જલ્સા કરોને જેંતીલાલ

રેડબસ – તમે પણ આ સર્વિસનો લાભ લીધો જ હશે, જાણો છો કેવીરીતે કરી હતી શરૂઆત…

હૈદરાબાદના ફણિન્દ્રએ કોઈ પણ જાતના મોટા ઇનવેસ્ટમેન્ટ વગર જ ગણતરીના વર્ષોમાં સેંકડો કરોડનો બિઝનેસ ઉભો કરી દીધો અને તેને અધધ નફા સાથે વેચી દીધો.

માણસ બે પ્રકારના હોય છે એક હોય છે સતત ફરિયાદ કરનારા અને બીજા હોય છે ઉપાય લાવનારા. આજની યુવા પેઢીમાં પણ કેટલાક આ પ્રકારના નગિનાઓ છૂપાયેલા હોય છે. તેમને પોતાના રોજિંદા જીવનમાં જો કંઈક તકલીફ પડે તો તે તરત જ તેનું નિવારણ શોધવામાં લાગી પડશે. અને મળેલા નિવારણને તેઓ તરત જ એક વ્યવસાયમાં ફેરવી દેશે અને તે વ્યવસાયને તેઓ કરોડોના કારોબારમાં ફેરવી દેશે.

આપણી આજની પોસ્ટ પણ આવા જ એક યુવાનને સમર્પિત છે. તેનું નામ છે ફણિન્દ્ર. તેને એક દિવસ પોતાની નોકરીના શહેરથી પોતાના માતાપિતાના શહેર જવા માટે યાત્રામાં એવી તકલીફ પડી કે તે તેના ઉપાયમાં લાગી ગયો અને જોતજોતામાં એક મોટો વ્યવસાય ઉભો કરી દીધો. તેણે પોતાને યાત્રામાં નડેલી તે સમસ્યાને ક્યારેક જ નડતી સમસ્યા નહીં ગણીને પોતાની સાથે સાથે યાત્રા કરતાં અન્ય મુસાફરોને ધ્યાનમાં લઈને તે સમસ્યાનો ઉપાય શોધવાનું શરૂ કર્યું. અને તેણે ઉપાય શોધી લીધો અને તે ઉપાયને તેણે તરત જ વળતરમાં પણ પરિવર્તિત કરી લીધો.

અહીં વાત થઈ રહી છે રેડબસ વેબસાઈટના ફાઉન્ડર ફણિદ્રની. જો કે હાલ તો રેડબસ વેબસાઇટ આઈબીબોએ 600 કરોડમાં ખરીદી લીધી છે. જે ફણિન્દર માટે જરા પણ ખોટનો સોદો નહોતો. રેડબસ વેબસાઇટ વિષે નિયમિત મુસાફરી કરતા લોકો સારી રીતે વાકેફ હશે જ. પણ જો તમને રેડબસ વેબસાઇટ વિષે ખ્યાલ ન હોય તો તમને જણાવી દઈએ કે રેડબસ એક એવી વેબસાઇટ છે જેના પર તમે તમારા શહેરથી ઉપડતી દરેક બસની દરેકે દરેક માહિતી ઉપલબ્ધ હોય છે. અને તે દ્વારા તમે ઓનલાઇન બસની સીટનું બુકીંગ પણ કરાવી શકો છો.

ફણિન્દ્ર મૂળે આંદ્રપ્રદેશના નિઝામાબાદ જિલ્લાનો વતની છે. તેમણે ઇન્જીનિયરીંગની ડીગ્રી બિટ્સ પિલાની ઇન્સ્ટીટ્યૂટમાંથી મેળવી હતી ત્યાર બાદ પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાંથી પૂર્ણ કર્યું હતું. જેમાંથી ઉતિર્ણ થયા બાદ તેમને બેગલુરુ શહેરમાં નોકરી મળી ગઈ હતી અને તેઓ પોતાના કામને ખુબ જ પસંદ કરતા હતા. અને ખુબ જ મોજથી પોતાની નોકરી કરતા હતા. તેમણે ક્યારેય કોઈ વ્યવસાયી સાહસ એટલે કે આંતરપ્રિયન્યોરશિપ કરવાનું સ્વપ્ને પણ નહોતું વિચાર્યું. તેમનો વ્યવસાય કરવાનો કોઈ વિચાર જ નહોતો. પણ એક વખત એવી ઘટના ઘટી કે તેમનું જીવન જ બદલાઈ ગયું.

બન્યું હતું એવું કે તેઓ જ્યારે બેંગલુરુમાં જોબ કરી રહ્યા હતા ત્યારે દિવાળીના વેકેશનમાં પોતાના માતાપિતાને મળવા હૈદરાબાદ જવા માગતા હતા. આ વાત 2005ની દિવાળીની છે. તેમના બધા જ કલિગ મિત્રો તેમજ તેમની સાથે પીજીમાં રહેનારા મિત્રો પણ દિવાળી મનાવવા પોતપોતાના ઘરે જતા રહ્યા હતા. તેઓ પણ નીકળ્યા. તેઓ જ્યારે બસ સ્ટેન્ડ પર પહોંચ્યા તો દિવાળીના રશના કારણે તેમને ક્યાંય બસ ટીકીટ મળી નહીં. બધી જ બસો ફૂલ હતી. તેમને ઘરે જવા માટે બસ બૂક કરાવવાનો વિચાર જ નહોતો આવ્યો. તેમણે કેટલાક ટ્રાવેલ એજન્ટને પુછ પરછ કરી પણ તેઓ હૈદરાબાદ જવાની ટીકીટ ન મેળવી શક્યા અને વિલા મોઢે પોતાના ફ્લેટ પર પાછા આવ્યા.

તેઓ માતાપિતાને દિવાળી પર નહીં મળી શકવા બદલ ખૂબ દુઃખી હતા અને ગુસ્સામાં પણ હતા કે માત્ર ટીકીટ નહીં મળવાથી તેઓ પોતાના માતાપિતાને નહીં મળી શકે. ધીમે ધીમે તેમનો ગુસ્સો શાંત થઈ ગયો. પણ તેમના મનમાંથી એ વિચાર નહોતો જતો કે ટીકીટ નહીં મળવાથી તેઓ બેંગલુરુ જ રહી ગયા અને હૈદરાબાદ ન જઈ શક્યા. તેમને હવે પોતાની સાથે સાથે પોતાની જેવી જ સ્થિતિમાં મુકાતા બીજા મુસાફરોનો પણ વિચાર આવતો હતો. તેમને હવે ખ્યાલ આવ્યો કે આ માત્ર તેમની પોતાની જ સમસ્યા નહોતી. પણ તેમની જેમ સેંકડો લોકો આ રીતે પરેશાન થયા હશે, થઈ રહ્યા હશે અને થતાં જ રહેશે.

તેમના મનમાં હવે આ સમસ્યાનું નિરાકરણ લાવવાની ઉત્સુકતા જાગી. તેઓનો આઇડિયા એવો હતો કે તેઓ સંપૂર્ણ શહેરની બધી જ બસ ઓપરેટરોને એક જ વેબસાઇટ પર લઈ આવવા અને તેના પર જે-તે બસમાં કેટલી સીટો ખાલી છે, બસો કયા સમયે ઉપડે છે કયા સમયે પહોંચાડે છે, કયા-કયા શહેર તરફ બસો પોતાના શહેરથી ઉપડે છે. વિગેરે વિગેરેની જાણકારીઓ ત્યાં ઉપલબ્ધ હોય.

પોતાના આઇડિયાને અમલમાં લાવવા માટે તેમણે સમગ્ર શહેરની બસ કંપનીઓની વિવિધ પ્રકારની માહિતીઓ ભેગી કરવી પડે તેમ હતી. તેમણે પોતાનું કામ શરૂ કરી દીધું. ઘણા બધા બસ ઓપરેટર્સ તેમના આ આઇડિયામાં રસ નહોતા ધરાવતા. અને તેમને સ્પષ્ટ માહિતી નહોતા આપતા. તેમ છતાં તેમણે ધીમે ધીમે માહિતીઓ ભેગી કરવા માંડી.

ફણિન્દ્રએ એક આખુ અઠવાડિયું ટ્રાવેલ એજન્ટ સાથે પસાર કર્યું અને સમગ્ર ટીકીટ બુકિંગની વ્યવસ્થાને સમજવા માટે તેમણે એજન્ટોને સેંકડો પ્રશ્નો કર્યા અને આ રીતે તેમણે અઢળક માહિતી ભેગી કરી. તેમણે બસ ઓપરેટર્સ તેમજ ટ્રાવેલ એજન્ટો કેવી રીતે કામ કરે છે તે પણ સમજવાનો પ્રયાસ કર્યો.
હવે કામ કેવી રીતે કરવું તેની યોજના તેમણે ઘડી લીધી હતી. હવે તેમણે પોતાના મિત્રો સાથે મળીને શહેરના બધા જ ટ્રાવેલ એજન્ટની મફતમાં વેબસાઇટ પર માહિતી ઉપલબ્ધ કરાવવાનું નક્કી કર્યું. બધી જ માહિતી તેમના હાથમાં હતી. હવે સમસ્યા એ હતી કે વેબસાઇટ બનાવવી કેવી રીતે. તેઓ પોતે એન્જિનિયર હતા પણ તેમને પ્રોગ્રામિંગ નહોતું આવડતું. છેવટે તેમણે પુસ્તકો દ્વારા પ્રોગ્રામિંગ અને કોડિંગ શીખ્યું. અને ‘રેડબસ’ વેબસાઇટનું નિર્માણ થયું.

રેડબસ વેબસાઇટ પર ટ્રાવેલ એજન્ટોની ફીડ કરવામાં આવેલી માહિતીના કારણે તેમના વેચાણમાં ખુબ જ વધારો થયો. રેડ બસ માટે આ એક મોટી સફળતા હતી. અને અહીં માત્ર કંપ્યુટર જાણનારાઓ જ તેનો ઉપયોગ નહોતા કરી શકતા પણ સામાન્ય માણસ પણ તેનો સરળતાથી ઉપયોગ કરી તેનો લાભ મેળવી રહ્યા હતા. જ્યારે રેડબસની વેબસાઇટને લોન્ચ કરવામાં આવી ત્યારે તેમની ગણતરી પાંચ વર્ષમાં 100 બસ ઓપરેટરના રજિસ્ટ્રેશનની હતી. પણ તેમની ધારણા બહાર માત્ર એક જ વર્ષમાં 400થી પણ વધારે નોંધણીઓ થઈ.


અને જોતજોતામાં રેડ બસ એક વિશાળ કંપની બની ગઈ. વર્ષ 2014માં આઈબીબો જેવી મોટી કંપનીએ રેડબસને 600 કરોડ રૂપિયામાં ટેકઓવર કરી લીધી. ફણિન્દ્ર પાસે હવે તેની પાંચ પેઢીને બેસીને ખવડાવાય તેટલો રૂપિયો આવી ગયો હતો. જો કે તેણે જ્યારે રેડબસની વેબસાઇટ લોન્ચ કરી ત્યારે તેનો ઉદ્દેશ તેમાંથી મોટો બિઝનેસ ઉભો કરવાનો નહોતો પણ તેને મુસાફરી કરતી વખતે જે અગવડ પડી તે સામાન્ય લોકોને ન પડે તેનો હતો.
જો કે તેણે જ્યારે આ આઇડિયાને આકાર આપવા માટે પોતાનો પ્રયાસ ચાલુ કર્યો ત્યારે ઘણા લોકોનો અસહકાર તેને મળ્યો. પણ તેણે હાર ન માની અને છેવટે પોતાના ખ્યાલને હકીકતમાં બદલ્યો અને કરોડપતિ બની ગયો.

Exit mobile version