ડાયટીગ કરનારા માટે હેલ્થી ઉપરાંત કાગળ જેવા પાતળા ને કાણાવાળા રવા ઢોસા બનાવો આજે સાંજે

રવા ઢોસા

હોટેલ ના મસ્ત કડક , કાગળ જેવા પાતળા , કાણાવાળા રવા ઢોસા તમે ખાધા જ હશે. રવા ઢોસા માં ના તો કોઈ સામગ્રી ને પલાળવાની માથાકૂટ છે ના આથો લાવાની રાહ જોવાની છે. રવો અને મસાલો પલાળો , 15 મીનીટ રાહ જોવો અને બનાવો . બસ તૈયાર છે રવા ઢોસા.

આ રવા ઢોસા સાથે આપ બટેટા નો મસાલો પણ પીરસી શકો. સાથે મોલગા પોડી , ચટણી કે સાંભર સ્વાદ અનુસાર પીરસી શકાય. મારા ઘરે તો રવા ઢોસા અને મોલગા પોડી બધા ને ખૂબ જ ભાવે.

સામગ્રી :

• 1 વાડકો રવો,
• 1 વાડકો ચોખા નો લોટ,
• 1/2 વાડકો મેંદો,
• મીઠું,
• 1 ચમચી જીરું,
• 1 નાની ડુંગળી , એકદમ બારીક સમારેલી,
• 1 ચમચી ખમણેલું આદુ,
• 1 લીલું મરચું બારીક સમારેલું,
• થોડા લીમડા ના પાન, બારીક સમારેલા,
• કોથમીર , બારીક સમારેલી,

રીત :

સૌ પ્રથમ એક બાઉલ માં રવો , ચોખા નો લોટ, મેંદો., મીઠું અને જીરું મિક્સ કરો. થોડું પાણી ઉમેરી સરસ મિક્સ કરી લો. ગાઠા ના હોય એનું ધ્યાન રાખવું.

હવે આ બેટર માં કોથમીર, ડુંગળી , મરચા, આદુ , લીમડો બધું ઉમેરી સરસ મિક્સ કરો. હવે આ બેટર માં પાણી ઉમેરો. બેટર એકદમ પાતળું થાય એટલું પાણી ઉમેરવાનું છે. 15 થી 20 મિનિટ માટે આ બેટર ને સાઈડ પર રાખી દો. ફરી એકદમ મિક્સ કરો. રવો પાણી ચૂસશે , તો રેસ્ટ આપ્યા બાદ ફરી એકદમ મિક્સ કરવું , જરૂર લાગે તો ફરી 1/2 વાડકા જેટલું પાણી ઉમેરવું..

નોન સ્ટિક તવો ગરમ મુકો. રવા ઢોસા માટે જો શક્ય હોય તો એવો તવો પસંદ કરવો જેની કિનારી ઊંચી હોય તો બેટર ઢોળાવા ની શક્યતા ના રહે. કપડાં ના કટકા થી તવો લૂછી લેવો. તેલ ના થોડા ટીપા ફેલાવો. હવે મોટા ગોળ ચમચા થી સહેજ ઊંચે થી બેટર ને અર્ધગોળ આકાર માં ફેલાવો. એમ કરતાં કરતાં ગોળ પુરુ કરવું. આ ઢોસો બહાર ની બાજુ થી પાથરવા નો છે. દરેક વાર ઢોસા પાથરતી વખતે બેટર નેે સરસ રીતે મિક્સ કરવું, નહી તો રવો અને લોટ નીચે બાઉલ ના તળિયે બેસી જશે.

કીનારી પર 1 ચમચી તેલ રેડો. સાદા ઢોસા કરતા રવા ઢોસા ને કડક થતા વાર લાગશે. મધ્યમ થી ફૂલ આંચ પર કડક કરો. સાવધાની થી ઉથલાવો અને ફરી કડક થવા દો. ગરમ ગરમ પીરસો…

આશા છે પસંદ આવશે…

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

 

ટીપ્પણી