉભડક જ હતો. ગાડી શેરીમાં પાર્ક કરીને બેય ભાઇ ઝડપથી અંદર આવી પહોંચ્યા, તો બાપુ –

ખાટલામાં સૂતા-સૂતા શૂન્‍ય અપલક નજરે છતને તાકી રહ્યા હતા અને બા ઓરડામાં બેઠી બેઠી માળા ફેરવતી હતી. નોકરાણીએ આવીને પાણી આપ્‍યું. બન્‍ને ભાઇ બાપુને પ્રણામ કરીને બેઠા. બાપુ ક્યાંય લગી તેમને તાકી રહ્યા. દક્ષજિત એમના પગ આગળ આવીને બેઠો. ને સૂર્યવીરે તેમના માથા ઉપર હાથ રાખ્યો. પ્રતાપસિંહના કૃશ ચહેરા ઉપર ચેતનાનો ઉજાસ રેલાયો : પંડના લોહીની અસર થઇ જાણે ! એમના બોખા મોઢામાંથી શબ્‍દો આવીને એમના સુક્કા હોઠ પર બેઠા : ‘આવી ગયા બન્‍ને ભાઇ?‘

‘હા‘ સૂર્યવીરે વાતનો તંતુ બાંધ્‍યો : ‘હા બાપુ, અમે આવી ગયા. પણ વાત એવી તો શું હતી કે….? કે, આ? અચાનક? એકાએક?‘ – સૂર્યવીર અટક્યો : ‘હજી ગયા બુધવારે તો અમે બધા જઇએ છીએ. ને સાવ ઓચિંતા જ ? બાપુ, એવું તે શું કામ પડ્યું કે-‘ પણ પ્રતાપસિંહ કશું બોલ્‍યા નહીં. કદાચ બોલવા તો ઇચ્છતા હતા. ઘણુંય બોલવા ઇચ્છતા હતા પણ ન બોલ્‍યા. ‘પણ એ ઘણુંબધું બોલવા છતાં બોલી શકવા અસમર્થ છે એવું સૂર્વીરે અનુભવ્‍યું જ.‘

‘જવા દો ને…‘ હાથના ઇશારાથી જ તેણે સમજાવ્‍યું. ના, સમજાવવું પડ્યું. બન્‍ને ભાઇઓ એકબીજાની સામે તાકી રહ્યા. એ નજરોના સંધાનમાં કેટલાય પ્રશ્નાર્થો ટળવળતા હતા. એટલામાં જ બહારથી રણજિત આવ્‍યો, દક્ષજિતે બોલાવ્‍યો : ‘રણજીત…‘ રણજિત ઓરડામાં આવ્‍યો ખરો. પણ કશું બોલ્‍યો નહીં. ‘આવો…‘કહેતા આવકારો પણ નહીં ને! બન્‍ને ભાઇઓને થોડુંક નહીં! ઘણુંય બદલાયેલું લાગ્‍યું અને એ પણ સાત દિવસમાં ?

સાત દિવસ પહેલા તો અહીં, અહીં જ કિલ્‍લોલ કરતો પંદર વીસ માણસોના પરિવારનો જમેલો ભેગો થયો હતો. વેકેશનમાં બધાંને ખૂબ મજા આવી ગયેલી. રણજિતનાં બાળકો તો સૂર્યવીર દક્ષજિતનાં બાળકોથી વેગળાં પડતાં જ નહોતાં. આખરે રણજિતની પત્‍નીએ બન્‍ને જેઠાણીઓને કહેવું પડેલું : ઉતરાયણની રજામાં બન્‍ને દીદી આવજો ને !! અહીં મનેય સાવ એકલું એકલું લાગે છે…‘ ત્‍યારે બન્‍ને જેઠાણીએ વૃદાના માથે હાથ મૂકીને પ્રોમીસ આપેલુંપ્‍ પણ અત્‍યારે તો…

અત્‍યારે તો ન બાળકો પાસે ફરક્યા કે ન તો રણજિત ! એ પણ કશું બોલ્‍યા ચાલ્‍યા વગર જ ચાલ્‍યો ગયો. નોકરાણી ચા લઇને આવી. ચા પીધી. વાળુ તૈયાર થઇ ગયું હતું. બંને ભાઇઓને જમવા બેસાડ્યા પણ હરહંમેશની જેમ રણજિત સાથે નહોતો બેઠો.

રાત પડી ત્‍યારે નોકરાણી આવીને કહી ગઇ . ‘બા ને તમારું કામ છે. ઉપરના ઓરડે નવેક વાગ્‍યા પછી બાએ આવવાનું કહ્યું છે…‘ મોટાભાઇ, આ તે વળી કેવું? વોટ અ સિક્રેટ- દક્ષજિતના ભવાં ઊંચકાયા :‘આપણે એના દીકરા છીએ દીકરા ! મહેમાન નથી અને દીકરાવ માટેય જો ઓઝલ પડદા આડા કરવાની શરૂઆત થતી હોય તો પછી… આઇ હેટ ધેટ ટ્રેડિશન. મને મંજૂર નથી મોટાભાઇ ! રણજિત ક્યાં છે ?‘

‘શાન્‍ત દક્ષ. શાન્‍ત ! શરૂઆત તો કે‘દૂની થઇ ગઇ હશે કોને ખબર?‘ સૂર્યવીરના સ્‍વરમાં ભાવુકતા ઊભરાઇ : ‘આ તો નાટકના પ્રથમ અંકનો પહેલો પ્રવેશ. એકવાર પડદો ઊંચકાવા દે. તું બોલ નહીં ભાઇ ! તું બોલ નહીં ને હવે રણજિત…? તું કોને શોધે છે નાહકનો ?‘ ‘હું કશું સમજી શકતો નથી. આ બધું શું થવા બેઠું છે?‘ ‘…પણ હવે મને થોડું થોડું સમજાય છે. દક્ષ-‘ રાત પડી. એને એક પ્રહર ઉપર ઘટિ વીતી ચૂકી હતી. રાત ગામડાની હતી. ભયાનક અને ભેદી ! આ કાંઇ થોડી અમદાવાદની રાત હતી કે જ્યાં રાત પડે ત્‍યારે દિવસ ઊગતો હોય !

છેવટે કહેણ આવ્‍યું અને બંને ભાઇઓ ઉપરવાળા ખંડમાં ગયા. બારી-બારણા બંધ કરાવી-કરાવીને વિજ્યાબા અંદરની બેઠકવાળા ઓરડામાં આવીને બેઠા. તેની સાથેસાથે રણજિત પણ આવ્‍યો. વિજ્યાબાએ આવીને ચારેકોર જોયું બે-ત્રણ માતેલા સાંઢ જેવા આદમી પોતપોતાના હાથમાં એેકેક હથિયર લઇને બેઠા‘તા. ‘તમમે શું અહીં બેઠા છો?‘ વિજ્યાબાએ ધારદાર નજરે તેમને પૂછ્યું કે એક જણે ડરતાં ડરતાં કહ્યું : અમે તો અમસ્‍તા જ બેઠાં છીએ. આ તો બે દિ‘ પહેલાં રણજિતભાઇએ કહેલું.‘ ‘જવા દો. હવે તમારી જરૂર નથી. ફૂટો જાવ.‘ અને ‘વાડ સાંભળે‘ વાડનો કાંટો સાંભળે…‘ એમ મોટેથી બોલતા બોલતા ગયા. ને બેઠકખંડના બારણાની અંદરથી સાંકળ ચડાવી દીધી.

હવે ઓરડામાં રહ્યા હતા માત્ર ચાર જણ. ત્રણ દીકરા અને એક મા. સૂર્યવીર અને દક્ષજિત વિજ્યાબાને અનોખા ભાવથી તાકી રહ્યા હતા. જ્યારે વિજ્યાબાના ચહેરા ઉપર વિચારોના ષટકોણ ગોઠવાતા જતા હતા. ‘કહો બા. આખરે એવી તે શી વાત છે કે તમારે અમને તાબડતોબ બોલાવવા પડ્યા?‘ સૂર્યવીરનો જવાબ આપવા હાથની આંગળી વડે ફર્શ પર પડેલાં બે ચાર તણખલાંને રમત કરતાં-કરતાં વિજ્યાબાએ જુદાં પાડ્યાં… સૂર્યવીરે એ જોયું. ફરી પૂછ્યું : ‘બા તમે નહીં કહો કે…‘

‘ના, કહેવા માટે તો મેં આખરે બોલાવ્‍યા છે.‘ વિજ્યાબાએ બંને ભાઇઓ તરફ જોયું હવે પછી થનાર ઘાની કેવીક પ્રતિક્રિયા આ બન્‍ને ઉપર ઊપસશે તેની નોંધ કરીને પછી આખરે કહ્યું ‘તમે બેય ભાઇઓ આજ આવી ગયા. સારું થયું મેં જ તેડાવ્‍યા હતા. વાત તો એ હતી કે હવે આપણે ચોખ્‍ખું કરી નાંખીએ. જમીન, મકાન, વાડી, વજીફા, ઘર અને મિલકત…‘

‘ચોખ્‍ખું?‘ સૂર્યવીરને ધ્રાસકો પડ્યો. દક્ષજિતને આંચકો લાગ્‍યો : પણ કોનાથી ચોખ્‍ખું અને ચોખ્‍ખું શું? બન્‍ને ભાઇઓ એકસાથે બોલ્‍યા. વિજ્યાબા એકધારી અને દ્રઢ નજરેથી બન્‍નેને તાકી રહ્યા. પછી કહે : ‘ભાઇએ ભાઇઓથી ચોખ્‍ખું.-‘ ‘એટલે ?‘ સૂર્યવીરે પૂછ્યું : ‘હું કાંઇ સમજ્યો નહીં બા –‘ ‘બા ભાગ પાડવાની વાત કરે છે.‘ ખડખડાટ હસી પડતાં રણજિતે કહ્યું : ‘તમને કોઇ ખ્‍યાલ ના આવ્‍યો? આ અમારી ગામડાની ભાષા છે. ‘

‘માત્ર તમારી ? અમારી ભાષા નહીં ? અરે અમે પણ તમારા જ છીએ. ગામના જ છીએ અને એક લોહી છીએ.‘ દક્ષજિતે સ્‍હેજ અકળાઇને કહી નાખ્‍યું : ‘અમે વળી કે‘દિ શહેરના થઇ ગયા, રણજિત ? અમે-તમે બધા એક જ છીએ ને ? તું વળી કેમ એમ કહે છે કે આ અમારી ગામડાની ભાષા છે ?‘ ‘એ ભોળિયો છે બેટા…‘ વિજ્યાબાએ રણજિતનું ઉપરાણું લીધું : ‘ઇ બિચારાને શું ખબર પડે? તમારે એનું ખોટું ન લગાડવું દીકરાવ !‘

‘ના બા. ખોટાની વાત નથી. પણ વાત સિધ્‍ધાંતની છે.‘ સૂર્યવીરે વાત હાથમાં લઇ લીધી : ‘અમને બેય ભાઇઓને કદી શહેરની હવા નથી સ્‍પર્શી કે નથી સ્‍પર્શી શહેરી રહેણીકરણી. અમારું તન ભલે ત્‍યાં હોય પણ મન તો અહીં જ હોય. તમારી પાસે. તમારી સાથે અને બીજું, કે ભલે એણે તમારી કૂખે જનમ લીધો પણ અમે કોઇ દિવસ નવી-જૂનીનાં સંતાનો છીએ એવું સપનામાં ય નથી વિચાર્યું અને અમારામાં ક્યારેય એવો ભેદ ઊભો થશે પણ નહીં.‘

‘એમાં જ ખાનદાની છે ને દીકરાવ ! અને મને ગળા સુધી વિશ્વાસ છે કે ભવિષ્‍યમાંય તમે એને નવી માનો દીકરો નહીં જ ગણો. એને તો તમે સગી માનો મા જણ્યો ભાઇ સમજીને જ રાખશો…‘ કહેતાં તેમણે ઊંડો શ્વાસ લીધો. જુદાં કરેલાં પેલાં તણખલાંને ભેગા કરીને એમાંથી એક તણખલું અળગું મૂકીને કહ્યું :‘દીકરાવ, ત્રણેય ભાઇઓની સંધીય સહિયારી મિલકતમાં ભાગ પડી જાય એ આજનો જમાનો જોતાં સારું છે. કાલ સવારે અમારો પંડ્ય હોય કે ન હોય ‘ને તે દિ‘ તમારી વચ્‍ચે મનદુ:ખ થાય, ઝઘડો થાય-‘ ‘અરે બા ! કેવી વાત કરો છો? ઝઘડો તો શું, કદી મનદુ:ખ પણ નહીં થાય. ગેરંટી. પ્રોમિસ લખી આપું ?‘

‘છતાં મેં વિચાર્યું‘. વિજ્યાબા બોલ્‍યા : ‘અહીંની બસ્‍સો વીઘા જમીન છે પણ ભોમકા નપાણી છે. દર વરસે અડધા લાખનું ખાતર ખાઇ જાય છે ને પોણો લાખનો ઉતારો આપે છે. પચ્ચીસ હજારનો બાર મહિનાનો નફો. આટલાં ઘરનાં જણ, ‘ને આટલા દાડિયા દપૈયા – આહોતું કરવાવાળા નોકરડા. ચોળીને ચૂરમું થઇ જાય. એના કરતાાં તો તમારો અમદાવાદનો ધંધો નહીં સારો? ભલે એક ઓરડી જેવડી દુકાન હોય તોય બાર મઇને પંદર લાખની કમાણી તો સાચ્‍ચી જ ને?‘

‘ના બા ! એ તમારી ગલતફેમી છે.‘ દક્ષજિતે કહ્યું : ‘મહિને પાંચથી દસ હજાર માંડ. ધંધા ખુલ્‍લા પડી ગયા છે, ક્રેડિટ વધી છે પણ ઉઘરાણીમાં પોણી કમાણી ચાલી જાય છે. ઠીક છે, શહેરના પાદર પડ્યા છીએ તો બે-પાંચ રૂપિ‍યા મળે છે. પણ એ પૈસા અમે ઘેર તો મોકલીએ જ છીએ ને? એનો હિસાબ માંગ્‍યો કદી?‘

‘હિસાબ ?‘ વિજ્યાબાના હુંકારથી લાગ્‍યું કે એમને હિસાબવાળી વાત જરાય ગમી નથી : ‘હિસાબ તો કોનો કેટલો રાખવો? આ મોટું ઘર વીઘા એકનો વહેવાર ને શાહી ખર્ચા. જોવ છો ને બધું? આ તો બધું રામભરોસે ચાલે છે, બાકી મારા વગર કોઇ બાઇ આ ઘરમાં હોઇને… તો-તો એણે કે‘દુનો કૂવો પૂર્યો હોય સમજ્યા?‘

‘હં…હં… બા. એનો કહેવાનો મતલબ ? ઇટ મીન્‍સ એ પોતાની લાગણી દર્શાવવા જાય છે બા. એનું કહેવાનું મૂળ એ જ છે કે દીકરો કદી માવતર પાસે હિસાબ માંગે ? તમે… તમે સમજુ છો બા…‘ ‘હું એટલે જ કહું છુ. એટલે જ કે, હવે તમારું મારે કશું જોઇતું નથી. ખૂબ આપ્‍યું. ખૂબ. હવે તમે તમારું કરો. અમે અમારું…‘ ‘એટલે ?‘ દક્ષજિતથી બોલ્‍યા વગર ન રહેવાયું.

એટલે કે તમારા બેય ભાઇઓનો ફ્લેટ. એક લાખમાં નાખી દો તો ય ત્રીસ ત્રીસ લાખ તો આવે જ. એમ… પેલો હિંમત એક દિવસ કહેતો હતો. બે દુકાનો છે એ ય પાંત્રીસ લાખની તો ખરી જ એકેક. હવે અહીંયાં આપણા બાપદાદા વખતના મકાનના પચાસ હજારથી ય કોણ વધુ આપે કહો તો –‘ આપની વાત સાચી છે બા. પણ આખરે તમે કહેવા શું માંગો છો એ તો કહો.‘ ‘બસ એ જ. તમે તમારું રાજ ભોગવો. અહહીં રણજિતનાં નસીબ ! જે થાય તે. પણ આજથી બધું ચોખ્‍ખું કરી નાખીએ. તમને કેમ લાગે છે?‘ ‘તમે જેમ કહો તે શિરમાથા ઉપર બસ ?‘ સૂર્યવીરે કહ્યું.

‘કાંઇ મનમાં રહી જતું હોય તો કહેજો. પણ આ બધું વેળાસર થઇ જાય એવું હું ઇચ્છતી હતી. જુઓ હવે આમાં તમારો કોઇ હિસ્‍સો કે હક્ક…‘

દક્ષજિત તીખી નજરે મોટાભાઇ સામે તાકી રહ્યો. પણ સૂર્યવીરે આંખોથી જ આગળ વધવાની પ્રેમભરી ના પાડી દીધી. સૂર્યવીર બે ઘડી રણજિત સામે તાકી રહ્યો ને પછી વિજ્યાબાને કહ્યું : ‘બા, તમે જે કર્યું હશે એ બરાબર જ કર્યું હશે. હવે એમાં બે માંથી એકેય ભાઇને હક્ક હિસ્‍સો જોઇતો નથી. હા, રણજિતને અમારો ધંધો જોઇતો હોય કે ફ્લેટ જોઇતો હોય તો તમતમારે અમે અત્‍યારે ને અત્‍યારે ખાલી કરી દઇએ…‘

‘અરે ના રે ના. ઇ ગાંડિયો તો મહાદેવ જેવો ભોળિયો છે બિચ્‍ચારો –‘ છતાંય…‘ સૂર્યવીરે કહ્યું ત્‍યારે ‘ના ભાઇ ના…‘ કહેતા વિજ્યાબાએ મોઘમ હસીને કહ્યું : ‘તમારું છે ને તમે વાપરો બાપા! મારે એક તણખલુંય અંદરથી નથી જોઇતું. બસ, એક આ કાગળમાં બે ય ભાઇઓ સહી કરી દો. એટલે એક વાત પતે. પછી શું છે કે તમનેય ચિંતા નહીં…‘

‘સાચી વાત છે બા.‘ કહેતા સૂર્યવીરે ખતમાં સહી કરી દીધી અને દક્ષજિતની પણ સહી કરાવી. હવે જમીન, જાયદાદ, વાડી-વજીફા, ખેતર-ખરાબો, આંગણ – ભીંતડા… બધું જ રણજિતના નામે ! કદાચ કાલ સવારે પોતાના સંતાનો ઇચ્છશે કે પોતાના ગામડાના ઘરે ખેતરે, વાડીએ જવું છે તો પોતે શું જવાબ આપી શકશે કે એ ઘર, વાડી, ખેતર ને મેડીબંધ માઢ બધું તો… એમ જ ને? હા, હવે તો ક્યાં કશો નાતો જ રહ્યો કે હવે તો ક્યાં કોઇ પોતાનું રહ્યું. સઘળું પારકું, આંગળીથી નખ વેગળા ઇ તો…

***
વહેલી સવારે અમદાવાદ ભણી રવાના થતાં પહેલાં સૂર્યવીરે ભીની આંખે પિતાને પૂછ્યું : ‘‘બાપુ, અમારે તો કશુંય જોઇતું જ નહોતું. આજ કે પછી આવતીકાલેય. અમે તો કેટલાય સમયથી નક્કી કરી નાખ્‍યું હતું કે આ બધું તો રણજિતને જ આપી દેવું છે. ના, સુધારું છું :‘આ બધું તો રણજિતનું જ છે. તો પછી, તો પછી આમ કેમ થયું ? શું અમારો વિશ્વાસ ન આવ્‍યો તમને ? કે પછી તમારા હૈયામાંથી જ વિશ્વાસ ખૂટી ગયો ? તળિયું આવી ગયું ? હા, બાપુ. આજે માત્ર જમીન કે જાગીરના જ ભાગ નથી પડ્યા, કિન્‍તુ અમારા ત્રણેય ભાઇઓનાં હૈયાનાં ભાગ પણ પડી ગયા છે. અમને બન્‍નેને થાય છે કે હવે આવશું તો ક્યા નાતે ? ક્યા સબંધે ? તમે એટલું તો કમ સે કમ –‘

‘મને ગમ્‍યું હશે આ બધું કરાવવાનું? ન પહોંચાયું એન, ને એની બા ને ! ન પહોંચાયું. નહીંતર તો –‘ કહેતાં પ્રતાપસિંહ પડખું ફરી ગયા. દરરોજ ‘તમારી બા‘ કહેતો, પણ આજે ફક્ત ‘એની બા‘ નો ઉચ્‍ચાર કરી રહેલો લાચાર બાપ અને એની પરિસ્થિતિ જોઇને સૂર્યવીર – દક્ષજિતની આંખોમાંથી આજ નિતરતાં આંસુમાં પોતાની મૃત માની આવેલી યાદના દરદ કરતાં તો વધારે પિતાની દયનીય સ્થિતિથી ઉદભવેલી વેદના ઔર ને ઔર દ્રશ્યમાન થઇ રહી હતી.

-સૂર્યવીરની ‘અલટો‘ પાદરને છોડતી હતી ત્‍યારે બન્‍ને ભાઇઓએ જોયું ‘સિગ્‍મા‘નું વાન પાદરમાં આવીને ઊભું રહ્યું હતું.

લેખક : યોગેશ પંડ્યા

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ