મૂવી રિવ્યૂ: ગઢ આલા પણ સિંહ ઘેલા ‘તાનાજી’, વાંચી લો મુવીમાં શું છે ખાસ, અને શું છે બોરિંગ

તાનહાજી:-મુવી રિવ્યુ.

ડિરેકટર:-ઓમ રાઉત

લેખક:-ઓમ રાઉત અને પ્રકાશ કાપડિયા

સ્ટાર કાસ્ટ:-અજય દેવગન,કાજોલ,સૈફ અલી ખાન,શરદ કેલકર,લ્યુક કેની,નેહા શર્મા

લંબાઈ:-131 મિનિટ

image source

સ્ટોરી:-ગઢ આલા પણ સિંહ ગેલા..આજથી 2 વર્ષ પહેલાં મેં એક લેખ લખ્યો હતો આ નામથી જેમાં છત્રપતિ શિવાજી મહારાજનાં જમણા હાથ સમાન વીર તાનહાજી(તાનાજી) માલુસરે વિશેની વાત કરી હતી એ તાનહાજી માલુસરેની જીવનીને રૂપેરી પડદે સાર્થક રીતે દર્શાવતી આ હિસ્ટોરીકલ ફિલ્મની કહાની કંઈક આ મુજબ છે.

16મી સદીમાં જ્યારે મુઘલો સમસ્ત ભારતને પોતાની જાગીર બનાવી બેઠાં હતાં ત્યારે દક્ષિણ ભારતમાં વીર છત્રપતિ શિવાજી મહારાજ અને વીર મરાઠાઓએ પોતાની યુદ્ધ કળા અને પોતાની હિંમતનાં જોરે મુઘલોને હંફાવી દીધાં.

image source

આ બધી વાત ફિલ્મનાં શરૂઆતનાં સીનમાં સંજય મિશ્રાનાં અવાજમાં સુંદર રીતે જણાવવામાં આવી છે.સાથે-સાથે તાનહાજી નાં પિતાની મૃત્યુ ને પણ ફિલ્મમાં બતાવી તાનહાજી આગળ જતાં કેમ સ્વરાજને પોતાનું કર્મ સમજે છે એ બતાવાયું છે.

પુરંદર સંધિમાં મુઘલો છળ-કપટથી શિવાજી મહારાજનાં આધિપત્ય નીચેનાં મોટાં ભાગનાં કિલ્લાઓ પોતાનાં તાબે લઈ લે છે.આ સાથે જ જીજાબાઈ જ્યાં સુધી આ કિલ્લાઓમાં સૌથી મહત્વનાં કિલ્લા કોંઢાણા(સિંહગઢ) પર જ્યાં સુધી ભગવો ના લહેરાય ત્યાં સુધી ખુલ્લા પગે રહેવાની પ્રતિજ્ઞા લે છે.

ચાર વર્ષ બાદ દક્ષિણ ભારત જીતી લેવાનાં મનસૂબા સાથે ઔરંગઝેબ એક હિંદુ ક્રૂર સુબેદાર ઉદયભાણ ને એક મોટી તોપ જેનું નામ નાગીન હોય છે એ લઈને કોંઢાણા મોકલે છે.

image source

શિવાજી મહારાજ પોતાનાં અન્ય સુબેદારો સાથે કોંઢાણા પર ફરીથી ભગવો કેમ લહેરાવવો એની ચર્ચા કરતાં હોય છે ત્યાં પોતાનાં પુત્ર રાયબાનાં લગ્નનું આમંત્રણ શિવાજી મહારાજને આપવાં પહોંચેલા તાનાજીને આ વાતની જાણ થાય છે ત્યારે એ શિવાજી મહારાજની અનિચ્છા હોવાં છતાં આ અશક્ય લાગતી મુહિમ પુરી કરવાનું બીડું ઝડપે છે.

આગળ વીર તાનહાજી માલુસરે કઈ રીતે પોતાનાં વીર મરાઠા યોદ્ધાઓ સાથે કોંઢાણા પર વિજયધ્વજ ફરકાવે છે એ ફિલ્મમાં દર્શાવાયું છે.

સ્ક્રીનપ્લે અને ડિરેક્શન:-પોતાની પ્રથમ બોલિવૂડ ફિલ્મ હોવાં છતાં જે રીતે ઓમ રાઉતજીએ આ ઐતિહાસિક ઘટનાને કચકડે કંડારી છે એ માટે એમને ફૂલ માર્ક્સ આપવાં ઘટે.ફિલ્મ ઐતિહાસિક જરૂર છે પણ 131 મિનિટની આ ફિલ્મનો દરેક સીન લાજવાબ છે.ક્યાંય આ ફિલ્મ ખેંચાતી નથી કે બોર નથી કરતી.

એક્ટિંગ:-ફિલ્મનાં લીડ એક્ટરની વાત કરીએ તો પોતાની 100મી બૉલીવુડ ફિલ્મ કરી રહેલાં ફિલ્મનાં મુખ્ય લીડ એક્ટર અને પ્રોડ્યુસર અજય દેવગને તાનહાજીનું પાત્ર પડદા પર સાર્થક કરી બતાવ્યું છે.એમનાં ફેસ એક્સપ્રેશન,ડાયલોગ ડિલિવરી, એક્શન સીન બધું જ અફલાતૂન છે.

image source

અજય દેવગન પછી જો બીજું કોઈ ફિલ્મમાં સૌથી વધુ ધ્યાન ખેંચનારું સાબિત થયું છે તો એ છે ઉદયભાણનાં કેરેકટર ને નિભાવી રહેલો સૈફ અલી ખાન.

વધતી ઉંમરની સાથે પોતાની અદાકારીમાં વધુ પરિપક્વ થતો સૈફ ક્રૂર ઉદયભાણનાં રોલમાં સાચેમાં તમારાં મન પર અમીટ છાપ છોડવામાં સફળ થાય છે.જ્યારે-જ્યારે સ્ક્રીન પર તમે સૈફને જોવો ત્યારે એની તરફ તમને નફરત જરૂર થશે જે એની એક્ટિંગને સાર્થક પુરવાર કરે છે.

image source

તાનહાજીની પત્ની સાવિત્રીદેવી બનતી કાજોલનાં ભાગે જેટલાં પણ સીન છે એમાં એમનું કામ કાબીલે-તારીફ છે.શિવાજી મહારાજ બનતાં શરદ કેલકરે પણ પોતાનાં રોલને યોગ્ય ન્યાય આપ્યો છે.

સેક્રેડ ગેમમાં મેલકમ બનતાં લ્યુક કેની એ પણ ઔરંગઝેબનાં રોલમાં સારું કામ કર્યું છે.ઉદયભાણની વિધવા પ્રેમિકાનાં રોલમાં નેહા શર્મા ઠીક-ઠાક કામ કરી ગઈ છે.આ ઉપરાંત ફિલ્મમાં જેટલાં પણ સપોર્ટીંગ રોલમાં ઉત્તમ કામ કરી બતાવ્યું છે.

image source

સાચું કહું તો દરેક સપોર્ટીંગ એક્ટરનું પરફેક્ટ કાસ્ટિંગ અને એક્ટિંગ ફિલ્મને અલગ લેવલ પર લઈ જાય છે.

અન્ય પાસા:-

ફિલ્મમાં ત્રણ ગીત છે જેમાં શંકરા અને માં ભવાની એ ફિલ્મની થીમ સાથે પરફેક્ટ મેચ થાય છે..જ્યારે ફિલ્મનાં અંતિમ સીનમાં આવતું કાજોલ પર ફિલ્મવાયેલું ગીત તીનક-તીનક કર્ણપ્રિય છે.અજય-અતુલ નું મ્યુઝિક સુંદર છે.ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક ફિલ્મની જાન પુરવાર થયું છે.એક્શન સીનને ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક વધુ નિખારી જાય છે.

image source

ફિલ્મનું VFX ઉત્તમ દરજ્જાનું છે જે ભારતીય ટેક્નિશિયનો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.ફિલ્મનાં ડાયલોગ પણ ઉત્તમ રીતે લખાયાં છે અને અજય તથા સૈફનાં મોંઢે બોલાયેલાં દરેક ડાયલોગ દમદાર પણ લાગે છે.

ફિલ્મ કેમ જોવી જોઈએ:-

આ ફિલ્મનું ટ્રેઈલર જે દિવસે આવ્યું એ દિવસથી જ મેં તો નક્કી કરી લીધું હતું કે દેશનાં વીર સપૂત તાનહાજીની જીવની દર્શાવતી આ ફિલ્મ અચૂક જોવાં જઈશ.જ્યારે આ ફિલ્મ શરૂ થઈ ત્યારથી અંત સુધી એક સેકંડ પર નજર પડદેથી હટી ના શકી.

image source

ત્રણ-ચાર સીનમાં તો આંખો ભીની થઈ ગઈ અને કલાયમેક્સ સીનમાં તો રૂંવાડા ઉભાં થઈ ગયાં.છેલ્લે એ હદે ફિલ્મ મન પર છવાઈ ગઈ કે નાના બાળકની માફક રડી પડ્યો.

ફિલ્મ પુરી થઈ ગયાં બાદ જ્યારે કાજોલ પર ફિલ્મવાયેલું તીનક-તીનક ગીત ચાલી રહ્યું હતું..જે ના જોઈએ તો પણ કંઈ ફરક નહોતો પડવાનો છતાં થિયેટરમાં મોજુદ કોઈ દર્શક પોતાની ખુરશી છોડીને ઉભો નહોતો થયો જે સાબિત કરતું હતું કે ફિલ્મ એમનાં મન અને હૃદય પર કેટલી અમીટ છાપ છોડી ગઈ છે.

image source

જો તમે એક સાફ-સુથરી અને સપરિવાર માણી શકાય એવી ફિલ્મ જોવાં માંગતાં હોય તો આજે જ આ ફિલ્મ જોઈ આવો.ખાસ તો તમારાં બાળકોને આ ફિલ્મ બતાવવી જેથી એમને આઝાદીનું મૂલ્ય સમજાય અને દેશપ્રેમની ભાવના દિલમાં પેદા થાય.

મારાં તરફથી આ ફિલ્મને 5 માંથી 5 સ્ટાર આપું છું..આ ફિલ્મ એકલાં મહારાષ્ટ્રમાં 100 કરોડની કમાણી કરી લેશે એટલે આ એક મોટી મેગાહિટ સાબિત થવાની એ નક્કી છે.

image source

બસ તો પછી રાહ શેની જોવો છો આજે જ પહોંચી જાઓ તમારાં નજીકનાં સિનેમાઘરોમાં અને જોઈલો એક શાનદાર ફિલ્મ. બોસ,આવી દેશપ્રેમ દર્શાવતી ફિલ્મો બનતી રહે એ માટે આપણે ફિલ્મ જોવાં જવું જોઈએ.

જય ભવાની..હર હર મહાદેવ..
-જતીન.આર.પટેલ (શિવાય)

P square movie Plex,Gota, Ahmedabad.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ