સ્ત્રી : સફળતા અને સમાજ વચ્ચે — વિચારવા જેવો લેખ !!

આપણા સમાજે અને આપણી સમજણમાં આપણે જ સ્ત્રીને ક્યાંકને ક્યાંક નબળી કે લાચાર ગણી છે, પણ આજે પરિસ્થિતિ કંઇક અલગ જ છે. આજની સ્ત્રી વ્યવસાય પણ કરે છે અને મોટા મોટા બિઝનેસ પણ સંભાળે છે. જીવનમાં સ્ત્રી અવનવા રોલ પ્લે કરે છે અને પુરુષના જીવનમાં તો સ્ત્રી જ સૌથી વધારે મહેનત કરે છે પણ પુરુષને આ વાતનો ક્યારેય ખ્યાલ નથી આવતો ! એક પુરુષ સ્ત્રીને કઈ નજરે જુએ છે તે વધારે મહત્વનું છે. પત્ની હોય તો ઘરકામ કરવાનું અને પુરુષને સંભોગ દ્વારા આનંદ આપવાનો અને જીવનમાં સૌથી વધારે ત્યાગ કરવાનો ! આપણા શહેરોમાં તો પરિસ્થિતિ સુધરી છે પણ ગ્રામ્ય વિસ્તારોનું શું ? કેટલાક પુરુષને પોતાની પત્ની ભણેલી અને વ્યવસાયિક જોઇએ છે, પરંતુ તે પોતાની બહેનને ઉચ્ચ શિક્ષણ આપવામાં માનતો જ નથી ! મારી નજરે સ્ત્રીની વાત કરું તો સૌથી વધારે ત્યાગ કરીને પોતાના પતિ કે કોઇપણ પુરુષ એના જીવનમાં હોય તેને ખુશ રાખે તે ભારતીય સ્ત્રી.

સ્ત્રીને પોતાના જીવનમાં શું જોઇએ ? કોઇપણ પુરુષ પોતાની પત્ની સાથે એકાંતમાં તેનો હાથ પકડીને તેની સાથે બે ત્રણ મીઠી વાતો કરે અને તેની તબિયત વિશે પૂછે તો પણ સ્ત્રીની આંખો ભીની થઇ ઉઠે ! મારા મત અનુસાર મોટાભાગના ભારતીય પુરુષોએ સ્ત્રીને સંભોગનું એક સાધન જ સમજી લીધું છે ! સ્ત્રીને દિવસમાં એકાદ કલાકની હૂંફ અને સાચો સ્નેહ મળે તો એના જીવનમાં આથી વિશેષ કંઇ જ નથી ! સ્ત્રીને પુરુષ પાસેથી થોડો સમય જ જોઇએ છે.

એક સ્ત્રી પોતાનો પરિવાર છોડીને પતિના પરિવાર સાથે રહે છે, ખૂબ અઘરું છે પોતાના માતા-પિતા, ભાઈ-બહેન, પોતાનું ઘર, જ્યાં તે જન્મી, બોલતાં શીખી, મોટી થઈ અને આ બધું છોડી દેવું ! આવો ત્યાગ કોઈ પણ પુરુષ ના જ કરી શકે. પુરુષ ક્યારેય આ ત્યાગ ના જ સમજી શકે. આ દુનિયામાં ભાગ્યે જ કોઈ એવો પુરુષ હશે જે આ વાત સમજી શકે અને સ્ત્રી ના ત્યાગ નું મૂલ્ય સમજી શકે. દરેક યુવાને સ્ત્રીને સમજવા કરતા સ્ત્રી સાથે સમય પસાર કરવો જોઇએ. કોઇપણ યુવાને પોતાની પત્ની કે ગર્લફ્રેન્ડ માટે આટલું તો કરવું જ જોઇએ !

આપણે લીવ ઇન રિલેશનશિપને અપ્રોચ નથી કરતાં પણ કેટલીકવાર પરંપરાગત સંબંધો કરતા લીવ ઇન રિલેશનશિપમાં વધારે પ્રેમ જોવા મળે છે ! લીવ ઇન રિલેશનશિપમાં સ્ત્રી સ્વતંત્ર છે ! પોતાના પાત્ર સાથે કેટલોક સમય રહે છે અને બંને વચ્ચે મેળાપ થાય તો લગ્ન કરે છે. સ્ત્રી કોઇ વચન આપે ત્યારે તે વચનને પોતાના જીવનનો ભાગ બનાવી લે છે જ્યારે પુરુષ ભાગ્યેજ આવું કરી શકે છે અને કદાચ એટલે જ સ્ત્રીને શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે !

વિદેશની વાત કરીએ તો ત્યાં સ્ત્રી સંપૂર્ણ રીતે સ્વતંત્ર છે. વાત પશ્ચિમની સંસ્કૃતિની નથી, પણ પશ્ચિમી દેશો વિકસિત છે તો એમાં જેટલો ફાળો પુરુષનો છે તેટલો જ ફાળો સ્ત્રીનો પણ છે. ભારતમાં પણ ઘણી સ્ત્રીઓ સફળ બિઝનેસ કરે છે. સુધા મૂર્તિ, અરુંધતી ભઠ્ઠાચાર્ય, ચંદ્રા કોચર વગેરે નામ તો આપણે સાંભળ્યા જ છે, ત્યારે આ જે સુપર વુમન છે તે બનવામાં એટલે કે તેમના જીવનમાં ક્યાંકને ક્યાંક કોઇ પુરુષ તો હશે જ ! સ્ત્રીને ફક્ત એક સહારો જોઇએ છે અને આ સહારો એટલે થોડો આત્મવિશ્વાસ અને હૂંફ. આજે સ્ત્રી રાજકારણથી માંડીને કલાના બધા ક્ષેત્રો સુધી પહોંચી ચુકી છે અને તેથી જ ૨૧મી સદીમાં પુરુષ અને સ્ત્રી એકસમાન છે. પુરુષને જેટલા હક્ક અને અધિકાર મળે છે એટલા સ્ત્રીને પણ મળવા જ જોઈએ.

સ્ત્રીના જીવનમાં લાગણીઓ વિશેષ હોય છે અને આ જ લાગણીઓ ઘણીવાર પુરુષને સુખ તથા દુઃખ આપતી હોય છે ! આજે સ્ત્રી વિમાન ઉડાવે છે, વિવિધ ક્ષેત્રોમાં ભારતનું નામ ઊંચું લાવે છે, એકલી હરવા- ફરવા માટે સક્ષમ છે ! આ બધું સ્ત્રીમાં છે છતાં પણ સમાજના મતે સ્ત્રી નબળી છે ? મારા ખ્યાલથી આ નબળી વિચારસરણી આજના યુવાનની નથી પણ આપણા વડીલોની જ છે ! સ્ત્રીમાં ઘણી કુશળતા છે પણ ક્યાંકને ક્યાંક પરિવાર સ્ત્રીને આગળ આવવા નથી દે’તો. પરિવારના લોકો અને પતિ લગ્ન બાદ કેટલાક સમય પછી સ્ત્રી પાસે બાળકની માંગ કરે છે અને સ્ત્રીને કામ કરવું છે અથવા પોતાના જીવનમાં કંઇક મેળવવું છે પણ પોતે પતિ અને પરિવારના દબાણના કારણે બાળકને પોતાના જીવનમાં લાવે છે, જ્યારે આ વિચારસરણી બદલાશે ત્યારે જ આપણા દેશનો સાચો વિકાસ થશે. સ્ત્રી શક્તિ છે, એટલે જ રહસ્ય છે અને પુરુષની ફરજ છે કે એકવાર સ્ત્રીને નિખાલસતાથી જુએ !

લેખક : પ્રદિપ પ્રજાપતિ

ઉપરોક્ત લેખ વિષે તમારું કોઈ મંતવ્ય કે કોમેન્ટ હોય તો અચૂક કેજો !!

ટીપ્પણી