“કાતિલ” – વાંચો રહસ્યમય વાર્તા…

આશરે હજારેક માણસોનું એક ગામ, જેમાં સ્થિતિસંપન્ન કહી શકાય તેવા અમુક ખેડૂતો અને વેપારીઓ વસતા હતા. ગામની પાદરે એક વહેતી નદી જે ગામની જીવાદોરી સમાન હતી. રોજ આ નદીને કિનારે સૂરજ માથું ઊંચકે તે પહેલા એક ગ્રામ્ય કન્યા પાણી ભરવા જાય. એ ગામમાં તો શું, એ આખાય મલકમાં એ કન્યા જેવું સ્વરૂપવાન કોઈ નહોતું. મોઢે ચૂંદડી તાણી એ માથે ઘડો અને હાથમાં દાંતરડું લઇ દોડતી નદીના ઘાટે જતી. છતાં એની માંજરી આંખો અને ચળકતું સફેદ કપાળ, એ ‘ભૂરી’ જ છે એની ચાડી ખાતું.

આમ જ એક પ્રાતઃકાળે ભૂરી ગામની સીમ પર આવેલી કેડી પર ઝટપટ ચાલતી નદી તરફ જઇ રહી હતી. ત્યાં તેનું ધ્યાન, લીમડાના ઝાડ નીચે અઢેલીને બેઠેલા એક પડછંદ આદમી પર પડી. સુરમો આંજેલી તેની પાણીદાર આંખો ભૂરીને તાકી રહી હતી. માથે ફેંટો અને કાળા કુર્તા પાયજામામાં સજ્જ એ પુરુષ કોઈ પરદેશી ભાસ્યો. ભૂરીએ જોયું ન જોયું કરી જલ્દી ઘડો પાણીમાં ડુબાડ્યો અને દાંતરડેથી થોડા લીમડાના ડાળખાં બાપુના દાંતણ માટે કાપી સીમ તરફ ભાગી.

ફરી બીજા દિવસે આ જ રીતે પેલો પરદેશી માણસ ભૂરીને ઝાડ નીચે જોવા મળ્યો. પછીનો દિવસ ઉગે તે પહેલાં જ રાતમાં ગામ પર લૂંટારુંઓનો હુમલો થયો. ધનિક ખેડૂતો અને વેપારીઓના ઘરોના, બંદૂકની અણીએ સફાયા કરાયા. બે સ્ત્રીઓનું અપહરણ પણ થયું; સાથે જ આંઠ-દસ બહાદુર ગ્રામવાસીઓના ચોરો સામે લડતાં લડતાં ઢીમ ઢળ્યા.

ભૂરી અને તેના બાપુ ગામમાં આવતી ચીસો અને નાસભાગના અવાજથી ચેતીને જાગતાં બેઠાં હતાં. એવામાં બારણે ખખડાટ થયો. લાકડાના તોતિંગ દરવાજા પર બેસાડેલું લોખંડનું કડું કોઈકે જોરથી પછાડ્યું. ” ખોલો ..પાણી આપો..” આજીજી ભરેલો સ્વર વારંવાર સંભળાવવા લાગ્યો. બાપુએ ભૂરીને અંદર જવા કહ્યું અને પોતે દરવાજો ખોલવા ગયા. બારણે એક ખડતલ યુવાન ઘવાયેલી સ્થિતિમાં કણસતો પડ્યો હતો. જલ્દીથી બાપુએ એને ટેકો આપી અંદર લીધો અને તેની પાટાપિંડી શરુ કરી. પથ્થરો અને છરીના ઘાથી એ યુવાનનું શરીર ખરડાઈ ગયું હતું. ગામમાં ચાલતી ધમસાણનો શિકાર બનેલા આ યુવાનને આશ્રય આપવો જ પડે તેમ હતો.

પ્રભાતે ભૂરી પાણી ભરવા તો ન નીકળી શકી પણ બાપુ ગામની થોડી ઘણી ખબર લાવ્યા. રહીરહીને આવેલી પોલીસ ગામને થોડું આશ્વાસન આપવા બે-ચાર હવાલદાર મૂકી ગઈ હતી. કારણ કે આસપાસના બધાં ગામને રંજાડનાર ડાકુ વનેસંગ અને તેની ટોળી સાથે બાથ ભીડવા કોઈ સક્ષમ નહોતું. લૂંટારુઓ લૂંટ ચલાવી ગયા એથીય વધુ ફિકરની વાત બે કન્યાઓને નરાધમો તાણી ગયા તેની હતી; એમાંની એક તો ભૂરીની બાળપણની સખી કિરણ હતી. બીજી તરફ મૃત્યુ પામેલાઓના શબને અંતિમસંસ્કાર આપવા આખું ગામ ઉમટી પડ્યું હતું.

બપોરે બાપુએ ભોજન પેલા ઘવાયેલા માણસના મોં આગળ ધર્યું. તેજ તડકાના પ્રકાશમાં, ગોબર લીપેલી ભીંતની પછીતમાં સંતાયેલી ભૂરીએ જોયું કે એ માણસ અન્ય કોઈ નહિ પણ પેલો અજાણ્યો મુસાફર જ હતો. બાપુ અંદર જમવા બેઠાને પરીસવામાં ભુલાઈ ગયેલી છાસનું તાસક લઇ ભૂરી પેલા માણસ આગળ ગઈ. ચહેરા પરના ઘા, થાક અને ઉજાગરા છતાં એ મુસાફર હજુ પણ મોહક લાગી રહ્યો હતો. સુરમો લીપાયેલી આંખોએ ભૂરીને પાસે આવવા ઈશારો કર્યો. ભૂરીએ તાસક નીચે મૂક્યું ને પેલાએ ઝડપથી એનું કાંડુ પકડી લીધું. પળ, બે પળ એ થંભી ગઈ..પેલાએ ખિસ્સામાંથી એક ઝાંઝર કાઢી તેના હાથમાં મૂક્યું. ભૂરીએ કાંડુ છોડાવી રસોડા તરફ દોટ મૂકી. છૂંદણાં છૂંદેલા રૂપાળા કાંડા પર પેલા કદાવર માણસની આંગળીઓની છાપ ઉપસી આવી હતી. ધડકતા કલેજે ભૂરીએ મોમાં કોળિયા ખોસ્યા. બાપુ ક્યારે હાથ ધોઈને બહાર જતા રહ્યા એ પણ ખ્યાલ ન રહ્યો.

રાતનું વાળુ તૈયાર કરી ભૂરી આંગણમાં ગઈ તો પેલો મુસાફર ક્યાંય ન દેખાયો. બાપુને વાત કરતાં એ ચોતરફ તપાસ કરી આવ્યા પણ એનો પત્તો ન જડ્યો. ભૂરીએ પેલી નશીલી આંખોથી તાકતા મુસાફરના વિચારોમાં, આખીરાત પડખાં ફેરવીને કાઢી.

વહેલી સવારે રાબેતા મુજબ એ દોડતી સીમ તરફ ગઈ. બહુ વાર સુધી પરત ન ફરતાં બાપુ એની તપાસ કરવા નીકળ્યા. જોયું તો ગામવાસીઓનું એક મોટું ટોળું એકત્ર થયું હતું ને ગણગણાટ ચાલી રહ્યો હતો. ભીડ ચીરીને બાપુએ જોયું તો પેલો કદાવર માણસ લોહીના ખાબોચિયામાં પડ્યો હતો. ” અરે, તમે ઓળખ્યો આને ? આ પેલો કુખ્યાત ડાકુ વનેસંગ..કોઈ બહાદુર હશે જેણે એને મોતને ઘાટ ઉતાર્યો…” કાતિલ કોણ હોઈ શકે એની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી હતી. બાપુએ પણ ઘર તરફનો રસ્તો પકડ્યો. ભૂરી સલામત છે એવો સંકેત તેમને મળી ગયો હતો.

લીમડાના ઝાડ પાછળ સંતાયેલી ભૂરીએ બાપુને જોતાં છુપાઈને ફરી સીમ તરફથી ગામની વાટ પકડી. માથે ઘડો ને મોંએ તાણેલું ઓઢણું યથાવત હતાં. અને દાંતરડું ? એ તો વનેસંગના પેટને છોલીને આરપાર નીકળી ગયેલું.. ખૂંખાર ડાકુના હાથની મુઠ્ઠીમાં તેની ઓળખ આપતા અને મોતનું કારણ બનેલા કિરણના ઝાંઝર હજુય જકડાયેલા હતાં.

લેખક : રૂપલ વસાવડા

દરરોજ અવનવી વાર્તા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી