રૂપાણી સરકારની TOP-10 સિદ્ધિઓ: વિજયભાઈ ખરેખર ડાર્ક હોર્સ સાબિત થયા છે!

પત્રકાર અને અખબાર હંમેશા એન્ટી-એસ્ટાબ્લિશમેન્ટ હોવાં જોઈએ. બહુ અંશે આ વાત સાચી પણ છે. પરંતુ હું, એવું માનું છું કે, આળસુ અને ભ્રષ્ટ શાસકોને જગાડવા માટે જેમ પત્રકારની ઘંટારવ કરવાની જવાબદારી છે તેવી જ રીતે કોઈ શાસક સારું કામ કરતો હોય ત્યારે તેમના વતી ઢોલ-નગારાં પીટવાની પણ પત્રકારની નૈતિક જવાબદારી ગણાય. સરકારને લગતી દરેક બાબતોને એક ચોક્કસ ચશ્માથી નિહાળવાની જરૃર નથી. ક્યારેક સામાન્યજન તરીકે વિચારીએ તો ચિત્ર વધુ સ્પષ્ટ દેખાય. મુખ્યમંત્રી વિજય રૃપાણી અને તેમની સરકારની એકાદ વર્ષની કામગીરીમાં આવી જ રીતે નિહાળી. કોઈ એક્સપર્ટની દ્રષ્ટિથી નહીં પરંતુ એક સામાન્ય નાગરિકની નજરથી. અને મને કેટલીક બાબતો ખરેખર આકર્ષી ગઈ. આવી જ ટોપ-૧૦ બાબતો પર સાવ ટૂંકમાં અહીં લખું છું. ફરી એક વખત સ્પષ્ટતા: મેં એક સામાન્યજન તરીકે અહીં લખ્યું છે. આદિવાસીઓની અને દલિતોની અને બીજી ઘણી યોજનાઓ વિશે મને ઝાઝી ગતાગમ નથી એટલે એ વિશે લખ્યું જ નથી.

(૧) યાત્રાધામોની સફાઈ:

ભૂતકાળમાં જ્યારે-જ્યારે હું ગુજરાતના યાત્રાધામોમાં ગયો છું ત્યારે એક વાત હંમેશા ઉડીને આંખે ખૂંચી છે: એ છે ત્યાંની ગંદકી. દ્વારકા-સોમનાથના મંદિર આસપાસનો વિસ્તાર હોય કે ડાકોરનો ગોમતી ઘાટ હોય કે પછી પાવગઢનો ડુંગર…. ગંદકી એ આ તમામ યાત્રાધામોને સાંકળતી કોમન બાબત રહી છે. પણ રૃપાણી સરકારે એક અદ્દભુત કદમ ઉઠાવ્યું. તેમણે જાયન્ટ કંપનીઓને ગુજરાતના આઠ યાત્રાધામો સ્વચ્છ રાખવાના કોન્ટ્રાક્ટ જ આપી દીધાં!સોમનાથ, દ્વારકા, ગિરનાર, પાલિતાણા,, અંબાજી, ડાકોર અને પાવાગઢ જેવાં વિખ્યાત યાત્રાધામોમાં આ કંપનીઓના કર્મચારીઓ રાઉન્ડ-ધ-ક્લોક સફાઈકાર્ય કરે છે. અહીં વર્ષે લાખો શ્રાધ્ધાળુઓ દેશ-વિદેશથી આવે છે. અગાઉ તેઓ ગુજરાતની કેવી છાપ લઈને જતા અને હવે કેવી લઈને જશે એ વિચારશો.

(૨) જનૌષધી સ્ટોર્સ:

જેનેરિક દવાઓ માટેના જનૌષધી સ્ટોર્સ ખોલવા એ નાનું કામ નથી. ગુજરાત તો આમ પણ ફાર્મા કંપનીઓનું હબ ગણાય. અહીં જેનેરિક દવાઓ વેંચાતી હોય એ ફાર્મા માફિયાઓ કોઈ કિંમતે બર્દાશ્ત ન કરી શકે. રૃપાણી સરકારે અનેક શહેરોમાં આવાં અનેક સ્ટોર્સ ખોલાવ્યા છે અને કુલ એક હજાર આવાં સ્ટોર્સનો તેમનો ટાર્ગેટ છે. સામાન્ય વર્ગના અને ગરીબ વર્ગના પરિવાર માટે આવી દુકાનો આશીર્વાદથી કમ નથી એવું જાત અનુભવથી કહી શકું છું.

(૩) રાજકોટ-અમદાવાદ સિક્સ લેન:

ગુજરાતના માર્ગો આમ પણ દેશના અન્ય અનેક રાજ્યોની સરખામણીએ બહેતર છે. રોડ કનેક્ટિવિટી પણ સારી છે. પણ, રાજકોટ અને અમદાવાદ વચ્ચેનો હાઈ-વે સિક્સલેન કરવાની વિજય રૃપાણી સરકારની યોજના ખરેખર ઉપકારક છે. તેનાંથી માત્ર રાજકોટને નહીં, આખા સૌરાષ્ટ્રને ફાયદો થશે.

(૪) ૧૦ રૃપિયામાં ભોજન:

બાંધકામ શ્રામિકો માટે શરૃ થયેલી આ યોજના સાઉથ સ્ટાઈલની પોપ્યુલર સ્કીમ છે. પરંતુ આ નકલમાં અક્કલનો ઉપયોગ પૂરેપૂરો થયો છે. અહીં ખોટા લોકો તેનો ગેરલાભ મેળવે તેવી શક્યતા નહીંવત છે. કારણ કે, લાભ લેવા કાર્ડ અનિવાર્ય છે. દસ રૃપિયામાં દાળ-ભાત, શાક, રોટલીનું શુધ્ધ-હાઈજિનિક ભોજન એ એક સ્વપ્ન ગણાય અને શ્રામિકોનું આ સપનું સાકાર થયું એ સારું જ છે.

(૫) ફિક્સ વેતનમાં વધારો:

ગુજરાત વિદ્યુત બોર્ડની છ કંપનીઓના કર્મચારીઓ, જળસંપત્તિ અને પાણી પુરવઠા બોર્ડના કર્મચારીઓ માટે રૃપાણી સરકારે સાતમું પગારપંચ મંજૂર કર્યું. આ નિર્ણયને કારણે હજારો કર્મચારીઓને તોતિંગ પગાર વધારો મળશે. તેનાં કરતાં પણ મહત્વનું કદમ વિદ્યા સહાયકોના વેતન વધારાનું છે. તેમને મહિને ૧૧,૫૦૦ મળતાં હતાં, હવે ૨૦ હજાર પ્રતિમાસ મળશે !આવકારદાયક નિર્ણય. સૌથી અગત્યની જવાબદારી નિભાવતાં વર્ગને પ્રોત્સાહન આપવાનું ઉચિત પગલું.

(૬) ગૌવંશ કાયદો:

બુઢ્ઢા અને બુઠ્ઠાં કાયદાઓથી કામ ચલાવવાનો કોઈ મતલબ નથી. જો ખરેખર ગૌહત્યા રોકવી હોય તો તે માટે કાયદો કડક જોઈએ, માત્ર તત્વજ્ઞાાનથી કશું જ ન વળે. રૃપાણી સરકારે એ કાર્ય કરી બતાવ્યું. ગૌહત્યા માટે હવે આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે, વાહન કાયમી જપ્ત થઈ શકે છે. આટલો કડક કાનૂન અન્ય કોઈ જ રાજ્યમાં નથી.

(૭) પૂરગ્રસ્તો માટે ક્રાંતિકારી કદમ:

‘જૂનું એટલું સોનું અને નવું બધું કથિર’ એવી આપણી માનસિક્તા છે- જે યોગ્ય નથી. મોરબી હોનારત વખતે બાબુભાઈ જશભાઈ પટેલએ મોરબીમાં ધામા નાંખ્યા હતા એ ખરેખર ક્રાંતિકારી કદમ હતું. પરંતુ તાજેતરમાં પૂર આવ્યા ત્યારે રૃપાણી સરકારે પાંચ દિવસ બનાસકાંઠામાં ધામા નાખ્યા, માથે રહી રાહતકાર્યો, બચાવકાર્યો કરાવ્યા- તેનું કોઈ જ મૂલ્ય નહીં? પેકેજ પણ સારું આપ્યું અને કાર્યોમાં પણ સ્ફૂર્તિ દાખવાઈ રહી છે. હવે કોઈએ એમ ન કહેવું કે બાબુભાઈ તો મોરબીમાં દિવસો સુધી રોકાયા હતા ! કમ્યુનિકેશન રેવોલ્યૂશનના આ યુગમાં એવી જરૃર જ નથી.

(૮) સુચિતનો કાયમી નિકાલ:

ગુજરાતના દરેક મહાનરોમાં સૂચિત સોસાયટીઓને, તેની સવલતો અને માળખાગત સુવિધાનો પ્રશ્ન દસકાઓથી લટકતો હતો. સમગ્ર રાજ્યમાં ઈમ્પેક્ટ ફી વસૂલીને તેને રેગ્યુલરાઈઝડ કરવાનો નિર્ણય વિજય રૃપાણીની સરકારે જ લીધો. એક મહાસમસ્યાના કાયમી ઉકેલ ભણી નક્કર કદમ.આ પગલાંથી રાજ્યના લગભગ પોણો લાખ પરિવારોને લાભ થશે.

(૯) રાજકોટ માટે અનેક ફાયદા:

કોઈપણ મુખ્યમંત્રી કે રાજકારણીને પોતાના વિસ્તાર પ્રત્યે સોફ્ટ કોર્નર હોય જ. તેમાં કશું ખોટું પણ નથી. રૃપાણીએ સૌરાષ્ટ્ર વિસ્તારની સમસ્યાઓ તેમના સુધી નિયમિત પહોંચતી રહે તે માટે નીરજ પાઠક નામના યુવાનને સૌરાષ્ટ્રના પોતાના દૂત તરીકે ખાસ જવાબદારી આપી છે. પાઠકજી ત્રણ દિવસ સૌરાષ્ટ્રની સમસ્યાઓ રાજકોટ બેઠા સાંભળે છે. અને ત્રણ દિવસ ગાંધીનગર જઈ તેનો ઉકેલ લાવવા મુખ્યમંત્રીને રજૂઆત કરે છે. નવું એરપોર્ટ આવી રહ્યું છે અને ફાઈવસ્ટાર એસ.ટી. બસ સ્ટેન્ડ માટે કામ ચાલુ છે! હવે એઈમ્સની પ્રતીક્ષા છે!

(૧૦) સરહદ દર્શન: એક કાંકરે અનેક પક્ષી

બનાસકાંઠા બોર્ડર પર નડાબેટનાં ઝીરો પોઈન્ટ પર સીમાદર્શન શરૃ કરાવવાનું પગલું માત્ર ટૂરિઝમ નહીં, સલામતીની દ્દષ્ટિએ પણ મહત્વપૂર્ણ છે. અહીં સરહદ પરના ગામો ફટેહાલ અવસ્થામાં જીવે છે. તેમને રોજગાર મળશે. બોર્ડર પર લોકોની અવરજવર થતી હોય તો ઘણી કૂપ્રવૃતિઓ ફાલવાનો ભય ઓછો થઈ જાય. અહીં નડેશ્વરી માતાજી ધર્મસ્થાનનો વિકાસ થવાનો છે, મોબાઈલ ટાવર્સ નંખાવાના છે. કચ્છના સફેદ રણની જેમ આ સ્થળ પણ કાઠું કાઢવાનું છે. થેન્કસ ટુ વિજય રૃપાણી ગવર્નમેન્ટ!

લેખક :-કિન્નર આચાર્ય

આપ આ માહિતીસભર પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. આવી બીજી મહત્વની પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી