અપેક્ષા – સાચા જરૂરિયાતના સમયે ખોટા લોકો પાસે અપેક્ષા રાખવી નહિ, તેના જીવતા અને જાગતા ઉદાહરણ.

યાર… જવા દેને… એને તો મારી કાંઈ ચિંતા જ નથી. મેં એના માટે કેટલું બધું કર્યું છે. એની તકલીફમાં મેં કેટલો બધો એને સાથ આપ્યો હતો, અને આજે હું તકલીફમાં છું તો એને કંઈ પડી જ નથી.

લગભગ આપણાં માંથી ઘણાં બધાં નાં મોંઢે એકવાર તો આ વાત સાંભળી જ હશે. પણ આ તો સમય સમયની વાત છે. સાચા સંબંધની ત્યારે જ ખબર પડે જ્યારે તકલીફમાં હોઈએ. બાકી જલસામાં તો આખી દુનિયા આપણી આગળ પાછળ ફરતી હોય છે.

બે મિત્રો હતા. કોલેજ સમયમાં તેમની દોસ્તી થઈ હતી. ૭-૮ વર્ષ જૂની તેમની દોસ્તી. ત્યાં જ એક દિવસ એક મિત્ર એ ફોન કરીને બીજા મિત્રને કહ્યું, યાર હું બહુ જ તકલીફમાં છું. હું જ્યાં જોબ કરતો હતો તે કંપની બંધ થઈ ગઈ છે. મારા લાયક ક્યાંક જોબ હોય તો જરાં મને મદદ કરજે ને.. આ ફોન પછી જ્યારે પણ પેલો મિત્ર ફોન કરતો ત્યારે બીજો મિત્ર ફોન જ ના ઉપાડે.

ત્યારે પેલાં મિત્રને થયું કે મેં તો તેનાં ખરાબ સમયમાં સાચા દિલથી તેની મદદ કરી હતી પણ આજે મારો ખરાબ સમય આવ્યો ત્યારે એ ફોન પણ નથી ઉપાડતો. મેં એની પાસેથી અપેક્ષા જ ખોટી રાખી છે. ઘણીવાર આપણી નજીકનાં વ્યક્તિ જેની પાસેથી આપણે અપેક્ષા રાખતાં હોઈએ છીએ એ આપણને મદદ નથી કરતા હોતા પણ કોઈ અજાણ્યો વ્યક્તિ પણ આપણો સાચો મિત્ર બની મદદ કરી જતો હોય છે.

એવું કહેવાય છે કે નબળાં લોકોનાં દોસ્ત બહુ ઓછા હોય છે. લોકો મિત્રતા પણ માણસ જોઈને કરે છે. પણ જો તમારી પાસે સારો મિત્ર હોય તો એ તમારી નબળાઈ ને તાકાતમાં ફેરવી દે છે. એક વાર એક છોકરીએ તેની બહેનપણીને કહ્યું, યાર… જીવન જીવવામાં કંઈ મજા નથી આવતી. ખબર નહીં મારું નસીબ જ ખરાબ છે. કેટલી બધી તકલીફો આવ્યા કરે છે. એમ થાય છે કે સ્યુસાઇડ કરી લઉં.

ત્યાં જ તેની બહેનપણીએ કહ્યું, સ્યુસાઇડ તો નબળા લોકો કરે અને તું નબળી નથી. તારાં જીવનમાં થોડી સ્ટ્રગલ આવે છે. જે બધાંની જીંદગીમાં હોય જ છે. પણ તું પ્રયત્ન ચાલુ રાખ અને જ્યારે આપણે હેલ્પલેસ થઈ ગયા હોઈએ એવું લાગે ત્યારે પ્રયત્ન દિલ અને મનથી કરવાના અને પરિણામ કુદરત પર છોડી દેવાનું. એ જે કરે છે તે સારું જ કરે છે.

બસ ત્યારથી જ પેલી છોકરી એટલી બધી પોઝીટીવ થઈ ગઈ કે તકલીફ શું છે એનાં મનમાં વિચાર પણ નહોતો આવતો. પણ હા બધાનાં નસીબમાં આવા સારા મિત્રો નથી હોતાં કે જે તમારી તકલીફમાં તમને સાથ આપે. પણ જો તમારી પાસે આવો કોઈ મિત્ર હોય તો તમે નસીબદાર છો અને એ મિત્રને સાચવી રાખજો…. એટલે જ, યે દોસ્તી હમ નહીં તોડેંગે..

લેખક :- પંકિતા ગિરીશભાઈ શાહ

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ