કોઈપણ વ્યક્તિને દર પ્રસંગમાં સતાવતો સવાલ – ગીફ્ટમાં શું આપું? વાંચો અને જાણો…

કોઈને ભેટ આપવાની એટલે કે ગિફ્ટ આપવાની પરંપરા તો ખૂબ જ જૂની છે. જે તમારી મનોભાવનાઓને એકબીજા પ્રત્યે પ્રદર્શિત કરે છે. ગિફ્ટ તો કોઈને પણ આપી શકાય છે, પરંતુ પુત્રીની સગાઈ અને લગ્ન વચ્ચે આવતા જન્મદિન, તહેવારો તથા અન્ય પ્રસંગ નિમિત્તે સંબંધીઓને કેવા પ્રકારની ગિફ્ટ આપી શકાય તે સમજવું અને જાણવું ખૂબ મુશ્કેલ છે. તે સિવાય બે વ્યક્તિઓ જે લગ્ન બંધનમાં બંધાવાના છે, તેમણે પણ એકબીજાને કેવી ગિફ્ટ આપવી તે પસંદગી કરવી પણ ક્યારેક મુશ્કેલ બની જતી હોય છે.

સગાઈ, એ લગ્ન પહેલાંનો એક એવો નાજુક સમય છે; જેમાં ખૂબ જ સમજી વિચારીને ગિફ્ટ આપવી પડે છે. દરેક કુટુંબ એવી મૂંઝવણમાં રહે છે કે કેવી ભેટ આપવામાં આવે કે જે સામેની વ્યક્તિને પસંદ આવે. જ્યારે પણ ગિફ્ટ આપો ત્યારે ગિફ્ટની કિંમત ન આંકવી જોઈએ. કિંમત આંકતા પહેલા તેની પાછળ રહેલી ભાવના અને તેની ઉપયોગિતા પણ સમજવી જોઇએ.

એક રીતે જોવા જઈએ તો પહેલાંના જમાનમાં પરિવારમાં વર્ષગાંઠ, લગ્નતિથિ વગેરેને ઘરમેળે કોઈપણ જાતના ભપકા વિના ઊજવણી કરવામાં આવતી, પરંતુ આજકાલની બદલાતી જીવન શૈલી સાથે ગિફ્ટ આપવાનો રિવાજ ખૂબ જ પ્રચલિત બન્યો છે. ઘણીવાર વેવાઈ પક્ષવાળા ગિફ્ટમાં કિંમતી વસ્તુની આશા રાખતા હોય છે અને તે ન મળે તો પણ ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

હવે પ્રશ્ન એ થાય છે કે ગિફ્ટ કેવી હોવી જોઈએ? તેના માટેના કોઈ નિયત માપદંડ નથી છતાં પણ જેને ગિફ્ટ આપવામાં આવે છે તેની ઉંમર, જાતિ, શોખ અને જરૂરિયાત મુજબ જ ગિફ્ટ આપવી જોઈએ. છોકરીની સગાઈ બાદ તેના સાસરા પક્ષમાં આવતી વર્ષગાંઠ, લગ્નતિથિ અને તહેવારોનું એક લિસ્ટ તૈયાર કરો.

સામાન્ય સંજોગોમાં એવું કહી શકાય કે જો સગાઈ અને લગ્ન વચ્ચે છ મહિના કે તેના કરતાં વધુ સમયનું અંતર હોય તો પરિવારના જેટલા સભ્યો હોય તેનાથી અડધા સભ્યોની તો વર્ષગાંઠ આવતી જ જશે. તેના માટે તમારે એક નિયત રકમ અલગ રાખવી જોઈએ. એ તમારી આર્થિક સ્થિતિ પર આધાર રાખે છે. પછી તેમાંથી જ પ્રસંગો પ્રમાણે ખર્ચ કરતા રહો અને જો ન બોલવવામાં આવ્યા હોય તો પણ ફોન પર જ શુભેચ્છાનો સંદેશ આપી દો અને ટોકન ગિફ્ટ કુરિયર દ્વારા મોકલી આપો. આ વાત છોકરા છોકરી બંનેના પરિવારો માટે લાગુ પડે છે. ગિફ્ટ પસંદ કરતી વખતે તમે શોખ વગેરેની સાથે એ પણ જુઓ કે શું આપવું વધારે સારું રહેશે. ખાસ કરીને ગિફ્ટની પસંદગી ત્રણ વર્ગમાં કરી શકાય છેઃ વ્યકિતગત ઉપયોગી વસ્તુ, સજાવટની વસ્તુ કે સૌને ઉપયોગી વસ્તુ.

તેમાં એવી વસ્તુઓ ગિફ્ટમાં આપી શકાય જેનો ઉપયોગ માત્ર જેને આપવામાં આવે તે જ વ્યક્તિ કરી શકે. સુવિધા માટે એક સામાન્ય બજેટવાળા માટે એક યાદી રજૂ કરવામાં આવી છે.

વેવાઈ, જમાઈ અને ઘરના અન્ય પુરુષ વર્ગ માટે:પર્સ, બ્રેસલેટ, ટાઈ-ટાઈપિન,પર્ફ્યૂમ અને ડિયોડરેન્ટનો સેટ, બટન અને ક્ફલિંક્સ, કેમેરા કે દૂરબીન, રાઈટિંગ પેડ, પ્લાનર ડાયરી કે આલબમ, સુંદર ટુવાલ કે હાથરૂમાલ સેટ, સુંદર નાઈટ ડ્રેસ, ચાદરનો સેટ, શેવિંગકિટ, સીડી-કેસેટ બોક્સ, ઘડિયાળ, વ્યક્તિની પસંદ પ્રમાણેનું કોઈ સાહિત્યિક કે અન્ય પુસ્તક, શર્ટ કે કુરતા, ફોટોફ્રેમ વગેરે.

સાસુ, નણંદ કે ઘરની અન્ય સ્ત્રીઓ માટે:

સુંદર ફ્રેમમાં લટકાવેલ અરીસો, કોસ્ચ્યૂમ જ્વેલરી, પર્ફ્યૂમ, કોસ્મેટિક કિટ, સુંદર હેન્ડબગ, પર્સ, ઇઅર રિંગ, વીંટી, પેન્ડટ, કલાત્મક કડું, સુંદર છત્રી, ચાંદલાઓ, ઝાંઝર, ચાંદીનો ઝૂડો, સિલાઈ બોક્સ, સાડી કે સલવાર-કુર્તા, બેંગલ બોક્સ, ફોટોફ્રેમ, કોઈ પસંદીનું મેગેઝિન અથવા સારા સામયિકનું લવાજમ વગેરે.

સજાવટી:

સામાન ઘરની સજાવટ માટે હોવો જોઈએ જેમકે, બેડ સાઈડ લેમ્પ, બેડસાઈડ કાર્પેટ, પડદાનો સેટ, વોલ હેંગિંગ, વોલ ક્લોક, પેઈન્ટિંગ, શો પીસ, કુશન કવર, ટીવી કવર, એન્ટિક મૂર્તિ વગેરે અનેક વસ્તુઓ છે જે ઘરની સજાવટમાં સારી લાગે છે તથા ગિફ્ટમાં પણ આપી શકાય છે.

જો શોખની ખબર ન હોય તો એવી વસ્તુ પણ આપી શકાય છે જેનો ઉપયોગ દરેક વ્યક્તિ કરી શકે. મેરિજ એનિવર્સરી પર પણ આવી ગિફ્ટ આપવી જોઈએ જે બંને માટે ઉપયોગી બને. જેમાં પોકેટ ટ્રાન્ઝિસ્ટર, ફોલ્ડિંગ ટ્રે, ટ્રેમાં સજાવેલ મગ સેટ, કાચનો કટ ગ્લાસ, ચાંદીના બાઉલ, પ્લેટ, થર્મોસ, ફોલ્ડિંગ રેક વગેરેનો સમાવેશ થાય છે. આ બધી વસ્તુઓ ઉપરાંત ચોકલેટ, કુકીઝ, ડ્રાયફ્રૂટ, મીઠાઈ વગેરેને પણ સુંદર રીતે પેક કરી શકાય છે. બસ, જરૂર છે માત્ર એકબીજાના શોખને સમજવાની. આમ પણ સુંદર ફૂલોનો ખૂબસૂરત બૂકે પણ આપી જ શકાય છે.

હવે તમે તમારા બજેટને ધ્યાનમાં રાખીને તમારા વેવાઈ પક્ષમાં સુંદર મજાની ગિફ્ટ આપી દરેકનું દિલ જીતી શકશો. બીજા પાસેથી મળેલી ગિફ્ટને ક્યારેય કોઈ બીજાને આપવી નહીં કેમકે ઘણી મહિલાઓને એવી આદત હોય છે કે જ્યારે તેમને કોઈ વસ્તુ પસંદ ન આવે તો તે પોતાની ગિફ્ટ ‘પાસઓન’ કરી દે છે. આવી આદતને કારણે તે પુત્રીના ભાવિ સાસરા પક્ષમાં પણ આવી હરકતો કરી શકે છે. એથી ધ્યાન રાખો કે જે પણ ગિફ્ટ આપો સારી આપો જેથી સામેનો પક્ષ તમને લાંબા સમય સુધી યાદ રાખી શકે.

લેખક : મેધા પંડ્યા ભટ્ટ

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી