સહુથી વધારે સુખી માણસ – મુકેશ સોજીત્રા લિખિત નવી લઘુકથા !!

વરસો પહેલાની વાત છે. નદી કિનારે આવેલું એક
ઘટાટોપ જંગલો વચ્ચે વસેલું એક નાનકડું નગર. નગર ની આજુબાજુ નાની મોટી અનેક લીલી કુંજાર ટેકરીઓ. બારેમાસ વહેતી નદી અને જમીન પણ સારી કસવાળી અને કાંપવાળી! નગરમાં એક મોટો જમીનદાર રહે. મોટાભાગની જમીન આ જમીનદારના કબજામાં અને લોકો ત્યાં મજૂરીએ જાય. પુરતું મહેનતાણું મળી રહે અને ખુશી સહુનું ગાડું ગબડ્યા કરે!! લોકો આમ તો સુખી લડાઈ ઝગડા પણ ઓછા થાય પણ જમીનદારની જમીનની લાલસા વધતી ચાલી એટલે વારંવાર બાજુના નગરના લોકો સાથે
ઘર્ષણ થયાં કરે. જમીનદારની જમીન સતત વધતી ચાલી. ઊંચા દામે એ જમીન લેતો ગયો. માણસો રોકતો ગયો. પાક તો પુષ્કળ પાકે એટલે દોમ દોમ સાહ્યબી દોઢી થતી ચાલી. નગરમાં માં નદીના કાઠે થોડે દૂર એક સાધુ રહે. જેમ જેમ સંપતિ વધતી ગઈ એમ જમીનદારની ચિંતા વધતી ગઈ. એમ એમ એ સાધુનું શરણું પકડતો ગયો. થોડું
થોડું દાન પુણ્ય કરતો ગયો.

નગરની આજુબાજુના જંગલમાં એક અવધૂત જેવો એક માણસ જે લગભગ એક લૂગડામાં હોય, એની મસ્તીમાં હોય એ ક્યારેક દેખાય ક્યારેક અઠવાડિયા સુધી ના દેખાય!! ક્યારેક એ નગરમાં મેઈન બજારમાં નીકળે. મન થાય તો ક્યારેક કોઈની સામે જુએ ના સમજાય તેવું બોલે, અને પાછો પોતાની મસ્તીમાં રખડે. નદીની ભેખડો સામે એ બેઠો હોય. લોકો એની વિષે ભાતભાતની વાતો કર્યા કરે. કોઈ કહે એ દેવી પુરુષ છે , કાળને એણે નાથી લીધો છે, વરસાદને એ બાંધી જાણે છે,જ્યાં સુધી આ નગરમાં છે ત્યાં સુધી આ નગર ને કશું નહિ થાય!! એય ને મસ્ત ફકીર આદમી!! કોઈને એનું નામ આવડતું નહિ કે કોઈને એ ક્યાંથી આવ્યો છે એ ખબર પણ નહિ. લોકો એને ભાળે એટલે ખાવાનું આપી આવે. એ થોડું ઘણું ખાય બાકીનું કુતરાને ખવરાવી દે અને નદીનું પાણી લઈને પાછો જંગલમાં ભમ્યા કરે.
ટાઢ હોય તડકો હોય કે મુશળધાર વરસાદ એ અવધૂત શા માણસને કોઈ જ ફેર ના પડે!!

એ તો એમની મસ્તીમાં મહાલ્યા કરે!! પણ એક વાત ખરી કે જયારે એ બોલે એ અચૂક થાય જ!! એ જયારે બોલે કે “વરસાદ આવે છે વરસાદ આવે છે” ત્યારે અચૂક બે દિવસમાં ધોધમાર પડે. ગામ આખું એનું આ વાતનું સાક્ષી!! એટલે લોકો કોઈ એને વતાવે નહિ પણ એના દર્શન થાય તો એક ધન્યતા અનુભવે!!

જમીનદાર કાયમ પોતાની ઘોડી લઈને પોતાની જમીનમાં ચક્કર
લગાવે!! સાથે એના બે અંગરક્ષકો પણ હોય.એને જોઇને ખેતરમાં કામ કરતાં માણસો ઉભા થઇ જાય. જમીનદાર જરૂરી સૂચનાઓ આપે અને વળી પાછા આગળના ખેતરમાં જાય આમને આમ સાંજ સુધી ફર્યા કરે પણ એની જમીન ખૂટે નહિ. આખા નગરના લોકો એકવાતે સહમત હતાં કે જમીનદાર જેટલું પૈસાદાર અને સુખી માણસ આ વિસ્તારમાં બીજું કોઈ છે જ નહિ અને ભવિષ્યમાં કોઈ થશે પણ નહિ. અને જમીનદાર જયારે આ
વાત સંભાળતો ત્યારે એને શેર લોહી વધારે ચડી જાતું. એક વખત જમીનદાર પોતાના નિત્ય ક્રમ મુજબ પોતાના અલગ અલગ ખેતરોની મુલાકાત લઈ રહ્યા છે અને ખરા બપોર થયાં ત્યારે પોતાના એક ખેતરમાં એ બપોરનું ભોજન જે એનાઅંગરક્ષકો સાથે લાવ્યા હતાં એ ખાવાની તૈયારી કરતાં હતાં ત્યાજ પેલો અવધૂત જેવો માણસ ખેતરની આજુબાજુનું ઝાડીમાંથી નીકળ્યો!! એય ને એની મસ્તીમાં!! જમીનદાર
ઝડપથી તેની પાસે ગયો અને પોતાનું ભોજન ધર્યું અને હાથ જોડીને ઉભો રહ્યો.

પેલો માણસ હસ્યો. નીચે બેઠો અને ભોજન આરોગ્યું. આજ એ બધું જ ભોજન ખાઈ
ગયો. ધરાઈને ખાધું અને પછી એ બોલ્યો. આમ તો એ ભાગ્યેજ બોલતો.

“આવતી કાલે રાતે આ વિસ્તારનો એક સહુથી સુખી માણસ સવાર
સુધીમાં મરી જશે. અને પછી બરાબર એક મહિના પછી આ નગરનો સહુથી પૈસાદાર
માણસ પણ મરી જશે અને એક સહુથી સુખી માણસ નો જન્મ આ નગરમાં થશે અને એ ખુબજ
લાંબુ જીવશે”

આમ કહીને તે નાચતો કુદતો ,
જમીનદાર તરફ જોઇને જંગલમાં જતો રહ્યો. જમીનદાર અને અંગરક્ષકો આ વાત સાંભળીને થીજી જ ગયાં અને એક બીજા સામે જોઈ જ રહ્યા. અને બસ થઇ રહ્યું. રાજાએ લાખ મના કરવા છતાં અંગરક્ષકો દ્વારા વાત નગરમાં ફેલાઈ ગઈ. અને લોકોના ટોળાના ટોળા જમીનદારના ઘર પાસે ઉમટી પડ્યા. એ અવધૂત બોલ્યો હતો એટલે લોકોને સો ટકા ખાતરી હતી કે એ પ્રમાણે થશે. જમીનદારના પત્ની અને બેય

છોકરાં એનાં કુટુંબીજનો સહુ શોકાતુર થઇ ગયાં. નગરમાંથી વૈદો આવ્યાં.
જમીનદારની નાડ તપાસી. એને તો નખમાંય રોગ નહોતો. સહુ આશ્વાસન આપે એમ કાઈ જમીનદાર થોડા મરે પણ અંદરખાને ફડક તો બેસી ગયેલી. હજુ આજની રાત તો વાંધો નથી પણ કાલની રાત કઈ રીતે કાઢવી ?? સહુ ખડે પગે ઉભા રહ્યા. જમીનદારના મિત્રો તેમની સાથે ને સાથે. અમુકે ચોપાટ કાઢી પણ જમીનદારનું મન આજે એકેય કુકરીમા લાગ્યું નહિ.બહારગામથી નાચવા વાળીઓને બોલાવી પણ જમીનદારને આજ ખાસ કઈ જામ્યું નહિ. ચોપાટનો એને ગાંડો શોખ હતો. આજ એની પોતાની કુકરી ગાંડી થઇ ને સામે હાલતી હતી. જમીનદારે જેવું તેવું ખાધું!! બધાનાં મોઢાં પડી ગયાં હતાં. એ રાતે તો જમીનદારને જરા પણ ઊંઘ ના આવી. જેવી આંખો બંધ કરે કે પેલો અવધૂત નજરે ચડે અને એના શબ્દો એના કાનમાં હથોડાની જેમ ટીપાય.!!!

“આવતી કાલે રાતે આ વિસ્તારનો એક સહુથી
સુખી માણસ સવાર સુધીમાં મરી જશે. અને પછી બરાબર એક મહિના પછી આ નગરનો સહુથી પૈસાદાર માણસ પણ મરી જશે અને એક સહુથી સુખી માણસ નો જન્મ આ નગરમાં થશે અને એ ખુબજ લાંબુ જીવશે”

જેમ તેમ કરીને પથારીમાં આળોટીને જમીનદારે રાત પસાર કરી.
સવારે એના મકાન પાસે લોકોનું ટોળું હતું!! એમના મત પ્રમાણે આજ જમીનદારનો છેલ્લો દિવસ હતો!! અમુક તો હાથમાં ફૂલો લઈને આવ્યાં હતાં!! અમુકે તો અત્યારથી જ સફેદ કપડામાં અને ખંભે સફેદ રૂમાલ નાંખીને આવ્યા હતાં. અમુક લોકો તો સીધાં સ્મશાને પહોંચી ગયાં હતાં. કારણકે મકાન પાસે તો ભીડ ખુબ હતી અને છેવટે જમીનદાર આવશે તો અહી જ ને!! જમીનદાર કંટાળ્યો. એણે બુમ પાડીને બધાને ઘરે જવાનું કીધું એના અંગ રક્ષકો પણ હવે એનું કહ્યું કરતાં નહોતા. નદી કિનારા વાળા સાધુ આવ્યાં. જમીનદાર એના પગમાં પડીને રીતસરનો
રડી પડ્યો. સાધુ મહારાજ બોલ્યાં.

“મૃત્યુને કોઈ ટાળી ના શકે અને હજુ તો આખી રાત બાકી છે,
હિંમત ના હારો, આ બધાને કેટલી લાગણી છે એનો તમને આનંદ હોવો જોઈએ. આખી
જિંદગી સુખી રહ્યા હવે છેલ્લે છેલ્લે દુખી થવાનું કોઈ જ કારણ નથી” પણ
જ્યારે સરખાઈની ભીંસ પડે ને ત્યારે બધું જ બ્રહ્મ જ્ઞાન જાય છોતરા
ઉડાડતું એવી જ રીતે જમીનદાર સાવ ઢીલો ઢફ થઇ ગયો. આખું મકાન જાણે છતે માણસોએ સુમસાન થઇ ગયું!!

અને રાત પડી અને જમીનદાર ભર ઉનાળે ધ્રુજવા લાગ્યો.
મિત્રો બધાં આશ્વાસન આપે, પત્ની પ્રોત્સાહન આપે પુત્રો પાનો ચડાવે!! પણ
જમીનદાર મનમાં સમજે કે આ બધાં વાતો કરી શકે કારણકે એને ક્યાં મરવું છે?? મરવાનું તો મારે છે ને?? સાધુ પણ રાજાની પાસે જ બેઠા રહ્યા. રાત વીતતી ચાલી બહાર લોકોના ટોળા પણ ક્યારે ખબર આવે એની રાહમાં ઉભા હતાં!! ચાતકની જેમ!! અમુક તો એવું માનતા કે જેવા રાતના બાર વાગશે કે જમીનદારના બાર વાગી જવાના છે. સમય વીતતો ચાલ્યો. રાતના બાર વાગ્યા!! બે વાગ્યા!! જમીનદારે પોતાને ચીંટીયો ભર્યો એ જાણવા માટે કે હું ખરેખર જીવું તો છુ ને!!?? આમને આમ સમય વીતતો ચાલ્યો. હવે જમીનદારમાં થોડી હિમંત આવી. અને સવાર પડ્યું!!

સૂર્યનારાયણ ના કિરણો પૃથ્વી પર પહોંચ્યાને જમીનદાર ફટ
દઈને ઉભો થયો!! એવામાં બહાર કોલાહલ સંભળાયો!! લોકો અંદરો અંદર વાત કરતાં કરતાં નદી તરફ દોડ્યા!! જમીનદાર અને તેના મિત્રો, વૈદ, સાધુ એની પત્ની સંતાનો પણ દોડ્યા. જઈને જોયું તો નદી કિનારે એક પથ્થર પર પેલો અવધૂત પડ્યો હતો. એકદમ નિર્જીવ. સાવ પથ્થરની જેમ જ!! વૈદે જઈને નાડી તપાસી!!

અવધૂત અવસાન પામ્યો હતો. જમીનદાર ફૂલ કોટામાં આવી ગયો અને હસવા લાગ્યો!! બધાં પણ હસવા લાગ્યાં. આમેય ગામનું મોટું માણસ હસે એટલે બધાએ હસવું એવી નિયમ પહેલાં પણ હતો જ!! એક સાધુ ના હસ્યો. સાધુએ સહુને શાંત પાડ્યા અને
કહ્યું.

“જમીનદાર આ હસવાનો સમય નથી. આની ભવિષ્યવાણી સાચી પડી છે.
ખોટી નથી પડી આણે શું કીધું હતું એ યાદ છેને કે આજ સવાર સુધીમાં સહુથી સુખી માણસ મરી જશે!! અને સહુથી સુખી તો આ જ હતો ને એ તો તે તારી જાતને સહુથી સુખી માની લીધી હતી ને એટલે તને બીક લાગી પણ સહુથી સુખી તું નહિ આ મરનાર હતો. એને કોઈ જાતનું વળગણ હતું જ નહિ. વળગણ ના હોય એ જ સહુથી સુખી કહેવાય અને દુઃખી તો હવે તારે થવાનું છે કારણકે આજથી એક મહિના પછી આણે શું કીધું હતું એ યાદ કર!! એમ જ કીધુંતુને કે સહુથી પૈસાદાર માણસ મરી જશે અને સહુથી સુખી માણસનો જન્મ થશે. તો હવે આ નગરનો સહુથી પૈસાદાર તું છે.

અને એક મહિના પછી આની બીજી ભવિષ્ય વાણી પણ સાચી પડશે.
અને વળી પાછો ભયંકર શુળીયોમુંજારો જમીનદાર ને
ઉપડ્યો. પાછુ મોઢું પડી ગયું. સાધુની વાત સો ટકા સાચી હતી. સમજવામાં ભૂલ થઇ હતી. પણ આ બે દિવસના અનુભવે એણે મોતને નજીકથી જોઈ લીધું હતું. જમીનદારે અવધુતને અગ્નિદાહ આપ્યો અને નગરમાં આવ્યો!! એ સહુથી વધારે પૈસાદાર હતો.એણે મનમાં નક્કી કર્યું કે સહુથી પૈસાદાર હવે એને થવું નથી!! એણે પોતાનાં ધનના ભંડાર ખુલ્લા મૂકી દીધાં. શરૂઆતમાં લોકો ધન લઇ ગયાં. પણ અમુકને એમ થયું કે જમીનદાર તો બધું જ ધન કાઢી નાંખશે અને આપણી પાસે જો સહુથી વધુ થઇ ગયું તો!!!?? ઘણાં લઇ ગયેલું ધન પાછું આપવા લાગ્યા!! સહુ
જરૂરિયાત પુરતું જ લઇ જાય અને સાંજે ગણતરી કરે કે આ શેરીમાં સહુથી ઓછું તો આપણી પાસે છે ને !!?? મહિનાના ના અંતે સહુથી વધુ રહ્યું તો માર્યા ઠાર!! વગર વાંકે મરવાના!! જમીનદારે બધાને જમીન પાછી આપી પણ જમીનમાં પણ

એવું જ થયું!! બધાએ પાંચ પાંચ વિઘાજ લીધી. બાજુના નગરના લોકો આવ્યા એણે પણ માપમાં જ જમીન લીધી. ઢોર ઢાંખરમાં પણ આવું જ થયું!! બધાએ એક એક ગાય જ લીધી. હવે ધીમે ધીમે જમીનદારમાં પરિવર્તન આવતું ગયું. પોતાની સંપતિ અને ધન દોલત એણે લુંટાવી દીધી હતું. એના છોકરા કે એની પત્નીએ કે એના મિત્રોએ કોઈ વધારાની વસ્તુ રાખી જ નહિ!! બધાએ પોતપોતાની ગણતરી કરીને બીજાથી ઓછા પૈસાવાળા કઈ રીતે થવાય એની જ વેતરણમાં પડ્યા!! સમય વીતતો
ચાલ્યો!! છેલ્લે જમીનદાર સાવ શાંત અને સુખી બની ગયો. હવે એને મોતની બીક નહોતી. કશાની બીક નહોતી. પોતે પોતાની થોડી જમીનમાં શાંતિ થી રખડ્યા કરતો.

જે વધારાનું હતું એ વહેંચી દીધું હતું!! એક અનન્ય આનંદ એનાં અંતરમાંથી
પ્રકટ થતો હતો.!! હવે જમીનદાર ઘરે સાવ સાદું ભોજન જમી લે !! બધાં જ વળગણ છૂટી ગયાં હતાં!! અને મહિનો પૂરો થવામાં આવ્યો. આ વખતે એને મોતની જરા પણ બીક નહોતી!!! એ સદાય પોતાની મસ્તીમાં રહેતો હતો.!! મહિનો પૂરો થઇ ગયો.!!!
અને પેલા અવધૂતની બીજી ભવિષ્યવાણી પણ સાચી પડી હતી.!!!

]સહુથી પૈસાદાર માણસ તરીકે જીવતો જમીનદાર એની
અંદરથી મરી ગયો હતો અને જમીનદારનો સહુથી સુખી માણસ તરીકે જન્મ થઇ ચુક્યો હતો!! અને હવે તે લાંબુ જીવવાનો હતો. બધાને આ સત્ય સમજાઈ ચુક્યું હતું. અને ત્યારબાદ ઘણાં વરસો સુધી એ જમીનદાર સહુથી સુખી માણસ તરીકે જીવ્યો અને એ નગરના લોકો પણ આ સત્ય સમજીને કદી પણ વધારે સંપતિ ભેગી કરી જ નહિ.

સુખી હોવું એટલે એવું નથી કે તમે કેટલું મેળવ્યું
છે!!!કેટલી સંપતિ એકઠી કરી છે!! પણ તમે કેટલી ઓછી વસ્તુથી જીવી શકો છો, કેટલો ત્યાગ કરી શકો છો એના પરથી તમારી સુખીપણાની માત્રા નક્કી થાય છે!!

લેખક : મુકેશ સોજીત્રા

૪૨ શિવમ પાર્ક સોસાયટી , સ્ટેશન રોડ ઢસાગામ તા .ગઢડા જિ. બોટાદ પીન ૩૬૪૭૩૦

ટીપ્પણી