રાત્રી નું આકાશ – રાત્રીના અંધકારમાં દેખાતી હતી કોઈ હલચલ પણ… અંત ચુકતા નહિ…

દિશા રાત નું જમવાનું પતાવી સીધી એની રૂમ માં ચાલી ગઈ..થોડીવાર સ્ટડી ટેબલ પર મુકેલી બુક્સ વાંચી..અને અગત્ય ના પોઇન્ટ પોતાની ડાયરીમાં લખી એને પથારી માં લંબાવ્યું..આજે રિસર્ચ સેન્ટર માં થોડી વધારે જ થાકી ગયી હતી..દિશા એક ભાવિ ખગોળશાસ્ત્રી હતી..હાલ ખગોળશાસ્ત્ર નો અભ્યાસ કરી રહી હતી.એના પિતા પણ દેશ ના સફળ ખગોળશાસ્ત્રી હતા…એને નાનપણ થી જ આકાશ ..વાદળો…સૂર્ય..ચન્દ્ર…તારા વગેરે પ્રત્યે ખૂબ જ લગાવ હતો..એ કલાકો ના કલાકો બસ આકાશ માં જોયા કરી ને વિતાવતી ..દરરોજ કંઈક અવનવું જાણી ને પોતાની ડાયરી માં લખ્યા કરતી.થાક ને કારણે આજે એને રોજ કરતા વહેલી ઊંઘ આવી ગયી..

રાત્રી ના લગભગ 3 વાગે દિશા ના આંખ ખુલી ગયી ઘણા પ્રયત્ન બાદ પણ એને ઊંઘ ન આવી એટલે પોતાની આદત મુજબ આકાશ ને નિહાળવા એ બાલ્કની માં જઇ ઉભી રહી ગઈ..પોતાની ઇઝી ચેર પર બેસી એ આકાશ સામું જોયા કરતી હતી ત્યાં જ એને સામે ના વર્ષો થી બંધ પડી રહેલા ફ્લેટ માં થોડી હલચલ થતી જણાઈ..પોતે સમજણી થઈ ત્યાર થી લઈને અત્યાર સુધી એને એ ફ્લેટ માં ક્યારેય કોઈને આવતાજતા જોયેલા નહિ એટલે આજ ની થોડી હલચલ થી એ થોડી સતર્ક થઈ ગયી.. એને એ ફ્લેટ ની બારી પર પોતાની નજર માંડી. પણ આછા પ્રકાશ માં એને કાંઈ ખાસ દેખાતું નહોતું.. હા પણ ત્યાં કોઈ હલચલ હતી એ બાબત પર એને પોતાની જાત પર વિશ્વાસ હતો.. થોડી જ વાર માં એને ઊંઘ આવવા લાગી અને એ રૂમ ની અંદર ચાલી ગઈ..

સવારે ઉઠતા વેંત એને રાત ની વાત યાદ આવતા એ સીધી જ બાલ્કની માં જઇ ઉભી રહી ને સામે ના ફ્લેટ તરફ જોવા લાગી..એને અત્યારે કાઈ જ અજુગતું નહોતું લાગી રહ્યું.. એ ફ્લેટ રોજ ની માફક જ બંધ અને અવાવરું લાગી રહ્યો હતો.. કદાચ એનો કોઈ વહેમ હશે એમ સમજી એ પોતાના રોજિંદા કામ માં લાગી ગઈ. દિવસ દરમ્યાન ના પોતાના કામ મા લાગેલી દિશા આગલી રાતની પેલા ફ્લેટ પરની હલચલ ભૂલી ગયી હતી..રાત્રે જમી ને એ એના રોજ ના નિયમ મુજબ થોડીવાર બુક વાંચી એ સુઈ ગઈ.

રાત્રી ના 2 વાગ્યા ની આસપાસ પાણી પીવા ઉભી થયેલી દિશા આગલી રાત ની વાત યાદ આવતા ઉત્સુકતાવશ બાલ્કની માં પહોંચી ગયી.. એને સીધું જ પેલા ફ્લેટ તરફ જોયું. એમાં એક જાંખો પ્રકાશ એ જોઈ શક્તી હતી. એને વધુ સ્પષ્ટ રીતે જોઈ શકાય એટલે પોતાનું બાયનએક્યુલર લીધું અને એ ફ્લેટ ની ગતિવિધિ પર ઝીણવટ પૂર્વક જોવા લાગી.. થોડી વાર નિરીક્ષણ કર્યા બાદ એને ત્યાં 3 4 વ્યક્તિઓ ને ફરતા જોયા.. એને વધુ ધ્યાન પૂર્વક જોયું તો એ વ્યક્તિ દૂર થી તો સામાન્ય માણસ જેવા દેખાતા હતા પણ એમના કાન સામાન્ય માણસ કરતા ઘણા જ મોટા અને નાક એકદમ લાબું અને અણીદાર હતું..


ઘડીભર તો દિશા આવા વ્યક્તિઓને જોઈ ગભરાઈ ગઈ..એને સમજાતું નહોતું કે એ લોકો ખરેખર માણસ જ છે કે બીજું કોઈ.. ખગોળશાસ્ત્ર નો અભ્યાસ કરતી દિશા અવારનવાર બીજા ગ્રહો પર વસવાટ કરતા લોકો અંગે ની કાલ્પનિક બુક્સ વાંચતી રહેતી.. એટલે એના મગજ માં પહેલો વિચાર એ જ આવ્યો.. એને લાગ્યું કે એ લોકો કદાચ એલિયન હોઈ શકે. દિશા એ સતત એમના પર નજર રાખવા માંડી.. એ જોઈ શકતી હતી કે એ અજીબ પ્રકાર ના મોઢા વાળા વ્યક્તિઓ હાથમાં જાત જાતના સાધનો લઇ બારી પાસે નીચે કાંઈક કરી રહ્યા હતા..


પણ દિશા ફક્ત બારીમાંથી દેખાતું હતું એટલું દ્રશ્ય જોઈ શકતી હતી.. સતત 3 કલાક દિશા એ લોકો ને જોતી રહી પણ એ લોકો બસ હાથ માં જાત જાત ના સાધનો લઈ બારી તરફ કઈ કરી રહ્યા હતા.. 3 કલાક ના નિરીક્ષણ બાદ દિશા ને એટલો ખ્યાલ આવી ગયો હતો કે કડાચ એકાદ વ્યક્તિ બારી પાસે પડેલા બેડ પર સૂતી છે અને આ લોકો એ વ્યક્તિ સાથે જ કંઈક કરી રહ્યા છે… 6 વાગવા આવ્યા હતા.. અજવાળું થવા આવ્યું હતું.. જેવું અજવાળું થયું સામે ના ફ્લેટ માં દેખાતા એલિયન જેવા વ્યક્તિઓ જાણે દેખાતા જ બંધ થઈ ગયા..


એ બાદ પણ લગભગ એકાદ કલાક દિશા બાલ્કની માં જ ઉભી રહી પણ ફ્લેટ પર કોઈ જ હલચલ એને જણાઈ નહિ.. દિશા તૈયાર થઈને રિસર્ચ સેન્ટર જવા નીકળી ગયી.. ઘરથી નીકળતી વખતે પણ દિશા સતત એ ફ્લેટ તરફ જ જોતી રહી.. એને આ બધી વાત પોતાના ઉપરી અધિકારી ને જણાવવાનું નક્કી કર્યું હતું પણ રસ્તા માં જ એનો વિચાર બદલાયો.. એ પહેલાં પોતે ખાતરી કરી લેવા માંગતી હતી કે એ ખરેખર એલિયન જ છે પછી જ એ કોઈને જણાવશે એ વાત એને નક્કી કરી લીધી..

આજે એને ઘરે જવાની રોજ કરતા વધારે જ ઉતાવળ હતી.. 5 વાગે ઘરે પહોંચી ને એ સીધી જ એની બાલ્કની માં ઉભી રહી સામે ના ફ્લેટ ને જોવા લાગી.. એને બાયનએક્યુલર થી પણ જોયું પણ હજી કોઈ ગતિવિધિ એ ફ્લેટ માં થઈ રહી નહોતી. એટલે એ પોતાના ઘરકામ માં લાગી ગઇ… રાત્રે જમી ને આદત મુજબ બુક્સના પાના ફેરવવા લાગી પણ આજે એનું બુક માં મન પરોવાયું નહિ એટલે એને બુક મૂકી દીધી.અને બાલ્કની માં જઇ ગોઠવાઈ ગઈ.

રાત્રી ના 10 30 થયા હતા .દિશા એ સામે ના ફ્લેટ પર નજર ટેકવી.. એને ફરી એ જ હલચલ અને એ જ અજીબ મોઢાવાળા વ્યક્તિ ઓને ફ્લેટ માં ફરતા જોયા. કાલની જેમ આજે પણ એ લોકો જુદા જુદા સાધનો વળે બારી પાસે કઈ કરી રહ્યા હતા.2 3 કલાક આમ ને આમ જ વીતી ગયા.. આખરે એ લોકો કરી શુ રહ્યા છે એ દિશા ને સમજાતું નહોતું. દિશા આંખ નું મટકું માર્યા વગર પોતાના બાયનએક્યુલર થી ફ્લેટ નું સતત નિરીક્ષણ કરી રહી હતી. અને પોતાની ડાયરી માં કઈક લખી રહી હતી. એ દરમ્યાન જ એને આકાશ માં વીજળી ઝબુકી હોય એવું મહેસુસ કર્યું.. કમોસમી વળી વીજળી કેવી? એવું વિચારતા એને પ્રકાશ ની દિશા માં ધ્યાન કેન્દ્રિત કર્યું. કોઈ પ્રકાશમાન વસ્તુ અંત્યત વેગ થી એની તરફ આવી રહી હોય એવું એને લાગ્યું.


થોડી જ વાર માં એક માટલા આકાર નું એક યાન સામે ના ફ્લેટ ની અગાસી માં આવી ને ઉભું રહી ગયું.. દિશા આ બધું જોઈ સ્તબ્ધ જ થઈ ગયી.. એ સમજી નહોતી શકતી કે એ કોઈ સપનું જોઈ રહી છે કે આ હકીકત છે.. એને એ યાન માંથી પેલા ફ્લેટમાં હતા એવા જ અજીબ મોઢાવાળા બીજા કેટલાક લોકો ને ઉતરતા જોયા.. એ સમજી ચુકી હતી કે એની આ લોકો એલિયન હોઈ શકે એવી શંકા ફક્ત શંકા જ નહોતી.. ખરેખર એ લોકો એલિયન જ હતા.. પણ સવાલ એ હતો કે એ લોકો અહીંયા કરી શુ રહ્યા છે?.. દિશા આખી રાત સૂતી નહિ એ બસ એ ફ્લેટ પર ચાલતી ગતિવિધિ પર નજર રાખી ને બેસી રહી. એકાદ દોઢ કલાક માં જ એ યાન ફરી આકાશ માં અદ્રશ્ય થઈ ગયું.. ફ્લેટ માં શુ થયું?…. એ યાન કેમ આવ્યું હતું? એની એને કોઈ જાણકારી મળી નહિ..


દિશા ની ઉત્સુકતા વધી રહી હતી.. જોતજોતા માં જ સવાર પડી ગયી અને અજવાળું થતા જ જાણે એ ફ્લેટ પાછો અવાવરું અને શાંત થઈ ગયો.. 3 દિવસ ના નિરીક્ષણ બાદ દિશા સમજી ચુકી હતી કે એ એલિયન રાત્રે જ કાર્યરત હોય છે.. આમ ને આમ એક અઠવાડિયું વીતી ગયુ.. રોજ દિશા બાલ્કની માંથી એ ફ્લેટ ને જોયા કરતી..એ અઠવાડિયા માં લગભગ ત્રણેક વાર પેલું યાન પણ એને ફરી એ ફ્લેટ પર આવતા જોયુ હતું.. એને પોતાની ડાયરી માં જરૂરી બધી જ માહિતી લખી લીધી હતી.. અને થોડા ફોટોગ્રાફ્સ પણ લઈ લીધા હતા.. દિશા એ હવે પોતાના ઉપરી અધિકારી ને વાત કરવાનું નક્કી કરી લીધું હતું.

રોજ ની જેમ આજે પણ દિશા એ ફ્લેટ નું નિરીક્ષણ કરી રહી હતી.. રોજ એકની એક ગતિવિધિ જોઈ દિશા હવે કંટાળી હતી.. બારી પાસે બેડ પર સુતેલ વ્યક્તિ ને જોવાની એની ઉત્સુકતા વધી રહી હતી.. એટલે આજે દિશા એ ફ્લેટ પર જવાનું નક્કી કર્યું હતું.. રાત્રી ના 12 વાગ્યા હતા એ પોતાના ઘરમાંથી નીકળી એ ફ્લેટ પર જવા લાગી.. ત્યાં પહોંચી એને દરવાજો ખખડાવ્યો.. ઘણીવાર રાહ જોયા બાદ દરવાજો ઉઘડયો.. સામે ઉભેલા વ્યક્તિ ને જોઈ દિશા હેબતાઈ ગઈ.. બાયનએક્યુલર માં દેખાતા એ ચહેરા નજીક થી વધારે જ ભયાવહ લાગી રહ્યા હતા. દિશા હિંમતવાળી છોકરી હતી .એટલે એને ડર્યા વગર જ સવાલ કર્યો

“કોણ છો તમે લોકો ? અને અહીંયા શુ કરી રહ્યા છો?” એને જવાબ માં કઈ મળ્યું નહિ.. દિશા નું ધ્યાન સામે બેડ પર સુતેલ વ્યક્તિ પર પડ્યું.. અને એ વ્યક્તિ ને જોઈ દિશા ચીસ પાડી ઉઠી “પપ્પા, તમેં અહીંયા?…..આ લોકો સાથે?..તમેં તો..” કહેતા જ દિશા એના પિતાને ભેટી પડી અને રડવા લાગી।

“હા બેટા…હું જ તારા પપ્પા….મને ખબર છે હું આપણાં દેશ દ્વારા પરગ્રહવાસીઓ પર રિસર્ચ કરવા મોકલેલા અવકાશયાન માં ગયો તે ગયો..પછી પાછો ફર્યો જ નહોતો” “તો પછી અત્યારે તમે અહીંયા..અને એ પણ આ લોકો સાથે …કોણ છે આ લોકો?” દિશા પોતાના મગજ માં ચાલતા અસંખ્ય સવાલો સાથે બોલી ઉઠી

“તમારા પિતાનું અવકાશયાન પૃથ્વી સાથે નો પોતાનો સંપર્ક ગુમાવી ચૂક્યું હતું.. અને થોડી ટેક્નિકલ ખરાબી ને કારણે ક્રેશ થઈ ને અમારા ગ્રહ પર પડ્યું હતું… યાન ચાલક નું તો ત્યાં જ મૃત્યુ થયું હતું.. પણ તમારા પિતા માં થોડો જીવ બાકી હતો” એક એલિયન એ દિશા ને જવાબ આપ્યો

“હા.. એટલે અમે એમને તાત્કાલિક સારવાર મળી રહે એવી વ્યવસ્થા કરી.. અમારા ગ્રહ પર સૂર્યના કિરણો પહોંચતા જ નથી એટલે અમારા ગ્રહ પર અજવાળું થતું જ નથી એના કારણે ઠંડી ખૂબ જ પડે છે.. અમારા યાંત્રિક ડિપાર્ટમેન્ટ દ્વારા તમારા પિતાજી ને બચાવી તો લેવાયા.. એક દિવસ સારી રીતે નીકળી ગયો..પણ બીજા જ દિવસે અતિશય ઠંડી અને ઓક્સિજન ની કમી ના કારણે એમનું શરીર ભૂરું પડી ગયું. એટલે અમે એમને અમારા યાન માં અહીં લઈ આવ્યા..” બીજા એક એલિયને દિશા ને માંડી ને વાત કરી

“પણ મારા પપ્પા તો 2 વર્ષ થી ગાયબ હતા.. અને તમે કહો છો કે તમે એમને બીજા જ દિવસે અહીં લઈએ આવ્યા .એવું કેવી રીતે શક્ય બને?” “અમારો એક દિવસ તમારા એક વર્ષ જેટલો છે..” એલિયને દિશા ની શંકા નું સમાધાન કરતા વળતો જવાબ આપ્યો, “એ બધું તો ઠીક પણ તમે અમારી ભાષા આટલી સરળતાથી કેવી રીતે બોલી શકો છો?”

“દિશા અમારી પાસે માઈન્ડ કન્ટ્રોલ મસીન છે જેના દ્વારા અમે કોઈના પણ મગજ ને કાબુ માં કરી શકીએ છે.. અમે તારા પિતાજી ના મગજ ને કાબુ માં કરી એ જાણતા હોય એવી બધી જ ભાષાઓને અમારી સિસ્ટમ માં સ્ટોર કરી લીધી છે.. ખાલી ભાષા જ નહીં એમના પરિવાર.. એમનું ઘર.. એમનો વ્યવસાય બધું જ અમે જાણીએ છે… અને એટલે જ અમે એમના ઘર નજીક ના આ ફ્લેટ માં એમની સારવાર કરી રહ્યા હતા” એલિયન એ જવાબ આપ્યો

“તમારા પિતા ને પૃથ્વી નું વાતાવરણ જ અનુકૂળ પડશે એમ વિચારી અમે એમને અહીં લાવી ને એમની સારવાર કરવાનું શરૂ કર્યું.. અને અમારી મહેનત સફળ થઈ..હવે એ એકદમ સ્વસ્થ છે..”બીજા એલિયને ઉમેર્યું “અને પેલું માટલા જેવું યાન……?”દિશા એ પ્રશ્નનાર્થ ભાવે પૂછ્યું “એ અમારું જ યાન છે…અમે બરફ ખાઈને જ જીવી શકીએ છે..અને પૃથ્વી પર એટલી માત્રામાં બરફ મળવો શક્ય ન હોવાથી એ યાન દ્વારા અમારા ગ્રહ પરથી અમને બરફ પૂરો પાડવા માં આવતો હતો” એલિયને દિશાના પ્રશ્ન નું નિરાકરણ કર્યું

અચાનક જ દિશાને ફ્લેટ પર આવતા પહેલા પોતાના ઉપરી અધિકારી ને સમગ્ર ઘટના જણાવી ફ્લેટ પર પહોંચી જવા કરેલો ફોન યાદ આવ્યો..દિશા જાણતી હતી કે જો ઉપરી અધિકારી અહીં આવી જશે અને આ એલિયન ને જોઈ જશે તો એ અને એમની ટિમ આ એલિયન્સ ને ફરી એમના ગ્રહ પર નહિ જવા દે.. એ લોકો ક્યારેય આ એલિયન નો સારો ચહેરો જોઈ જ નહીં શકે….એ લોકો એલિયન ને પૃથ્વી ના દુશ્મન સમજી એ લોકો સાથે ખૂબ જ ખરાબ વર્તન કરશે….દિશાને પોતે કરેલા ફોન પર પસ્તાવો થઈ રહ્યો હતો.એને તરત જ આ વાત એલિયન્સ અને એના પિતા ને જણાવી.

“મને લાગે છે હવે તમારે તમારા ગ્રહ પર જતાં રહેવું જોઈએ…જો એકવાર એ લોકો અહીં પહોંચી જશે પછી તમારું પાછું તમારા ગ્રહ પર જવું અશક્ય જ થઈ જશે..”દિશા ગભરાયેલા અવાજ માં બોલી એલિયને તરત જ પોતાના માથા પર 2 આંગળીઓ મૂકી અને એની ભાષા માં કઈક બોલી પોતાના ગ્રહ સુધી સંદેશો પહોંચાડ્યો..અને થોડી જ વાર માં ફરી એ જ માટલા આકાર નું યાન ફ્લેટ ની અગાશી માં આવી ને ઉભું રહી ગયું…


દિશા એ ભારે હૈયે એમને વિદાય આપતા કહ્યું “હું તમારો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલી શકું.. પૃથ્વી પર રહેતો માણસ પણ બીજા માણસ ની મદદ કરવા તૈયાર નથી એવા સમય માં એક પરગ્રહવાસી મારા પિતા નો જીવ બચાવવા આટલું જોખમ ખેડી શકે એ વાતે મારો તમારા માટે તો મત જ બદલી નાખ્યો છે”

“દિશા… માણસ પૃથ્વી પર નો હોય કે પરગ્રહવાસી…. એ સારો કે ખરાબ એના વ્યવહાર પરથી જ નક્કી થાય છે.. ફક્ત શારીરિક અંગો ભયાવહ હોય એટલે વ્યક્તિ આપણી દુશ્મન જ હોય એ માની લેવું ખૂબ જ ભૂલ ભરેલું છે…અને રહી વાત તારા પિતાના જીવ બચાવવાની તો એ અમારું કર્તવ્ય જ સમજ…અમારા ગ્રહ પર તમારા પૃથ્વી પર ના લોકો નું ઘણું માન છે.. અમારું સૌભાગ્ય કે તારા પિતાજી ના કારણે અમે પૃથ્વી પર આવી શક્યા” એલિયને દિશા ને વળતો જવાબ આપ્યો

બધા જ એલિયન પોતાના યાન માં ગોઠવાઈ ગયા અને થોડી જ વાર માં યાન આકાશ માં અદ્રશ્ય થઈ ગયું… ઉપરી અધિકારી દિશા ની એલિયન અંગેની વાર્તાઓ વાંચવાની આદત થી વાકેફ હતા.એટલે એમને દિશાનો વહેમ હશે એમ સમજી ફ્લેટ સુધી આવવા નક જહેમત ના લીધી.. પોતાના પિતા સાથે ઘરે પહોંચેલી દિશા એ પોતાની ડાયરી માં નોંધેલી એલિયન અંગેની વાતો ના પાના ફાળી ને સળગાવી દીધા અને પોતાના ફોન માંથી ફોટા પણ ડિલિટ કરી દીધા..

વહેલી સવારે દિશા એના પિતા સાથે એ ઘર છોડી કોઈ અજાણ્યા સ્થળે ચાલી ગયી જેથી કરીને એને એના પિતા પરત કેવી રીતે ફર્યા એ સવાલો ના જવાબો જ આપવા પડે.. આજે પણ દિશા કલાકો ના કલાકો આકાશ સામું તાક્યા કરે છે.. બસ ફરક એટલો જ કે હવે એને આકાશ માં બસ પેલા માટલા આકારના યાન ની જ તલાશ હોય છે.

લેખક : કોમલ રાઠોડ

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ