સવારનો સમય છે અને નિત્યક્રમ મુજબ ભાવેશ પ્રાતઃવિધી પુર્ણ કરીને ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે શિવાલયમાં જાય છે અને ભોળા ભાવથી મહાદેવની પુજા અર્ચના કરે છે. આજે ભગવાન ભોળાનાથ સામે પણ ભાવેશ થોડો અસ્વસ્થ હોય તેમ લાગી રહ્યુ છે જેથી મંદિરના પુજારી ભાવેશને પુછે છે કે કેમ ભાવેશ આજે તું ઉદાસ હોય તેમ લાગે છે. ભાવેશે થોડુ હસીને ધીમેથી જવાબ આપ્યો કે મહારાજ ચુંટણી નજીક આવતા આપણી આસપાસનું વાતાવરણ ખરાબ થાય તેમ લાગી રહ્યુ છે એટલા માટે હું થોડો નિરાશ થયો છુ અને ભોળાનાથને વિનંતી કરી રહ્યો છું કે ચૂંટણીમાં રાજનેતાઓના કાવાદાવાઓથી અમારા ગામ, રાજ્ય અને દેશને બચાવજો.

આ સાંભળીને શિવાલયના પુજારી પણ આશ્ચર્ય ચકિત થઇ જાય છે અને ભાવેશને આશ્વાસન આપતા કહે છે કે, આ રાજકારણ છે ભાવેશ. ચુંટણી આવે એટલે કાચીંડાઓની જેમ રંગ બદલીને રાજકારણી આપણી પાસે મતની ભીખ માંગવા આવશે અને ચૂંટણી પુરી થઇ જાય એટલે પાંચ વર્ષ ગોત્યાંય હાથમાં નહિ આવે. મોટા અને ખોટા વચનો આપીને ચુંટણીના રણ મેદાનમાં ઉમેદવારો ઉતરશે અને પાંચ વર્ષ સુધી જનતાના બદલે પોતાનું જ ભલુ કરશે.

તો આપણે શું આવા મુઠ્ઠીભર રાજકારણીઓના ગુલામ બનીને જ રહેવાનું તેવો ભાવેશે પ્રશ્ન કર્યો. પુજારીએ કહ્યુ કે, હવે સમય બદલાઇ રહ્યો છે અને વર્તમાન સમયે ભ્રષ્ટ રાજકારણીઓ ખુલ્લા પડી રહ્યા છે અને જનતા પણ જાગી રહી છે. ભાવેશે કહ્યુ કે, આ ચૂંટણીમાં આપણે સૌને મહત્તમ મતદાન માટે પ્રોત્સાહીત કરીશુ અને ભ્રષ્ટ રાજકારણીઓને મેદાન છોડવા માટે મજબુર કરીશુ. આપણે કેટલા લોકો સામે લડીશુ, કોની સામે લડીશુ, અહી તો બધા જ એક પ્રકારના લોકો છે તેમ પુજારીએ કહ્યુ ત્યારે ભાવેશે જણાવ્યુ કે, આપણે ચૂંટણીના રણમેદાનમાં સૌથી ઓછો ભ્રષ્ટ ઉમેદવાર હોય તેનું સમર્થન કરીશુ અને તેને હરાવીશુ. શિવ મંદિરમાં જ્યારે રાજકારણ અંગેની ગરમા ગરમ ચર્ચા ચાલી રહી હોય છે ત્યારે કિંજલ મંદિરમાં દર્શન કરવા માટે આવે છે.

કિંજલને જોતાની સાથે ભોવેશના ચહેરા પર રોનક પાછી આવી જાય છે અને ખુશ થઇ જાય છે. આ જોઇને પુજારી કહે છે કે ભાવેશ ચુંટણી તો આવશે અને જશે. ચુંટણીમાં હાર જીત થયા કરે પણ આપણા સબંધો અકબંધ રહેવા જોઇએ. કિંજલ ભાવેશની પાસે આવીની કહે છે કે, ચુંટણીની વાતો બહુ કરી હવે ચાલ આપણે પ્રેમની વાતો કરીએ. થોડીવારમાં જ ભાવેશ અને કિંજલ મંદિરમાંથી બહાર નિકળીને કોલેજ જવા માટે સાથે રવાના થાય છે.
ભાવેશ અને કિંજલ પ્રેમથી વાતો કરતા કોલેજ તરફ જઇ રહ્યા હોય છે ત્યારે બન્ને જુએ છે કે રસ્તામાં બન્ને બાજુ વિવિધ રાજકીય પક્ષોના મોટા હોર્ડીગ્સ લાગેલા છે અને લોકોને પાતાના તરફ આકર્ષિત કરવા માટે મસમોટા વચનો આપવામાં આવી રહ્યા છે. કિંજલ જોયુ ને ચુંટણી આવી રહે છે એટલે નેતાઓ મેદાનમાં આવી ગયા અને અત્યારે જનતાની યાદ આવી તેમ ભાવેશે કહ્યુ.

રાજનેતાઓનું કામ જ ચુટણી લડીને સત્તા પ્રાપ્તિનું હોય છે અને તેઓ કોઇ પણ ભોગે સત્તા મેળવવા માંગતા હોય છે તેમ કિંજલે કહ્યુ. ચુંટણી આવી એટલે હવે કેટલાક મુઠ્ઠીભર લોકો પોતાના હેતુઓ સિધ્ધ કરવા માટે આપણી આસપાસનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરશે અને આવા લોકોને કેટલાક રાજનેતાઓના છુપા આશિર્વાદ હોવાથી પોલીસ પણ લાચાર બની જતી હોય છે તેમ ભાવેશે કહ્યુ. આપણે લાચાર બનીને જોઇ રહીશુ કે પછી આવા લોકો માટે પડકાર બનીને ખુલ્લા પાડીને ચુંટણીમાં હરાવીશું તેમ કિંજલે કહ્યુ. આજથી આપણે લોકશાહી પર્વ પુર્ણ ન થાય ત્યાં સુધી કોલેજને બદલે લોકોની વચ્ચે જઇશુ અને ભ્રષ્ટ ઉમેદવારોને હરાવવા માટે મહેનત કરીશુ તેમ ભાવેશે કહ્યુ ત્યારે કિંજલે પ્રશ્ન કર્યો કે, રાજનેતાઓની સામે એકલા હાથે બાથ ન ભીડાય, આપણો સાથ કોણ આપશે?

ભાવેશે હસીને કહ્યુ કે, તું મારી સાથે છું એટલુ પુરતુ છે બાકી આપણે સારૂ કાર્ય કરી રહ્યા છીએ એટલે લોકો સ્વયંભૂ આપણી સાથે જોડાવા લાગશે અને ભ્રષ્ટ ઉમેદવારો ચુંટણીનું મેદાન છોડીને ભાગવા લાગશે. થોડા દિવસોમાં જ ચુંટણીની તારીખો જાહેર થતાની સાથે જ નાના ગામડાઓથી માંડીને મોટા શહેરોમાં નેતાઓના ધાડે ધાડા ઉતરી આવે છે અને લોકોની વચ્ચે જઇને ચુંટણી પ્રચારમાં વ્યસ્ત બની જાય છે. ભાવેશ આ નેતાઓ લોકો પાસે પોતાના કામના આધારે મત માંગવાના બદલે પોતાની જાતીના આધારે મત માંગી રહ્યા છે, ચુંટણી પહેલા લોકોને જાતિના નામે ઉશ્કેરવામાં આવી રહ્યા છે અને મતદારો પણ કામના બદલે જાતિના આધારે ઉમેદવારને મત આપવા માટે મન બનાવી રહ્યા હોય તેવુ લાગી રહ્યુ છે તેમ કિંજલે કહ્યુ.
ભાવેશે કહ્યુ કે, હજુ તો આ શરૂઆત છે, જેમ જેમ ચુંટણી નજીક આવતી જશે તેમ આ નેતાઓ તો જાતિ ઉપરાંત પરીવારના સભ્યોને પણ અંદરો અંદર લડાવવાની એક પણ તક જતી નહી કરે. નેતાઓનું તો કામ જ છે કે અંદરો અંદર લડાવો અને મતમાં ભાગ ભડાવો. તો શું આપણે આવા નેતાઓની આંગળી પર જ નાંચતા રહીશુ? તેવો કિંજલે પ્રશ્ન કર્યો ત્યારે ભાવેશે જણાવ્યુ કે, જ્યાં સુધી જનતા જાગૃત નહિ થાય અને પોતાના મતની કિંમત નહી સમજે ત્યાં સુધી તો આવુ જ ચાલ્યા કરશે. ભાવેશ અને કિંજલ વચ્ચે ચુંટણી અંગેનો વાર્તાલાપ ચાલી રહ્યો હોય છે ત્યારે નિમેષ દોડતો આવે છે અને કહે છે કે, આપણા ગામમાં તો ગજબ થઇ ગયો.

સત્તા મેળવવા માટે નેતાઓએ આપણા ગામમાં બે ભાગ પાડી રહ્યા છે અને લોકો સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે વહેચાઇ રહ્યા છે. જો ધ્યાન રાખવામાં નહી આવે તો ચુંટણીનો ઝગડો ઘરમાં ઘુશી જશે. આવુ કઇ નહી થાય, આપણે સાથે મળીને લોકોને સમજાવશુ કે નેતાઓ તો ચુંટણી પછી ગાયબ થઇ જશે અને આપણે બધા ગામમાં સાથે જ રહેવાના છીએ. નિમેષે કહ્યુ કે, મારા ઘરની બાજુમાં રહેતા બન્ને ભાઇ અલગ અલગ પક્ષ સાથે જોડાઇ ગયા છે અને બન્ને ભાઇ વચ્ચે બોલવાના સબંધ પણ નથી રહ્યા.
આ સાંભળીને ભાવેશ કહે છે કે, આપણે અત્યારે જ આ બન્ને ભાઇઓ પાસે જવુ પડશે અને તેમને સમજાવવા પડશે. થોડીવારમાં જ ભાવેશ, કિંજલ તથા નિમેષ ઝગડો કરી રહેલા બન્ને ભાઇઓના ઘરે પહોચી જાય છે અને સમજાવે છે કે, ચુંટણી આવશે અને જશે, હાર જીત થયા કરશે પરંતુ તમે બન્ને ભાઇ છો એ જ સત્ય છે અને સત્ય રહેવાનું છે. આ નેતાઓ ચુંટણીમાં આપણને મત માટે લડાવે છે અને ચુંટણી પુરી થયા પછી ચાલ્યા જશે પછી તો એક ભાઇ જ બીજા ભાઇને આપત્તિના સમયે કામમાં આવશે.

થોડી હા ના કર્યા પછી આખરે બન્ને ભાઇઓને સમજાવવામાં ભાવેશને સફળતા મળે છે અને તે ગામના બધા લોકોને કહે છે કે, ચુંટણીમાં તો હાર જીત થયા કરે પણ આપણા સૌના સબંધો અકબંધ રહેવા જોઇએ. બન્ને ભાઇ સાથે મળીને વિવિધ પક્ષ માટે ચુંટણી પ્રચાર કરે છે અને મતદાન પુર્ણ થયા પછી આખુ ગામ એક સ્થાન પર ભેગુ થાય છે અને સમુહ ભોજન લઇને છુટા પડે છે. ચુંટણીના મતભેદો ભુલીને બધા લોકો એકબીજાને ગળે મળે છે. નિમેષે કહ્યુ કે ચુંટણી તો પુરી થઇ ગઇ પરંતુ હવે ભાવેશ અને કિંજલના લગ્નનો પ્રસંગ ધામધુમથી ઉંજવીશું. આ સાંભળીને ભાવેશ અને કિંજલ ખડખડાટ હસવા લાગે છે.
લેખક : નીલકંઠ વાસુકિયા
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ