રસ્તા પરના ખાડા સામે અનેરુ વિરોધ પ્રદર્શન ! ખાડામા સુઈને રાજકોટના સ્થાનીકોએ કર્યો વિરોધ ! જુઓ વિડિયો.

વરસાદની રાહ ખેડૂત કાગડોળે જોતો હોય છે કારણ કે તેના આખા વર્ષનો આધાર તેના પર રહેલો હોય છે. નિયમિત વરસાદ પડવાથી દેશમાં નિયમિત અનાજના પાકો થાય છે અને લોકોને પુરતું અનાજ મળી રહે છે આ ઉપરાંત ચોમાસામાં સારો વરસાદ પડવાથી જમીનમાં પાણીના તળ ઉંચા આવે છે અને આખું વર્ષ લોકોને વાપરવા લાયક પાણી મળી રહે છે. આમ ચોમાસુ એ દરેક દ્રષ્ટિએ માનવજાતિ માટે આશિર્વાદ સમાન છે.


પણ દેશના મોટા, નાના, શહેરો, ગ્રામિણ વિસ્તારોમાં રહેતાં લોકો માટે ચોમાસું એ પરેશાનીનું કારણ પણ છે. જો કે આમાં આપણે ચોમાસાનો વાંક ન કાઢી શકીએ પણ જે-તે શહેરો તેમજ નગરોની પાલિકાઓ કે જેમના હાથમાં નગરવ્યવસ્થાની જવાબદારી સોંપવામાં આવે છે તેઓ મૂળે તો ચોમાસામાં શહેરના લોકોના દુશ્મન સાબિત થાય છે. કારણ કે તેઓએ યોગ્ય રીતે નગરની વ્યવસ્થા તો કરી નથી હોતી. આ ઉપરાંત જે તે કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તાઓ ખરેખર સારા બન્યા હોય છે તે ચકાસવાની તસ્દી પણ તંત્ર નથી લેતું. અને જે રસ્તાઓ બનાવ્યા હોય છે તેની ખરી પરિક્ષા ચોમાસામાં થઈ જાય છે અને માત્ર એક જ વરસાદમાં રસ્તાઓ પર મોટા-મોટા ભુવા પડવા લાગે છે.


રાજકોટ શહેર પણ આ સમસ્યાથી બાકાત નથી રહ્યું. અહીં પણ મોટા ભાગના બધા જ રસ્તાઓ પર મોટા-મોટા ખાડા પડ્યા છે જેને સરખા કરાવવા બાબતે કોઈ જ પગલું તંત્ર તરફથી લેવામાં નથી આવતું અને લોકોની તકલીફ તંત્રના કાને અથડાઈ નહીં પણ તેમના મન સુધી પહોંચે તે માટે અનોખા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.


શહેરના એક જાગૃત નાગરિક લક્ષ્મણભાઈ બથવારે તંત્રનું આ ખખડી ગયેલા રસ્તા પર ધ્યાન દોરવા એક અનોખો પ્રયાસ કર્યો છે. રાજકોનું આ સ્થળ ગ્રીનલેન્ડ ચોકડીના નામે ઓળખાય છે. અહીં મોટા-મોટા ખાડા પડેલા છે જેમાંના એકમાં લક્ષ્મણભાઈ રીતસરના સુઈ ગયા છે અને પોતાના પર તગારા ભરી-ભરીને માટી નાખીને ખાડા પુરી તંત્ર સામે લાલ આંખ કરી છે. તેઓ આ રીતે તંત્રને પોતાની ફરજ માટે ઝગાડવા માગે છે.


આજે રાજકોટ શહેરની હાલત રસ્તાઓમાં ખાડા નહીં પણ ખાડાઓમાં રસ્તા જેવી થઈ ગઈ છે. લોકો માટે નાના-મોટા બધા વાહનો ચલાવવા અઘરા થઈ ગયા છે. તેના કારણે લોકોના વાહનોને ભારે નુકસાન થઈ રહ્યું છે. અને રસ્તાઓની આ હાલતના કારણે અને તેથી પણ વધારે તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં નહીં લેવાતા હોવાના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. સ્થાનિક લોકો ધારાસભ્યના કાર્યાલયે પણ ટોળે વળીને પોહંચ્યા હતા અને ખરાબ રસ્તાઓને લઈને ફરિયાદ પણ કરી હતી.


ખરેખર આ હાલત માત્ર રાજકોટ કે ગુજરાતની નહીં પણ દેશના વિવિધ રાજ્યોના શહેરોની છે. જ્યાં રસ્તાને લાંબા ગાળા માટે બનાવવામાં જ નથી આવતા માત્ર કોન્ટ્રાક્ટ પુરતાં જ રસ્તાને બનાવવા આવે છે અને કોઈ પણ જાતના માનાંકોને પણ અનુસરવામાં આવતા હોય તેવુ લાગતું નથી કારણ કે શહેરનો એક પણ રસ્તો એક ચોમાસાથી વધારે સમય સારો નથી રહેતો. રાજકોટના નાગરિકોનો આ પ્રયાસ ખરેખર અનેરો
અને બિરદાવનારો છે પણ તેનાથી તંત્રની આંખ ઉઘડશે ખરી !

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ