રીચ રોઝ આઈસક્રીમ – આવી ગરમીમાં રાત્રે જમ્યા પછી જો ઠંડો ઠંડો આઈસ્ક્રીમ મળી જાય તો દિવસ સફળ થઇ જાય…

રીચ રોઝ આઈસ ક્રીમ

ગુલાબ એ મીડલ ઇસ્ટમાં ખુબ જ માનીતું ફુલ છે અને તેને વિવિધ રીતે ત્યાંના લોકો ઉપયોગમાં લે છે. ગુલાબના ફુલમાંથી બનતી વિવિધ પ્રકારની વસ્તુઓને શાહિ માનવામાં આવે છે. અને મુઘલ કાળમાં ભારતમાં પણ ગુલાબના ફુલમાંથી બનાવવામાં આવતી વસ્તુઓને ખુબ જ શાનથી વાપરવામાં આવતી હતી.

ગુલાબના ફુલમાંથી ગુલાબનું અત્તર, ગુલાબનું જળ, ગુલાબનું સીરપ આ ઉપરાંત કેટલીક બ્યુટી પ્રોડક્ટ પણ બનાવવામાં આવે છે. ગુલાબની માત્ર સોડમ જ તમને અત્યંત ઠંડક આપે છે. અને બળબળતી ગરમીમાં તો કોઈ પણ પ્રકારે આપણને ઠંડકની જ ખેવના થતી હોય છે.

ગુલાબને વિવિધ જાતના ભોજનમાં તેના સિરપ કે તેના અર્ક કે પછી તેના એસેન્સનો ઉપયોગ કરી વાપરવામાં આવે છે. ગુલાબના માત્ર સિરપ નહીં પણ ગુલાબની પાંખડીઓનો પણ મિષ્ઠાનોમાં ઉપયોગ સદીઓથી થતો આવ્યો છે. માટે આજે અમે તમારા માટે લાવ્યા છે રીચ રોઝ આઇસ ક્રીમની રેસીપી. આઇસ ક્રીમ તો તમને ગરમીથી રાહત આપે જ છે પણ જો તેમાં ગુલાબ પણ એડ કરવામાં આવે છે તો તે તેને ઓર વધારે રીફ્રેશીંગ અને સોડમદાર તેમજ સ્વાદિષ્ટ આપતો બનાવે છે.

તો ચાલો બનાવીએ રીચ રોઝ આઈસ ક્રીમ.

સામગ્રી

ડોઢ કપ વ્હિપીંગ ક્રીમ

¼ કપ દૂધનો પાઉડર

¼ કપ કન્ડેન્સ્ડ મિલ્ક

½ કપ નાળિયેરની તાજી ક્રીમ

¾ કપ ઠંડુ દૂધ

2 ટી સ્પૂન વેનિલા એસેન્સ

¼ કપ રોઝ સીરપ

½ કપ ગુલાબના ફુલની પાંદડી

½ કપ કાજુ

રીચ રોઝ આઈસ ક્રીમ બનાવવાની રીત


સૌ પ્રથમ એક બોલ લો તેમાં ડોઢ કપ વ્હિપીંગ ક્રીમ લઈ તેને એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી ફેંટો. તે ફ્લફી થવી જોઈએ. એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ વ્હીપીંગ ક્રીમ એકદમ ચીલ્ડ હોવી જોઈએ. અને સારા પરિણામ માટે તમારે ઇલેક્ટ્રીક હિટર જ યુઝ કરવું જોઈએ. કારણ કે જો તમે સાદા વ્હીસ્કરથી આઇસક્રીમ વ્હીસ્ક કરશો તો તેમાં મજા નહીં આવે ક્રીમ જોઈએ તેટલી સોફ્ટ નહીં થાય.


બેકરી આઇટમો તેમજ આવી આઇસક્રીમ બનાવતી વખતે તમારે યોગ્ય માપ જ લેવું જોઈએ. અહીં બધું જ માપ સ્ટાન્ડર મીઝરીંગ કપ તેમજ મીઝરીંગ સ્પૂનથી જ લેવામાં આવ્યું છે. માટે તમે પણ તેમ કરવાનો આગ્રહ રાખો જેથી કરીને માપમાં અસામાનતા ન થાય અને પરિણામ યોગ્ય મળે.


ત્યાર બાદ તેમાં પા કપ દૂધનો પાઉડર એડ કરો અને તેને ફરી સરસ રીતે ફેંટી લો.


હવે તેમાં પા કપ કન્ડેન્સ્ડ મિલ્ક, અરધો કપ નાળિયેરની તાજી ક્રીમ એડ કરો, પોણો કપ એકદમ ઠંડુ દૂધ એડ કરો, બે ટી સ્પૂન વેનિલા એસેસન્સ ઉમેરો, પા કપ રોઝ સીરપ ઉમેરો અને ફરી તેને વ્યવસ્થીત રીતે ફેંટી લો.


હવે આ બધી જ સામગ્રી એક સાથે બરાબર ફેંટાઈ ગયા બાદ તેમાં પા કપ દેસી ગુલાબના ફુલની બારીક સમારેલી પાંદડીઓ એડ કરી લો અને તેને ખુબ જ હળવા હાથે મીક્સ કરી લો.


હવે એક એરટાઇટ ડબ્બો લો તેમાં આ તૈયાર થયેલા આઇસક્રીમ મીક્સચરનો અરધો ભાગ કાઢી લો. હવે તેના પર વધારીને રાખેલી ગુલાબના ફુલની પાંદડીઓમાંથી અરધી લઈ તેને તેના પર બરાબર બધી જ તરફ સરખા પ્રમાણમાં ભભરાવી લેવી. ત્યાર બાદ તેના પર અરધા કાજુ ભભરાવી દો.


હવે બાકી વધેલું અરધું આઇસક્રીમ મિક્સચર તેના પર સમાન રીતે પાથરી દો અને ફરી તેના પર બાકી બચેલી ગુલાબના ફુલની પાંદડીઓ અને બાકી બચેલા કાજુના ટુકડા વ્યવસ્થિત સ્પ્રેડ કરી લો.


હવે આઈસક્રીમ ભરેલા આ એરટાઇટ ડબ્બાને વ્યવસ્થિત ટાઇટ બંધ કરી દો. ત્યાર બાદ તેને 7-8 કલાક ફ્રીઝરમાં જમાવા માટે મુકી દો. તૈયાર છે રીચ રોઝ આઇ ક્રીમ.


ગાર્નિશીંગ સજેશન્સ

સુંદર મજાનો કાચનો આઇસક્રીમ કપ લો. તેમાં રીચ રોઝ આઈસ ક્રીમના બે સ્કૂપ મુકો હવે તેના પર થોડું રોઝ સીરપ એડ કરો અને એક-બે ગુલાબની પાંદડી મુકો. આઈસ ક્રીમ પ્રેઝેન્ટેબલ પણ લાગશે અને સ્વાદિષ્ટ પણ લાગશે. આ આઇસ ક્રીમ માર્કેટ કરતા પણ વધારે સ્વાદિષ્ટ બનશે.

સૌજન્ય : ચેતના પટેલ (ફૂડ કુટોર સ્ટુડિયો, અમદાવાદ)

રેસીપીનો વિગતવાર વિડીઓ જુઓ :