આંખોમાં આંસુ આવી જાય તેવી ભાવુક સચિનની ફેરવેલ સ્પીચ !

1384595419_Sachin-Tendulkar

 

આંખોમાં આંસુ આવી જાય તેવી ભાવુક સચિનની ફેરવેલ સ્પીચ !

====================================

સચિન તેંડુલકરે પોતાના અંતિમ મેચ પ્રેઝેન્ટેશન દરમિયાન તમામની આંખોમાં આંસુ લાવી દીધા. એક-એક ક્ષણ લાગણીસભર હતી. પ્રેક્ષકો, પ્લેયર્સ, કૉમેન્ટેટર્સની આંખોમાં પણ આંસુ હતુ. રવિ શાસ્ત્રીએ સચિનને કહ્યુ કે આ માઇક હવે તમારુ છે. અને સચિને માઇક હાથમાં લેતા જ વાનખેડે સ્ટેડિયમ સચિન-સચિનનાં ગગનભેદી નારાથી ગુંજી ઉઠ્યુ. સચિને કહેવુ પડ્યુ કે શાંત થઇ જાવ,. મને બોલવા દો,,,નહી તો હું વધુ ભાવુક થઇ જઇશ.

સચિનની પોતાની સ્પીચની પ્રથમ લાઇનમાં જ દરેક વાત કહી દીધી. સચિને કહ્યુ કે છેલ્લા 24 વર્ષ મારી જિંદગી 22 વારમાં સમેટાઇ રહી.

સચિન એક લિસ્ટ લઇને આવ્યા હતા. અને કહ્યુ કે હું એક લિસ્ટ લઇને આવ્યો છું, જેથી કોઇનું નામ ભૂલી ન જાઉં. સચિને સૌપ્રથમ નામ તેમના પિતા રમેશ તેંડુલકરનું લીધુ. સચિને કહ્યુ કે તેમના માર્ગદર્શન વિના હું અત્યારે તમારી સામે ન હોત. 11 વર્ષની ઉંમરમાં મારા પિતાએ મને તમામ આઝાદી આપી હતી, અને કહ્યુ કે તારા સ્વપ્ન માટે દોડ, પણ કોઇ શોર્ટકટનો ઉપયોગ ન કરીશ. જ્યારે પણ મેં કોઇ ખાસ ઇનિંગ રમી અને બેટ હવામાં ઉપર કર્યુ તે મારા પિતા માટે હતુ.

ત્યારબાદ સચિને પોતાની માતાને યાદ કરી. સચિને કહ્યુ કે મારા જેવા તોફાની બાળકને સંભાળવો આસાન ન હતો. તેમને હંમેશા મારી તબિયતની ચિંતા રહેતી હતી. જે દિવસે મે ક્રિકેટ રમવાનું શરૂ કર્યુ, તેમણે મારા માટે પ્રાર્થના શરૂ કરી, અને તેમની પ્રાર્થનાને કારણે જ હું અહીં સુધી પહોંચ્યો.

બાદમાં સચિને એક એવી વાત કહી, જે અત્યારસુધી લોકોને ખબર ન હતી. સ્કૂલના દિવસોમાં સચિન 4 વર્ષ સુધી તેમના કાકા-કાકીને ત્યાં રહ્યા હતા, કેમ કે તેમનું ઘર સ્કૂલથી દૂર હતુ. સચિને કહ્યુ કે મારા કાકા-કાકીએ મારા માટે ખૂબ મહેનત કરી. કાકી વહેલી સવારે ઉઠીને મને જમવાનું આપતી અને પ્રેકટિસ પર મોકલતી. તેમને મારા માટે ખૂબ મહેનત કરી અને મને તેમનો પુત્ર સમજ્યો. હું તેમનો આભાર માન્યા વિના ન રહી શકું.

સચિને પોતાના ભાઇ-બહનોને યાદ કરતા કહ્યુ કે મારા ભાઇ નિતિન અને બહેન સવિતા મને ખૂબ પ્રેમ આપ્યો. સવિતાએ મને જિંદગીનું પ્રથમ બેટ આપ્યુ હતુ. જે કાશ્મીર વિલા બેટ હતુ. જ્યાંથી આ ક્રિકેટની યાત્રા શરૂ થઇ. જ્યારે પણ બેટિંગ કરતો તે મારા માટે વ્રત રાખતી, આજે પણ રાખે છે.

આટલુ બોલતા સચિન ગળગળા થઇ ગયા, અને પાણી પીધુ. અને બાદમાં અજિત તેંડુલકરનો ઉલ્લેખ કરીને સચિને કહ્યુ કે મારા ભાઇએ મારા માટે પોતાના કરિયરનું બલિદાન આપ્યુ. તેમના વિશે હું શું કહુ. રાત્રે જ્યારે હું તેમની સાથે વાત કરી રહ્યો હતો ત્યારે અમને ખબર હતી કે હવે બેટિંગનો ચાન્સ નહીં મળે. તો પણ તેઓ મારી ટેકનિક વિશે વાત કરી રહ્યા હતા. હું નહી રમતો હોઉ, ત્યારે પણ આ બધુ થશે.

સચિન ભાવુક થઇ રહ્યા હતા…કેમેરો પ્રેક્ષકો તરફ ગયો અને લગભગ તમામની આંખોમાં આંસુ હતા. જેમાં એક ચહેરો નજર આવ્યો…તે હતો સચિનની પત્ની અંજલિનો ચહેરો…. ત્યારે સચિન અંજલિ વિશે જ વાત કરી રહ્યા હતા. સચિને કહ્યુ કે 1990માં મારી સાથે એક સુંદર ઘટના થઇ. જ્યારે હું અંજલિને મળ્યો. અંજલિ ડૉક્ટર છે. તેની સમક્ષ શાનદાર કરિયર હતુ. જ્યારે અમે પરિવાર અંગે વિચાર્યુ તો અંજલિએ કહ્યુ કે તમે ક્રિકેટમાં આગળ વધો… હું પરિવાર સંભાળીશ. આ સાંભળીને અંજલી પોતાના આંસુ રોકી ન શકી. સચિન બોલી રહ્યા હતા. સચિને કહ્યુ કે અંજિલ, તું મારી લાઇફની બેસ્ટ પાર્ટનરશિપ હતી. સચિનનાં પુત્ર અને પુત્રી અર્જુન અન સારા પણ અંજલિ સાથે જ હતા. તેમના ઉલ્લેખ દરમિયાન સચિન પણ ભાવુક હતા. સચિને કહ્યુ કે તેઓ મોટા થઇ ગયા છે. મારી પુત્ર સારા 16 વર્ષની છે, જ્યારે મારો પુત્ર અર્જુન 14 વર્ષનો. હું તેમની સાથે સમય વિતાવવા માંગતો હતો. તેમના બર્થ ડે, સ્પોટ્સ ડે વગેરે… તમે મારા માટે ખૂબ સ્પેશિયલ છો…તમે વિચારી પણ નહી શકો એટલા…બસ…હવે આવનારા વર્ષ તમારા છે.

સચિને પોતાના સાસુ-સસરાનો ઉલ્લેખ કર્યો, અને પોતાના બાળપણનાં મિત્રોને પણ યાદ કર્યા. સચિને કહ્યુ કે તેઓ એવા દોસ્ત હતા કે પોતાનું તમામ કામ છોડીને મને બૉલિંગ નાંખતા હતા. જ્યારે મને લાગ્યુ કે ઇજાઓને કારણે મારુ કરિયર સમાપ્ત થઇ રહ્યુ છે, ત્યારે તેમને મને વિશ્વાસ અપાવ્યો કે મારુ કરિયર હજુ સુધી સમાપ્ત નથી થયુ.

સચિને પોતાના કોચ રમાકાંત આચરેકરનો ઉલ્લેખ કરીને કહ્યુ કે 11 વર્ષની ઉંમરે મારુ કરિયર શરૂ થયુ. પણ મારા કરિયરનો ટર્નિંગ પોઇન્ટ હતો, જ્યારે મારા ભાઇ મને આચરેકર સર પાસે લઇ ગયા. ગઇ કાલે તેમના સ્ટેડિયમમાં જોવા મારા માટે ગર્વની વાત હતી. પહેલા તો તેઓ મને ટીવી પર જ જોતા હતા. પણ ગઇ કાલે તેઓ આવ્યા. સર મને તેમના સ્કૂટર પર મુંબઇનાં એક મેદાનથી બીજા મેદાન લઇ જતા હતા. જેથી મારી વધુને વધુ પ્રેક્ટિસ થઇ શકે. પણ એક વાત છે…છેલ્લા 29 વર્ષમાં તેમને મને ક્યારે પણ વેલ પ્લેડ નથી કહ્યુ. તેમને ડર હતો હું વધારે ખુશ ન થઇ જાઉ અને મહેનત કરવાનું ઓછું કરી દઉં…સર, હવે તમે કહી શકો છો. વેલ પ્લેડ સચિન… કેમ કે હવે કોઇ મેચ બાકી નથી રહી.

બાદમાં સચિને એ ક્રિકેટ ગ્રાઉન્ડને, મુંબઇ ક્રિકેટ એસોસિયેશન, બીસીસીઆઇ, સિલેક્ટર્સ, સિનિયર્સ, સાથી ખેલાડીઓ રાહુલ દ્રવિડ, લક્ષ્મણ, સૌરવ ગાંગુલી, પ્રથમ મેનેજર માર્ક મસ્ટ્રેનર્સ, તમામ કોચ, ડોક્ટર્સ, ફિઝિયો, સપોર્ટ સ્ટાફનો આભાર માન્યો. સચિને મીડિયા અને ફોટોગ્રાફર્સનો પણ આભાર વ્યક્ત કર્યો.

અને પછી સચિન બોલ્યા કે મારી સ્પીચ લાંબી થઇ રહી છે. બસ એક અંતિમ વાત…સચિનનાં આટલુ બોલતા જ સ્ટેડિયમ ગૂંજી ઉઠ્યુ…. જાણે કહી રહ્યુ હતુ કે સચિન ના જાઓ. અને સચિનની અંતિમ લાઇન તેમના ફેન્સ માટે જ હતી. સચિને કહ્યુ કે હું દેશ અને દુનિયામાંથી આવેલા તમામ લોકોનો આભારી છું. તમારો સપોર્ટ મારા માટે ખૂબ મહત્વનો છે. લોકો મારા માટે વ્રત રાખે છે, પ્રાર્થના કરે છે…તેમના વિના સમય આવો ન હોત. સમય બહુ ઝડપથી વિતી ગયો. પણ આ યાદો હંમેશા મારી સાથે રહેશે. અને એક વાત જે મારા મનમાં હંમેશા ગૂંજતી રહેશે… તે છે…સચિન….સચિન….જે અંતિમ શ્વાસ સુધી મારા હૃદયમાં ગુંજતુ રહેશે…ગુડ બાય….

સચિન જતા રહ્યા અને લોકો કહેતા રહ્યા સચિન….સચિન…..

બાદમાં કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલી પોતાના ખભા પર સચિનને બેસાડીને સ્ટેડિયમનો રાઉન્ડ લગાવ્યો. ત્યારે સ્ટેડિયમમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા…

અને અંતે ક્રિકેટનાં ભગવાન સચિન તેંડુલકર ક્રિકેટ પીચ ગયા…અને માટીનો સ્પર્શ કર્યો…ત્યારે સચિન પોતાનાં આંસુ રોકી ન શક્યા… અને દરેક ભારતીયની આંખમાં પણ આંસુ હતા..

ટીપ્પણી