રણમાં ખીલ્યું ગુલાબ – શું ફરીથી રાધા અને કિશનની પ્રેમકહાની અધુરી રહી જશે??? વાંચો ડૉ. શરદ ઠાકરની કલમે..

રણમાં ખીલ્યું ગુલાબ

સૂરજનાં પ્રેમમાં તે શું શું ગુમાવ્યું
ઝાકળની જાતને એવું પૂછી શકાય છે?

નારીના દેહની ખૂબસૂરતીના નિખાર માટે વિશ્વભરમાં અબજો રૂપિયાનાં સૌંદર્ય-પ્રસાધનોનો કારોબાર ચાલે છે, પણ એમાંથી એક પૈસાની યે બ્યુટી પ્રોડક્ટ ભાવનગર જિલ્લાના ગામડા ગામની એક ટીનેજર છોકરી રાધાના દેહ સુધી પહોંચી ન હતી. અને તો પણ રાધા અનુપમ લાવણ્યવંતી, રૂપમતી અને મેગા સિટીની બ્યુટીક્વીનને પાછી પાડી દે તેવી સુંદર દેખાતી હતી.

પશાભાઈ અને કાશીબહેનનું એકનું એક સંતાન એટલે રાધા. બસો ઘરનું ગામ, એમાં એક જ દીકરીનાં માવતર હોય તેવું આ એક જ દંપતી. બીજું સંતાન થયું જ નહીં. શહેરના ડૉક્ટરે ભવિષ્ય ભાખ્યું હતું: ‘પહેલી સુવાવડ દરમિયાન નળીઓને નુકસાન થયું છે, એટલે બીજી વાર ગર્ભ રહેશે જ નહીં.’

પશાભાઈએ આગળ સારવાર કરાવવાનું માંડી વાળ્યું. ધીમે ધીમે રાધા મોટી થતી ગઈ અને પશાભાઈનો બીજા સંતાનના અભાવનો વસવસો ઓછો થતો ગયો.
‘કાશી! કાશી! જો તો ખરી! આ રાધા તો વાલામૂઈ રાજાની કુંવરી જેવી થતી જાય છે.’ પશાભાઈની છાતી પોરસથી ‘ફાટું-ફાટું’ થતી હતી.
કાશીબહેન તરત ઊભાં થઈને ગોખલામાંથી મેશની ડાબલી લઈ આવતાં અને રાધાનાં કપાળમાં કાળું ટીલું કરી દેતાં, ‘આવું શું બોલતા હશો? બિચારી આપણી છોકરી નજરાઈ જાશે.’
‘અરે ગાંડી! છોકરીને કોઈ દી’ બાપની નજર ન લાગે.’ પશાભાઈ પત્નીને હળવો ઠપકો આપીને ગાડું લઈને ખેતર તરફ મારી મૂકતા.
દસ-બાર વર્ષની થઈ ત્યાં સુધી તો ચિંતા કરવા જેવું ન લાગ્યું, પણ રાધા જ્યારે ચૌદ-પંદરની થવા આવી ત્યારે કાશીને ફિકર થવા માંડી. દીકરીનાં અંગ પર નારીપણાની નિશાનીઓ બેસવા લાગી હતી.

સોળમાં વર્ષે તો હદ થઈ ગઈ. એનો ખીલી ઊઠેલો રૂપાળો ચહેરો, નમણાશભર્યું નાક, નિર્દોષતાસભર આંખો, પુષ્ટ બનતાં જતાં અંગો, લચકભરી ચાલ, હવે તો ગામના જુવાનો પશાભાઈના ઘરની સામે જ મંડરાતા થઈ ગયા.
કાશીબહેન રોજ આવી સૂચનાઓ દીધે રાખતાં, ‘રાધા, હવે ફ્રોક પહેરવાનું બંધ અને ઓઢણી વગર ઘરની બહાર નહીં નીકળવાનું. કૂવે પાણી ભરવા જાય તો માધાકાકાની મંગુની સાથે જ જવાનું અને જતાં-આવતાં નજર નીચી રાખીને જ ચાલવાનું.’
ગામમાં બારમા ધોરણ સુધીનું ભણતર પૂરું થયું એટલે પશાભાઈએ રાધાને ઉઠાડી લીધી. રાધા ઘરકામમાં પલોટાવા માંડી.
એક દિવસ રાધા બપોરના સમયે ખેતરમાં બાપુને ભાત આપવા ગઈ હતી. એ એકલી જ હતી. પાછી ફરતી હતી ત્યાં કિસન મળી ગયો. કિસન એની જ જ્ઞાતિના રમણલાલનો એકનો એક દીકરો હતો. રાધાની ઉંમરનો હતો અને છેલ્લાં બાર-બાર વર્ષથી રાધાની સાથે જ ભણતો આવ્યો હતો. બંને વચ્ચે પ્રસંગોપાત વાતચીત કરવા જેટલો સંબંધ પણ હતો.

‘રાધા, મારા સાંભળવામાં આવ્યું છે કે તું આગળ નથી ભણવાની.’ કિસને પૂછ્યું.
‘સાચું જ સાંભળ્યું છે. મારા બાપુ ના પાડે છે.’
‘તો પછી મારેય કોલેજ નથી કરવી. મેં તો તું સાથે આવીશ એવું માનીને શહેરમાં એડમિશન લીધું હતું.’
રાધા ગામડાની ભલે હતી, પણ ગામડિયણ ન હતી. કોઈ દેખાવડો જુવાન જ્યારે આવું કહે ત્યારે એના મનમાં ગુદગુદી થાય એટલી નોર્મલ તો એ હતી જ.
પણ તોયે એણે ભોળી હોવાનો દેખાવ તો કર્યો જ, ‘તુંયે ખરો છે, હું ભણું કે ઊઠી જાઉં એની સાથે તારે શું સંબંધ?’
કિસને નિસાસો નાખ્યો, ‘હા, ભ’ઈ હા! સવાલ એ જ છે ને? તારે ને મારે કોઈ સંબંધ નથી એ જ…’
રાધાના ગોરા ગાલ શરમથી લાલ બની ગયા. પાંપણો ઝૂકી ગઈ. દબાયેલા અવાજમાં બે ભીના કંપતા હોઠોમાંથી શબ્દો સરી પડ્યા, ‘સંબંધ કંઈ આવી રીતે ભરબપોરે સીમની વચ્ચે નક્કી ન થાય, એના માટે તો મારા બાપુને મળવા આવવું પડે.’
‘જાણું છું, રાધા. પણ પશાકાકાને પૂછતા પહેલાં એમની દીકરીની મરજી તો જાણી લેવી પડે ને!’ કિસન એક કાન બની ગયો, રાધા શો જવાબ આપે છે તે સાંભળવા માટે.

રાધા કંઈ બોલી નથી. પગના અંગૂઠાથી ધૂળમાં આકૃતિ પાડતી રહી. કિસને નજર નીચી કરી, ધૂળમાં ‘હા’ લખેલું વંચાયું. એના કાનમાં રૂપાની ઘૂઘરીઓ રણકી ઊઠી. દિલમાં નવો ઉછાળ આવ્યો. રોમ-રોમમાં વીજળીનો લિસોટો ફરી વળ્યો. વૈશાખી બપોરની સીમ આષાઢી બની ગઈ. પૂર્વમાંથી શબ્દો સ્ફૂટ્યા. પશ્ચિમમાંથી સંગીત ભળ્યું. ઉત્તરમાંથી લય ભળ્યો ને દક્ષિણમાંથી તાલ મળ્યો: મન મોર બની થનગાટ કરે…! મન મોર બની થનગાટ કરે…!
કિસન સુરત જતો રહ્યો. છેલ્લે રાધાને મળીને કહેતો ગયો, ‘મારી વાટ જોજે. હું હીરાના ધંધામાં ‘સેટ’ થઈ જાઉં એ પછી મારાં મમ્મી-પપ્પાને તારા વિષે વાત કરીશ. આપણી જ્ઞાતિ એક છે. પશાકાકા અને મારા બાપા સારા મિત્રો છે. વાંધો નહીં આવે. તું બીજે ક્યાંય ગોઠવાઈ ના જતી.’
‘હા.’ રાધાએ વચન આપ્યું, ‘તું બે વર્ષ પછી આવે કે બાર વર્ષ પછી આ રાધા તારા માટે જ છે.’
કિસન હોશિયાર હતો. એનામાં નવું શીખવાની ધગશ પણ હતી અને આવડત પણ. બે વર્ષમાં તો એ તૈયાર થઈ ગયો. હવે એ સ્વતંત્ર ઘર રાખીને પત્નીની સાથે જીવી શકે તેવી સ્થિતિમાં પહોંચી ગયો હતો.

કિસને દિવાળીની રજાઓમાં ગામડે આવતા પહેલાં ફોન કરીને રમણભાઈને જણાવી દીધું, ‘હું પશાકાકાની રાધાને પ્રેમ કરું છું. મારે એની સાથે જ લગ્ન કરવા છે. મારી બાને કહેજો કે કાશીકાકીની સાથે વાત કરી લે. દિવાળી પછી ગોળધાણાનું ગોઠવાય તો સારું.’
રમણભાઈએ કિસનની માને વાત કરી, ‘ભાનુ, લે તારો દીકરો તો ભારે નીકળ્યો! જેવા નામ એવા જ ગુણ!’
‘કેમ, શું કર્યું મારા કિસનિયાએ?’ ભાનુબહેને પૂછ્યું.
‘એણે પોતાની રાધા જાતે જ પસંદ કરી લીધી. આપણા જ ગામના પશાભાઈની દીકરી રાધા.’
પતિની વાત સાંભળીને ભાનુબહેનને જાણે ઝાળ લાગી ગઈ! એ અલ્પશિક્ષિત સ્ત્રી દીકરાની પસંદને સમજી પણ શકે તેવી કક્ષા ધરાવતી ન હતી, તો પછી સ્વીકારવાની તો વાત જ ક્યાં રહી?
એણે પતિને ખખડાવી નાંખ્યા, ‘ખબરદાર જો તમે હા પાડી છે તો! કિસન મારો દીકરો છે. મેં એને નવ મહિના પેટમાં રાખ્યો છે. એના માટે વહુ હું શોધીશ. એ શેનો શોધી લાવે?’
‘પણ કિસન પોતાની ઘરવાળી પોતે નક્કી કરે એની સામે તને શું વાંધો છે?’
‘વાંધો એક વાર નહીં પણ લાખ વાર છે. દીકરો જો વહુને લઈ આવે તો પછી ઘરમાં મારું તો કંઈ ચાલે જ નહીં ને? પછી વહુ શું કામ મને પૂછે? ના, હો! મારે એવી રાધા-બાધા નહીં ચાલે.’
દિવાળી આવતાં પહેલાં જ ઘરમાં હોળી થઈ ગઈ. ભાનુબહેન લાગ શોધવા માંડ્યા, ‘ક્યારે એ રાધાડી મારી સામે આવે અને ક્યારે હું એને આડે હાથે લઉં?’
વિધાતાએ ભાનુબહેનને એવો મોકો આપવામાં બહુ ઝાઝી વાર ન લગાડી. બે દિવસ પછી એક પટેલને ત્યાં કોઈક પ્રસંગ હતો. આખું ગામ ત્યાં ભેગું થયું હતું. પુરુષો ફળિયામાં બેઠા હતા. સ્ત્રીવર્ગ ઓરડામાં.
ત્યાં ભાનુબહેનની નજર રાધાની ઉપર પડી ગઈ. એમણે મોટેથી એનો ઊધડો લેવાનું શરૂ કર્યું, ‘વાલામૂઈ! નભમાઈ! શરમ વિનાની! તને બીજું કોઈ ન મળ્યું તે મારા દીકરા પર નજર બગાડી? હું તારો ઇરાદો બરાબર સમજી ગઈ છું. બાપની એકની એક છો એટલે આ ગામ છોડીને બીજે ગામ જવું નથી. એટલે મારા કિસનિયાને પ્રેમની જાળમાં ફસાવી લીધો છે. બાકી મારો દીકરો તો સાવ ભોળો ભગત છે. ગામની કોઈ છોકરી સામે…’
દસ મિનિટ સુધી ચલાવ્યું. સ્ત્રીઓ ડઘાઈને સાંભળી રહી. રાધાને તો એવું થઈ ગયું કે જો ધરતી મારગ આપે તો…! આજથી પંદર-વીસ વર્ષ પહેલાંનું સૌરાષ્ટ્રનું ગામડું તમે કલ્પી શકો તો જ સમજી શકો કે રાધાને કેવું અપમાનજનક ‘ફીલ’ થયું હશે!

ચણભણ કરતું ગામ ઊભું થયું. બધાં ઘરભેગાં થઈ ગયાં. રાધા ચૂપચાપ ઘરે જઈને ઊંઘી ગઈ. એની માને આ ઘટનાની કશી જ ખબર ન હતી. સવારે પશાભાઈ અને કાશીબહેને જોયું તો ખાટલામાં રાધા પડી હતી. એના મોઢામાંથી વાસ મારતાં પ્રવાહીનાં ફીણ ઊભરાતાં હતાં. બાજુમાં કપાસમાં છાંટવાની દવાનું ખાલી ડબલું પડ્યું હતું.
રાધા મરતાં મરતાં પણ રાધાના નામને શોભે તેવું કામ કરી ગઈ હતી. ચિઠ્ઠીમાં લખતી ગઈ હતી, ‘મારા મોત માટે કોઈને દોષ આપતા નહીં. આપઘાત માટે હું જ જવાબદાર છું.’
રાધા એ ગામની પરી હતી. ગામનું નાક હતી. આખા પંથકમાં રાધાની સુંદરતા પંકાતી હતી અને એ વાતનું એ ગામને અભિમાન હતું. કોઈ જ કારણ વિના એ નિર્દોષ યુવતીનો બલિ ચડી ગયો.

જ્યારે કિસન આવ્યો ત્યારે બધું પતી ગયું હતું. રાધાની રાખને માથે ચડાવીને એ જે રડ્યો છે! જે રડ્યો છે! ભાનુબહેનને ત્યારે જ ભાન થયું કે એમનાથી કેટલું મોટું પાપ થઈ ગયું છે!કિસન બીજું તો શું કરી શકે? એ પોતાની રાધાને પાછી લાવી શકે એવું તો શક્ય જ ન હતું, પણ એ એક કામ કરી શકતો હતો. એક સાચો મર્દ, એક સાચો પ્રેમી જે કામ કરે એ જ કિસને કર્યું.
આજે આટલાં વર્ષો પછી પણ કિસન અપરિણીત રહ્યો છે. ભાનુબહેન દીકરાની સામે ખોળો પાથરે છે, ‘બેટા, પરણી જા!’ કિસન માની સામે ફિક્કું હસીને મોં ફેરવી લે છે.
(રાધાની મા કાશીબહેન દીકરીનાં મૃત્યુનો આઘાત સહન ન કરી શક્યાં, પાગલ થઈ ગયાં.)

લેખક : ડૉ. શરદ ઠાકર

હવે ડૉ. શરદ ઠાકર વાર્તાઓ વાંચો અમારા પેજ પર, શેર જરૂર કરજો અને અભિપ્રાય કોમેન્ટમાં જરૂર આપજો.

ટીપ્પણી