મારે તને એક વાત કહેવી છે. – વર્ષો પછી પણ એ નથી સમજી શક્યો… વાંચો પ્રણય ત્રિકોણની વાર્તા…

“મારે તને એક વાત કહેવી છે.”

શ્રધ્ધા સમય થતો એટલે હાથમાં બરણી લઈને દૂધ લેવા માટે જતી. એને જોવા માટે ખડકી બહાર આવીને ઊભો રહી જતો. દૂરથી આવતી શ્રધ્ધાને જોઈને એ સાત-આઠ વખત ત્રાંસી, આડી કે સીધી નજરે એની સામે જોઈ લેતો. શ્રધ્ધા પણ એકાદ બે વખત વિશ્વાસ સામે હળવી નજર કરી નીકળી જતી. રોજ બનાવ તો આટલો જ બનતો. પણ, આટલો બનાવ બીજા દિવસની સાંજ સુધી વિશ્વાસ ને ચાર્જ કરી દેવા પૂરતો હતો. શ્રધ્ધાના મનમાં શું હતું એ તો એનો રામ જાણે. પણ, વિશ્વાસને શ્રધ્ધામાં કાલિદાસની શકુંતલા અવશ્ય દેખાતી.

‎રાગ અને વિવેક વિશ્વાસના જીગરી દોસ્ત હતા. વિશ્વાસને એ બંને હિમ્મત એકઠી કરી પોતાના દિલની વાત શ્રધ્ધા સુધી પહોંચાડવા બળપૂર્વક કહેતા હતા. વિશ્વાસે પણ ઘણી વખત અસાધારણ હિમ્મત ભેગી કરી લીધી હતી. પણ, છેલ્લી ક્ષણોમાં એ હથિયાર હેઠા મૂકી દેતો હતો. એક વખતની વાત છે. વિશ્વાસ અને રાગ પોતાની અગાસી ઉપર એકલા જ હતા અને શ્રધ્ધા નીકળી. રાગના ખૂબ દબાણના કારણે વિશ્વાસે આજે તો ઇતિશ્રી સ્કંદપૂરાણે રેવા ખંડે કરી નાંખવું એવું નક્કી કરી લીધું હતું. શ્રધ્ધા અગાસી પરથી આવતો અવાજ સાંભળવાની સ્થિતિ જેટલી નજીક આવતા જ વિશ્વાસે નગારે ઘા દીધો.

‎” રૂપ અને પૈસાનું ગુમાન છે એટલે આપણને જવાબ ન દે. ક્યારેક તો બોલાય, સાવ આવું ન કરાય.”
‎શ્રધ્ધા ઊંચું જોઈ આંખથી ધારદાર કાતર મારી નીચું જોઈ જતી રહી. એ સમસમીને રહી ગઈ છે એવું લાગતા શું થશે શું નહીં ની ચિંતામાં વિશ્વાસને સાંજ સુધી પરસેવો સુકાયો નહોતો.

‎વિશ્વાસના પડોશમાં રહેતી સાધના શ્રધ્ધાની બેસ્ટ ફ્રૅન્ડ હતી એટલે શ્રધ્ધા રોજ વિશ્વાસના ઘર પાસેથી નીકળતી. ક્યારેક બંને બહેનપણીઓ બહાર શેરીમાં બેસીને ઘણો સમય વાતો કરતી. વિશ્વાસ કોઈને કોઈ બહાને ઘરની બહાર આવ જા કરી અપલક નજરે શ્રધ્ધાને જોઈ લેતો. વિશ્વાસને એ વખતે શેરી બગીચો બગીચો લાગતી. તાજું ખીલેલું સુગંધથી મહેકતું ગુલાબનું ફૂલ પાછું પડે એવી મુગ્ધ મોહકતા ભગવાને શ્રધ્ધાને બક્ષીશમાં આપી હતી.

‎આમ તો શ્રધ્ધા પોતાના વિશે કોઈ પણ પ્રકારની કોમેન્ટ સાંખી લે એવા સ્વભાવની નહોતી. કોઈનું સાંખે એ શ્રધ્ધા ન હોય. ગમેતેવાને મોઢામોઢ સંભળાવી દેતી શ્રધ્ધા વિશ્વાસના કિસ્સમાં સ્વભાવથી વિરુધ્ધ વર્તન કરતી હતી એ વિશ્વાસ અનુભવી શકતો હતો. એટલે એ વધુ મુંજાયા કરતો હતો.

‎ઘણો સમય પસાર થયા પછી પણ શ્રધ્ધાનું કોઈ રીએક્શન આવ્યું નહોતું. કોઈ હા પણ નહીં ને કોઈ ના પણ નહીંની સ્થિતિ સરકારી કામકાજ જેમ લાંબી ચાલતા આખરે વિશ્વાસે ડરતા ડરતા વધુ એક ચાન્સ ઉઠાવવાનું મનોમન નક્કી કરી લીધું .

‎સાધનાને એણે એક દિવસ ઊભી રાખીને કહી દીધું.
‎” શ્રધ્ધા મને ગમે છે. એના સુધી તું મારી આ વાત પહોંચાડને. કોઈને ખબર ન પડે એ જોજે. આ ચિઠ્ઠી પણ એને આપજે. તને કોઈ ગમતું હોઈ તો મને કહેજે. હું તને મદદ કરીશ.”

‎’ ભલે.’ કહીને સાધનાએ ચિઠ્ઠી હાથમાં લીધી અને ચાલતી પકડી. એકવાર તો એને કહી દેવાનું મન થયું હતું કે મને તમે ગમો છો. પણ, પછી શબ્દો હોઠ સુધી આવે એ પહેલા સાધના એ શબ્દોને ગળી ગઈ હતી. બીજા દિવસે સાધના અને શ્રધ્ધા મળ્યાં. ખૂબ વાતો કરી. છૂટા પડતી વખતે સાધનાએ શ્રધ્ધાને કીધું.

‎’શ્રધ્ધા ! તારા માટે સંદેશો છે. લે આ ચિઠ્ઠી. વિશ્વાસે આપી છે. એ તને બહુ ગમાડે છે.’ આટલું બોલતાં સાધનાનું ગળું સુકાઈ ગયું હતું.

‎શ્રધ્ધાએ ચિઠ્ઠી ખોલી, વાંચી અને પછી ગડી વાળી, હતી એમ જ બંધ કરી દીધી.
‎” મારું નહીં, તારું સેટિંગ કર.” આટલું બોલીને શ્રધ્ધા બીજી કોઈ લાગણી બતાવ્યા વિના ત્યાંથી નીકળી ગઈ.

” ચિઠ્ઠી આપી ? શ્રધ્ધાએ કઈં કીધું? કે પછી ટાઇમ નથી મળ્યો ?” સાધના મળી ત્યારે વિશ્વાસે એક સાથે ત્રણેય પ્રશ્નો પૂછી લીધા.

‎’ હા, આપી. શ્રધ્ધા બીજા કોઈને પ્રેમ કરે છે એટલે તમારું આગળ નહીં વધે.’ સાધનાએ શબ્દોમાં જેટલી મુલાયમતા ઉમેરી શકાય એટલી ઉમેરીને હળવા સ્વરે કહ્યું. ઊંડે ઊંડે એને કંઈક આશા હશે એટલે એણે પોતાની જાતે બનાવેલો જવાબ સમય પાસે રજૂ કરી દીધો હતો.

‎બંને થોડીવાર મૂંગામૂંગા નીચી નજર કરીને ઊભાં રહ્યાં પછી છૂટા પડ્યાં. હજું એક મરણિયો પ્રયાસ કરી લેવો એવું વિશ્વાસે ફરી વખત મનોમન નક્કી કરી લીધું.

‎’ આપ મુઆ વિના સ્વર્ગે ન જવાય.’ ની કહેવત કાંઈ અમથી નહીં પડી હોઈ એમ વિચારીને એણે નક્કી કરી નાખ્યું હતું કે હવે એકવાર રૂબરૂ જ જે કાંઈ કહેવું છે એ કહી દેવું. પછી આપણા ભાગ્ય !

‎વિશ્વાસને હવે યોગ્ય સમયનો ઇંતઝાર હતો. શ્રધ્ધા ક્યારેક ક્યારેક એકલી તો ક્યારેક ક્યારેક એની મમ્મી જોડે વિશ્વાસના ઘેર બેસવા આવતી હતી. ક્યારેક વિશ્વાસ સાથે વાતો પણ કરી લેતી હતી. વાતો કરતી વખતે શ્રધ્ધાના શબ્દોમાં ક્યારેય કડવાશ જોવા નહોતી મળતી. એકવાર તો બંને સાથે કેરમ પણ રમેલાં. કેરમ રમતા રમતા ખૂબ વાતો થયેલી. ત્યારે વિશ્વાસે એને જે કહેવાનું હતું એ કહી દેવા મન બનાવેલું. પણ, પછી શબ્દો હોઠ સુધી આવે એ પહેલાં રોકી રાખેલા. વિશ્વાસ શ્રધ્ધાના ભાવોને કળવા ખૂબ કોશિશ કરતો હતો પણ દર વખતે એને નિરાશા મળતી હતી. ઈ.સ.પૂર્વેની લિપિ જેવા એના ભાવો એક સમયે જરૂર ઉકેલાશે એવી શ્રદ્ધા લઈને ફરવા શીવાય વિશ્વાસ બીજું કંઈ કરી શકે તેમ નહોતો.

‎આજે તો જીગર કરી જ લેવી છે એમ નક્કી કરીને એક દિવસ એ ઘરના દરવાજે ઊભો રહી ગયો. શ્રધ્ધા હમણા અહીઁથી નીકળશે જ એવો એનો વિશ્વાસ સાચો પાડતી હોઈ એમ શ્રધ્ધા થોડીવારમાં ત્યાંથી નીકળી.

‎’ કેમ છો ?’ શ્રધ્ધાએ સામેથી જ પહેલ કરતા વિશ્વાસને દોડવું હતું ને ઢાળ મળ્યો.

‎”મજામાં છું. ક્યાં, સાધનાના ઘેર જા છો ? એ ઘેર નથી. હમણા જ અહીંથી નીકળી.એનાફઈના ઘેર જતી હોઈ એમ લાગ્યું.”વિશ્વાસ શ્રધ્ધાને રોકી રાખવા અટકી અટકીને બોલી ગયો.

‎”થોડી બીજી વાતો કર્યા પછી જે કહેવું છે એ કહી દેવું જોઈએ નહિતર કોઈ આવી જશે તો પાછું મનની મનમાં રહી જશે.” એમ મનોમન વિચારી વિશ્વાસે શ્રીગણેશ કર્યા.

‎” મ….મા..રે…, તને…, એક વાત કહેવી છે.”

‎’ બોલો ! શું કહેવું છે?’

‎” પ..પછી કહીશ.”

‎વિશ્વાસ ફસકી પડ્યો છે એવું લાગતા શ્રધ્ધા બોલી.

‎’પણ , કહોને !’

‎”હું તને ચાહુ છું.” વિશ્વાસે પરમાણુ વિસ્ફોટ જેવો ધડાકો કર્યો.

‎’ હમમમ…આટલું કહેવામાં કેટલું બધું થોથવાયા.’ શ્રધ્ધા વિશ્વાસ સામે ટગર ટગર જોઈ રહી.

‎’ બીજું કંઈ કહેવાનું છે.’

‎’ હું ઊભી રહું કે જાઉ હવે ?’

‎શ્રધ્ધા બોલી રહી હતી. વિશ્વાસ નીચી મૂંડી કરીને ત્યાં જ ખોડાઈ ગયો હતો.
‎થોડી વાર પછી વિશ્વાસ અને શ્રધ્ધા છૂટા પડ્યાં. વિશ્વાસ શ્રધ્ધાને જતી જોઈ રહ્યોં હતો. શ્રધ્ધાએ પણ બે એક વાર પાછું વળીને વિશ્વાસ સામે જોઈ લીધું હતું. વરસો પછી વિશ્વાસ આજ સુધી એ સમજી નથી શક્યો કે તીર નિશાન ઉપર લાગ્યું હતું કે નિશાન ચૂકી જવાયું હતું.

લેખક : રવજી ગાબાણી

વાર્તા વિષે અભિપ્રાય કોમેન્ટમાંઆપજો, દરરોજ આવી અનેક વાર્તાઓવાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી