જામનગરમાં આવેલી સમર્પણ હોસ્પિટલમાં ટ્રસ્ટી તરીકે સેવા આપતા શ્રી વસ્તાભાઈ કેશવાલા બિઝનેશ સાથે ખેતી પણ કરે છે. આ વર્ષે ખેતરમાં ઘઉં વાવેલા અને વાતાવરણ અનુકૂળ રહેતા ઘઉંનો ખૂબ સારો પાક તૈયાર થયો.
એક બાજુ ઘઉંનો પાક તૈયાર થયો અને બીજી બાજુ લોકડાઉન જાહેર થયું. વસ્તાભાઈ વિચારે ચડ્યા કે લોકડાઉનને લીધે ગરીબ લોકોને બે ટંક ખાવાના પણ સાંસા પડતા હોય એવા સમયે હું આ ઘઉં માર્કેટમાં જઈને કેવી રીતે વેંચી શકું ? એમને તુરંત નિર્ણય કરી લીધો કે ઘઉં વેંચવા નથી પણ વહેંચવા છે.

પોતાના ખેતરમાં તૈયાર થયેલા ઘઉં આજુ બાજુના વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકો વચ્ચે વહેંચી દીધા. વસ્તાભાઈથી પ્રેરાઈને ખોડિયાર સેવા સમિતિના ટ્રસ્ટી અને એમના ભત્રીજા હમીરભાઈએ પણ એમના ખેતરમાં તૈયાર થયેલો ઘઉંનો પાક લોકો માટે આપી દીધો. જેટલો પાક હતો એ બધો પાક લોકોને આપી દીધો પણ એનાથી અમુક ગામના લોકોની જ સેવા થઈ શકી. હજુ ઘણા લોકોને મદદની જરૂર હતી.
વસ્તાભાઈને મદદ કરવી હતી પણ પોતાની પાસે હવે ઘઉં નહોતા. પોતાના પંથકનો એક પણ માણસ ભૂખ્યો ન રહે એટલે વસ્તાભાઈએ પોતાની સંપતિમાંથી સેવા કરવાનો સંકલ્પ કર્યો.
ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોનો ઘઉંનો પાક તૈયાર હતો પણ માર્કેટ સુધી પહોંચી શકતો નહોતો એટલે ખેડૂતોને પણ મદદ થાય અને જરૂરિયાતમંદ લોકોને પણ મદદ થાય એવા હેતુથી બજારભાવ કરતા પણ ઊંચાભાવે ખેડૂતના ખેતરમાંથી જ ઘઉંની ખરીદી કરી ગામડે ગામડે ગરીબ માણસોને વહેંચવાનું ચાલુ કર્યું.

વસ્તાભાઈ કેશવાલાએ એકલા હાથે જામનગર, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા આ ચાર જિલ્લાના કેટલાય ગામોમાં 1 કરોડ 8 લાખ રૂપિયાના ઘઉં ખરીદીને પોતાની તિજોરી ખાલી કરી હજારો લોકોના પેટ ભરવાની અમૂલ્ય સેવા કરી છે. માળામાં 108 મણકા હોય છે જે માળાથી લોકો ભગવાનનું નામ સ્મરણ કરતા હોય છે. વસ્તાભાઈએ 1કરોડ 8 લાખના અનુદાન દ્વારા જે સેવાની માળા ફેરવી છે એનાથી પ્રભુ પણ કેવો હરખાતો હશે !
મન મેં હૈ વિશ્વાસ, પુરા હૈ વિશ્વાસ, હમ હોંગે કામિયાબ એક દિન.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ