ભરેલા તુરિયાનું શાક આવી રીતે બનાવજો બધાને ખુબ પસંદ આવશે..

ઉનાળો શરૂ થતાં જાણે બધા શાક ગાયબ થઈ જાય છે. શિયાળામાં મળતા તાજા , કુણા અઢળક શાકમાંથી બસ 2 કે 4 જ ઉનાળામાં દેખાય છે. ઉનાળામાં મૂળ રીતે દૂધી, તુરિયા એવા પાણી વાળા અને પચવામાં હલકા એવા શાક વધારે મળે છે.

પણ મારા ઘરે આ દૂધી અને તુરિયા કોઈને નથી ભાવતા.. તમારા ઘરે પણ એવું જ હશે. પણ જો આ જ તુરિયાને એક સરસ twist આપીને બનાઇવીએ તો 100% , ઘરના બધા આંગળા ચાટીને ખાશે. ચાલો બનાવીએ આ સ્વાદિષ્ટ અને ફ્લેવરવાળું તુરિયાનું ભરેલું શાક.

સામગ્રી ::

મસાલા માટે

 • 1/2 વાડકો દાળિયા,
 • 2 ચમચી આખા સૂકા ધાણા,
 • 1/4 વાડકો ખમણેલું સૂકું ટોપરું
 • 1 ચમચી આખું જીરું,
 • 2 મોટી ચમચી શેકેલા શીંગદાના , ભૂકો,
 • 3 થી 4 લાલ સૂકા મરચાં,
 • 2 ચમચી તેલ ,
 • 1/2 ચમચી હળદર,
 • 2 ચમચી લાલ મરચું,
 • મીઠું.

શાક માટે::

 • 1 kg તાજા કુણા તુરિયા,
 • 4 થી 5 ચમચી તેલ ,
 • 1/2 ચમચી હિંગ ,
 • 2 થી 3 ચમચી બારીક સમારેલી કોથમીર,
 • સ્વાદાનુસાર લીંબુ નો રસ.

રીત ::

મસાલા માટે દર્શાવેલી બધી સામગ્રી તૈયાર કરો. વધારે ફ્લેવર માટે જીરું અને દાળિયા ને થોડા શેકી લો. હવે તેલ સિવાય ની બધી સામગ્રી મિક્સર માં ભેગી કરી વાટી લો. તેલ ઉમેરી મસાલો તૈયાર કરો.તુરિયાને ધોઈ એની છાલ ઉતારી , 2 થી 2.5 વેઢા જેટલા લાંબા કટકા કરો. આ કટકાને વચ્ચેથી કાપી મસાલો ભરો. ભરતા વધે એ મસાલો સાઈડ પર રાખી દો.નોનસ્ટિક કડાયમાં તેલ ઉમેરી ગરમ કરો. મેં અહી ડુંગળી , લસણ વગરની રીત બતાવી છે , આપ ચાહો તો તેલમાં ડુંગળી , લસણની પ્યુરી કે બારીક સમારેલા ઉમેરી પણ બનાવી શકો. કડાયના ગરમ તેલમાં હિંગ ઉમેરી ભરેલા તુરિયાના કટકા ઉમેરો. હળવેથી હલાવો.

આ શાકને બહુ હલાવું નહીં. તુરિયામાંથી પાણી છૂટશે જ તો જરા પણ પાણી ઉમેરવું નહીં. કડાયને ઢાંકીને 5 થી 6 મિનિટ કે તુરિયા જ્યાં સુધી એકદમ બફાઈ ના જાય ત્યાં સુધી પકાવો. છરીથી ચેક કરો કે તુરિયા તૈયાર છે કે નહીં.

એકદમ બફાઈ જાય એટલે વધારા \નો મસાલો ઉમેરી , લીંબુ રસ ઉમેરો. કોથમીર ઉમેરો અને સરસ હળવેથી હલાવી મિક્સ કરો. ગરમ ગરમ પીરસો. રોટલી, પરાઠા સાથે પીરસી શકાય.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

 

 

ટીપ્પણી