સાબુદાણા-મખાણા પુડીંગ (ત્રણ ફ્લેવર્સમાં) – Must Try Recipe !

આણંદથી ભૂમિબેન આપના માટે ખાસ લઈને આવ્યા છે આ ફરાળી પુડીંગ…સાબુદાણાના ફરાળી ફરસાણ તો આપે ખાધા જ હશે… આજે આપના રસોડે ખાસમખાસ બનાવો આ પુડીંગ… એ પણ આપની મનપસંદ ફ્લેવરમાં…

વ્યક્તિ : ૪

સમય :

તૈયારી માટે : ૧ કલાક
વાનગી માટે : ૩૦ મિનિટ

સામગ્રી :
૩/૪ કપ સાબુદાણા
૧/૪ કપ મખાણા
૧ ટી.સ્પૂ. ઘી
૨૧/૪ કપ દૂધ
૨-૩ ટે.સ્પૂ. સાબુદાણાનો લોટ
૬-૭ ટે.સ્પૂ. ખાંડ
૧/૪ ટી.સ્પૂ. ઈલાયચી પાવડર

કેસર-બદામ ફ્લેવર માટે :

૧/૮ ટી.સ્પૂ. દૂધમાં પલાળેલું કેસર
૧૦ નંગ બદામ
૧ ચપટી પીળો ફૂડ કલર
અથવા
વેનીલા-કાજુદ્રાક્ષ ફ્લેવર માટે :
૨-૩ ટીપાં વેનીલા એસેન્સ
૫ નંગ કાજુ
૫ નંગ દ્રાક્ષ
અથવા
રોઝ-પિસ્તા ફ્લેવર માટે :
૩-૪ ટીપાં રોઝ એસેન્સ
૧૦ નંગ પિસ્તા
૧ ચપટી ગુલાબી ફૂડ કલર

રીત :

૧) સૌ પ્રથમ સાબુદાણાને ધોઈને ડૂબે તેનાથી ૧ સેમી ઉપર જેટલું પાણી ઉમેરીને ૧ કલાક માટે પલાળી લો.

૨) સાબુદાણા પલળે ત્યાં સુધી જે ફ્લેવરનું પુડીંગ બનાવવું હોય તે મુજબ ડ્રાયફ્રુટની કતરણ કરી લો. મખાણાને ઘીમાં આછા લાલ થાય ત્યાં સુધી શેકી લો. ઠંડા પડે એટલે મિક્સરમાં વાટીને પાવડર બનાવી લો.

૩) એક જાડા તળિયાવાળા વાસણમાં દૂધને ઉકળવા માટે મુકો. પલાળેલા સાબુદાણાને પાણી વડે બરાબર ધોઈ લો જેથી વધારાનો સ્ટાર્ચ નીકળી જશે. દૂધ ઉકળે એટલે તેમાં પલાળેલા સાબુદાણા ઉમેરીને ધીમા-મધ્યમ તાપે લગભગ ૧૦-૧૫ મિનિટ ઉકળવા દો. સાબુદાણાનો સફેદ કલર બદલાઈને ટ્રાન્સપરન્ટ થઈ જવો જોઈએ. જરૂર લાગે તો વધુ ૫ મિનિટ ઉકળવા દો.

૪) સાબુદાણા અડધા ચઢી જાય (સેમી ટ્રાન્સપરન્ટ થઈ જાય) એટલે તેમાં સાબુદાણાનો લોટ ઉમેરો જેથી દૂધ જાડું થવા લાગશે. ત્યારબાદ સાબુદાણા બરાબર ચઢી જાય ત્યાં સુધી વચ્ચે વચ્ચે હલાવો જેથી દૂધ તળિયે ચોંટે નહીં. આ સાથે ખાંડ પણ ઉમેરી દો.

૫) ત્યારબાદ તેમાં મખાણા અને ઈલાયચીનો પાવડર તેમજ ફ્લેવર મુજબ ડ્રાયફ્રુટ, એસેન્સ અને ફૂડ કલર ઉમેરીને બરાબર હલાવી લો. ૧-૨ મિનિટ માટે ઉકળવા દો અને ત્યારબાદ ગેસ બંધ કરી દો.

૬) સહેજ ઠંડુ પડે એટલે ૪ સર્વિંગ બાઉલમાં કાઢીને ફ્રીજમાં ૨-૩ કલાક માટે ઠરવા દો. ઠંડું-ઠંડું પુડીંગ ડ્રાયફ્રુટની કતરણથી સજાવીને પીરસો.

નોંધ :

★ પુડીંગ બનાવવા માટે સાબુદાણાના પર્લ્સ બનાવીને દૂધમાં ઉમેરી શકાય. ઇન્સ્ટન્ટ પર્લ્સ બનાવવા માટે સાબુદાણાને પલાળ્યા વગર સીધા જ ઉકળતા પાણીમાં ઉમેરો. પાણી લગભગ ત્રણ ગણું મુકવું. મધ્યમ આંચ પર ૧૦ મિનિટ અને ધીમી આંચ પર ૫ મિનિટ સુધી ઉકાળો. ત્યારબાદ ગેસ બંધ કરીને ૧૦ મિનિટ ઢાંકી રાખો. સાબુદાણા ટ્રાન્સપરન્ટ થઈ જાય એટલે ચારણી મૂકીને ગાળી લો અને ઠંડા પાણી વડે ધોઈને વધારાનો સ્ટાર્ચ કાઢી લો. ઇનસ્ટન્ટ પર્લ્સ અને બાકીની સામગ્રી ગરમ દૂધમાં ઉમેરીને ૫-૧૦ મિનિટ ઉકળવા દો.
★ ફ્લેવર સિવાયની બધી જ સામગ્રી એકસરખી છે. માત્ર જે ફ્લેવર બનાવવી હોય તે મુજબની વધારાની સામગ્રી ઉમેરવી.
★ સાબુદાણાનો લોટ ના મળે તો સાબુદાણાને મિક્સરમાં વાટીને લોટની ચારણી વડે ચાળીને ઉપયોગમાં લઇ શકાય.

રસોઈની રાણી : ભૂમિ પંડ્યા – આણંદઆપ સૌ ને મારી વાનગી કેવી લાગી ? અચૂક જણાવજો !