સગાઇ થયેલી હતી એ દિકરીની કેમ એક દિવસ આવી રડતા રડતા ઘરે…લાગણીસભર વાર્તા…

પ્રિયા ઉતાવળે પગલે આવીને અંદર જતી રહી.એના મમ્મી,પપ્પા અને નાનીબેન શ્રેયા, ત્રણેયે જોયું..કે પ્રિયા રડતી રડતી ગઈ !! કે , એવો ભ્રમ થયો ?? ત્રણેય એકબીજાની સામે અસંમજસથી જોઈ રહ્યા.


ઘરમાં તો ઉત્સાહથી પ્રિયાના લગ્ન માટે ધમધમાટ અને ચારેકોર ખુશી છવાયેલી હતી. કેમ ન હોય ?? રાજ સાથે એના માટે લગ્નનું માંગુ આવ્યું હતું. રાજનું ઘર એક તો, પહેલેથી ખૂબ સધ્ધર અને રાજ CA કરીને ખૂબ સારી કમ્પનીનો CEO બન્યો હતો.

મજાની વાત એ હતી કે, પ્રિયા પણ કોઈ કમ ન હતી.એ MCA કરેલી અને સારા પગારે નોકરી કરતી હતી.હા, એના પરિવારની આર્થિક સ્થિતિ સાધારણ હતી પણ, બાકી નાતમાં એમનું ઘર સંસ્કારી અને એક કુંણા કુટુંબની છાપ ખરી !! સગાઈ થયા પછી લગ્નની તારીખ માટે સૌ સાથે મળવાના હતાં. એ બહાને બન્ને પરિવાર સાથે મળે અને એકબીજા સાથે સંબંધ ગાઢ બને .

આજે પ્રિયા ગઈ, ત્યારે તો ખુશખુશાલ હતી. ઓચિંતા શુ થયું આજે ?? ત્રણેય એની પાસે આવ્યા.. સાચે જ પ્રિયા રડી રહી હતી !! બધાને ધ્રાસકો પડ્યો !! એના મમ્મી એ પૂછ્યું, ” શુ થયું બેટા ??” પ્રિયાએ હાથમાં રહેલ પેપર બતાવ્યા. શ્રેયા એ લઈ વાંચીને હસી પડી . ” અરે ગાંડી ! આ તો તારા પ્રમોસનનો લેટર છે !! તો રડે છે શા માટે ? આપણી મોટી તો મોટી મૈડમ બનવાની !!”


પ્રિયા એ કહ્યું ,” હું એ નહિ લઈ શકું. કેમ કે મારે તો.. લગ્ન પછી નોકરી પણ છોડવાની છે !! તો હવે, પ્રમોશન કેવી રીતે સ્વીકારું ??” પ્રિયાની આંખો છલકાઈ ગઈ.એની મમ્મી એ કહ્યું, ” અરે, એમાં શું ?? નથી જોઈતી બઢતી ને નથી કરવી નોકરી !! આમેય તારા થનારા સાસુ સસરાએ તો પહેલેથી જ બોલી કરી હતી ને !! કે નોકરી છોડી દેશે તો જ આપણે વાત આગળ ચલાવવી.”

શ્રેયા સમજી ગઈ પ્રિયાના આંસુનું કારણ !! પ્રિયા પહેલેથી જ ભણવામાં એટલી મહેનતુ અને હવે નોકરીમાં પણ એની સ્માર્ટનેસ સૌ કોઈ બિરદાવતા હતાં. પણ શું કામ નું આ બધું ??

શ્રેયાને થયું, “” નોકરી છોડાવી, ઘરના શાકરોટલા ને વાસણ કપડાં જ કરાવવા હોય તો ,કોકની હોનહાર દીકરીને ત્યાં માંગા શુ કામ નાખતાં હશે ?? ” પણ, હવે શું ?? મમ્મીપપ્પાને ટેન્સન ન આવે તે માટે મક્કમ મનથી પ્રિયાએ પોતાના આંસુ સાથે અરમાન પણ લૂછી કાઢ્યા !!


બન્ને બહેનો અને મમ્મી પપ્પા કાલે આવનાર મહેમાનોની સરભરા માટેની તૈયારીમાં લાગી ગયા. રાજ, તેના મમ્મી,પપ્પા અને મોટા ભાઈ ભાભી બધા સાથે આવી પહોંચ્યા. પ્રિયાના સસરાએ રાજ ને બધાને મીઠાઈ ખવડાવવા કહ્યું.પ્રિયા અને તેનો પરિવાર કઈ સમજ્યા નહિ પણ, વધુ આશ્ચર્ય તો ત્યારે થયું કે..

એક ડેકોરેટેડ કેક આવી જેમાં પ્રમોસન મળવા બદલ હાર્દિક અભિનંદનનું કાર્ડ પણ ઝૂલતું હતું. પ્રિયા આશ્ચર્યથી જોઈ રહી !!! રાજે, પ્રિયાના હાથ પોતાના હાથમાં લઈ જણાવ્યું , ” તારી આંખોમાં રહેલ પ્રશ્ન અને વાણીમાંની વ્યથા મારાથી છાની ન રહી !! પ્રિયા, સગાઈ પહેલા અમે જાણતા ન્હોતા, પણ ખબર પડ્યા પછી અમે એક ઉગતા ટેલેન્ટને મુરઝાવી કેમ શકીએ !!!


મારા ઘરના લોકોને બધી જાણ કરીને, તારા કમ્પનીના બોસ સાથે મેં બધી વાત કરી લીધી છે. આવતી કાલે તું એક્ઝિક્યુટિવ મેડમ બને છે.. congratulations ma’am!”. પ્રિયાની આંખમાં ભાવ ના આંસુ સાથે હોઠ પર મુસ્કાન ખીલી ઉઠ્યા. શ્રેયા બોલી. “હીપ.હીપ.હું.રે.રે.!! Lets cheers..”અને બધા હસી પડ્યા..

“કાશ, બધા એવું સમજે.. હવે તો, ઘણા સમજે છે હો !!”

લેખક : દક્ષા રમેશ “લાગણી”