પ્લીઝ, બસ હવે બહુ થયું ! – રામ મોરીની કલમે લખાયેલો પતિની શંકાથી ત્રાસેલી પત્નીનો કાગળ…

હિરેન,

મને તમારી સાથે વાત કરવી છે. હવે વાત કરવી જ પડશે કેમકે મારી અકળામણ વધતી જાય છે. મને હવે ધીમે ધીમે એવું લાગે છે કે જો હું વાત નહીં કરું તો હું ગાંડી થઈ જઈશ. હિરેન, હવે મને તમારી હરકતોથી ત્રાસ થાય છે. આપણા લગ્નને પાંચ વર્ષ થઈ ગયા પણ તમે પાંચ મિનિટ આંખ બંધ રાખીને મારા પર વિશ્વાસ મુકી શકો એવી મોમેન્ટ પાંચ વર્ષમાં એકપણ વખત આવી નથી. તમે દરેક વખતે મારી સામે એવી રીતે જોતાં હો છો જાણે હું કોઈ કાંડ કરીને આવી હોઉ, જાણે હું હંમેશા અફેર કરવા માટે તૈયાર રહેતી હોઉ!
આપણા લગ્ન એ અરેન્જ મેરેજ છે. લગ્ન પહેલા આપણે બંને એકબીજાને ઓળખતા નહોતા. હું લગ્ન સંસ્થામાં અને સોળ સંસ્કારોમાં બહુ પહેલેથી વિશ્વાસ રાખતી. મારા પપ્પા મમ્મીએ પસંદ કરેલો છોકરો મારા માટે બેસ્ટ આ વાતને કોલેજ કાળથી ગાંઠે બાંધી દીધી હતી. તમે મને પહેલી વખત જોવા આવ્યા ત્યારે મારા મનમાં હતું કે મારે તમારાથી કોઈ વાત છાની નથી રાખવી. જોકે તમે ફોર્માલિટિ માટે જ જોવા આવેલા કેમકે આપણા લગ્ન તો નક્કી થઈ જ ગયા હતા. મને થયું કે આપણા લગ્ન થશે, આપણે જીવનસાથી બનીશું, સાત ફેરા અને સાત વચનથી આગળ ચાલીને કંઈ કેટલાય ફેરા સાથે રહેવાનું થશે. આ બધું વિચારીને મેં નક્કી કર્યું કે હું તમારાથી કશું છૂપાવીશ નહીં. મેં તમને મારા વિશેની બધી વાતો કરી દીધી. મારા વિશેની બધી વાતો કરતા કરતા મને સહેજ વધારે કમ્ફર્ટેબલ લાગ્યું. મને થયું મારે કશું છૂપાવવું નથી.

મેં તમને વાતોવાતોમાં હસતા હસતા એ પણ કહી દીધું કે અમારી કોલેજમાં એક છોકરો છે અભિષેક, એ અભિષેક અમારી કોલેજનો સૌથી હેન્ડસમ છોકરો છે એટલે અમે બધી ફ્રેન્ડસ અલગ અલગ છોકરીઓના નામ એની સાથે જોડીએ અને મસ્તી કરીએ. હવે, આ આખી વાત કહી દેવા પાછળ મારો કોઈ બીજો આશય નહોતો. ફ્લો સાથે આવેલી વાત હતી. હું હસી હસીને બધી વાતો કરતી હતી એનો સીધો અર્થ એ થાય કે એ વાતથી મને સંકોચ નથી કે એ વાતમાં એવું કશું નિચાજોણું કે નાનપ નથી કે હું તમને ન કહી શકું. યાર, મને શું ખબર કે મારી આ અભિષેકવાળી વાત જ મારી વાટ લગાવવાની છે.
આખી જીંદગી અભિષેકવાળી વાત મારું જીવવું હરામ કરી નાખશે. મેં તમને એ સમયે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, ‘’હિરેન, મારો કોઈ ભૂતકાળ નથી કેમકે મને પ્રેમ કરવાનો સમય જ નથી મળ્યો કે નથી એવી સમજ કેળવાઈ. પ્રેમ સમજતી થઈ ત્યાં તમારી સાથે લગ્ન નક્કી થયા અને મારો સંસાર મંડાણો.’’ હવે મારી આ વાતનો અર્થ એવો બિલકુલ નહોતો કે તમારા લીધે હું કોઈ સાથે પ્રેમમાં ન પડી શકી કે તમારા કારણે હું ગમતા વ્યક્તિને પામી ન શકી. પ્લીઝ હિરેન યાર, પ્લીઝ સ્ટોપ ઈટ. ખુલાસાઓ આપી આપીને મને થાક લાગ્યો છે. મને હવે કશું કહેવાનો પણ થાક લાગે છે. કંટાળી ગઈ છું તમારા અલગ અલગ મીનીંગ ફૂલ અને ટોન્ટવાળા વાક્યો સાંભળી સાંભળીને.

કોઈપણ સંબંધમાં જ્યારે દિલાસા કરતા ખુલાસા વધી જાય, મચ્યોરીટીની જગ્યા ક્લેરીટી વધી જાય, સંવાદ કરતા વિવાદ વધી જાય તો માની લેવું કે હવે આ સંબંધ બહુ ટકવાનો નથી. મારે તમારી બાબતે એવું કશું નથી કરવું હિરેન. મારે તમારી સાથે રહેવું છે એટલે મારા પર શંકાઓ કરવાનું બંધ કરી દો. સાબિતી પ્રેમની કે લાગણીની સાબિતી વારંવાર આપવાની ન હોય, એ અનુભવવાની વાત છે અને જો નથી અનુભવાતી તો સમજી જાઓ કે તમે એ ક્ષણેથી એ વ્યક્તિ અને એ સંબંધમાંથી બહાર નીકળી ગયા છો. મને આપણા સાથે હોવાની વાતથી બહુ કન્સર્ન છે. મારે તમારી સાથે રહેવું છે કેમકે હું તમને પ્રેમ કરું છું હિરેન. એક વાત એ સમજી લો કે હું તમને પ્રેમ કરું છું એ મારી મજબૂરી નથી. કોઈ તમને પ્રેમ કરે તો તમે નહીં તમને પ્રેમ કરનાર મહાન હોય છે આપોઆપ. ચાહવું એ ઘટના જ ડિવાઈન છે.
હિરેન તમે એવું બિલકુલ ન માનશો કે મને કશી ખબર નથી હોતી. હું સૂઈ જાઉ પછી તમે મારો મોબાઈલ ચેક કરો છો. મારું વ્હોટસેપ, મારું ફેસબૂક અકાઉન્ટ, મેસેજીસ બધું વાંચો છો. મેં કોને કોને કોલ કર્યા અને કેટલી મિનિટ વાત ચાલી એ બધું નાઈટ લેમ્પના અજવાસમાં તમે ચેક કરતા હો છો. સાચું કહું મને એ સમયે બહુ જ રડવું આવે કે કોઈને કોઈ પર કેટલી હદે અવિશ્વાસ હોઈ શકે. તમે તમારા મનના બારણા અંદરથી બંધ કરી દીધા છે, પછી બહારથી કોઈ ગમ્મે એટલા ટકોરા મારે તમે સ્ટોપર નહીં ખોલો તો તમારા વિશ્વાસમાં કોઈ એન્ટર નહીં જ થઈ શકે. હું બાથરૂમમાં નહાવા જાઉં ત્યારે તમે મારું પર્સ ખોલીને જુઓ છો, મારા ડ્રેસિંગ ટેબલ પાસે બેસીને ફટાફટ તમે બધું ફંફોસતા રહો છો. મારી સાડીઓની કિનારીઓ તપાસો છો, હદ તો ત્યારે થઈ જાય છે કે તમે મારા ડ્રેસને સૂંઘીને જાણે કોઈ ચોક્કસ પ્રકારની સ્મેલ પકડવા માંગતા હોઉ એમ અધીરા થાઓ છો. રાત્રે નાઈટ લેમ્પના અજવાસ મારા મોબાઈલમાં તમે જે રીતે મચી પડો છો ત્યારે હું આંખો સતત બંધ રાખું છું જેથી તમે મનભરીને મારા ચરિત્રની ખાત્રી કરી લો. બાથરૂમમાં નાહી લીધા પછી પણ હું શાવર બંધ નથી કરતી કેમકે મને એમ થાય કે તમે નિરાંતે પર્સ ચેક કરી લો. ખાત્રી કરી લો પેટભરીને મારા પ્રેમની.

છતાં હું ધીરજ રાખતી કે ક્યારેક તો આ બધું બંધ થશે. ક્યારેક તો તમને મારા પર વિશ્વાસ આવશે જ. તમારી આ બધી હરકતો મને અંદરથી વારંવાર તોડી નાખે છે. હું રડી પડું છું, મને પોતાને સજા આપતી રહું છું, મારો વાંક શોધ્યા કરું છું વારંવાર. કેટલાક સંબંધો એવા પણ હોય છે જ્યાં આપણો કોઈ વાંક નથી હોતો છતાં દરેક ઝઘડા પછી આપણે હંમેશા આપણો વાંક ફંફોસતા રહીએ છીએ, આપણને દોષ આપી સતત સામાવાળાને છાવરતા રહીએ છીએ. એ કોની કરુણતા? આપણી ? સામાવાળાની કે પછી સંબંધની? કેટલાક પ્રશ્નો એવી રીતે જ જન્મતા હોય છે કે જેના કોઈ જવાબ નથી હોતા, કેમકે એ જવાબ સાથે બીજા અગણિત પ્રશ્નોના જન્મના એંધાણ હોય છે.
બેડરૂમાં મેં તમને હંમેશા લાઈટ બંધ રાખવાનું કહ્યું છે. હું તમને કહેતી આવી છું કે, ‘’હિરેન, હું લાઈટમાં કમ્ફર્ટેબલ નથી.’’ એમ છતાં તમે લાઈટ ચાલુ રાખીને જ બેડરૂમમાં મારી પાસે આવો છો. એ પછી હું આંખો બંધ કરીને સૂઈ રહું છું જેથી કરીને મને ઓછી શરમ આવે. યાર, મને તો બહુ પાછળથી સમજાયું કે સેક્સ ટાઈમે તમે બેડરૂમમાં લાઈટ એટલે ઓન રાખો છો કે મને મારા શરીરને ધારી ધારીને જુઓ છો ! મારી છાતી કે સાથળ પર કોઈ બીજાના સ્પર્શના ડાઘ છે કે નહીં એની ખાત્રી કરો છો તમે. કાલે રાત્રે મેં આંખ ખોલી ત્યારે ચકળવકળ થતી તમારી આંખો મારા શરીર પર કશુંક તપાસતી હતી એ જોઈને મને ધક્કો લાગ્યો. મને લાગ્યું હું સીધી સાતમા આસમાન પરથી પટકાઈને ભોંય પર પડી છું. તમે સૂઈ ગયા પછી બાથરૂમમાં જઈ, શાવર ચાલુ કરી મોંઢામાં દુપટ્ટો ખોંસીને આખી રાત રડી. યાર આ તો હદ થઈ ગઈ ! મને સમજાઈ ગયું કે હવે આના પછી કોઈપણ પ્રકારની સાબિતી આપવાની જરૂર નથી, નથી જ !
રસ્તા પર આપણે પસાર થઈ રહ્યા હોઈએ ત્યારે હું કોની સામે સ્માઈલ કરું છું, કોની સામે હકારમાં માથું ધુણાવું છું, હું કોને મળું છું, મળું છું તો હાથ મિલાવું છું કે નહીં, હસી હસીને વાત કરું છું કે નોર્મલી વાત કરું છું, સામાવાળાના ખભા પર હાથ રાખું છું કે નહીં, સામે જે છે એ પુરુષ પરિણિત છે કે કુંવારો, અચ્છા પરિણિત છે તો એને બાળબચ્ચા છે કે નહીં, એને એની વાઈફ સાથે બને છે કે નહીં, હું એને કેવી રીતે ઓળખું છું, પહેલીવાર ક્યાં મળી છું, કેટલીવાર મળી છું, સામાન્ય રીતે ક્યાં મળતા હોઈએ છીએ, કેટલો સમય મળતા હોઈએ, મારા ઘરના લોકો એને ઓળખે છે કે નહીં, ઘરે એનો આવરોજાવરો છે કે નહીં, આપણા ઘરે એ આવે છે કે નહીં, આવે છે તો ક્યારે આવે છે……ઓહ ! આ બધા જ પ્રશ્નોનું રોલર કોસ્ટર આપણા સંબંધ પર, મારા મન પર, મારા વિચારો પર ચાલે છે. હું ગુંગળાઈ ઉઠું છું, ચીસો પાડવા માંગુ છું પણ મારો અવાજ દબાઈ જાય છે, મારી વાતો, મારી સ્વતંત્રતા ચગદાઈ જાય છે અને સરવાળે આપણો સંબંધ તરફડિયા મારતો રહે છે. ઓકે, નાઉં ઈનફ ઈઝ ઈનફ…હિરેન, એક સ્ત્રી તરીકે આપી શકાય એટલી અથવા તો એનાથી પણ વધારે સાબિતીઓ મેં તને આપી છે.

હવે હું તને મારો નિર્ણય કહું છું. હવે પછી તારા એક પણ પ્રશ્નનો જવાબ આપવા હું બંધાયેલી નથી. મારા મોબાઈલને મેં લોક મારી દીધો છે. મારા પર્સને કે મારા સોશિયલ અકાઉન્ટને ટચ કરવાની હિંમત ન કરતો. હું ક્યાં જાઉ છું અને કોને મળું છું એની તને મન ફાવે તો જાણ કરીશ બાકી તારા પ્રશ્નોમાં મને રસ નથી. મને હવે રીઅલાઈઝ થઈ ગયું છે કે તારી સામે સારા અને શ્રેષ્ઠ સાબિત થવાની લ્હાયમાં અને લ્હાયમાં હું મને પ્રેમ કરવાનું ભૂલી ગઈ છું. સતત નિર્દોષ સાબિત કરવાની હોડમાં હું મારા જાતની ગુનેગાર બની ગઈ છું. આ મારો અફર નિર્ણય છે…તને મંજૂર હોય તો થેંક્યું સો મચ અને મંજૂર ન હોય તો મને કોઈ ફેર હવે પડતો નથી.
લી– નમ્રતા

લેખક : રામ મોરી

આપના અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી આપજો દરરોજ આવી અનેક વાતો અને વાર્તાઓવાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી