આજની પોઝિટિવ સ્ટોરી: 82મા વર્ષે જાતે સંપૂર્ણ આયોજન કરીને 30 સગાં-સ્વજનોને ગાંઠના પૈસે સાત યાત્રા કરાવી

82મા વર્ષે જાતે સંપૂર્ણ આયોજન કરીને 30 સગાં-સ્વજનોને, ગાંઠના પૈસે સાત યાત્રા કરાવીઃ વાત સબળસિંહ વાળાના અનોખા ભાવની..

આમ તો અમદાવાદમાં વસતા સબળસિંહ વાળા ચાલવા માટે જાણીતા છે. ભારત ઉપરાંત અમેરિકા-કેનેડા, શ્રીલંકા એમ દુનિયામાં ઠેરઠેર ચાલ્યા છે. જાડી ગણતરી કરીએ તોય ચારેક લાખ કીમી ચાલ્યા છે. 75મા વર્ષે સડસડાટ 3500 કીમી ચાલીને તેમણે નર્મદા પરિક્રમા હૌં કરી છે. ચાલશે તેવા મંત્ર સાથે જીવતા વાળાસહેબ ચાલવાની બાબતમાં કશું ચલાવતા નથી.

ભારતની ચારધામ સહિતની બીજી મહિમાવંત ઘણી યાત્રાઓ તેમણે સગા પગે રીતસર ચાલીને કરી છે, પણ છેલ્લાં બે વર્ષમાં એમણે એક નવો જ ઉપક્રમ કર્યો.

પોતાનાં સગાં-સ્વજનોને યાત્રા કરાવવાનો ભાવ તેમના હૃદયમાં ઉગ્યો. વાળા સાહેબ એવા માણસ કે જે ઉગે તે કરે જ. તેમણે સૂચિ બનાવી. કહ્યું-પૂછ્યું. ત્રીસેક વ્યક્તિ તૈયાર થઈ. બસ એ પછી ચુસ્ત અને સમયબદ્ધ પાકું આયોજન કરી કરીને યાત્રાઓ કરાવી.

પહેલી યાત્રા કરાવી સાૈરાષ્ટનાં જાણીતાં અને ઓછાં જાણીતાં યાત્રાધામોની. એવું અનુકૂળ વાહન કર્યું કે ગાદલાં પાથરીને નિરાંતે, એયને પગ પહોળા કરીને બેસી શકાય. બે દિવસની યાત્રા બધાંએ મન ભરીને માણી. આનંદ ભયો ચિત્તે-ચિત્તે.

એ પછી જગન્નાથપુરી અને કોનાર્કની યાત્રાનું આયોજન થયું.

ત્રીજી યાત્રાના ભાગરૂપે તેઓ આખા વૃંદને લઈ ગયા બેટ દ્વારકા.

એ પછી તેમની નજર ગઈ દક્ષિણ ભારત તરફ. તેમણે રામેશ્વર-મદુરાઈ વગેરેની યાત્રા કરી.

પાંચમી યાત્રા કરાવી હરદ્વાર-ઋષિકેશ-બદરીકેદાર વગેરેની.

વાળાસાહેબે છઠ્ઠી યાત્રાનું આયોજન કર્યું ઉત્તર ભારતમાં. તેઓ 30 યાત્રાળુઓને લઈને કાશી, અયોધ્યા, સ્વામિનારાયણ મંદિર છપૈયા ગયા.

અને છેલ્લી અને સાતમી યાત્રા કરાવી તિરૂપતિ-નાસિક-ત્રંબકેશ્વર-શનિદેવ-સાંઈ શિરડી વગેરેની.

બે વર્ષના ગાળામાં કુલ સાત યાત્રાઓ સંપન્ન થઈ. ચારેક યાત્રામાં તેમનાં હસમુખાં અને વિનોદી જીવનસાથી મીરાંબહેન પણ જોડાયાં હતાં. (મીરાંબહેને પોતે રામાયણ લખ્યું છે.)

સબળસિંહ વાળા પોતે જ દરેક યાત્રાનું ઝીણું ઝીણું આયોજન કરે. ટિકિટ બુકિંગ, રહેવા-જમવાનું બુકિંગ વગેરે. ક્યારે ક્યાં પહોંચાશે તે નક્કી કરે. યાત્રાનું આયોજન કરવું સહેલું હોતું નથી. વાળા સાહેબ એમાં માહેર. 30 વ્યક્તિને ભારતના જુદા જુદા ખૂણે તેમણે યાત્રાઓ કરાવી પણ ક્યાંય તેમને કોઈ તકલીફ પડી નથી.

ટ્રેનમાં આ ગ્રુપ ભજનો ગાય-ગીતો ગાય અને ગરબા પણ રમે. આખો ડબ્બો તેમાં સૂર પૂરાવે. ટૂંકમાં નર્યો આનંદ. કાકાસાહેબ કાલેલકર કહેતા કે જે હળવું હોય તે જ યાત્રા-પ્રવાસ કરી શકેઃ પછી એ વાદળ હોય કે માણસ. વાળાસાહેબ પોતે હળવા માણસ. હાસ્ય તેમને હાથવગું જ નહીં શરીરવગું. હસે ત્યારે આખા શરીરથી હસે. વળી, આયોજનમાં જ બધી ગંભીરતા ઠાલવી દે જેથી યાત્રા વખતે હળવા રહી શકાય…

લોકોને એક યાત્રા કરવી હોય તો માંડ-માંડ મેળ પડે છે, ઘણા લોકો માતા-પિતાને યાત્રા કરાવી શકતા નથી ત્યાં વાળાસાહેબ આ રીતે 30-30 વ્યક્તિઓને યાત્રા નહીં, યાત્રાઓ કરાવે છે. અને તેય પોતાની જૈફવયે.

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે ગુજરાત નામના પુસ્તકમાં ગુજરાતની એકસો વ્યક્તિવિશેષની સૂચિ બનાવી છે તેમાં સબળસિંહ વાળાનો ઉચિત રીતે જ સમાવેશ કર્યો છે.

તેમને સાંભળવા એ પણ એક લહાવો છે. તેઓ ઉત્તમ વક્તા છે.

પોતાના 82મા વર્ષે સ્વજનોને પરમ ભક્તિભાવથી યાત્રાઓ કરાવનારા વાળા સાહેબને શત્ શત્ વંદન.

આલેખનઃ રમેશ તન્ના

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ