રવા ઢોકળા – ઢોકળા ખાવાની ઈચ્છા છે પણ આથો આવતા સમય લાગશે ને તો બનાવો આ ફટાફટ તૈયાર થઇ જતા ઢોકળા…

ચા સાથે , નાસ્તા માં અથવા જમવા માં પણ પીરસી શકાય એવા આ રૂ જેવા પોચા , ફટાફટ બનતા રવા ઢોકળા સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવા માં ખૂબ સરળ છે. ઓછા ટાઈમ માં જ્યારે મહેમાન કે ઘરના સભ્યો ને impress કરવા હોય તો બનાવો આ પોચા રવા ના ઢોકળા.. ના પલાળવા ની જંજટ ના આથો લાવવાની માથાકૂટ.. 20 મિનિટ જેટલા ઓછા સમય માં તૈયાર થઈ જશે આ સ્વાદિષ્ટ રવા ઢોકળા..

નોંધ ::

• આપ ચાહો તો બેટર માં આદુ મરચાં ની પેસ્ટ વાપરી શકો.

સામગ્રી :

• 2 વાડકા રવો

• 1 વાડકો દહીં

• મીઠું

• 1 ચમચી eno

વઘાર માટે

• 1 મોટી ચમચી તેલ

• 1 ચમચી રાઇ

• 1 ચમચી તલ

• 2 લીલાં મરચાં , સમારેલા

• 1 થી 2 લાલ સૂકા મરચા

• થોડા લીમડા ના પાન

• 1/2 ચમચી હિંગ

રીત ::

સૌ પ્રથમ એક બાઉલ માં રવો અને દહીં લો. દહીં , શક્ય હોય તો થોડું ખાટું દહીં લેવું. ખાટા દહીં થી ઠોકળા માં સ્વાદ વધુ સારો આવશે. ચમચી થી સરસ મિકસ કરી લો. જરુર મુજબ પાણી ઉમેરવું. આપ જોશો કે રવો પાણી ચૂસવા માંડશે. પાણી થોડું થોડું જ ઉમેરવું. બેટર જાડું રાખવાનું છે.

10 થી 15 મિનિટ માટે ઢાંકી ને રાખી દો. ત્યારબાદ આપ જોશો કે રવો ફૂલી જશે અને પાણી ચુસાય જશે. જરૂર મુજબ ફરી થોડું પાણી અને મીઠું ઉમેરી સરસ મિક્સ કરી લો.

ધ્યાન રહે ઢોકળા માટે નું બેટર થોડું જાડું જ રાખવાનું છે. ઢોકળા મુકવા માટે ના વાસણ માં થોડું પાણી ગરમ મુકો. ઢોકળા મુકવા માટે એક થાળી માં તેલ લગાવી તૈયાર કરો. બેટર માં 1 ચમચી eno અને 2 નાની ચમચી પાણી ઉમેરી એકદમ મિક્સ કરી લો. આપ જોઈ શકશો કે બેટર એકદમ ફૂલી જશે. હવે ફટાફટ આ બેટર ને તેલ લગાવેલી થાળી માં રેડી દો.

વાસણ ને ઢાંકી દો અને 10 થી 12 મિનિટ માટે બાફવા દો. ત્યારબાદ ચેક કરો. ટૂથપિક નાખી જુઓ , જો ચોંટે તો ઢોકળા ને હજુ થવા દો. નહી તો ઢોકળા તૈયાર છે. થાળી બહાર કાઢી , સંપૂર્ણ ઠરવા દો. છરી થી નાના નાના કટકા કરી લેવા. આપ ચાહો તો ડાયમંડ અથવા ચોરસ કટકા કરી શકાય.

નાની કડાય માં તેલ ગરમ કરો. ત્યારબાદ એમાં રાઇ , તલ , લીલા મરચા અને લીમડો ઉમેરો. ત્યારબાદ હિંગ ઉમેરી ચમચી થી આ વઘાર થાળી પર પાથરી દો. તૈયાર છે મખમલી ઢોકળા.. પીરસતી વખતે હુંફાળા ગરમ કરી શકાય. કોથમીર ની ચટણી , ટામેટા સોસ કે ચા સાથે પીરસી શકાય. આશા છે પસંદ આવશે.

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.