જલ્સા કરોને જેંતીલાલ

સમર્પિત પ્રેમ – એક મધ્યમવર્ગીય યુવાનના થવાના એક અમીર યુવતી સાથે લગ્ન પણ આ શું થઇ ગયું દગો…

અમદાવાદ ના સેટેલાઇટ વિસ્તારના અશ્વમેઘ એપાર્ટમેંટ ના ફ્લેટ નં. 547/3 ના બેઠક રૂમ માં સોફા પર બેસેલા ડૉ. સમર્થ એ સામે બેસેલી શૈલી ને આત્મવિશ્વાસ પૂર્વક કહ્યું “ હું એક સામાન્ય પરિવારમાંથી છું, તમારા ઘર માં જે વૈભવ છે એ અમારા ઘર માં નથી, પરંતુ મારી ઇન્ટર્નશીપ પૂર્ણ થતાં જ હું સારી ગવર્નમેંટ જોબ લઈ લઇશ અને દુનિયાનો દરેક વૈભવ અને સુખ સાહયબી તને આપીશ, બીજું તો શું કહું ? ખુલ્લી કિતાબ જેવુ મારૂ આ જીવન અને આ હું છું, તારે મારા વિષે જે જાણવું હોય એ મને પૂછી શકે છે.”

શૈલી એ જરા શરમાઇ ને એટલું જ કહ્યું, “મારે કઈંજ નથી પૂછવું”


અને બી.જે. મેડિકલ કોલેજ માં એમબીબીએસ નો અભ્યાસક્રમ પુર્ણ કરી ઇન્ટર્નશીપ કરી રહેલા ડૉ. સમર્થ ની સગાઈ અમદાવાદ ના ઉચ્ચ, શ્રીમંત અને ખૂબ જ પ્રતિષ્ઠિત પરિવાર ની શૈલી જોડે થઈ ગઈ. સમર્થ ખૂબ જ સામાન્ય પરિવાર ધરાવતો પોતાના માતા પિતા નો એકમાત્ર પુત્ર હતો. પોતાના પરિવાર ના ગરીબાઈ ના દિવસો હવે દૂર થવાના હતા કેમ કે હવે સમર્થ નું એમબીબીએસ પૂર્ણ થઈ ગયું હતું. સમર્થ શૈલી સાથે સગાઈ કરી ખૂબ જ ખુશ હતો. લગ્ન ની તારીખ પણ નક્કી થઈ ગઈ. સમર્થ લગ્ન ની તૈયારી માં લાગી ગયો.

પોતાના ઇન્ટર્નશીપ ની સ્ટાયપેંડ ની બચત માંથી એ રોજ 4 વાગે પોતાનું બાઇક લઈ સીજી રોડ પર ખરીદી કરવા નિકળી પડતો. સમર્થ ના હસમુખા સ્વભાવ ના લીધે એના મિત્રો પણ ઘણા હતા. બધા જ મિત્રો સાંજે સમર્થ ખરીદી કરી ને આવતો એટલે રૂમ માં સમર્થ ની ખરીદેલી વસ્તુઓ જોવા ઉમટતા. સમર્થ પણ પીટર ઇંગ્લૈંડ ના શર્ટ, ડેનિમ ના જીન્સ, એરો નું સેંટ અને બીજી ઘણી વસ્તુઓ હોંશે હોંશે બતાવી ને બધાને કહેતો “તમારે બધા એ મારા લગ્ન ના એક દિવસ પહેલા જ મારા ઘરે આવી જવાનું છે, તમારા વગર મારા લગ્ન યાદગાર કેવી રીતે બનશે?” બધા જ મિત્રો એકી સાથે બોલી પડતાં “ હા અમારા જિગરી મિત્ર સમર્થ, અમે સહુ વહેલા અને પહેલા તારા લગ્ન માં આવી જઇશું.”


સમર્થ ના મનમાં લગ્ન માટે નો ઉત્સાહ ને ઉમળકો સમાતો નહોતો. અને વળી કેમ ઉત્સાહ ના હોય ? શૈલી જેવી ખૂબ જ સુંદર છોકરી ને ભાવિ પત્ની ના રૂપ માં મેળવી સમર્થ પોતાને ભાગ્યશાળી માનતો હતો. સમર્થ ના લગ્ન ના આડે હવે 2 જ દિવસ બાકી હતા, ત્યાં જ બપોરે 4 વાગ્યા ના સુમારે સમર્થ ને લગ્ન માટે કઇંક મહત્વ ની વસ્તુ લેવાની યાદ આવી હોય એમ ઝડપ થી બાઇક લઈ નીકળી પડ્યો.

આશરે 2 કલાક પછી સમર્થ ના પિતા ના મોબાઇલ પર ઇન્સ્પેક્ટર ગોહેલ નો કોલ આવ્યો “ હેલ્લો હું સમર્થ ના પિતાશ્રી સાથે વાત કરી શકું” “હા હું સમર્થ ના પપ્પા બોલું છું, તમે કોણ ?” સામે છેડે ઉત્સુકતા ભર્યા અવાજ સાથે સમર્થ ના પિતાશ્રી એ જવાબ આપ્યો.

“ હું ઇન્સ્પેક્ટર ગોહેલ વાત કરું છું. અહીં ભાટ સર્કલ નજીક ના નર્મદા કેનાલ આગળ તમારા દીકરાનું બાઇક અને પર્સ સાથે કેટલીક વસ્તુઓ પડી છે. અમને શંશય છે કે કદાચ તમારા દીકરા એ આત્મહત્યા કરી હોય, તમે જલ્દી થી અહીં આવી જાઓ.” દુખ ની ખેવના સાથે ઇન્સ્પેક્ટર ગોહેલે સમર્થ ના પિતાશ્રી ને જણાવ્યું.


સમર્થ અને આત્મહત્યા ? માન્યા માં નહોતું આવતું. પરતું કેમ? એ દિવસે આશરે બપોરે 3 વાગ્યા ના સુમારે સમર્થ એ પોતાની ભાવિ પત્ની ને કોલ કરી ને કહ્યું “ કેમ છે મારી શૈલું ? મને 7 દિવસ ની સર્જરિ ના વિભાગમાંથી રજા મંજૂર થઈ ગઈ છે, આપણે લગ્ન પછી હનીમૂન માટે માથેરાન જઈશું, મેં ટુર્સ વાળા ની ઓફિસ જઈ ને બધી જ તપાસ કરી આપણું બૂકિંગ પણ કરાવી દીધું છે, હવે આપણાં જીવન સહચર્ય શરૂ થવાના આડે હવે ફક્ત 2 જ દિવસ બાકી છે. તું ખુશ તો છે ને શૈલું ?”

“જુઓ સમર્થ આટલો ઉત્સાહ અને ઉમળકો ના દાખવો. આપણાં લગ્ન માટે હું પરાણે પપ્પાના ના આગ્રહ ને લીધે સહમત થઈ છું, હું કોલેજ કાળ થી જ એક છોકરાના પ્રેમ માં છું અને મનથી એને જ સમર્પિત છું અને લગ્ન પછી પણ કદાચ એને જ સમર્પિત રહીશ.” બેફિકરાઈ થી શૈલી એ સમર્થ ને કહ્યું.


સમર્થ ના હ્રદય પર જાણે કોઈએ વજ્રાઘાત અને વજ્ર પ્રહાર કર્યો હોય એમ એનું હ્રદય દ્રવી ઉઠ્યું, જે શૈલી ને પોતે પૂરો સમર્પિત રહી ને પ્રેમ કર્યો એ આજે બીજા કોઈ ને સમર્પિત છે એ વાત એનું હ્રદય સહન જ ના કરી શક્યું. શૈલી દ્વારા લાગણીઓ સાથે રમાતા આ ખેલ ને સમજી શકવા સમર્થ આજે અસમર્થ હતો॰ સમર્થ લાગણી શૂન્ય બની ગયો, શું કરવું એની હવે સમજ જ ના રહી. સમર્થ નું હ્રદય ધબકતું હતું પણ એમાં હવે કોઈ જ લાગણી, ઉત્સાહ કે ઉમળકો નહોતો અને થોડાજ સમય માં આ ધબકારા પણ શમી જવાના હતા.

ફાયરબ્રિગેડ ના જવાનો ની આશરે 2 કલાક ની જહેમત બાદ સમર્થ ની લાશ મળી. પોતાના દીકરા ને આ હાલત માં જોતાંજ પિતાના આક્રન્દે અને માતાના હૈયાફાટ રૂદને વાતાવરણ ને વધુ ગમગીન બનાવી દીધું. ત્યાં પહોંચેલા હોસ્ટેલ ના તમામ મિત્રો ના મનમાં સમર્થ માટે આજે એક જ ફરિયાદ હતી કે પોતાના મન ની વાત જો સમર્થે એક વાર પણ કહી હોત તો આ તમામ મિત્રો સમર્થ ની પડખે હોત તો કદાચ આજે સમર્થ સૌ મિત્રો ના પડખે જીવંત હોત. સૌ મિત્રો ની આંખ સમક્ષ ખરીદી કરીને બાઇક માંથી ઊતરતો સમર્થ જ દ્રશ્યમાન થતો હતો.


મિત્રો એ શૈલી ને કોલ કરી સઘળી હકીકત જણાવી. શૈલી તો માની જ ના શકી કે સમર્થ આવું કરી શકે, હાથ માં મોબાઇલ સાથે એ ધ્રુસકે ને ધુસકે ચોંધાર આંસુએ રડી પડી. રડતાં રડતાં એના આંસુ પણ સુકાઈ ગયા. શૂન્યમનસ્ક બની એ વિચારવા લાગી કે કોઈ મને આટલો પણ પ્રેમ કરી શકે કે પોતાનો જીવ પણ આપી શકે! શૈલી ની આંખ સમક્ષ સમર્થ પોતાને જોવા આવ્યો ત્યાર થી લઈ આજ દિન સુધી ના દ્રશ્યો અને વાતો જીવંત બની ગઈ. શૈલી સમર્થ ના આ લાગણી ના ઘોડાપૂર માં તણાઇ ગઈ.

પણ આ શું ? ફાયરબ્રિગેડ ના જવાનો ને સમર્થ ની ગરદન ની નસ માં (Carotidartery) માં હળવા ધબકારા નો અનુભવ થયો, સમર્થ ને તાત્કાલિક પાસે રહેલી અપોલો હોસ્પિટલ માં ખસેડવા માં આવ્યો. બધા જ ડોક્ટર્સ ની ભારે જહેમત બાદ સમર્થ બચી ગયો.


શૈલી ને આ વાત ની ખબર પડી, એ ઝડપ થી હોસ્પિટલ આવી ગઈ. બિછાને પડેલા સમર્થ નો હાથ પોતાના હાથમાં લઈ બોલી “મને દુનિયા ના કોઈ વૈભવ કે સુખ સાહયબી નથી જોઈતી, બસ મને ફક્ત તમે જોઈએ સમર્થ, સમર્થ I love you. હું ફક્ત તમને જ સમર્પિત છું.” 2 દિવસ ના બદલે 1 માસ પછી સમર્થ અને શૈલી ના લગ્ન થયા. એવા લગ્ન કે જેમાં યુગલ એકબીજા ને સમર્પિત હતું. આખરે સમર્થ ને શૈલી નો સમર્પિત પ્રેમ સંપાદન થયો.

લેખક : ડૉ. નિલેષ ઠાકોર “નીલ”

Exit mobile version