પોતાની પત્ની સાથે બન્યુ તેવુ બીજા સાથે ન બને તે માટે આ યુવકે શરૂ કરી અનોખી સેવા, લોકો કરી રહ્યા છે સલામ

આપણે ઘણીવાર સમાજમાં એવી ઘટનાઓ વિશે જોતા હોઈએ છીએ જેમા પોતાને પડેલી તકલીફ બીજાને ન પડે તે માટે લોકો પ્રયાસ કરતા હોય છે. તમે શાંભળ્યું હશે કે અમદાવાદમાં એક યુવકનું ખાડામાં પડી જવાથી અકસ્માતમાં મોત થયું હતું ત્યારથી તેમના પિતા શહેરમાં જ્યાં પણ ખાડા હોય ત્યાં તેને રિપેર કરે છે. જેથી કરીને કોઈ અન્ય વ્યક્તિનો અકસ્માતમાં જીવ ન જાય. તો આવી એક ઘટના સામે આવી છે વડોદરામાં કે જ્યાં એક યુવકની પત્નીને યોગ્ય સમયે સારવાર ન મળતા તેમનું હ્યદય અત્યારે માત્ર 35 ટકા જ કામ કરે છે. આ ઘટના બાદ આ વ્યક્તિએ શહેરમાં ફ્રી રીક્ષી એમ્બ્યુલન્સની શરૂઆત કરી. આ વાત છે 2011ની.

તેમની પત્નીનું હાર્ટ માત્ર 35 ટકા જ ચાલે છે

11 જાન્યુઆરી 2011માં અતુલભાઈના પત્નીની તબિયત અચાનક જ લથડી હતી, જોકે એ સમયે તેમની રિક્ષામાં પંચર હતું, જેથી તેઓ એક કિ.મી. દોડીને રંગમહાલ સુધી પહોંચ્યા અને રિક્ષા ભાડે લઈને હોસ્પિટલે ગયા. પરંતુ તેમને હોસ્પિટલે પહોંચતા ઘણુ મોડુ થઈ ગયું હતું જેને પરિણામે આજે તેમની પત્નીનું હાર્ટ માત્ર 35 ટકા જ ચાલે છે અને બધા રોગ ઘર કરી ગયા છે.

પત્નીની હાલત જોઈને ‘ફ્રી ઓટોરિક્ષા એમ્બ્યુલન્સ’ શરૂ

અતુલભાઈના કહેવા પ્રમાણે જો એ દિવસે તેમની પત્નીને સમયસર સારવાર મળી ગઈ હોત તો આજે તેનું સ્વાસ્થ્ય સારું હોત. ત્યાર બાદ તેમણે પત્નીની હાલત જોઈને ‘ફ્રી ઓટોરિક્ષા એમ્બ્યુલન્સ’ શરૂ કરી હતી. વડોદરાના અક્ષરચોક વિસ્તારમાં રહેતા રિક્ષાચાલક અતુલભાઇ ઠક્કર છેલ્લાં 10 વર્ષથી ‘ફ્રી ઓટોરિક્ષા એમ્બ્યુલન્સ’ ચલાવે છે. તેઓ રાત્રે 11 વાગ્યાથી લઇને સવારે 5 વાગ્યા સુધી દર્દીઓને હોસ્પિટલ લઇ જવા માટે ફ્રી સેવા આપે છે અને અત્યારસુધીમાં 500થી વધુ દર્દીઓ ‘ફ્રી ઓટોરિક્ષા એમ્બ્યુલન્સ’ સેવાનો લાભ લઇ ચૂક્યા છે અને જેનાથી ઘણા લોકોના જીવ પણ બચ્યા છે.

મને સમયસર સારવાર મળી ગઈ

આ અંગે વડોદરાના રહેવાસી કંચનભાઇ પારેખે પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું કે એક દિવસ મારી તબિયત અચાનક બગડી હતી, જેથી મારી પત્નીએ અતુલભાઇને ફોન કર્યો હતો. તેઓ તરત જ મારા ઘરે આવી ગયા હતા અને મને રિક્ષામાં બેસાડીને હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો અને મને સમયસર સારવાર મળી ગઈ હતી અને મારું સારણ ગાંઠનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, જે સફળ રહ્યું હતું.

રિક્ષાચાલક અતુલભાઇ ઠક્કર હાલ વડોદરા શહેરના અક્ષરચોક વિસ્તારની અક્ષર રેસિડેન્સીમાં રહે છે. આજથી 10 વર્ષ પહેલાં તેઓ વડોદરાના વાડી વિસ્તારમાં રહેતા હતા.

તેમનાં પત્નીને 3 દિવસ ICUમાં રાખવા પડ્યાં

અતુલભાઈ આજથી 10 વર્ષ પહેલા બનેલી એ ઘટનાને હજુ પણ ભુલી શક્યા નથી.18 જાન્યુઆરી, 2011ના રોજ તેમનાં પત્ની પ્રીતિબેન ઠક્કરની તબિયત અચાનક જ લથડી ગઈ હતી. જોકે બદનસીબે એ દિવસે અતુલભાઇની રિક્ષામાં પંચર પડ્યું હતું અને 108 એમ્બ્યુલન્સ પણ સમસયર પહોંચી શકે તેમ નહોતી. જેથી અતુલભાઇ રિક્ષાની શોધમાં એક કિ.મી. સુધી દોડ્યા હતા. તેઓ રંગમહાલ પહોંચ્યા, ત્યારે તેમને એક રિક્ષા મળી હતી. અતુલભાઇ તેમની પત્નીને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે રિક્ષાચાલક સમક્ષ કરગર્યા હતા. જોકે છેવટે રિક્ષાચાલક 100 રૂપિયામાં હોસ્પિટલ આવવા માટે તૈયાર થયો હતો. જેથી રિક્ષામાં બેસાડીને પત્નીને હોસ્પિટલ સુધી પહોંચી હતી. આ સમયે તેમનાં પત્નીને 3 દિવસ ICUમાં રાખવા પડ્યાં હતાં. જોકે સમયસર હોસ્પિટલ ન પહોંચી શકતાં તેમની પત્નીને યોગ્ય સારવાર મળી શકી નહોતી, જેથી તેમનાં પત્ની પ્રીતીબેનનું હૃદય માત્ર 35 ટકા જ ચાલે છે. તે વાતનો વસવસો આજે પણ અતુલભાઈને છે.

10 વર્ષ પહેલાં મારી પત્નીને સમયસર સારવાર મળી નહોતી

આ ઘટના અંગે વાત કરતા રિક્ષાચાલક અતુલભાઇ કહે છે કે 10 વર્ષ પહેલાં મારી પત્નીને સમયસર સારવાર મળી નહોતી, ભગવાને તેને બચાવી લીધી, પણ આજે તે ઘણી બીમારીઓથી પીડાઈ રહી હતી. જેથી મને મનમાં વિચાર આવ્યો હતો કે મારી પાસે રિક્ષા અને રૂપિયા બંને હોવા છતાં મને આટલી મુશ્કેલી પડી છે, તો જેની પાસે રૂપિયા અને વાહન નથી તેમને કેટલી બધી મુશ્કેલીઓ પડતી હશે. જેથી મેં જરૂરિયાતમંદ લોકો માટે ‘ફ્રી ઓટોરિક્ષા એમ્બ્યુલન્સ’ શરૂ કરવાનું નક્કી કર્યું હતું.

500થી વધુ દર્દીઓને ફ્રીમાં હોસ્પિટલે પહોંચાડી ચુક્યા છે

image source

આ અંગે મારાં માતાએ પણ આ સેવા શરૂ કરવાની હા પાડી હતી. 15 ફેબ્રુઆરી, 2011ના રોજ અતુલભાઈનો જન્મદિવસ હતો અને તે જ દિવસે તેંમણે ‘ફ્રી ઓટોરિક્ષા એમ્બ્યુલન્સ’ સેવા શરૂ કરી હતી અને તેઓ અત્યારસુધીમાં પ્રેગનન્ટ મહિલાઓ સહિત 500થી વધુ દર્દીઓને ફ્રીમાં હોસ્પિટલે પહોંચાડી ચુક્યા છે. અતુલભાઈએ વધુમાં જણાવ્યું હતું કે તેઓ સ્કૂલવર્ધીમાં રિક્ષા ચલાવે છે, પરંતુ કોરોનાને કારણે હમણાં એ પણબંધ છે, જોકે તેમણે રાત્રિ દરમિયાન ‘ફ્રી ઓટોરિક્ષા એમ્બ્યુલન્સ’ સેવા ચાલુ જ રાખી છે અને એ હંમેશાં ચાલુ જ રહેશે.

અડધી રાત્રે સેવા આપવા માટે તત્પર હોઉં છું

image source

અતુલભાઈે આગળ જણાવ્યું કે લોકો મને અડધી રાત્રે ફોન કરે છે અને હું હંમેશાં તેમને સેવા આપવા માટે તત્પર હોઉં છું. લોકડાઉન પહેલાં જનતા કર્ફ્યૂના દિવસે મેં લોકોને ફ્રી સેવા આપી હતી. તો બીજી તરફ અતુલભાઇનાં પત્ની પ્રીતિબેન ઠક્કરે જણાવ્યું હતું કે અડધી રાત્રે પણ ફોન આવે તો તેઓ તરત જ દર્દીને હોસ્પિટલ પહોંચાડવા માટે પહોંચી જાય છે. મને મારા પતિની સેવાકીય પ્રવૃત્તિથી ગર્વ થાય છે. તેમની આ સેવામાં હું તેમની સાથે જ છું. આમ અતુલભાઈની સેવા પ્રવૃતિથી ઘણા લોકોને નવી જિંદગી મળી છે. ખાસ કરીને એવા લોકો જેમની પાસે પૈસા નથી અને વાહન નથી તેવા લોકો માટે અતુલભાઈની ફ્રી રીક્ષા એમ્બ્યુલન્સ આશિર્વાદ સમાન છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ