સમાજનો સુધાર નહીં…. સ્વીકાર !! અચૂક વાંચો પૂ. મોરારીબાપુની કલમે.. જય શ્રી રામ

એકવાર મેં રાજકોટમાં વાલ્મીકિ સમાજની કથા કરી હતી. દેવડા ગામે દેવીપૂજક સમાજની કથા કરી હતી અને વિરમગામ પાસે એંદલા ગામમાં વિચરતી જાતિના લોકો માટે રામકથા કરવામાં આવી હતી. મને કોઈકે કહ્યું કે આપ વાલ્મીકિ, દેવીપૂજક અને વિચરતી જાતિના લોકો જેવા સમાજના વંચિત માણસોને સુધારવા નીકળ્યા છો. ત્યારે મારે કહેવું પડ્યું કે હું કોઈને સુધારવા નીકળ્યો નથી, પરંતુ સૌને સ્વીકારવા નીકળ્યો છું.

તુલસીદાસજીએ રામચરિત માનસમાં સમાજના પછાત લોકો માટે કોલ અને કિરતા એવા શબ્દનો પ્રયોગ કર્યો છે. જે લોકો વર્ષોથી સભ્યસમાજની ઉપેક્ષાનો ભોગ બનતા આવ્યા છે એની અપેક્ષાઓ સંતોષાય, એનો સમાજમાં સ્વીકાર થાય, એમના બાળકોને યોગ્ય શિક્ષણ મળે, એમના સમાજમાં રહેલા અંધશ્રદ્ધા, વ્યસન અને વેરઝેર જેવા દુર્ગુણો ઓછા થાય તે માટે મારી રામકથાના માધ્યમથી એમને થોડો સધિયારો મળે તેવો મારો વિનમ્ર પ્રયાસ છે. બાકી મૂળ તો હું એક કથાકાર છું, કોઈ સમાજસુધારક નથી.

વિનોબાજી કહેતા કે તમે લોકોને પહેલા તો અપંગ બનાવો છો, અને ત્યારબાદ અપંગની પંગુતા દુર થાય તે માટે યોજનાઓ બનાવો છો, પરંતુ અમુક  સહાય તત્કાલ હોવી જોઈએ. એમાં યોજનાઓ નિરર્થક નીવડતી હોય છે. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિને કકડીને ભૂખ લાગી હોય, ત્યારે ભૂખ્યા માણસને અનાજ કેવી રીતે પહોચાડી શકાય એની યોજના ઘડવા ન રહેવાય. એ યોજના ઘડાય, પછી એનો અમલ થાય અને પેલા ભૂખ્યા માણસ સુધી અનાજ પહોચે તે પહેલા તો એની ભૂખ મરી જાય અથવા એ પોતે મરી જાય એવું  બની શકે છે. માટે, ભલે અડધો રોટલો પણ એને તત્કાળ મળે તે જરૂરી છે.

આ વાતને થોડી જુદી રીતે સમજવાનો પ્રયાસ કરીએ. કોઈ દાક્તર પાસે એક દર્દી આવે અને એમ કહે કે મને બાણ વાગ્યું છે. ત્યારે દાક્તરે એ તીર કોણે માર્યું છે ? શા માટે માર્યું છે ? ક્યા સ્થળે માર્યું છે ? કેટલા વાગ્યે માર્યું ? શા કારણે માર્યું છે ? એની ચર્ચામાં પડવાને બદલે એના શરીરમાંથી બાણને બહાર કાઢી પડેલા જખ્મ ઉપર મલમપટ્ટી લગાડી દેવી એ દાક્તરનો ધર્મ છે. એમ મારી વ્યાસપીઠ ન્યાયાલય નથી, પરંતુ ઔષધાલય છે.

વિચરતી જાતિના લોકો સરનામાં વગરના માણસો છે. એમની પાસે માનવીની પ્રથમ ત્રણ પાયાની જરૂરિયાત કહી શકાય તેમાંથી એક પણ નથી. એમની પાસે પુરતી રોટી નથી, પૂરતા કપડા નથી અને ભાડાનું મકાન નથી. ઉપર આભ અને નીચે ધરતી રાખી, વગડામાં રહીને સતત વિચરણ કરતી આ માનવજાત પાસે ઉત્તમ પ્રકારનો હુન્નર છે. કાબીલેદાદ કળા છે. એમને માત્ર થોડી માનવીય હુંફની જરૂર છે.

— મોરારીબાપુના “સમાજ” પુસ્તકમાંથી

મોરારી બાપુના આ પુસ્તકને ઘરે બેઠા મેળવવા માટે ક્લિક કરો https://goo.gl/8ae6TB અથવા Whatsapp કરો 08000057004 પર

www.dealdil.com પર મુકેલા પુસ્તકોમાંથી કોઈપણ પુસ્તક ઘેર બેઠા મેળવવા માટે તેની ઈમેજ (ફોટો) અમને 08000057004 પર Whatsapp કરો અને સાથે તમારું પૂરું નામ, સરનામું (પીનકોડ સાથે), મોબાઇલ નંબર અને ઈમેલ એડ્રેસ અમને મોકલાવી આપો. અમે તે પુસ્તક / પુસ્તકો COD (Cash On Delivery) થી મોકલી આપીશું તમારી પાસે. બીજી કોઈ માહિતી માટે ફોન કરો 08000058004 પર અમારા કસ્ટમર કેરમાં.

ટીપ્પણી