રોટલી કેવડો – રોટલીઓ વધારે બની ગઈ છે? તો હવે તેમાંથી બનાવો આ નાસ્તો 5 દિવસ આરામથી ચા કોફી સાથે લઈ શકશો..

રોટલી કેવડો

કેમ છો? જય જલારામ. આશા છે તમે બધા પરિવાર સાથે સેફ હશો. આજે ફરી તમારી સમક્ષ હાજર છું મારા ઘરમાં બધાને પસંદ આવતી એક રેસિપી લઈને. અમારા ઘરમાં જયારે પણ બહુ રોટલીઓ ભેગી થઇ જાય એટલે અમે આ રોટલી કેવડો બનાવતા હોઈએ છીએ. આજ સુધી તમે છાસમાં વઘારીને રોટલી ખાધી હશે પણ હવે જયારે પણ તમારા જમવામાં રોટલી વધે તો આ રોટલી કેવડો જરૂર બનાવજો.

આ રોટલી કેવડો 4 થી 5 દિવસ સુધી સારો રહે છે એટલે જયારે પણ અમે ક્યાંક બહાર ફરવા જવાના હોઈએ ત્યારે આ કેવડો સાથે બનાવીને લઈએ છીએ. તમે ઈચ્છા પ્રમાણે મરચું વધુ ઉમેરીને તીખો કેવડો પણ બનાવી શકો છો, ઘણીવાર તો અમારા ઘરમાં રોટલી ના વધી હોય તો પણ હું ખાસ તાજી રોટલી બનાવીને એને થોડીવાર માટે ફ્રીઝમાં મૂકી દઉં છું અને પછી એ રોટલીનો ભૂકો કરીને વઘારું છું.

તો ચાલો બનાવતા શીખવાડું તમને રોટલી કેવડો, જો તમે પણ વધેલી રોટલીની કોઈ વેરાયટી બનાવો છો તો અમને કોમેન્ટમાં જરૂર જણાવજો.

સામગ્રી:

  • વધેલી ઠંડી રોટલી
  • તેલ વઘાર કરવા માટે
  • મીઠું સ્વાદ મુજબ
  • મરચું એક ચમચી (વધુ તીખું ખાવું હોય તો વધુ મરચું ઉમેરી શકો.)
  • ગરમ મસાલો
  • ધાણાજીરું
  • હળદર
  • મીઠો લીમડો
  • રાઈ
  • હિંગ
  • તલ
  • ખાંડ

રોટલી કેવડો બનાવવાની સરળ રીત:

1. સૌથી પહેલા ઠંડી રોટલીનો ભૂકો કરી લેવો, આમાં પણ જો તમે બહુ જીણો થોડા ટુકડા રાખવા માંગો તો પણ ચાલશે.

2. હવે એક કઢાઈમાં તેલ મુકો. (તેલ ગરમ થાય એટલે હું પહેલા થોડા રોટલીના ટુકડાને તળી લેતી હોવ છું અને એ રોટલી મારી સાક્ષીને પસંદ છે.)

3. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો.

4. રાઈ તતડે એટલે તેમાં મીઠો લીમડો અને હિંગ ઉમેરવી

5. હિંગ ઉમેરીને થોડા તલ ઉમેરો (આ સ્ટેપ ઓપશનલ છે તમને તલ ના પસંદ હોય તો તલ વગર પણ બનાવી શકો છો) તલ ઉમેરો પછી તમારા પર ઉડે નહિ એના માટે કઢાઈ પર થોડીવાર કોઈ થાળી કે ઢાંકણું આડું રાખવું

6. હવે તેમાં રોટલીનો કરેલો ભૂકો ઉમેરો.

7. હવે તેમાં મીઠું, ધાણાજીરું અને ગરમ મસાલો ઉમેરો

8. પછી મરચું અને હળદર પણ તેમાં ઉમેરો

9. હવે બધું બરાબર મિક્સ કરી લેવું હવે એ બહુ ધીરજ માંગી લે એવો છે હવે રોટલીને ધીમા ગેસે ક્રન્ચી કરવાની છે.

10. જો બરાબર ક્રન્ચી નહિ થાય તો રોટલીનો ટેસ્ટ હવાઈ ગયેલા કેવડા જેવો લાગશે એટલે જ્યાં સુધી કઢાઈમાં કેવડો આરામથી હલાવી શકાય એવો ના થાય ત્યાં સુધી થોડી થોડીવારે હલાવતા રહો.

11.થોડીવાર પછી એમ લાગે કે હવે ક્રન્ચી થવાની શરૂઆત થઇ ગઈ છે ત્યારે તેમાં ખાંડ ઉમેરો અને બરાબર હલાવી લો.(જો ખાંડ પસંદ ના હોય તો ના પણ ઉમેરશો વાંધો નહિ.)

12 હવે આ રોટલી કેવડો એકદમ ઠંડો થઇ જાય પછી ડબ્બામાં ભરીને 5 દિવસ સુધી ખાઈ શકો છો. (પણ કેવડો ઠંડો થવા દેજો જો ગરમ ગરમ ડબ્બામાં ભરી લેશો તો વરાળના લીધે કેવડો હવાઈ જશે)

13. હવે કોઈ સ્ટેપ બાકી નથી ડબ્બામાં ના ભરવો હોય તો આ કેવડો નવશેકો ગરમ હોય તો પણ સારો લાગે છે અને આ કેવો ખાઈ લઈએ પછી ગરમાગરમ જો ચા કે કોફી મળી જાય તો જન્નત બોસ..

કેવી લાગી આ રેસિપી જણાવશો અને એકવાર બનાવજો જરૂર.

રસોઈની રાણી : પદમા ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.